આત્રેય પુનર્વસુ

February, 2001

આત્રેય પુનર્વસુ (ઈ. પૂ. 1500થી 1000) : આયુર્વેદના અત્યંત મહત્વના પ્રાચીન ગ્રંથ ‘ચરકસંહિતા’ના વક્તા. સંહિતાગ્રંથોમાં આત્રેય નામથી પુનર્વસુ આત્રેય, કૃષ્ણ આત્રેય અને ભિક્ષુક આત્રેય એમ ત્રણ ઋષિઓનો ઉલ્લેખ મળે છે. તેમાં પુનર્વસુ આત્રેય તે જ કૃષ્ણ આત્રેય એવું વિદ્વાનોનું માનવું છે. પુનર્વસુ આત્રેયનું બીજું એક નામ ‘ચંદ્રભાગી આત્રેય’ મળે છે તેથી તેમની માતાનું નામ ચંદ્રભાગા હોવાનું અનુમાન કરાય છે.

આત્રેય ઋષિએ આયુર્વેદનું જ્ઞાન ઇન્દ્ર પાસેથી મેળવ્યાનું વાગ્ભટ્ટ જણાવે છે, જ્યારે ‘ચરકસંહિતા’ પ્રમાણે ભારદ્વાજ ઋષિ પાસેથી તે મેળવ્યાનું મનાય છે. અગ્નિવેશ, ભેડ, જતુકર્ણ, પરાશર, હરિત, ક્ષારપાણિ એ છ એમના શિષ્યો હતા. તે બધાએ પોતપોતાની સંહિતાઓ રચી છે. તે બધામાં અગ્નિવેશ વધુ બુદ્ધિમાન હતો. ખૂબ સુંદર ગણાતી તેની સંહિતા ‘અગ્નિવેશતંત્ર’ નામથી પ્રસિદ્ધ છે. ચરક ઋષિએ ‘અગ્નિવેશતંત્ર’ ઉપર સંસ્કાર કરી તેને ‘ચરકસંહિતા’ નામ આપ્યું છે. આ રીતે આત્રેય ઋષિની સંહિતા ‘ચરકસંહિતા’ નામથી પ્રસિદ્ધ થઈ છે.

આત્રેય ઋષિનો સમય નિશ્ચિત રીતે જ્ઞાત નથી, છતાં ઈ. પૂ. 1500-1000નો માનવામાં આવે છે. ‘ચરકસંહિતા’ના પ્રત્યેક અધ્યાયના પ્રારંભમાં ‘ભગવાન આત્રેયે કહ્યું હતું તે પ્રમાણે અમે વ્યાખ્યાન કરીશું’. એવું લખાણ મળે છે. (इति ह स्माह भगवान् आत्रेयः)…. અને પ્રત્યેક અધ્યાયના અંતમાં ‘અગ્નિવેશતંત્ર’માં જેનો પ્રતિસંસ્કાર ચરકે કર્યો છે તેનો અમુક અધ્યાય સમાપ્ત થયો એમ ઉલ્લેખ મળે છે.

વાગ્ભટ્ટરચિત ‘અષ્ટાંગહૃદય’માં પણ પ્રત્યેક અધ્યાયના પ્રારંભમાં આત્રેયાદિ ઋષિઓએ કહ્યું છે, તે પ્રમાણે અધ્યાયોનું વ્યાખ્યાન કરવામાં આવે છે તેમ કહેલું છે. આ રીતે આત્રેય ઋષિ અનુગામી ગ્રંથલેખકો માટે મહત્વના ઋષિ અને આયુર્વેદના મુખ્ય પ્રવર્તક ગણાય છે.

હરિદાસ શ્રીધર કસ્તૂરે