આત્મા
એક સ્વતંત્ર ચેતનતત્વ. ચાર્વાક દર્શન સ્વતંત્ર ચેતનતત્વને માનતું નથી અને જ્ઞાનને ચાર ભૂતોના સંયોજનથી ઉદભવતો ગુણ (emergent quality) ગણે છે. અર્થાત્ ચાર ભૂતોથી સ્વતંત્ર, આ ગુણના આશ્રયભૂત ચેતનદ્રવ્ય તેમણે સ્વીકાર્યું નથી. જૈન અને બૌદ્ધ દર્શન જણાવે છે કે જ્ઞાનગુણ ભૌતિક ગુણોથી એટલો વિલક્ષણ છે કે તે ચાર ભૂતોમાંથી ઉદભવી ન શકે. તેના આશ્રયભૂત એક સ્વતંત્ર ચેતનતત્વ માનવું જોઈએ. આ ચેતનતત્વ એ ચિત્ત છે. જ્ઞાન ચિત્તનો ગુણ છે. જૈનોને મતે ચિત્ત પરિણામીનિત્ય છે, બૌદ્ધોને મતે તે ક્ષણિક છે. બૌદ્ધોનું ચિત્ત ક્ષણિક હોવા છતાં તેઓ પરલોક, કર્મફળસંબંધ વગેરે ચિત્તસંતાન (સંતાન = continuum) દ્વારા ઘટાવે છે. જૈન અને બૌદ્ધ મતે ચિત્ત જ, ચેતનતત્વ છે, તેનાથી પર આત્મા નામનું બીજું કોઈ તત્વ નથી. સાંખ્યયોગદર્શને ચિત્તનો અન્તર્ભાવ જડ પ્રકૃતિતત્વમાં કર્યો, ચિત્તથી પર આત્મા નામનું ચેતનતત્વ માન્યું, તેને કૂટસ્થનિત્ય ગણ્યું તેમજ તેના અસ્તિત્વના તાર્કિક આધાર માટે દર્શન નામની શક્તિ માની. આત્મા દ્રષ્ટા છે, ચિત્ત જ્ઞાતા છે, જે દ્રષ્ટા છે તે જ્ઞાતા નથી અને જે જ્ઞાતા છે તે દ્રષ્ટા નથી. જૈનો અને બૌદ્ધોએ કહ્યું કે જે જ્ઞાતા છે તે જ દ્રષ્ટા છે. ચિત્ત પોતે જ જ્ઞાતા અને દ્રષ્ટા છે. ચિત્ત જ ચેતનતત્વ છે, તે જડ નથી. પરંતુ સાંખ્યયોગદર્શને આ સ્વીકાર્યું નહિ. ન્યાયવૈશેષિકે કૂટસ્થનિત્ય આત્માનો સ્વીકાર કર્યો અને ચિત્તનો તદ્દન અસ્વીકાર કર્યો. પરંતુ ચિત્તના જ્ઞાન, સુખ, દુ:ખ આદિ ધર્મો તો તેમણે સ્વીકાર્યા. આ ધર્મોને તેમણે આત્માના વિશેષગુણ ગણ્યા. આ ગુણો પરિવર્તનશીલ યા ક્ષણિક હોઈ આત્માની કૂટસ્થનિત્યતાની હાનિ થાય. તેમ ન થાય એટલા ખાતર તેમણે દ્રવ્ય અને ગુણોને અત્યંત ભિન્ન માન્યાં અને ગુણોને દ્રવ્યમાં સમવાયસંબંધથી રહેતા કલ્પ્યા. શાંકર વેદાન્તે તો ચિત્તને તેમજ ચિત્તના ધર્મોને બંનેને મિથ્યા ગણી કેવળ કૂટસ્થનિત્ય આત્માને જ પરમ તત્વ તરીકે સ્વીકારેલ છે.
આમ, ચાર્વાક સિવાય બધાં જ દર્શનો સ્વતંત્ર ચેતનતત્વનો સ્વીકાર કરે છે. અહીં એ નોંધવું જોઈએ કે ઈ.સ.ની દસમી-અગિયારમી શતાબ્દીમાં થઈ ગયેલા ‘ન્યાયમંજરી ગ્રંથિભંગ’ના કર્તા ચક્રધર જણાવે છે કે ચાર્વાકમાં પણ ઉદભટ આદિ જેવા કેટલાક ચિંતકો ચાર ભૂતોથી સ્વતંત્ર ચેતનતત્વનો સ્વીકાર કરતા હતા; અને તેથી તેઓ આત્મવાદી હતા. જૈન અને બૌદ્ધ દર્શન ચિત્તને એવા સ્વરૂપવાળું માને છે કે જે સ્વતંત્ર ચેતનતત્વ તરીકે વર્તે અને તેથી તેમને ચિત્તથી પર એવું તત્વ માનવું ન પડે. સાંખ્ય-યોગદર્શન ચિત્તને જડ પ્રકૃતિતત્વની અંતર્ગત માનતું હોઈ તેને ચેતનતત્વને ચિત્તથી પર માનવું પડે છે. ન્યાયવૈશેષિક દર્શને સાખ્ય-યોગસંમત ચિત્તનો અસ્વીકાર કરી કૂટસ્થનિત્ય ચેતનતત્વને સ્વીકાર્યું છે. ગમે તેમ પણ ચેતનતત્વનો સ્વીકાર ચાર્વાકદર્શનની અમુક શાખાને બાદ કરતાં બાકીનાં બધાં ભારતીય દર્શનોએ કરેલો છે. હજારો વર્ષોથી ભારતીય દર્શનનો પ્રયત્ન જગતને વિકૃતિઓથી પર, પ્રકાશમાન નિર્મળ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો અને તે જ્ઞાનને જીવનમાં એકરસ કરવાનો રહ્યો છે.
આત્મા (ઉપનિષદ) : ઉપનિષદો વ્યવસ્થિત દાર્શનિક કૃતિઓ નથી તેમજ એક જ કર્તાની કૃતિઓ નથી. એટલે એક સ્થાને આત્મવિષયકચિંતન ઉપનિષદોમાં ઉપલબ્ધ નથી. છતાં ઉપનિષદોમાં આત્મા વિશે મહત્વના ખ્યાલો છે. તે આ પ્રમાણે છે : કઠોપનિષદમાં યમ નચિકેતાને જે કહે છે તેનો સાર આ છે કે આત્મા નિત્ય છે, કદી મરતો નથી, અવસ્થાદિકૃત દોષો તેને સ્પર્શતા નથી. તે બાહ્ય વિષયોથી, ઇન્દ્રિયોથી, મનથી, બુદ્ધિથી પણ ચડિયાતો છે, પર છે. શરીર રથ છે, બુદ્ધિ સારથિ છે, મન લગામ છે, ઇન્દ્રિયો વિષયરૂપી માર્ગ ઉપર દોડતા ઘોડા છે, અને આત્મા રથનો સ્વામી (રથી) છે. ઇન્દ્રિય અને મનથી યુક્ત આત્મા ભોક્તા છે. માંડૂક્ય ઉપનિષદમાં શુદ્ધ આત્માને ‘તુરીય’ કહ્યો છે. આત્માની ચાર દશા છે – જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીય. જાગ્રતમાં આત્મા બાહ્ય વિષયોનો અનુભવ કરે છે, સ્વપ્નમાં તે આભ્યન્તર માનસ જગતનો અનુભવ કરે છે, સુષુપ્તિમાં કેવળ આનંદસ્વરૂપતાનો અનુભવ કરે છે, પરંતુ તુરીયમાં ન તો બાહ્યચેતના હોય છે, ન અંતશ્ચેતના હોય છે, ન તો બંનેનું મિશ્રણ હોય છે, કેવળ આત્મસત્તાનું જ ભાન હોય છે, આત્મપ્રત્યયસાર હોય છે, સર્વપ્રપંચોપશમ હોય છે. તુરીય શાન્ત, શિવ અને અદ્વૈત છે, તે જ શુદ્ધ આત્મા છે. ઉપનિષદો જણાવે છે કે આત્મા એ સર્વના સારભૂત છે. તે એવી વસ્તુ છે જેને જાણ્યા પછી બીજું કંઈ જાણવાનું રહેતું જ નથી. તેને જાણવાના ક્રમિક ઉપાયો છે – દર્શન (શ્રદ્ધા), શ્રવણ, મનન અને ધ્યાન. બૃહદારણ્યક (4.4.1-2)માં સ્પષ્ટપણે કહ્યું છે કે મૃત્યુકાળે આત્મા ચક્ષુ, મૂર્ધા કે અન્ય શરીરદેશમાંથી ઉત્ક્રમણ કરે છે; તે આત્માને તેનાં વિદ્યા, કર્મ અને પૂર્વપ્રજ્ઞા અનુસરે છે. તે જ ઉપનિષદમાં (4.4.3) કહ્યું છે કે જેમ તૃણજલાયુકા મૂળ તૃણના અંતે જઈ અન્ય તૃણને પકડી લીધા પછી પેલા મૂળ તૃણને છોડી દે છે તેમ આત્મા વર્તમાન શરીરમાં અંતે પહોંચ્યા પછી અન્ય આધારને (શરીરને) પકડી તેમાં જાય છે. કઠોપનિષદ કહે છે કે આત્માઓ પોતાનાં કર્મ અને શ્રુત અનુસાર ભિન્ન ભિન્ન યોનિઓમાં જન્મે છે.
આત્મા (સાંખ્ય) : સાંખ્યદર્શનમાં આત્માને માટે પ્રાય: ‘પુરુષ’ શબ્દનો પ્રયોગ થયો છે. મૂળભૂત જે બે તત્વો છે તે પ્રકૃતિ અને પુરુષ. પ્રકૃતિ પરિણામીનિત્ય છે, પુરુષ કૂટસ્થનિત્ય છે; પ્રકૃતિ જડ છે, પુરુષ ચેતન છે; પ્રકૃતિ પરાર્થે છે, પુરુષ પરાર્થે નથી; પ્રકૃતિ ત્રિગુણાત્મક છે, પુરુષ ત્રિગુણાતીત છે; પ્રકૃતિ સૃષ્ટિનું મૂળ કારણ છે, પુરુષ કોઈનું કારણ પણ નથી કે કાર્ય પણ નથી. પ્રકૃતિમાંથી આવિર્ભાવ પામેલા ચિત્તની અપેક્ષાએ પુરુષ જ્ઞાતા છે, ચિત્તના જ્ઞાનનો વિષય ઘટપટાદિ બાહ્ય પદાર્થો છે. ચિત્ત તે તે વિષયના આકારે પરિણમી તે તે વિષયને જાણે છે. ચિત્તના વિષયાકાર પરિણામને ચિત્તવૃત્તિ કહેવામાં આવે છે. પુરુષના જ્ઞાન કે દર્શનનો વિષય છે ચિત્તવૃત્તિ. પુરુષ ચિત્તવૃત્તિનું પ્રતિબિંબ ઝીલી ચિત્તવૃત્તિને દેખે છે. પુરુષ ચિત્તવૃત્તિને સાક્ષાત્ દેખે છે, જ્યારે ઘટપટાદિને ચિત્તવૃત્તિના માધ્યમથી દેખે છે. પુરુષ બધી ચિત્તવૃત્તિઓને દેખે છે, કોઈ પણ ચિત્તવૃત્તિ તેનાથી અષ્ટ રહેતી નથી. પુરુષનો ચેતનાપ્રકાશ ચિત્તસત્વના પ્રકાશથી ભિન્ન શ્રેણીનો છે. ચિત્તસત્વનો પ્રકાશ પરપ્રકાશ્ય છે (અર્થાત્ પુરુષપ્રકાશ્ય છે), જ્યારે પુરુષનો પ્રકાશ પરપ્રકાશ્ય નથી.
પુરુષ વિભુ છે છતાં તે પ્રતિશરીર ભિન્ન છે. પુરુષ કર્તા નથી છતાં તે સુખદુ:ખનો ભોક્તા છે. ભોગ પુરુષને ગૌણ છે. કારણ કે તે સુખદુ:ખાકાર ચિત્તવૃત્તિનું પ્રતિબિંબ જ ઝીલે છે, તે પોતે સુખદુ:ખાકારે પરિણમતો નથી. પુરુષ નિષ્ક્રિય છે. પરિણતિરૂપ કે ગતિરૂપ ક્રિયા તેને નથી. પરંતુ અધિષ્ઠાતૃત્વરૂપ કે પ્રેરક તત્વરૂપ ક્રિયા તેને છે. જેમ રથનો અધિષ્ઠાતા સારથિ છે તેમ પ્રકૃતિ અને શરીરાદિનો અધિષ્ઠાતા પુરુષ છે. પુરુષ ત્રિગુણાતીત હોવાથી તે સુખદુ:ખમોહરહિત છે. તેથી તેને ઉદાસીન અને અસંગ કહ્યો છે. દુ:ખ તેનો સ્વભાવ નથી પણ આરોપિત ધર્મ છે; એટલે દુ:ખમુક્તિ સંભવે છે, અન્યથા સંભવે નહિ. ચિત્ત અને પુરુષ વચ્ચે સ્વસ્વામિભાવ છે, એને લીધે ચિત્તની વૃત્તિઓનું પુરુષમાં પ્રતિબિંબ પડે છે, આ જ પુરુષની બંધનદશા છે. ચિત્તની વૃત્તિઓનો નિરોધ થતાં પુરુષમાં વૃત્તિપ્રતિબિંબનો અભાવ થાય છે, પરિણામે પુરુષની સ્વસ્વરૂપમાં અવસ્થિતિ થાય છે, આ પુરુષની જીવનમુક્તિ છે; અંતે દેહ પડતાં અને ચિત્તનો તેના મૂળકારણમાં લય થતાં કેવળ પુરુષની સ્થિતિ તે વિદેહમુક્તિ છે.
પ્રકૃતિ-પુરુષનો અવિવેક એ બંધનું કારણ છે. અવિવેક અનાદિ છે. અવિવેકઘટિત પ્રકૃતિપુરુષનો સ્વસ્વામિભાવ સંબંધ પણ અનાદિ છે. આ સંબંધ એ જ બંધન છે. વિવેકજ્ઞાનથી આ સંબંધ છૂટી જાય છે અને મુક્તિ થાય છે. અવિવેકજ્ઞાન અને વિવેકજ્ઞાન એ જ્ઞાનરૂપ છે અને તેથી ચિત્તના ધર્મો છે. એટલે અવિવેકજ્ઞાનના કાર્યરૂપ મુખ્ય બંધન અને વિવેકજ્ઞાનના કાર્યરૂપ મુખ્ય મુક્તિ બંને ચિત્તનાં યા પ્રકૃતિનાં જ ગણાય. મોક્ષમાં કેવળ પુરુષ છે, ત્યાં પુરુષ ચિત્તયુક્ત હોતો નથી. તેથી મોક્ષમાં પુરુષને જેમ દુ:ખ નથી તેમ સુખ પણ નથી. વળી પુરુષના દર્શનનો વિષય ચિત્તવૃત્તિ પણ મોક્ષમાં ન હોઈ, પુરુષને કશાનું દર્શન પણ મોક્ષમાં હોતું નથી.
આત્મા (ગીતા) : ગીતાની આત્મવિભાવના સાંખ્યાનુસારી છે. તેમ છતાં, ગીતાનું અતિપ્રસિદ્ધ આત્મવર્ણન આ પ્રમાણે છે : આત્મા નિત્ય છે, શરીરો નાશવંત છે. જેમ મનુષ્ય જૂનાં વસ્ત્રો ત્યજી નવાં વસ્ત્રો ધારણ કરે છે તેમ આત્મા જૂનાં શરીરો ત્યજી નવાં શરીરો ધારણ કરે છે. આત્મા કદી જન્મતો નથી કે મરતો નથી. પહેલાં હતો નહિ અને ભવિષ્યમાં હશે નહિ એમ આત્મા વિશે ન કહી શકાય. તે અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાતન છે. તેથી એક આત્મા બીજા આત્માને મારતો નથી કે તે પોતે બીજા આત્માથી મરાતો નથી. તે અવિકારી છે, કૂટસ્થનિત્ય છે. તેથી તે બીજા આત્માને કેવી રીતે મારી શકે કે બીજો આત્મા તેને કેવી રીતે મારી શકે ? આત્મા અછેદ્ય, અદાહ્ય, અકલેદ્ય, અશોષ્ય, સર્વગત, સ્થિર, અચલ, સનાતન, અવ્યક્ત, અચિન્ત્ય, અવિકાર્ય છે. એક સ્થાને, આત્મા (જીવાત્મા) અને પરમાત્મા (કૃષ્ણ) વચ્ચે અંશાંશીભાવનો સંબંધ છે એમ કહ્યું છે (ममैवांशो जीवलोके जीवभूतः सनातनः । 15/7)
આત્મા (પૂર્વ મીમાંસા) : પૂ.મી. કર્મકાંડપરક અને બાહ્યાર્થવાદી દર્શન હોવાથી તેમાં આત્માની સીધી ચર્ચા આવતી નથી. પરંતુ વૈદિક કર્મકાંડ અને વિધિઓની સાર્થકતા માટે દેહથી ભિન્ન એવા આત્માના અસ્તિત્વનો સ્વીકાર અનિવાર્ય બને છે.
જૈમિનિએ કશો નિર્દેશ નહિ કર્યો હોવા છતાં શબર સ્વામીએ તાર્કિક દલીલોના આધારે અશરીર આત્માનું પ્રતિપાદન કરેલ છે. તેઓ આત્માને સ્થાયી (નિત્ય), જ્ઞાતા, સ્વસંવેદ્ય, અવિનાશી અને સુખ, દુ:ખ વગેરે તથા બધાં જ્ઞાનોથી ભિન્ન માને છે.
કુમારિલ ભટ્ટ કહે છે કે શ્રુતિ અનુસાર સ્વર્ગે જનાર યજમાન એ તેના નાશવંત દેહથી જુદો અને અવિનાશી એવો તેનો આત્મા છે તેમ સ્વીકારવું જ જોઈએ. તે દેહ ઇંદ્રિયો અને બુદ્ધિથી ભિન્ન, જ્ઞાતા, કર્તા અને ભોક્તા છે. તે વિભુ અહમવિત્તિરૂપ, શુદ્ધ બોધરૂપ અને જ્ઞાનશક્તિસ્વભાવ છે. તેનું બોધાત્મક રૂપ નિત્ય હોવાથી વિવિધ પ્રવૃત્તિઓ અને પુનર્જન્મ સંભવી શકે છે. તે અહંપ્રત્યયગમ્ય હોવાથી ‘હું જાણું છું’ જેવાં વિધાનો સૂચવે છે કે ચિદંશ(બોધરૂપ)થી તે જ્ઞાતા બને છે અને ‘અહં’ભાનનો વિષય બનીને અચિદંશ(જડરૂપ)થી જ્ઞેય બને છે. આમ તે માનસપ્રત્યક્ષગમ્ય છે, પણ સ્વયંપ્રકાશિત નથી. તે સ્વસંવેદ્ય હોવાથી અન્ય આત્મા માટે પ્રત્યક્ષ રીતે જ્ઞેય થતો નથી, પણ અનુમાનગમ્ય બને છે. તે વિભુ છે તેથી ગતિ કર્યા વગર વિવિધ શરીરો સાથે જોડાય છે. પરંતુ પોતાનાં કર્મો અનુસાર દેહ પામતો એક જ આત્મા બધા અનુભવો પામતો નથી. આથી અનેક આત્માઓ સિદ્ધ થાય છે. તે અદ્રવ્યાત્મક અને બોધરૂપ હોવાથી અવિભાજ્ય અને અવયવરહિત તથા સ્થળકાળની મર્યાદાથી પર છે. જ્ઞાન એ આત્માનું પરિણામ હોવા છતાં તે અપરિવર્તનશીલ છે તેથી તેની નિત્યતાને બાધ આવતો નથી. પૂર્વમીમાંસાનુસાર ‘હું’ (અહં) રૂપે જ્ઞાતા બનતો આત્મા બધાં જ્ઞાનોથી જુદો ન પાડી શકાય તેવો છે. દરેક વ્યક્તિ પોતે જાતે જ પોતાના આત્માને અનુભવે છે તે જ તેનું ‘સ્વયં જ્યોતિષ્ટ્વ’ છે. આત્મભાન અને વસ્તુભાનનું એક અંગ છે. તેથી સુષુપ્તિમાં વસ્તુભાનનો અભાવ હોવાથી આત્માનું અસ્તિત્વ હોવા છતાં આત્મભાન થતું નથી.
આત્મા (વૈશેષિક) : વૈશેષિક દર્શન આત્માને એક સ્વતંત્ર દ્રવ્ય તરીકે સ્વીકારે છે. આત્માનું અસ્તિત્વ અનુમાનથી સિદ્ધ કરી શકાય છે. ‘જ્ઞાન’ વગેરે ગુણોના આધારરૂપે કોઈ દ્રવ્ય અવશ્ય હોવું જોઈએ. જ્ઞાનાદિ ગુણો પૃથિવી વગેરે આઠ દ્રવ્યોના ગુણો નથી. તેથી તેમનાથી ભિન્ન એવું કોઈ નવમું દ્રવ્ય તે ગુણોના આશ્રય તરીકે અવશ્ય છે જ અને તે આત્મા છે. કણાદ કહે છે કે પ્રાણ, અપાન, નિમેષ, ઉન્મેષ, જીવન, મનની ગતિ, ઇન્દ્રિયવિકાર તથા સુખદુ:ખ, ઇચ્છા, દ્વેષ અને પ્રયત્ન એ ગુણો આત્માને સિદ્ધ કરતા હેતુઓ છે. (વૈશેષિકસૂત્ર 3-24) એટલે કે પ્રાણની ઉપર, નીચે કે તિર્યક્ ગતિનો તથા આંખનાં પોપચાંની ગતિનો કોઈ નિયામક હોવો જોઈએ તે આત્મા છે.
શરીરના વર્ધન વગેરેનો અધિષ્ઠાતા, વિષય સાથે જોડતી, ઇન્દ્રિય સાથે જોડાતા મનની, ગતિનો પ્રેરક તથા સુખાદિ ગુણોનો અધિષ્ઠાતા પણ એ જ રીતિથી આત્મા છે. આત્મા એ શરીર નથી. કારણ કે શરીર વિકારી છે, ઇન્દ્રિય નથી કારણ કે નહિતર કોઈ ઇન્દ્રિયના નાશ સાથે આત્માને પણ અંશત: ખંડિત માનવો પડે. તે મન પણ નથી કારણ કે મન અણુ છે અને આત્મા અણુ હોય તો તે સુખાદિનો અનુભવ કરી શકે નહિ. તેથી તે સર્વથી ભિન્ન એવો આત્મા સિદ્ધ થાય છે. તે અતીન્દ્રિય હોઈ અનુમેય છે, પણ કેટલાકના મતે તે માનસપ્રત્યક્ષ પણ છે. બુદ્ધિ (જ્ઞાન), સુખદુ:ખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ અને સંસ્કાર (ભાવના) – એ નવ આત્માના વિશેષ ગુણો છે. આત્મા નિત્ય, વિભુ, જ્ઞાતા, કર્તા અને ભોક્તા છે. આત્મા અનેક અને પ્રતિશરીર ભિન્ન છે કારણ કે સર્વનાં સુખદુ:ખ, જન્મ-મરણ વગેરે અનુભવો ભિન્ન ભિન્ન છે. ચૈતન્ય આત્માનું સ્વરૂપ છે કે તેનો ગુણ તે સ્પષ્ટ નથી.
આત્માના આ નિરૂપણ દ્વારા જીવાત્મા અભિપ્રેત છે. પરમાત્મા તેનાથી ભિન્ન છે.
આત્મા (વેદાન્ત) : વેદાન્તને ઉત્તરમીમાંસા પણ કહેવામાં આવે છે. વેદાન્તની અનેક શાખાઓ છે દા.ત., શંકરનું કેવલાદ્વૈત, રામાનુજનું વિશિષ્ટાદ્વૈત વગેરે. આત્માવિષયક તેમના મતોનું અતિસંક્ષપ્તિ નિરૂપણ જ અહીં પ્રસ્તુત છે.
શંકરના કેવલાદ્વૈત અનુસાર કેવળ એક જ આત્મા પરમાર્થ સત્ છે. અને તે છે બ્રહ્મ. જે અનેક આત્માઓ છે (જેમને જીવો કે જીવાત્માઓ કહેવામાં આવે છે.) તે તુચ્છ છે, મિથ્યા છે. કેવલાદ્વૈતીઓ આ વસ્તુને આમ સમજાવે છે. બ્રહ્મ બિંબસ્થાનીય છે, આત્માઓ (જીવો) પ્રતિબિંબસ્થાનીય છે. જેમ પ્રતિબિંબનું સ્વતંત્ર અસ્તિત્વ નથી તેમ આત્માઓનું પણ સ્વતંત્ર અસ્તિત્વ નથી. પ્રતિબિંબનું અસ્તિત્વ બિંબના અસ્તિત્વ ઉપર આધાર રાખે છે. બ્રહ્મનું પ્રતિબિંબ ઝીલનાર અન્ત:કરણ કે અવિદ્યારૂપ માધ્યમનો નાશ થતાં પ્રતિબિંબરૂપ જીવનું અસ્તિત્વ રહેતું નથી, કહો કે તે બ્રહ્મમાં લીન-વિલીન થઈ જાય છે. આને પ્રતિબિંબવાદ કહેવામાં આવે છે. કેટલાક કેવલાદ્વૈતીઓને આ બિંબ-પ્રતિબિંબની ભાષામાં દોષ જણાયો. એટલે તેમણે અવચ્છેદની ભાષામાં વસ્તુ સમજાવી. આકાશ એક છે. છતાં ઘટ, મઠ આદિથી અવચ્છિન્ન (મર્યાદીકૃત) આકાશો અનેક છે. ઘટ, મઠ વગેરે અવચ્છેદકો કહેવાય. પરમાર્થદૃષ્ટિએ આકાશ એક છે, પરંતુ અવચ્છેદકભેદે તે ભિન્ન ભિન્ન અર્થાત્ અનેક જણાય છે. આ અનેકતા મિથ્યા છે. ઘટાવચ્છિન્ન આકાશ ઘટાવચ્છેદકનો નાશ થતાં અનંત આકાશમાં સમાઈ જાય છે, અલગ ઘટાકાશ રહેતું નથી. બ્રહ્મ અનંત આકાશસ્થાનીય છે અને અનેક આત્માઓ અનેક અન્ત:કરણોથી અવચ્છિન્ન બ્રહ્મ પોતે જ છે. અનેકતા અવચ્છેદક અન્ત:કરણોની અનેકતાને કારણે જણાય છે; હકીકતમાં બ્રહ્મમાં અનેકતા છે જ નહિ, મિથ્યા છે. આને અવચ્છેદવાદ કહેવામાં આવે છે. કેટલાકને બિંબ-પ્રતિબિંબની ભાષા તેમજ અવચ્છેદની ભાષા બંનેમાં દોષ જણાયો. એટલે તેમણે માત્ર એટલું જ કહ્યું કે જીવો બ્રહ્મ જ છે, અનેકતા અવિદ્યાને લીધે છે. બીજા શબ્દોમાં, અવિકૃત બ્રહ્મ પોતે જ અવિદ્યાને લીધે અનેક જીવો છે જ્યારે વિદ્યાને લીધે એક બ્રહ્મ જ છે.
રામાનુજના વિશિષ્ટાદ્વૈત અનુસાર એક બ્રહ્મ જ પરમ સત્ હોવા છતાં તેના અવ્યક્ત શરીરરૂપે ચિત્અંશ અને અચિત્અંશ બંને છે. અવ્યક્ત ચિત્અંશમાંથી વ્યક્ત-જીવો આવિર્ભાવ પામે છે. બધા જીવોમાં પરબ્રહ્મ તો વ્યાપીને જ રહે છે.
નિમ્બાર્કનો દ્વૈતાદ્વૈતવાદ : પરબ્રહ્મને એક અને અભિન્ન સ્વરૂપ માનવા છતાં તેનું અનંત જીવરૂપે પરિણામ સ્વીકારે છે. જેમ એક જ વાયુ સ્થાનભેદે નાનારૂપે પરિણમે છે તેમ એક બ્રહ્મ અનેક જીવરૂપે પરિણમે છે. જીવો કાલ્પનિક કે આરોપિત નથી.
ભાસ્કર અનુસાર એક જ બ્રહ્મ એની વિવિધ શક્તિઓ દ્વારા જેમ જગતરૂપે પરિણમે છે તેમ જીવોરૂપે પણ પરિણમે છે. જીવો બ્રહ્મનાં પરિણામો છે, અને ક્રિયાત્મક સત્ય ઉપાધિથી જનિત હોઈ સત્ય છે. જેમ તરંગો એક જ સમુદ્રના અનેક અંશો અને પરિણામો છે, તેમ જીવો એક જ બ્રહ્મના અંશો અને પરિણામો છે અને અજ્ઞાન હોય ત્યાં લગી તેમનું વાસ્તવિક અસ્તિત્વ છે. અજ્ઞાન દૂર થતાં જીવો બ્રહ્મ સાથે અભેદ અનુભવે છે.
વલ્લભના શુદ્ધાદ્વૈત મતે જીવો બ્રહ્મનાં વાસ્તવિક પરિણામો છે. આ પરિણામો લીલાવશ ઊપજે છે, છતાં આ પરિણામોમાં બ્રહ્મ પોતે અવિકૃત અને શુદ્ધ જ રહે છે.
મધ્વ અનુસાર જીવોનું અસ્તિત્વ નિત્ય અને સ્વતંત્ર છે. તેઓ નથી પરબ્રહ્મનાં પરિણામો કે નથી કાર્યો કે નથી અંશો.
આત્મા (ખ્રિસ્તી ધર્મ) : ઈસુ ખ્રિસ્ત જન્મે યહૂદી કુળના હોઈ ધાર્મિક પરંપરાનો તેમને વારસો પ્રાપ્ત થયો હતો. એટલે, આત્મા અંગેના તેમના ખ્યાલો અને સમજ પ્રસ્તુત પરંપરા મુજબના હતા. ઈસુના મૃત્યુ બાદ પેલેસ્ટાઇન બહારના રોમન અને ગ્રીક સંસ્કૃતિવાળા પ્રદેશોમાં ઈસુપંથનો પ્રસાર થયો ત્યારે એ સંસ્કૃતિઓના માધ્યમ દ્વારા ખ્રિસ્તી ધર્મનું જે શિક્ષણ અનુયાયીઓને અપાવા લાગ્યું તેમાં આત્મા અંગેના ખ્યાલો પણ વિકસ્યા.
યહૂદી માન્યતા મુજબ મનુષ્યના શરીર અને આત્મા વચ્ચે જુદાપણું નથી. મનુષ્ય એટલે અખિલાઈ, શરીર અને આત્માની સમગ્રતા ધરાવતો જીવ. એથી ઊલટું, ગ્રીક માન્યતા દેહ અને આત્મા અલગ અલગ છે એવું શીખવે છે અને તેના આધારે મૃત્યુ બાદ મળનાર મોક્ષ યા નર્કની સજા અંગેના ખ્યાલો વિકસાવવામાં આવ્યા છે.
એક નોંધપાત્ર હકીકત એ છે કે, ખ્રિસ્તી ધર્મવિદ્યા અને પરંપરાઓમાં આત્મા વિશેની સમજ અને ખ્યાલો ઘણા જટિલ છે. વળી, મનુષ્યના મૃત્યુ બાદ એના આત્માનું શું થાય છે એ બાબતે ખ્રિસ્તી ધર્મશિક્ષણમાં એકસૂત્રતા નથી અને જોઈએ તેટલી સ્પષ્ટતા પણ જોવા મળતી નથી,
આત્મા માટે બાઇબલમાં મુખ્ય ત્રણ પર્યાયો વપરાયા છે :
હિબ્રૂ : નેફેશ (Nefesh)
ગ્રીક : સીખે (Psuche)
લૅટિન : આનીમા (Anima)
આ ત્રણે પર્યાયો ‘શ્વાસોચ્છવાસ’ સાથે સંકળાયેલા છે જેના ઉપરથી આત્મા અંગેની ત્રણ પ્રકારની સમજ પ્રાપ્ત થાય છે. આત્મા એટલે,
1. જીવંત મનુષ્ય (પ્રાણવાન) : મનુષ્ય ‘શ્વાસોચ્છવાસ’ કરતો હોય તો તે જીવંત મનુષ્ય છે. ટૂંકમાં, મનુષ્યમાં આત્માની ઉપસ્થિતિ એટલે જીવંત મનુષ્ય; આત્માની અનુપસ્થિતિ એટલે મૃત મનુષ્ય.
2. જીવન : મનુષ્યનું આ પૃથ્વી ઉપરનું જીવન અને મૃત્યુ બાદ ઈશ્વરના સાન્નિધ્યમાં, મોક્ષપ્રાપ્તિ કરેલ શાશ્વત જીવન. ઈસુ આ બંને અર્થમાં આત્મા શબ્દનો ઉપયોગ કરે છે. દા.ત., માથ્થી : 16 : 25 26
3. મનુષ્ય–વ્યક્તિ : આ અર્થમાં આત્મા શબ્દ બાઇબલમાં ઘણે ઠેકાણે વપરાયો છે. દા.ત., માર્ક : 3:4; પ્રે. ચ. 27 : 10.
રોમન કૅથલિક ચર્ચ(પંથ)ની માન્યતા મુજબ પ્રત્યેક મનુષ્યમાં એક જ અમર આત્મા છે. ઈશ્વરે પોતે જ્યારે મનુષ્યના દેહનું સર્જન કર્યું તે જ ક્ષણે એના આત્માનું પણ સર્જન કર્યું. આત્મા અપાર્થિવ છે, અર્થાત્ એની ક્રિયાઓ પાર્થિવ નથી અને પાર્થિવ દ્રવ્ય ઉપર તે આધારિત નથી.
આત્મા (ઇસ્લામ) : આત્મા માટે અરબી ભાષામાં ‘રૂહ’ શબ્દ વપરાય છે અને ઇસ્લામના ધર્મપુસ્તક કુરાનમાં તેનો સંક્ષિપ્ત પરંતુ અર્થપૂર્ણ ઉલ્લેખ છે : ‘‘અને એ લોકો તને રૂહ વિશે પૂછે છે. તું કહી દે કે રૂહ મારા પરવરદિગારના હુકમથી છે.’’ (કુરાન : પ્રકરણ 17:85) અહીં એમ બતાવવામાં આવ્યું છે કે આત્મા ઈશ્વરની આજ્ઞાઓમાંથી એક આજ્ઞા છે. મુસ્લિમ વિદ્વાનોએ આનો એવો અર્થ લીધો છે કે આત્મા કોઈ ભૌતિક પદાર્થ નથી. તે માટી, પાણી, આગ અને વાયુમાંથી બનેલો નથી. તેનો કોઈ સ્થૂળ દેહ નથી. તે તો માત્ર એક અર્દશ્ય આજ્ઞા છે.
કુરાનમાં બીજાં બે સ્થળે આત્મા વિશે સમાન ઉલ્લેખ થયો છે; જેમ કે, (1) ‘‘જ્યારે હું તેને(આદમને) પૂરેપૂરો બનાવી લઉં અને તેમાં પોતાની (ખાસ) રૂહ નાંખી દઉં તો તમે સૌ (ફરિશ્તાઓ) તેની આગળ સિજદામાં પડી જશો.’’ (કુરાન : પ્રકરણ 15 : 29) અને (2) ‘‘પછી જ્યારે તેને પૂરો બનાવી રહું અને તેમાં પોતાની (પાસેની) એક રૂહ નાખું તો તમે બધા (ફરિશ્તાઓ) સિજદામાં પડી જજો.’’ (કુરાન : પ્રકરણ 38 : 72)
આનો એવો અર્થ તારવવામાં આવ્યો છે કે માનવીના આદ્યપિતા આદમ(ADAM)નું શરીર ઈશ્વરે માટી તથા પાણીનું બનાવ્યું, પણ તેમાં ઈશ્વરે પોતાની પાસેથી આત્મા નાખ્યો.
ઈશ્વર બધાં પ્રાણીઓમાં આત્મા નાંખે છે. માણસનો આત્મા અન્ય પ્રાણીઓ ઉપર શ્રેષ્ઠત્વ ધરાવે છે તેનાં બે કારણો દર્શાવવામાં આવ્યાં છે :
(1) માણસના શરીરમાંનો આત્મા, ઈશ્વરની આજ્ઞા હોવાથી તે ઈશ્વરના ગુણો ધરાવે છે અને તેથી તે બીજાં પ્રાણીઓ કરતાં શ્રેષ્ઠ હોય છે.
(2) કોઈ પણ સ્થૂળ દેહમાં પ્રવેશનાર આત્મા પ્રાથમિક તબક્કામાં પ્રાણ માત્ર હોય છે. પ્રાણીઓમાં તે માત્ર પ્રાણ રહે છે. જ્યારે માણસમાં જ્ઞાન, શાન, ભાન જેવા ગુણો પ્રગતિ કરે છે તો તેના પ્રાણનું આત્મામાં પરિવર્તન થાય છે. તે આત્મા દૈવી બને છે. જો માણસમાં સદગુણો પ્રગતિ ના પામે તો તે પણ પ્રાણી જેવો રહી જાય છે.
આત્માનો કાર્યપ્રદેશ એ બતાવવામાં આવ્યો છે કે તે પ્રાણના સ્વરૂપમાં, શરીરમાં હલનચલન પેદા કરે છે. તે બાહ્ય સ્પંદનોને ઝીલે છે. શરીરમાં ચેતનાતંત્ર, શ્વાસોચ્છવાસ-તંત્ર તથા પાચનતંત્ર સાથે તેનો ગાઢ સંબંધ હોય છે.
માણસમાં આત્મા ઉત્તરોત્તર પ્રગતિ કરે છે તો બુદ્ધિ તેનું વાહન બને છે, તે દૈવી સંકેતો ઝીલે છે અને તેનો કાર્યપ્રદેશ વિસ્તાર પામે છે. તેમાં દૈવી ગુણો પેદા થાય છે.
શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવાની બાબતમાં માનવ-આત્માઓ વચ્ચે તફાવત હોય છે. ઈશ્વરકૃપાથી એક આત્મા એવા દરજ્જા ઉપર પહોંચી જાય છે જ્યાં બીજા આત્મા માટે પહોંચવાનું સંભવિત હોતું નથી.
આત્મા એ ઈશ્વરની આજ્ઞા હોવાથી તે જ્યારે ઇચ્છે ત્યારે પાછો લઈ લે છે. એવી જ રીતે ઈશ્વર પાસે એવી શક્તિ છે કે ચાહે તે વખતે તે આત્માના સર્વ ગુણ પણ ખૂંચવી લે છે.
આત્મા વિશે મહત્વનું ઇસ્લામી દૃષ્ટિબિંદુ એ છે કે આત્મા આદિ છે, માત્ર ઈશ્વર અનાદિ છે. આત્માનું અસ્તિત્વ, શરીરના સંબંધથી છે. શરીરની બહાર નીકળ્યા પછી તેનું અસ્તિત્વ રહેતું નથી. આમ આત્મા એક શરીરમાંથી નીકળીને બીજા શરીરમાં પ્રવેશતો નથી. દરેક શરીરનો આત્મા જુદો હોય છે.
માણસના કે કોઈ પણ પ્રાણીના શરીરમાં આત્માના સ્વરૂપમાં ઈશ્વરની આજ્ઞા પ્રવેશે છે, ઈશ્વર કદી કોઈના આત્મામાં કે કોઈના શરીરમાં પ્રવેશતો નથી.
ઇસ્લામી માન્યતા એ છે કે ‘આત્માનું એક જગત’ (આલમે અર-વાહ) છે. એમાંથી એક પછી એક આત્માને શરીર સાથે જોડીને પૃથ્વી ઉપર મોકલવામાં આવે છે અને જ્યારે તે શરીરની જીવન-અવધિ પૂરી થઈ જાય છે ત્યારે તે આત્માને ઈશ્વરની આજ્ઞાથી પાછો લઈ લેવામાં આવે છે. આ સૃષ્ટિના અંત પછી બધા આત્માઓને ભેગા કરવામાં આવશે અને જે શરીર સાથે સંબંધ હતો તે માનવ-શરીરનાં સારાંનરસાં કર્મો અનુસાર, આત્માને સ્વર્ગ અથવા નરકમાં નાંખવામાં આવશે.
પવિત્ર કુરાનના પ્રકરણ 17 : 85માં કહેવામાં આવ્યું છે કે રૂહ ઈશ્વરની એક આજ્ઞા છે; તેની સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે ‘‘અને તમને બહુ જ થોડું જ્ઞાન આપવામાં આવ્યું છે.’’ આનો અર્થ એ કરવામાં આવ્યો છે કે આત્મા વિશે માણસને જે બતાવવામાં આવ્યું છે તેનાથી તે સંતોષ માને કે આત્મા ઈશ્વરની આજ્ઞા છે. આનું કારણ એ દર્શાવવામાં આવે છે કે સૃષ્ટિમાંની ભૌતિક વસ્તુઓ વિશે પણ માણસ જાણતો નથી તો જે ગેબી તત્વ છે તેના વિશે માણસ શું જાણી શકે ?
આત્મા : પશ્ચિમી તત્વજ્ઞાન અનુસાર : પશ્ચિમી તત્વજ્ઞાનમાં સામાન્ય રીતે આત્માની વિચારણા ચાર બાબતોને ધ્યાનમાં રાખીને થઈ છે : (1) આત્માનું સ્વરૂપ, (2) આત્મા અને શરીરનો સંબંધ, (3) આત્મા અંગેનું જ્ઞાન, (4) આત્માની અમરતા.
આત્માનું સ્વરૂપ : ગ્રીક ફિલસૂફીમાં પ્લૅટોએ આત્માના ત્રણ વિભાગો દર્શાવ્યા છે : (1) તર્કબુદ્ધિયુક્ત, (2) પ્રાણયુક્ત અને (3) ઇચ્છારૂપ કે વૃત્તિરૂપ. પ્લૅટોની દૃષ્ટિએ તર્કબુદ્ધિયુક્ત આત્મા એ આત્માનો ઉત્તમ ભાગ છે. તે અવિનાશી, નિરવયવ, અવિભાજ્ય અને અમર છે. માત્ર મનુષ્યમાં જ આત્માનો આ વિભાગ છે; આત્માના બાકીના બે વિભાગો નાશવંત છે. ઍરિસ્ટોટલે આત્માના આવા કોઈ વિભાગો સ્વીકાર્યા નથી, પણ આત્માના નિમ્ન કોટિથી ઉચ્ચ કોટિ સુધીના સ્તર તેમણે દર્શાવ્યા છે. તેમની દૃષ્ટિએ આત્મા એ રૂપ (form) છે અને શરીર તેનું ઉપાદાન (matter) છે. વનસ્પતિનો લાક્ષણિક આત્મા પોષણરૂપ (nutritive) છે, પ્રાણીઓનો લાક્ષણિક આત્મા સંવેદનરૂપ (sensitive) છે અને તર્કબુદ્ધિયુક્ત આત્મા એ મનુષ્યનો લાક્ષણિક આત્મા છે. આમ પ્લૅટો અને એરિસ્ટોટલ બંને તર્કબુદ્ધિયુક્ત આત્મા(rational soul)ને મનુષ્યની જ લાક્ષણિકતા તરીકે ઘટાવે છે અને તેને આત્માનું શ્રેષ્ઠ, ઉચ્ચતમ સ્વરૂપ ગણે છે.
ખ્રિસ્તી પરંપરામાં સંત ઑગસ્ટાઇને આત્માના સ્વરૂપની વિચારણામાં સ્પષ્ટ કર્યું છે કે આત્મા અવકાશ(space)માં નથી, પણ તેને થતા અનુભવો કાળ(time)ના પરિમાણમાં થાય છે. ઑગસ્ટાઇને ધ્યાન, અપેક્ષા અને સ્મૃતિ જેવા બોધાત્મક વ્યાપારો ઉપરાંત સંકલ્પતત્વ (will)ને પણ આત્માના સ્વરૂપની વિચારણામાં મહત્વનું સ્થાન આપ્યું છે. સંત થોમસ એક્વાઇનાસે ઍરિસ્ટોટલને અનુસરીને સ્પષ્ટ કર્યું છે કે આત્મા અરૂપ છે અને શરીર એ તેનું ઉપાદાન છે. ઑગસ્ટાઇન મુજબ પોષણરૂપ, સંવેદનરૂપ અને તર્કબુદ્ધિરૂપ આત્માનું મનુષ્યમાં એકત્વ સ્થપાયેલું હોય છે. ગ્રીક પરંપરાને અનુસરીને તેમણે પણ બુદ્ધિતત્વને શ્રેષ્ઠ તત્વ તરીકે સ્વીકાર્યું છે; પરંતુ તેમણે ઍરિસ્ટોટલ કરતાં સંકલ્પતત્વને વધુ મહત્વ આપ્યું અને આ બાબતમાં ડન્સ સ્કૉટ્સે એક્વાઇનાસથી પણ આગળ જઈને એમ દર્શાવ્યું છે કે સંકલ્પતત્વ (will) એ જ આત્માનું સવોપરી તત્વ છે. આમ મધ્યકાલીન ખ્રિસ્તી ચિંતનમાં તર્કબુદ્ધિ (reason) ઉપરાંત સંકલ્પતત્વને આત્માના સ્વરૂપમાં મહત્વનું સ્થાન મળ્યું હતું.
આત્માના વિભાગો કે સ્તરોનો વિચાર કરવાને બદલે આધુનિક તત્વચિંતનમાં આત્મા દ્રવ્ય છે અને વિચાર એ તેનો આવશ્યક ગુણ કે સત્વ (essence) છે તેવું પ્રતિપાદન કરનાર ડેકાર્ટે આત્માના સ્વરૂપની દ્રવ્ય (substance) કે અધિષ્ઠાન(substratum)ના સંદર્ભમાં વિચારણા રજૂ કરી છે. જોકે અત્યંત ઉગ્ર અનુભવવાદી (empiricist) હ્યૂમે તો આત્મા કે ભૌતિક પદાર્થ(matter)નો દ્રવ્ય કે અધિષ્ઠાન તરીકે અસ્વીકાર કર્યો છે. તેમની ર્દષ્ટિએ સ્વતત્વ (self) અનુભવોની હારમાળાથી વિશેષ કશું નથી.
ઓગણીસમી સદીમાં હેગલે વસ્તુનિષ્ઠ વિજ્ઞાનવાદ (objective idealism) રજૂ કર્યો. તેમાં પરમતત્વને અથવા સદવસ્તુ(reality)ને તર્કબુદ્ધિ (reason) અથવા વિચારતત્વ (idea) તરીકે ગણાવીને તેમણે એ સ્પષ્ટ કર્યું કે પ્રકૃતિ અને મનુષ્ય-ચેતના એ પ્રક્રિયારૂપ કે ગત્યાત્મક એવા નિરપેક્ષ (absolute) તત્વના જ આવિષ્કારો છે. આધ્યાત્મિક તત્વ(spirit)નું સત્ત્વ સ્વાતંત્ર્ય કે મુક્તિ (freedom) છે તેમ હેગલે દર્શાવ્યું છે. નિરપેક્ષ તત્વ એ વિષયીરૂપ આત્મતત્વ (subjective spirit) અને વિષયરૂપ આત્મતત્વ(objective spirit)નું એકત્વ છે, તેવું હેગલે સ્પષ્ટ કર્યું છે.
વીસમી સદીના તત્વચિંતનમાં તાર્કિક પ્રત્યક્ષવાદ, અસ્તિત્વવાદ, વ્યવહારવાદ (pragmatism) કે પ્રતિભાસમીમાંસા (pheno menology) જેવા તત્વચિંતનના અભિગમોમાં આત્મા દ્રવ્યરૂપ છે કે કેમ, તે અમર છે કે કેમ તેવા પ્રશ્નોને કોઈ જાતનું મહત્વ આપવામાં આવ્યું નથી. તાર્કિક પ્રત્યક્ષવાદીઓ તો આવા પ્રશ્નોને અર્થહીન ગણે છે. અસ્તિત્વવાદ કે વ્યવહારવાદ મનુષ્યકેન્દ્રી વિચારણા છે, આત્મકેન્દ્રી નહિ. પ્રતિભાસમીમાંસામાં હુર્સેલના અભિગમમાં પણ વિષયી(subject)નો ખ્યાલ મહત્વનો છે. દ્રવ્ય (substance) તરીકે આત્માનો ખ્યાલ મહત્વનો નથી. પ્રારંભિક ગ્રીક કે મધ્યકાલીન ખ્રિસ્તી પરંપરા ઉપરાંત ડેકાર્ટથી કાન્ટ સુધી આત્મા અંગે જે જાતના પ્રશ્નોની જે રીતે વિચારણા થતી હતી તે રીતે વીસમી સદીમાં આત્મા અંગે વિચારણા થઈ નથી. માર્કસવાદી ‘ડાયાલૅક્ટિકલ’ ભૌતિકવાદમાં આત્માના અભૌતિક સ્વરૂપની કે તેની અમરતાની ચર્ચાને કોઈ સ્થાન ન હોય તે સમજી શકાય છે. કારણ કે મનુષ્ય વિશેના માર્કસવાદી ચિંતનમાં આધારવિધાનો જ પરંપરાગત વિચારવાદી (idealist) ચિંતન કરતાં જુદાં છે.
આત્મા અને શરીરનો સંબંધ : પ્લૅટો દ્વૈતવાદી હતા તેવી જ રીતે ડેકાર્ટે પણ દ્વૈતવાદ (dualism) સ્વીકાર્યો હતો. દ્વૈતવાદ મુજબ આત્મા અને શરીર નિરપેક્ષ રીતે ભિન્ન તત્વો છે. સંત ઑગસ્ટાઇન મુજબ મનુષ્ય એ કેવળ શરીર કે કેવળ આત્મા નથી. આત્મા એ સમગ્ર મનુષ્ય નથી પરંતુ મનુષ્યનો ઉત્તમ ભાગ છે. તેવી રીતે શરીર સમગ્ર મનુષ્ય નથી પણ મનુષ્યનો એ કનિષ્ઠ ભાગ છે. મનુષ્ય એટલે આત્મા અને શરીરનું સંયોજન. ઑગસ્ટાઇને એમ પણ દર્શાવ્યું છે કે આત્મા અને શરીરનું કઈ રીતે સંયોજન થાય છે તે મનુષ્યની સમજણની મર્યાદામાં ઉકેલી શકાય તેવો પ્રશ્ન નથી.
પ્લૅટો અને ઑગસ્ટાઇન કે ડેકાર્ટના દ્વૈતવાદની સરખામણીમાં ઍરિસ્ટોટલ, સ્પિનોઝા કે લાયબ્નિઝનો અભિગમ તદ્દન જુદો પડે છે. ઍરિસ્ટોટલ મુજબ આત્મા રૂપ છે, શરીર તેનું ઉપાદાન છે. રૂપ અને ઉપાદાન અવિભાજ્ય છે, તેથી શરીરથી અલગ આત્માનું અસ્તિત્વ નથી. ઍરિસ્ટોટલ મુજબ આત્મા અને શરીર એમ બે દ્રવ્યો નથી, પણ કોઈ પણ દ્રવ્ય, રૂપ અને ઉપાદાન બંનેનું સંયોજન છે. સ્પિનોઝાની દૃષ્ટિએ દ્રવ્ય (substance) એક જ પરમતત્વ કે સદવસ્તુ (reality) છે. તેના અનંત ગુણધર્મોમાંથી મનુષ્યબુદ્ધિ જેને ગ્રહણ કરી શકે તેવા બે જ ગુણધર્મો છે : વિચાર અને વિસ્તાર. મનુષ્યનું મન અને શરીર એ તો વિચાર અને વિસ્તાર એ બે ગુણધર્મો હેઠળ સમાવેશ પામતા દ્રવ્યના પર્યાયો (modes) જ છે. જર્મન ફિલસૂફ લાયબ્નિઝ મુજબ આપણે જેને ભૌતિક દ્રવ્ય ગણીએ છીએ તે અંતિમ દૃષ્ટિએ વિસ્તારવિહીન શક્તિકેન્દ્રોનો એક સમૂહ છે. ચિદણુઓ (monads) આવાં કેન્દ્રો છે. ચિદણુઓના વિકાસની શ્રેણીમાં જે સહુથી નીચે છે તેને આપણે અભાન ભૌતિક દ્રવ્ય ગણીએ છીએ, જ્યારે વિકાસની દૃષ્ટિએ જે ઉચ્ચતર છે તેને આપણે આત્મા કહીએ છીએ.
આત્મા (મન) શરીરસંબંધની વિચારણામાં આ રીતે ડેકાર્ટે બે સ્વતંત્ર પરંતુ આંતરક્રિયા કરતાં દ્રવ્યો સ્વીકાર્યાં; જ્યારે સ્પિનોઝાના મન-શરીર સમાંતરવાદ (parallelism) મુજબ માનસિક અને શારીરિક પ્રક્રિયાઓ પરસ્પર સ્વતંત્ર પરંતુ સહસંબંધિત છે. લાયબ્નિઝે તો પૂર્વપ્રસ્થાપિત સંવાદિતા(pre-established harmony)ના સિદ્ધાંત મુજબ ચિદણુઓ વચ્ચેના સંબંધો સમજાવ્યા છે. બર્ટ્રાંન્ડ રસેલે વીસમી સદીના પ્રારંભમાં એવો મત રજૂ કર્યો કે એક જ સદવસ્તુ (reality) છે અને માનસિક તેમજ શારીરિક પ્રક્રિયાઓ તો તે તટસ્થ તત્વનાં કાર્યો (functions) છે. આમ, આત્મા અને શરીરના સંબંધનો પ્રશ્ન આધ્યાત્મિક એકતત્વવાદ (idealistic monism), કે બહુતત્વવાદ, ભૌતિક એકતત્વવાદ (materialist monism), દ્વૈતવાદ (dualism) અને તટસ્થ એકતત્વવાદ(neutral monism)માં જુદી જુદી રીતે વિચારવામાં આવ્યો છે. કેવળ ભૌતિક તત્વને દ્રવ્ય માનનારા, કેવળ આત્માને દ્રવ્ય માનનારા કે બંનેને સ્વતંત્ર તત્વો માનનારા એમ દરેક પ્રકારના અભિગમમાં મન-શરીરના સંબંધની સમસ્યા પડકારરૂપ બની ગઈ છે અને તેને ઉકેલવા જે કાંઈ સૂચનો થયાં છે તેને વિશે ફરી પાછો વિવાદ શરૂ થયો છે તેથી જ જૉન લૉકે કહ્યું કે આત્મા-શરીરના સંબંધનો વિચાર પોતે જ્યારે કરે છે ત્યારે પોતે સમુદ્રના ઊંડા પાણીમાં ફસાઈ ગયા હોય તેવો અનુભવ થાય છે.
આત્મા અંગેનું જ્ઞાન : સંત ઑગસ્ટાઇન મુજબ આત્માનું જ્ઞાન અંતર્નિરીક્ષણમાંથી મળે છે અને આત્માને જાણવો એટલે ઈશ્વરમાંથી મળતા દિવ્યપ્રકાશને જાણવો. દરેક વ્યક્તિને પોતાના સંકલ્પસ્વાતંત્ર્ય- (freedom of the will)ની સાક્ષાત્ અવ્યવહિત પ્રતીતિ છે તેવું તેમણે દર્શાવ્યું. ડન્સ સ્કૉટ્સે પણ એમ દર્શાવ્યું કે વ્યક્તિને પોતાના આત્માનું સીધું, અવ્યવહિત (immediate) જ્ઞાન થાય છે. સંત એક્વાઇનાસે જોકે ઍરિસ્ટોટલને અનુસરીને એમ સ્વીકાર્યું છે કે મનુષ્ય પોતાને જે સંવેદનો થાય છે તેનું જ અવ્યવહિત (immediate) જ્ઞાન ધરાવી શકે તેથી આત્મજ્ઞાન તેમની દૃષ્ટિએ વ્યવહિત (mediate) જ્ઞાન છે. ડેકાર્ટ મુજબ મનુષ્યને પોતાના સ્વતત્વ(self)નું નિશ્ચિત, અવ્યવહિત, સ્પષ્ટ અને લાક્ષણિક રીતે ભિન્ન એવું ચોક્કસ જ્ઞાન પ્રાપ્ત થાય છે તેની સરખામણીમાં સંવેદનપ્રાપ્ત બાહ્યપદાર્થોનું જ્ઞાન ઓછું નિશ્ચિત છે અને તે શંકામુક્ત નથી. અનુભવવાદી જૉન લૉકની દૃષ્ટિએ પણ સ્વતત્વ- (self)નું આપણું જ્ઞાન અંત:પ્રત્યક્ષજન્ય (intuitive) છે. કાન્ટની દૃષ્ટિએ જે આત્માના અસ્તિત્વને તર્ક દ્વારા પ્રસ્થાપિત કરવાનો દાવો કરે છે તે તર્કાશ્રિત મનોવિજ્ઞાન (rational psychology) અસ્વીકાર્ય છે. જોકે નૈતિક ક્ષેત્રે કાન્ટ આત્માની સંકલ્પનાનો સ્વીકાર કરે છે પણ બૌદ્ધિક ક્ષેત્રે તેને તર્કપ્રતિષ્ઠિત ગણવા તૈયાર નથી. આત્માનું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે કે અનુમાનથી થાય છે તેવો પ્રશ્ન હવે વીસમી સદીના તત્વજ્ઞાનમાં ચર્ચાતો નથી. અંતર્નિરીક્ષણથી વ્યક્તિને ડેકાર્ટે કહ્યું હતું તેવું સ્વતત્વ(self)નું અવ્યવહિત જ્ઞાન થાય છે તેવો મત પણ હવે સ્વીકાર્ય રહ્યો નથી.
‘હું’ (I) શબ્દ દ્વારા આત્મા નામનો પદાર્થ કે તત્વ અનિવાર્ય રીતે નિર્દેશાય છે, તેવું માનવા માટે વીસમી સદીના મોટાભાગના પશ્ચિમના ફિલસૂફો તૈયાર નથી અને એ બધા ફિલસૂફો ભૌતિકવાદી જ છે તેવું પણ નથી.
આત્માની અમરતા : પ્લૅટોએ આત્માના ત્રણ વિભાગમાંથી તર્કબુદ્ધિયુક્ત આત્મા અમર છે અને બાકીના આત્માના વિભાગો નાશવંત છે તેવું દર્શાવ્યું છે. ઍરિસ્ટોટલે નિષ્ક્રિય અને સક્રિય બુદ્ધિતત્વનો ભેદ પાડીને એમ દર્શાવ્યું કે સક્રિય બુદ્ધિતત્વ (active intellect) દૈવી છે અને અવિનાશી છે; જોકે ઍરિસ્ટોટલ આત્માની વ્યક્તિગત અમરતા(personal immortality)નો સ્વીકાર કરતા નથી. તેમની દૃષ્ટિએ સક્રિય બુદ્ધિતત્વ અનાદિ, અનંત અને અપરિણામી છે. સંત એક્વાઇનાસે પણ સક્રિય અને નિષ્ક્રિય બુદ્ધિનો ઍરિસ્ટોટલે દર્શાવેલો ભેદ સ્વીકાર્યો છે, પરંતુ એક્વાઇનાસે પ્રાણીઓનો આત્મા મરણશીલ છે અને મનુષ્યનો આત્મા અમર છે તેવું સ્પષ્ટ રીતે દર્શાવ્યું છે. એવેરોઝે (Averroes; Ibn Rushd) ઍરિસ્ટોટલની જેમ સ્પષ્ટ કર્યું કે આત્મા અમર નથી, પણ મનુષ્યનું સક્રિય બુદ્ધિતત્વ અમર છે. ખ્રિસ્તી ફિલસૂફોને આ અભિગમ સ્વીકાર્ય નથી. કાન્ટે વ્યક્તિગત અમરતાનો નૈતિક ક્ષેત્રે સ્વીકાર કર્યો છે.
ઉપસંહાર : પશ્ચિમી તત્વજ્ઞાનમાં આત્માના સ્વરૂપની વિચારણામાં બુદ્ધિતત્વ, વિચારતત્વ કે તાર્કિકતાને આત્માના સર્વશ્રેષ્ઠ તત્વ તરીકે ઘટાવવાનું લાક્ષણિક વલણ જણાય છે. આત્માની દેહવિમુક્ત અવસ્થામાં પણ તે બુદ્ધિતત્વને લીધે દૈવી છે તેવો અભિગમ પણ જોવા મળે છે. મુખ્યત્વે આ ગ્રીક અભિગમ છ ખ્રિસ્તી સંતોએ પણ તર્કબુદ્ધિ તેમજ સંકલ્પતત્વને આત્માના સ્વરૂપની વિચારણામાં મહત્વનું સ્થાન આપ્યું છે. આધુનિક યુગના ફિલસૂફોએ દ્રવ્ય-ગુણપર્યાયની પરિભાષામાં આત્માનું સ્વરૂપ સમજાવ્યું છે અને આત્માના સ્વરૂપની ચર્ચા બાહ્ય ભૌતિક પદાર્થના અસ્તિત્વ અને તેના જ્ઞાનની શક્યતાના સંદર્ભમાં જ આધુનિક તત્વજ્ઞાનમાં વધુ વિકસી છે. આત્મા શરીરથી સ્વતંત્ર એવો પદાર્થ છે તેવું ન સ્વીકારનાર ચિંતકોએ પણ આત્મા કે સ્વતત્વને વિશે કેવળ ભૌતિકવાદી અભિગમ જ રજૂ કર્યો છે તેવું નથી. દા.ત., ઍરિસ્ટોટલ, સ્પિનોઝા કે કાન્ટ જેવા ફિલસૂફો દ્વૈતવાદી કે સ્પષ્ટ રીતે ભૌતિકવાદી પણ નથી. વીસમી સદીના ચિંતનમાં વિચારવાદી (idealist) કે ભૌતિકવાદી (materialist) ન હોય તેવા ઘણા ચિંતકો આત્મા-શરીરના સંબંધની ચર્ચા કરવાને બદલે મન-શરીરના સંબંધની ચર્ચા કરે છે. આ અંગે કેટલાક તાત્વિક વર્તનવાદ (philosophical behaviourism) સ્વીકારે છે. આ અભિગમ મુજબ અન્ય વ્યક્તિના માનસિક વ્યાપારોનું જ્ઞાન તેના સહવર્તી શારીરિક વર્તનોના અવલોકન ઉપરથી અનુમાનો દ્વારા જ સ્થાપી શકાય છે. કેટલાક સમકાલીન ભૌતિકવાદીઓમાં ઘણા બિનમાર્કસવાદી ભૌતિકવાદીઓ છે. તેમાંના ઑસ્ટ્રેલિયન ભૌતિકવાદીઓ (જેવા કે સ્માર્ટ, આર્મસ્ટ્રૉંગ વગેરે) એમ માને છે કે માનસિક ક્રિયાઓ તો આખરે મગજની જ ક્રિયાઓ છે, એટલે કે તેઓ માનસિક વ્યાપારો અને મગજના વ્યાપારો વચ્ચે હકીકતલક્ષી તાદાત્મ્ય કલ્પે છે. ભૌતિકવાદી ન હોય અને અધ્યાત્મવાદી ન હોય તેવા ઘણા સમકાલીન ફિલસૂફો મનુષ્યની ચેતનાનો અલગ વિચાર કરવાને બદલે મનુષ્યને વ્યક્તિ (person) તરીકે વિચારે છે અને તેને વિશે શારીરિક અને માનસિક બંને પ્રકારનાં વિધેયો (predicates) પ્રયોજી શકાય તેમ માને છે.
નગીનભાઈ જીવણલાલ શાહ
ચીમનલાલ વલ્લભરામ રાવળ
મનસુખ જોશી
વસંત પરીખ
ફાધર વિલિયમ
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી