આઝાદ, અબુલ કલામ (મૌલાના)

February, 2001

આઝાદ, અબુલ કલામ (મૌલાના) (જ. 11 નવેમ્બર 1888, મક્કા, સાઉદી અરેબિયા; અ. 22 ફેબ્રુઆરી 1958, દિલ્હી) : ભારતના સ્વાતંત્ર્યસંગ્રામ વેળાના સર્વોચ્ચ રાષ્ટ્રવાદી મુસ્લિમ, કૉંગ્રેસનેતા તથા પ્રમુખ; પ્રખર વિદ્વાન તથા સ્વતંત્ર ભારતના પહેલા શિક્ષણપ્રધાન. મૌલાના ખૈરુદ્દીન અને આરબ માતા અલિયાના બીજા દીકરા મોહિયુદ્દીન એહમદે પોતાને માટે ‘અબુલ કલામ આઝાદ’નું બિરુદ રાખ્યું હતું. માતાની સાથે અરબીમાં વાત કરનાર આઝાદે શાળા, કૉલેજ ગયા સિવાય પિતા પાસેથી ધાર્મિક શિક્ષણ તથા પોતાની મેળે અંગ્રેજી શિક્ષણ મેળવ્યું હતું.

અબુલ કલામ આઝાદ

યુરોપ અને પશ્ચિમ એશિયામાં ઇરાક, ઇજિપ્ત, સીરિયા અને તુર્કીની મુસાફરી પછી પરંપરાગ્રસ્ત ઇસ્લામમાંથી તેમની શ્રદ્ધા ડગી ગઈ હતી અને તેઓ ચમત્કારની સાથે પ્રમાણનું મૂલ્ય સમજ્યા હતા.

1912માં કલકત્તામાં ‘અલ હિલાલ’ નામે ઉર્દૂ અઠવાડિક શરૂ કરીને તેમણે પ્રગતિશીલ વિચારોનું પ્રતિપાદન કરેલું. બ્રિટન તરફ વફાદારી દાખવનારા મુસ્લિમોની અને તેમની પ્રત્યેની બ્રિટનની કડક નીતિની તેમણે ટીકા કરેલી, તેથી બ્રિટિશ સરકારે તે પત્રના માલિક તરીકે તેમની પાસેથી રૂપિયા બે હજારની જામીનની અને પછીથી દસ હજારના જામીનની માગણી કરી હતી. 1914માં ‘અલ હિલાલ’ બંધ કરીને 1915માં ‘અલ બલાધ’ નામનું અઠવાડિક શરૂ કર્યું; પણ સરકારે તેની ઉપર બંધી ફરમાવી અને આઝાદને કલકત્તા છોડવાની ફરજ પાડી. આ પછી પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને મુંબઈ પ્રાંતમાં પણ તેમને માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી. છેવટે તેમની ગિરફતારી કરવામાં આવી. 1920થી 1945 દરમિયાન તેમણે અનેક વાર કારાવાસ વેઠ્યો હતો.

1920માં તેઓ અખિલ ભારત ખિલાફત કમિટીના, 1924માં એકતા પરિષદના અને 1928માં રાષ્ટ્રીય મુસ્લિમ પરિષદના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. 1923માં પાંત્રીસ વર્ષની ઉંમરે તેઓ કૉંગ્રેસના પ્રમુખ ચૂંટાયા અને 1940થી 1946નાં નિર્ણાયક વર્ષોમાં પણ તેઓ તેના પ્રમુખ રહ્યા હતા. ‘હિંદ છોડો’ ચળવળ તથા કૅબિનેટ મિશન સાથેની વાટાઘાટોમાં તેઓ અગ્રેસર રહ્યા હતા.

સ્વાતંત્ર્યોત્તર ભારતમાં તેઓ શિક્ષણપ્રધાન બનેલા, જે દરમિયાન 1948માં ડૉ. રાધાકૃષ્ણનના પ્રમુખપદે ઉચ્ચ (યુનિવર્સિટી) શિક્ષણની સમિતિ નીમવામાં આવી હતી. 1952માં માધ્યમિક શિક્ષણ સમિતિ નિમાઈ હતી. વળી, તે અરસામાં જ યુનિવર્સિટી અનુદાન આયોગ(University Grants Commission)ની પણ શરૂઆત થઈ હતી. આ નવી નીતિને કારણે શિક્ષણના અંદાજપત્રમાં બે કરોડથી આંકડો ત્રીસ કરોડે પહોંચ્યો હતો.

કુરાન ઉપર ટિપ્પણ કરતાં આઝાદ સ્પષ્ટ સ્વરૂપે કહેતા કે બધા જ ધર્મો જુદા રસ્તા લેવા છતાં એક જ મકસદ ઉપર પહોંચતા રહ્યા છે. તાત્વિક રીતે બધા ધર્મો સમાન છે અને તેમના મૂળ સ્વરૂપને સમજવું જરૂરી છે. આઝાદ મોટેભાગે ઉર્દૂમાં જ બોલતા, લખતા અને વિચારો પ્રગટ કરતા. રાષ્ટ્રીય કૉંગ્રેસમાં હોવાને કારણે મુસ્લિમો તેમને જોઈએ તેટલું મહત્વ આપતા નહિ.

મૌલાના આઝાદ ભારતની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિના પ્રશંસક હતા અને તેના પ્રત્યે આદરભાવ રાખતા. પ્રખર રાષ્ટ્રવાદી તરીકે તેઓ બિનસાંપ્રદાયિકતાના પુરસ્કર્તા અને પ્રતીક હતા. તેઓ ગહન ચિન્તનશક્તિ ધરાવતા ઉત્કૃષ્ટ આદર્શવાદી હતા.

અનેક લેખો ઉપરાંત તેમણે ‘તર્જુમન અલ કુરાન’ તથા ‘India Wins Freedom’ (1958) જેવાં પુસ્તકો લખેલાં છે.

દેવવ્રત  પાઠક