આઝાદ, અવતારસિંઘ (જ. ડિસેમ્બર 1906; અ. 31 મે 1972) : પંજાબી કવિ. વ્યવસાયે પત્રકાર. સ્વાતંત્ર્ય આંદોલનમાં ભાગ લેવા બદલ તેમણે બ્રિટિશ જેલોમાં સજા ભોગવેલી. તેમણે કાવ્યોના કુલ 10 સંગ્રહો (‘વિશ્વવેદના’ – 1941, ‘સોન સવેરા’ – 1945, ‘સોન શીખરાન’ – 1958) આપ્યા છે. ઉમર ખય્યામના ‘ખૈયામ ખુમારી’, ગુરુ ગોવિંદસિંહના ‘ઝફરનામા’ અને કાલિદાસના ‘મેઘદૂત’નું પંજાબીમાં ભાષાંતર કર્યું છે. પોતાનાં 4 મહાકાવ્યો ‘મરદ અગમદા’, ‘વિશ્ર્વનૂર’, ‘મહાબલિ’ અને ‘રાતકા કૂંગુ’ (જે અનુક્રમે ગુરુ ગોવિંદસિંહ, ગુરુ નાનક, મહારાજા રણજિતસિંહ અને પંજાબ વિશે છે) દ્વારા પંજાબી સાહિત્યમાં તેમણે કાયમનું સ્થાન મેળવ્યું છે. વ્યક્તિચિત્રણમાં તેમનું વલણ મુખ્યત્વે માનવતાવાદી અને રાષ્ટ્રવાદી રહ્યું છે. આ મહાકાવ્યોને શિષ્ટમાન્ય કૃતિઓની કક્ષાએ મૂકે તેવું તેમનું કવિત્વ છે.
ગુરુબક્ષસિંહ