આઝાદ, ચન્દ્રશેખર (જ. 23 જુલાઈ 1906, અલિરાજપુર, મધ્યપ્રદેશ; અ. 27 ફેબ્રુઆરી 1931, અલ્લાહાબાદ) : ભરજુવાનીમાં શહીદ થનાર ચન્દ્રશેખર મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના એક નાના ગામમાં જન્મ્યા હતા. અત્યંત ગરીબીમાં જીવતા તેમના પિતા ચોકીદારની નોકરી કરતા અને વાંસ તથા માટીના બનાવેલા ઝૂંપડામાં વસતા હતા. 14 વર્ષની વયે તેઓ વારાણસીની સંસ્કૃત પાઠશાળામાં વિદ્યાર્થી તરીકે જોડાયેલા. આજીવન અપરિણીત રહેનાર ચન્દ્રશેખરને ગાંધીજીના રાષ્ટ્રીય આંદોલનનો નાદ લાગતાં તેમણે તેમાં ઝંપલાવ્યું. પોલીસના હાથે પકડાયા ત્યારે તેમની ઉંમર એટલી નાની હતી કે હાથકડી મોટી પડી હતી ! દયાહીન પોલીસે તેમને ચાબખાની સજા કરી, જે તેમણે હસતે મોંએ સહન કરી. ગિરફતાર થતાં પોતે ‘આઝાદ’, પિતા ‘સ્વતંત્ર’ અને સરનામું ‘કેદખાનું’ એમ ઓળખ આપેલી.
આ પછીના દિવસોમાં તેઓ હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન લશ્કરમાં જોડાયા અને ઉપરાઉપરી રચાતાં ક્રાન્તિકારોનાં ષડયંત્રોમાં ભાગીદાર બન્યા. કાકોરીનું ષડયંત્ર (1926), વાઇસરૉયની ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર, ધારાસભામાં બૉમ્બ ફેંકવાનો બનાવ, દિલ્હીનું કાવતરું, લાહોર ખાતે સૉન્ડર્સ ઉપરનો હુમલો અને લાહોરનું બીજું કાવતરું તેમાં મુખ્ય હતા.
1931માં અલ્લાહાબાદના આલ્ફ્રેડ પાર્કમાં જ્યારે તેમને પોલીસે ઘેરી લીધા ત્યારે તેમણે આત્મહત્યાનો આશરો લીધો. તેમની શહીદીના 24 દિવસ બાદ ભગતસિંઘને ફાંસી દેવામાં આવી હતી (માર્ચ 23, 1931). ચન્દ્રશેખર આઝાદના ક્રાન્તિકારી નેતૃત્વથી ભગતસિંઘ, રાજગુરુ, સુખદેવ, ભગવતીચરણ, શાલિગ્રામ શુક્લ ઉપરાંત બટુકેશ્વર દત્ત, વિજયકુમાર સિંહા અને અન્ય યુવાનો પ્રભાવિત થયા હતા.
દેવવ્રત પાઠક