આધુનિક ગલ્પસાહિત્ય (1965) : અસમિયા ટૂંકી વાર્તાના વિવેચનની કૃતિ. લેખક ત્રૈલોક્યનાથ ગોસ્વામી. કૃતિને 1967માં ભારતીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર અપાયેલો. પહેલા પ્રકરણમાં પ્રાગ્આધુનિક યુગની વાર્તાઓનાં કથાનક, પ્રેરક બળો તથા વિવિધ શૈલીઓનું વિશ્લેષણ કર્યું છે. તે પછી કયાં કયાં પરિબળોને લીધે વાર્તાઓમાં આધુનિક તત્વ આવ્યું અને આધુનિકતા કેવા પ્રકારની છે તે સમજાવીને આધુનિક વાર્તાઓમાં આવતાં મનોવૈજ્ઞાનિક, અસ્તિત્વવાદી, અતિવાસ્તવવાદી વગેરે તત્વો દૃષ્ટાન્તો સહિત દર્શાવી તે દરેકના ઔચિત્ય વિશે વિશદ ચર્ચા કરી છે. પછી આધુનિક વાર્તા અને પૂર્વઆધુનિક યુગની વાર્તાનો શૈલીભેદ ચર્ચ્યો છે. ઉપરાંત એમણે પુસ્તકમાં કેટલીક આધુનિક વાર્તાઓનાં મૂળ વિદેશી વાર્તાઓમાં શોધ્યાં છે. ક્યાંય આધુનિક પ્રત્યે પક્ષપાત કે પૂર્વઆધુનિક યુગની વાર્તાઓ પ્રત્યે પૂર્વગ્રહ નથી  દૃષ્ટિએ અસમિયા વિવેચનસાહિત્યમાં પુસ્તકનું સ્થાન ઘણું ઊંચું છે.

પ્રીતિ બરુઆ