આટરુપ્પડૈ : તમિળ કવિતાપ્રકાર. શાબ્દિક અર્થ છે માર્ગ-નિર્દેશક કવિતાઓ. સંઘકાલીન પત્તુપ્પાટ્ટુ(10 દીર્ઘ કાવ્યો)માં 5 આટરુપ્પડૈ છે. એમાં કોઈ દાનવીર આશ્રયદાતા પાસેથી પુરસ્કાર મેળવી ઘરે પાછો ફરતો કલાકાર પોતાના કોઈ નિર્ધન મિત્રના મળવાથી તેને તે આશ્રયદાતા સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે. તેને લાગે છે કે આશ્રયદાતાની રાજધાની સુધી પહોંચાડનારા માર્ગનો દરેક પદાર્થ તેનો આદરસત્કાર કરે છે. તેથી તેનું વર્ણન તે જ રૂપમાં કરે છે. કવિ અથવા કલાકારને સંપૂર્ણ સૃષ્ટિમાં દાનવીર તેમજ ઉદાર આશ્રયદાતાની ઝલક દેખાય છે. આ કૃતિમાં કવિ રાજા કે સામંતની ઉદારતાનું વર્ણન કરવા માટે 5 તિણૈ(ભૂભાગ)નું વર્ણન કરે છે. કવિતાના અંતમાં નગરનું સૌંદર્ય, આશ્રયદાતાનો અપૂર્વ પ્રેમ, રાજમહેલમાં આયોજિત પ્રીતિભોજન, આશ્રયદાતા દ્વારા કલાકારનું સ્વાગત, તેને અપાયેલ વિવિધ ભેટો અને અંતિમ વિદાયનું વર્ણન આવે છે.

કે. એ. જમના