આધાશીશી (migraine) : માથાના અર્ધ ભાગમાં થતો દુખાવો. તેને અર્ધશીર્ષપીડા (hemicrania) પણ કહે છે.

માથાના વિવિધ પ્રકારના દુખાવા(શીર્ષપીડા)ના અસરગ્રસ્ત વિસ્તારો : (1) આધાશીશી, ‘તીર’ દુખાવાની શરૂઆતના સ્થાનનું સૂચન કરે છે; (2) પુનરાવર્તી આધાશીશી (cluster headache), નાક અને આંખમાં સોજો; (3) તનાવજન્ય શીર્ષપીડા; (4) માનસિકરોગજન્ય શીર્ષપીડા; (5) લમણાનો ધમનીશોથ (temporal arteritis); (6) અગ્રવિવરશોથ (frontal sinusitis).

માથું દુખવું એ એક સામાન્ય ફરિયાદ છે. મોટેભાગે તેમાં ગંભીર રોગ હોતો નથી. પણ કોઈક દર્દી એવો હોય જેમાં મગજમાં ગાંઠ (brain tumour) જેવી ભયંકર બીમારી નીકળી આવે એટલે બધા જ દર્દીઓને ખૂબ ઝીણવટથી તપાસવામાં આવે છે. નિશ્ચિત નિદાન માટે મગજની ગાંઠની શક્યતા નિવારવા માટે દર્દીને સી. ટી. સ્કૅનની તપાસ કરાવવાની જરૂર પડે છે.

માથું દુખવાનાં અનેક કારણો હોય છે, તેમાંનું એક તે આધાશીશી. બીજાં કારણો તે તાનિકાશોથ (meningitis), મગજમાં ગૂમડું (abscess), લમણાનો ધમનીશોથ (temporal arteritis), પરાનાસા વિવરશોથ (sinusitis), મગજમાં રુધિરવાહિની તૂટવી (brain haemorrhage) વગેરે. આધાશીશીનું નિદાન કરતી વખતે આ બધાં જ કારણો લક્ષમાં રાખવામાં આવે છે અને તેનો નિદાનભેદ (differential diagnosis) કરવામાં આવે છે.

આધાશીશીના પાંચ પ્રકાર છે :

અસલ (classical) આધાશીશી : નાની ઉંમરે શરૂ થતા આ રોગમાં થોડા થોડા દિવસના અંતરે અડધું માથું ધબકારા સાથે દુખે અને થોડા કલાકો બાદ ઊલટી થઈ દરદ શમી જાય. આ બીમારી ઘણા કિસ્સાઓમાં વારસાગત ઊતરી આવે અને તેમાં સ્ત્રીઓનું પ્રમાણ વધારે હોય એમ બને છે. દર્દી સ્વભાવે અત્યંત ચીવટવાળા, ચીકણા અને લાગણીપ્રધાન હોય. ઉંમર વધે તેમ રોગ મોળો પડતો જાય. રોગ શરૂ થતાં પહેલાં તેનાં પૂર્વલક્ષણો માલૂમ પડે. દા.ત., આંખે પ્રકાશના ચમકારા, કૂંડાળાં, તારા જેવાં ટપકાં, કાળાં ધાબાં વગેરે દેખાય. અજવાળું સહન ન થાય, કાનમાં અવાજ થતો લાગે, મનોભાવ (mood) બદલાઈ જાય, કોઈક વાર થોડા સમય માટે જમણા કે ડાબા અડધા દૃષ્ટિક્ષેત્રમાં દેખાતું બંધ થઈ જાય, કોઈક વાર તદ્દન દેખાય નહિ વગેરે.

સામાન્ય (common) આધાશીશી : આ પ્રકારમાં પૂર્વલક્ષણો વિના સીધા માથાના દુખાવાથી જ શરૂઆત થાય અને તે શમતાં પહેલાં ઘણુંખરું ઊલટી થાય.
સંકુલિત આધાશીશી (complicated migraine) : આ પ્રકારનું શિરદર્દ થતાં પહેલાં જમણી કે ડાબી અડધી બાજુમાં ઝણઝણાટી થાય, ચામડી જૂઠી પડી જાય, લકવો થાય, અડધા દૃષ્ટિક્ષેત્રમાં દેખાતું બંધ થઈ જાય, બોલી ન શકાય (વાચાઘાત-aphasia). ઘણુંખરું થોડા સમય બાદ બધું બરાબર થઈ જાય, પણ જવલ્લે જ કાયમી ખોડ રહી જાય એવું બને.

આવર્તક (recurring) આધાશીશી : અસલ આધાશીશી દર અઠવાડિયે કે પખવાડિયે નિયમિત રીતે થયા જ કરે. આ રોગ ઊપડે ત્યારે થોડાં અઠવાડિયાં સુધી રોજ રાતના સખત માથું દુખે. પછી રોગ અદૃશ્ય થઈ જાય અને મહિનાઓ કે વર્ષો બાદ ફરીથી દેખાય અને એ જ રીતે થોડા સમય માટે રહે અને પાછો જતો રહે. રાત્રે દર્દી ઊંઘમાંથી જાગી જાય, એક આંખ અને આજુબાજુ સોજા જેવું લાગે, દુખાવો ધબકતો નહિ પણ સતત ચાલુ રહે. પુરુષોમાં તેનું પ્રમાણ વધારે હોય. આ રોગને હિસ્ટામીન શિરદર્દ (histamine headache) અથવા હૉર્ટનનું સંલક્ષણ (Horton’s syndrome) પણ કહે છે.

તનાવજન્ય શીર્ષપીડા (tension headache) : આ દર્દ માથાની બંને બાજુએ અથવા માથાના પાછળના ભાગમાં ધબકારા વિનાનું ઘણુંખરું માનસિક તનાવ અને ચિંતાને કારણે થાય છે. ઘણી વાર તનાવજન્ય શીર્ષપીડા અને અસલ આધાશીશી વચ્ચે નિદાનનો તફાવત કરવો કઠિન પડે છે. દર્દ દિવસ-રાત સતત ચાલુ રહે એવું પણ બને છે.

આધાશીશી થવાનું કારણ સ્પષ્ટ સમજાતું નથી. ચેતાસંદેશવાહકો(neurotransmitters)માં થતા ફેરફારો અને મગજમાં લોહીના ભ્રમણમાં થતા ફેરફારો કારણરૂપ હોય તેમ લાગે છે. આધાશીશીની શ્રેષ્ઠ સારવાર તેનો દુખાવો થતો અટકાવવો તે છે. માટે શક્ય હોય ત્યાં સુધી તે ઉત્પન્ન કરતાં પરિબળો(factors)થી દૂર રહેવાની સલાહ અપાય છે : જેમ કે આધાશીશીનો દુખાવો કરતો ખોરાક, તનાવ, થાક કે અતિશય ઊંઘ. પ્રોપેનોલોલ જેવાં બીટારોધક ઔષધો, વેરાપામિલ જેવાં કૅલ્શિયમ માર્ગરોધકો, મેથીસર્જીડ, એમીટ્રીપ્ટીલિન વગેરે ઔષધો જુદાં જુદાં દર્દોમાં દુખાવો અટકાવવા ઉપયોગી થઈ પડે છે. કોઈ એક દર્દીને કયું ઔષધ ઉપયોગી નીવડશે તે પહેલેથી કહી શકાય નહિ. દુખાવાને કાબૂમાં લેવા માટે અર્ગટ અથવા પીડાનાશકો (analgesics) વપરાય છે. અર્ગટ ખૂબ અસરકારક છે પરંતુ તેની આડઅસરો અને વિષાક્તતા ઘણી હોઈ તેને નિશ્ચિત માત્રામાં જ આપવામાં આવે છે.

શિલીન નં. શુક્લ
સૂર્યકાન્ત શાહ