આણદાબાવા સેવા સંસ્થાન : ગરીબો અને અનાથોની સેવા કરનારી જામનગરની જૂનામાં જૂની સંસ્થા. તેની સ્થાપના આણદાબાવા નામના સંતે ઈ. સ. 1691માં કરી હતી. મૂળમાં સૌરાષ્ટ્રમાં ધોરાજીના સોની જ્ઞાતિમાં થયેલા આણદાજીને નાનપણથી દરિદ્રોની સેવા કરવાની લગની લાગી હતી. ઉરમાં વૈરાગ્ય વધતાં તેઓ ઘર છોડીને હરસિદ્ધ-માતાના સ્થાનકમાં જઈ આત્મચિંતન કરતા રહ્યા. કોઈ મહાત્માની કૃપાથી તેમને દરિદ્રનારાયણની સેવામાં ‘જીવનકુંચી’ મળી જતાં જામનગર જઈ વસ્યા અને ત્યાં સોનીકામ કરતાં કરતાં જે પૈસા મળે તેમાંથી ગરીબોને શેકેલા ચણા આપવાનું સદાવ્રત માંડ્યું. ધીમે ધીમે જામનગરના સાચા સંત તરીકે તેમની ખ્યાતિ વધવા માંડી. તેમણે શરૂ કરેલ સદાવ્રતમાં સહુ સાથ આપવા લાગ્યા. જામસાહેબે પણ પોતાના રાજ્યમાં એને માટે ‘માણાં-માપાં’ (લાગા) બાંધી આપ્યાં. આણદાબાવાએ શરૂ કરેલ આ પરોપકારપ્રવૃત્તિનો થોડા સમયમાં એક સંસ્થારૂપે વિકાસ થયો. જામનગરના બીજા નાગરિકોને પણ તેની પરોપકારપ્રવૃત્તિનો લાભ મળવા લાગ્યો. આ સદાવ્રતની જગ્યા આણદાબાવા ચકલાને નામે ઓળખાય છે. અહીં આજે પણ રોજ સરેરાશ 75 જેટલા યાત્રિકો, સાધુઓ તેમજ ભિક્ષુકોને નાતજાતના ભેદભાવ સિવાય ભરપેટ ભોજન અપાય છે. 1885માં જામ રણમલજીએ આ સંસ્થા માટે ધોળીવાવ મુકામે એક ભવન કરાવી આપ્યું, જે અત્યારે સેનેટોરિયમ (આરોગ્યભવન) તરીકે વપરાય છે.
અત્યારે આ સંસ્થા જામનગર શહેરથી સાતેક કિમી. દૂર છે અને તે ખૂબ મોટો વિસ્તાર ધરાવે છે. ‘શ્રી રામરક્ષિત આનંદ આરોગ્ય ભવન’ નામે ઓળખાતા આ સંકુલમાં 1888માં પાઠશાળા, પ્રાર્થનાખંડ અને ભોજનાલય ઉમેરવામાં આવ્યાં છે. છપ્પનિયા દુકાળ (ઈ.સ. 1900)માં જામનગરમાં આણદાબાવા અનાથાશ્રય ખોલવામાં આવ્યું. એ વખતે તેમાં 250 જેટલાં બિલકુલ અનાથ બની ગયેલાં બાળકોને આશ્રય આપવામાં આવ્યો. આજે આનાથાલયમાં વ્યાયામશાળા, ગ્રંથાલય અને વાચનાલયની સુવિધા પણ છે અને અહીં સરેરાશ 75 જેટલા અનાથાશ્રમવાસીઓ રહે છે. તેમને નિયમિત શિક્ષણ તથા વ્યવસાયલક્ષી તાલીમ અપાય છે અને તેઓ પગભર થાય ત્યાં સુધી તેમની પૂરી સાર-સંભાળ લેવાય છે. અનાથાલયમાં રહેતી કન્યાઓનાં લગ્નનો બધો ખર્ચ પણ સંસ્થા ભોગવે છે.
સંસ્થા દ્વારા 1930માં ‘રામરક્ષિત આનંદગુરુ દુષ્કાળ રાહત ફંડ’ની સ્થાપના કરવામાં આવી છે અને તેના દ્વારા કુદરતી આફતોનો ભોગ બનેલાઓને આવશ્યક સહાય કરવામાં આવે છે.
આ સંસ્થા તરફથી જામનગરમાં મફત ઔષધાલય, શારદામંદિર નામે માધ્યમિક શાળા, તેમજ સંસ્કૃત પાઠશાળા; દ્વારકામાં યાત્રિકો માટેનું વિશ્રાંતિગૃહ અને કાશી(બનારસ)માં વિદ્યાર્થીઓ માટે છાત્રાલય ચલાવવામાં આવે છે. હાલમાં આ સંસ્થાનું મહંતપદ શોભાવતા શ્રી દેવીપ્રસાદજી અને તેમના પુરોગામી મહંત શ્રી શાંતિપ્રસાદજીએ સંસ્થાના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે.
પ્રવીણચંદ્ર પરીખ