આદમ્સ, જૉન કાઉચ (જ. પ જાન્યુ. 1819, લેનઈસ્ટ, કોનૉવોલ, ઇંગ્લૅન્ડ; અ. 21 જાન્યુ. 1892, કેમ્બ્રિજ, કેમ્બ્રિજશાયર) : બ્રિટિશ ગણિતશાસ્ત્રી અને ખગોળવિદ્. નેપ્ચૂનના બે શોધકોમાંના એક. જૉન આદમ્સે કેમ્બ્રિજમાં કેળવણી લીધી હતી અને ત્યાં જ ફેલો, ટ્યૂટર તથા ખગોળ અને ભૂમિતિના પ્રાધ્યાપક તરીકે કામ કરીને 1861માં કેમ્બ્રિજ વેધશાળાના નિયામક બન્યા હતા.

યુરેનસની ગતિ અંગેની અનિયમિતતાનું કારણ કોઈ નહિ શોધાયેલ ગ્રહ હોઈ શકે તે બાબતની નોંધ સૌપ્રથમ 3 જુલાઈ 1841ના રોજ તેમણે કરેલી અને સપ્ટેમ્બર 1845માં આ ગ્રહને આકાશમાં ક્યાં શોધવો તે બાબતનો નિર્દેશ કેમ્બ્રિજ વેધશાળાના તે સમયના નિયામકને તેમણે કરેલો. કમનસીબે આ માહિતી મોડી જાહેર થઈ અને આ દરમિયાન ફ્રેંચ ખગોળશાસ્ત્રીએ કરેલી આગાહી અનુસાર બર્લિન વેધશાળામાં ગોલેના હાથે 23 સપ્ટેમ્બર, 1846ના રોજ આ ગ્રહ પકડાયો. તેનું નામ નેપ્ચૂન આપવામાં આવેલું. આદમ્સનું લિઓનીડ ઉલ્કાવર્ષા (meteor shower) અને ચંદ્રની ગતિ અંગેનું પ્રદાન નોંધપાત્ર છે.

જયંતિલાલ જટાશંકર ત્રિવેદી