આદમ્સ બ્રિજ : ભારતના પૂર્વ કિનારે આવેલા રામેશ્વર ટાપુ અને મન્નારના અખાતની વચ્ચે લગભગ 21 કિમી. જેટલી લંબાઈની રેતીની એક પટ્ટી. પ્રચલિત માન્યતા મુજબ રામચંદ્ર ભગવાને શ્રીલંકામાં રાવણ ઉપર ચડાઈ કરવા જતી વખતે આ સેતુ રચેલ – કારણ, અહીં સમુદ્રનું પાણી તદ્દન છીછરું છે. આ પટ્ટીનો થોડો ભાગ ખોદીને સ્ટીમરો આવે–જાય તેવો પ્રયાસ થયેલ, પણ તે શક્ય બન્યું નથી. આજે પણ મોટાં વહાણોને આ સેતુ નડતો હોઈ ભારતમાં આવવા નીચે દક્ષિણમાંથી આવવું પડે છે. ભૌગોલિક દૃષ્ટિએ આ રેતીની પટ્ટીનો એ અર્થ થઈ શકે કે અગાઉ લંકા અને ભારત ભૂમિથી જોડાયેલાં હતાં અને સમય જતાં નીચાણવાળો ભાગ સમુદ્રમાં ડૂબી ગયો.

Adams Bridge aerial

આદમ્સ બ્રિજ (રામસેતુ)

સૌ. "Adams Bridge aerial" | CC BY-SA 2.5

હેમન્તકુમાર શાહ