આદિ કવિ વાલ્મીકિ : કન્નડ વિવેચનગ્રંથ. લેખક જ્ઞાનપીઠ પુરસ્કાર-વિજેતા મસ્તિ વ્યંકટેશ આયર (1891). એમાં રામાયણના રચયિતા આદિ કવિ વાલ્મીકિના વ્યક્તિત્વ અને કર્તૃત્વનું રસપ્રદ વિવેચન થયું છે. લેખકે એમાં સાબિત કર્યું છે કે રામાયણ પ્રથમ કાવ્ય છે, પછી ધાર્મિક ગ્રંથ. પછી રામાયણનું ક્ષેત્ર કેમ મર્યાદિત થતું ગયું, તેની ચર્ચા કરતાં તેઓ કહે છે કે જે કાવ્ય બધા લોકોમાં પ્રચલિત થવું જોઈતું હતું તે એક જ દેશમાં સીમિત થઈ ગયું. જેને સમ્રાટ બનવાનું હતું, તે એક રાજ્યનો રાજા બન્યો. જે એક દેશનો રાજા બનવાનો હતો, તે એક ગામનો મુખી બન્યો. રામાયણના ઉદભવની તેમજ રામાયણના ક્ષેપક ભાગ વિશે લેખકે વિદ્વત્તાપૂર્ણ ચર્ચા કરી છે, અને એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે સાતમો કાંડ ક્ષેપક છે. બાલકાંડનું નૃત્યશૃંગનું વૃત્તાંત, ભારદ્વાજના આશ્રમમાં રામનું ગમન અને રામાવતારની વાતો, એમણે ક્ષેપક માની છે. લેખકના મત અનુસાર અયોધ્યાકાંડ રામાયણનો શ્રેષ્ઠ કાંડ છે. એમાં જીવનલીલાનું વિસ્તૃત વર્ણન છે તેવું વિશ્વસાહિત્યની કોઈ પણ કૃતિમાં નથી એમ તેમનું માનવું છું. તેઓ પાત્રનિરૂપણમાં પણ વાલ્મીકિને અનન્ય માને છે. સીતાનાં વનગમન અને અગ્નિપ્રવેશને લેખકે ક્ષેપક માન્યાં છે. વાલ્મીકિના કથનકૌશલ અને પ્રકૃતિનિરૂપણ વગેરે બાબતો પર એમણે રસપ્રદ ચર્ચા કરી છે, આ ઉપરાંત રામની ઐતિહાસિકતા, પુષ્પક વિમાન, રાવણનાં માથાં વગેરેની મુદ્દાસર ચર્ચા કરીને એ બધાંનું વાસ્તવિક તાત્પર્ય સમજાવ્યું છે.
એચ. એસ. પાર્વતી