આઠવલે, પાંડુરંગ વૈજનાથ (જ. 19 ઑક્ટોબર 1920, રોહા, મહારાષ્ટ્ર, અ. 25 ઑક્ટોબર 2003, મુંબઈ, મહારાષ્ટ્ર) : આધુનિક ભારતના વેદશાસ્ત્રસંપન્ન દાર્શનિક અને ચિંતક. તેમણે ભારતીય તથા પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને સમાજશાસ્ત્રનો તુલનાત્મક તથા તલસ્પર્શી અભ્યાસ કર્યો છે. મુંબઈમાં વર્ષોથી ઉપનિષદ તથા ગીતા પર શ્રીમદ્ ભગવદગીતા પાઠશાળામાં તેઓ નિયમિત પ્રવચનો કરે છે અને તે દ્વારા વિચારક્રાંતિનું સર્જન કરે છે. 1954માં જાપાનમાં યોજાયેલ વિશ્વના દાર્શનિકોની સભામાં ‘ભક્તિ સામાજિક બળ છે’ એ વિષય પર તેમણે તાત્વિક નિરૂપણ કર્યું હતું. તેનું પ્રબળ આંદોલન ભારતમાં જગાડવા માટે તેમણે વિવિધ પ્રયોગો આદર્યા છે. યુવાનોને સ્વત્વની અભિજ્ઞા થાય અને તેઓ વૈદિક સંસ્કૃતિનું શિક્ષણ વિનામૂલ્ય લઈ શકે તે હેતુથી 1956માં ઠાણે (મહારાષ્ટ્ર) ખાતે તત્વજ્ઞાન વિદ્યાપીઠની તેમણે સ્થાપના કરી, ઉપરાંત, જ્ઞાનવિસ્તારક સંઘ ટ્રસ્ટ દ્વારા સમાજના વિવિધ સ્તરે સાંસ્કૃતિક શિક્ષણ આપવાની પ્રવૃત્તિઓ તેમણે આદરી છે. ઋષિકૃષિ સંસ્થા તરીકે ઓળખાતી શિક્ષણસંસ્થાઓ દ્વારા ગૃહઉદ્યોગોના શિક્ષણ સાથે સંકળાયેલી ઋષિ-સંસ્કૃતિ અને કૃષિવિદ્યાના સમન્વયરૂપ શિક્ષણ આપવાનો પ્રયોગ તેમણે શરૂ કર્યો છે. સંસ્કૃતિ-વિસ્તારક સંઘ ટ્રસ્ટ દ્વારા મૂર્તિપૂજા, એકાદશી, યજ્ઞ વગેરે વ્રતતપનાં સંસ્કારસાધનોને પુનર્જીવિત કરવાના પ્રયત્નો તેઓ કરી રહ્યા છે. 1982માં પશ્ચિમ જર્મનીમાં સેન્ટ નિકોલ્સની પંચશતાબ્દી પ્રસંગે તેમણે અતિથિવિશેષ તરીકે હાજરી આપી હતી. તેમની નિશ્રામાં ‘તત્વજ્ઞાન’, ‘ભાવસૌરભ’ અને ‘જીવનપ્રજ્ઞા’ નામથી કેટલીક સંસ્થાઓ ચાલે છે; જેના દ્વારા જરૂરિયાતમંદ લોકોને આવક-ઉપાર્જનની તાલીમ પૂરી પાડવામાં આવે છે. ‘વિનય અધિગમ’ સંસ્થા દ્વારા છોકરીઓને સંગીત અને ચિત્રકામની તાલીમ આપવામાં આવે છે. ‘વૃક્ષમંદિર’ નામથી ચાલતી પ્રવૃત્તિઓ હેઠળ ગ્રામીણ લોકોને વૃક્ષારોપણ તથા વનવિસ્તરણની તાલીમ આપવામાં આવે છે. આ પ્રવૃત્તિ હેઠળ મહારાષ્ટ્રમાં અનેક ઠેકાણે બગીચાઓ તથા વાડીઓ ઊભી કરવામાં આવી છે. આ બગીચાઓ અને વાડીઓમાંનાં વૃક્ષોની સારસંભાળ ગ્રામજનો પોતે કરતા હોય છે. કોળીઓને હોડીઓ બનાવવાની તાલીમ પણ અપાય છે.
એમની પ્રેરણાથી દેશવિદેશમાં હજારોની સભ્યસંખ્યા ધરાવતાં સાપ્તાહિક સ્વાધ્યાયકેન્દ્રો, બાલ-સંસ્કારકેન્દ્રો, મહિલા સ્વાધ્યાયકેન્દ્રો, યુવાકેન્દ્રો જેવા સંગઠિત એકમો દ્વારા સાંસ્કૃતિક જાગૃતિના પ્રયાસો થઈ રહ્યા છે.
સદવિચારદર્શન ટ્રસ્ટ દ્વારા વિવિધ ભાષાઓમાં તેમનાં ત્રીસથી વધુ પુસ્તકો પ્રકાશિત થયેલાં છે, જે મુખ્યત્વે તેમનાં પ્રવચનો પર આધારિત છે. તેમાં ‘ગીતામૃતમ્’, ‘શ્રીકૃષ્ણજીવનદર્શન’, ‘વાલ્મીકિ-રામાયણદર્શન’ તથા ‘સંસ્કૃતિ-ચિંતન’ મુખ્ય છે. ‘જીવનભાવના’ શીર્ષક હેઠળ સંસ્કૃતના શ્લોકોને લગતું તેમનું પુસ્તક બાળકોમાં ખૂબ પ્રચલિત બન્યું છે.
આઠવલે શાસ્ત્રીજીને ‘મૅગસેસે ઍવૉર્ડ’ ઉપરાંત 1997માં ‘ટેમ્પલટન ઍવૉર્ડ’ તથા ભારત સરકાર દ્વારા ‘પદ્મભૂષણ’ની ઉપાધિ એનાયત કરવામાં આવી છે. માનવસેવા માટેના વિશ્વવિખ્યાત ‘ટેમ્પલટન ઍવૉર્ડ’ હેઠળ તેમને રૂ. 4.32 કરોડ જેટલી રકમ પારિતોષિક રૂપે આપવામાં આવી હતી. તેમના બહોળા ભક્ત તથા અનુયાયી વર્ગમાં તેઓ પાંડુરંગશાસ્ત્રી નામથી વધુ ઓળખાય છે.
પ્રફુલ્લભાઈ ઠક્કર