આત્રેય (જ. 7 મે 1921, મંગલમપડુ, જિ. નેલ્લોર, આંધ્રપ્રદેશ; અ. 13 સપ્ટેમ્બર 1989, હૈદરાબાદ, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખક, નાટકકાર, નટ, સિનેકથાલેખક અને કવિ. ચિતુરમાં માધ્યમિક શિક્ષણ લીધા પછી, તેઓ શિક્ષકના તાલીમ-વર્ગમાં જોડાયા, પણ એવામાં ‘ભારત છોડો’ આંદોલન શરૂ થયું અને અભ્યાસ છોડી તેમણે આંદોલનમાં ઝંપલાવ્યું. જેલમાં ગયા. જેલમાંથી છૂટીને તેમણે અનેક પ્રકારની નોકરી કરી. છેવટે ગુડીપાડામાં આંધ્ર નાટક કલા પરિષદના મંત્રી તરીકેના કામમાં સ્થાયી થયા.
તેમણે ગુન્તુરમાં અભિનેતા તરીકે નાટકના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો, અને પછી એ અનુભવ પરથી અવેતન નાટકના જૂથ માટે નાટકો લખવા માંડ્યાં, જે અત્યંત લોકપ્રિય થયાં. એમનાં આરંભનાં નાટકોમાં ‘ગૌતમ બુદ્ધ’ (1946) ને ‘અશોક સમ્રાટ’ (1947) લોકોમાં પ્રશંસા પામ્યાં, પણ અક્ષય કીર્તિ તો પ્રગતિવાદી લેખકમિલન વખતે તેમનું ‘પરિવર્તન’ નાટક ભજવાયું તેનાથી મળી.
આત્રેયના ‘ગુમાસ્તા’ નાટકથી તેલુગુ નાટ્યસાહિત્યમાં વાસ્તવવાદી ધારા શરૂ થઈ. એમાં મધ્યમ વર્ગના પરિવારની રોજબરોજની સમસ્યાઓનું વાસ્તવિક નિરૂપણ થયેલું છે. ગુમાસ્તો પારાવાર મુશ્કેલી વેઠતો હોવા છતાં, પોતાની સામાજિક પ્રતિષ્ઠા ટકાવી રાખવા કેવી ગડમથલ કરે છે તેનું તેમણે રોચક નિરૂપણ કર્યું છે.
આત્રેયનાં રંગમંચ પર અત્યંત સફળ નીવડેલાં નાટકોમાં ‘કપ્પલુ’ (1954), ‘એનુડુ’ (1947), ‘ભાયમ’ (1957), ‘વિશ્વન્તી’ (1953) છે. તેમણે એકાંકીમાં પણ એટલી જ સફળતા મેળવી છે. તેમનાં અનેક વાર ભજવાયેલાં અને હજી ભજવાય છે એવાં એકાંકીઓમાં ‘પ્રગતિ’, ‘એવટુ ડોંગા’ અને ‘વરપ્રસાદમ્’ છે.
તેમણે પટકથાલેખક તથા ગીતકાર તરીકે સિનેસૃષ્ટિમાં પ્રવેશ કર્યો અને એમાં પણ ખૂબ ખ્યાતિ મેળવી. લગભગ 200 જેટલાં ચલચિત્રોનાં પટકથા તથા ગીતો લખ્યાં. એ માટે આંધ્રપ્રદેશ સંગીત-નાટક અકાદમી તરફથી તેમને પુરસ્કાર પણ મળ્યો હતો.
પાંડુરંગ રાવ