આઝાદ કાશ્મીર : આક્રમણ દ્વારા ભારતના જમ્મુ અને કાશ્મીર રાજ્યનો પાકિસ્તાને પચાવી પાડેલો પ્રદેશ. આઝાદ કાશ્મીર હિમાલય પર્વતમાળામાં લગભગ મધ્ય વાયવ્યમાં આવેલો ભાગ છે. કારાકોરમ પર્વતમાળા અને ઘાટ આઝાદ કાશ્મીરમાં છે. આ પર્વતમાળામાં આવેલ ગૉડ્વિન ઑસ્ટિન શિખર અથવા કે – ટુ 8,611 મીટરની ઊંચાઈ ધરાવે છે. 7,200 મીટરની ઊંચાઈ ધરાવતાં બીજાં લગભગ 30 શિખરો અહીં આવેલાં છે. એ રીતે આ પ્રદેશને ‘પૃથ્વીનું છાપરું’નું નામ યોગ્ય રીતે જ આપવામાં આવેલું છે. નંગા પર્વત પણ આઝાદ કાશ્મીરમાં આવેલો છે. સિંધુ નદી તથા તથા પુંચ નદી અને જેલમ નદીની ઉપશાખાઓ આઝાદ કાશ્મીરમાંથી પસાર થાય છે. આ વિસ્તાર જમ્મુ નજીક મીરપુરથી શરૂ કરી જેલમ નદીના કિનારે થઈ ઉત્તરે ગિલગિટના વિસ્તારમાં અફઘાનિસ્તાનની સરહદ સુધી અને પૂર્વમાં ચીનની સરહદે ગૉડ્વિન ઑસ્ટિન શિખર સુધી ફેલાયેલો છે. આઝાદ કાશ્મીર મુઝફ્ફરાબાદ, પુંચ, કોટલી અને મીરપુર  – એમ ચાર જિલ્લાઓમાં વહેંચાયેલું છે. તેનું પાટનગર મુઝફ્ફરાબાદ છે.

1947માં ભારતના ભાગલા થતાં પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું. તે અરસામાં ભારતમાં જે દેશી રાજ્યો હતાં તેમને માઉન્ટબૅટન યોજના હેઠળ ભારતમાં કે પાકિસ્તાનમાં વિલીન થવાની કે સ્વતંત્ર રહેવાની છૂટ આપવામાં આવી હતી. 14 ઑગસ્ટ, 1947 સુધી હૈદરાબાદ, જૂનાગઢ તથા જમ્મુ અને કાશ્મીર – આ ત્રણ દેશી રિયાસતોને બાદ કરતાં બધાં જ દેશી રાજ્યો ભારત કે પાકિસ્તાનમાં જોડાઈ ગયાં હતાં. આ ત્રણે રાજ્યોના તે વખતના રાજાઓ કે નવાબો સ્વતંત્ર રહેવાનું સ્વપ્ન સેવતા હતા.

Neeulm Valley

આઝાદ કાશ્મીરનો એક ભાગ

સૌ. "Neeulm Valley AJK" | CC BY-SA 4.0

જમ્મુ અને કાશ્મીર રિયાસતનો કુલ વિસ્તાર 2,37,517 ચોકિમી.નો હતો, જેની કુલ વસ્તીમાં 77 % જેટલી વસ્તી મુસલમાનોની હતી; પરંતુ તેના રાજા હિંદુ (મહારાજા હરિસિંગ) હતા. આ પ્રદેશ તેના નૈસર્ગિક સૌંદર્ય માટે વિશ્વવિખ્યાત તો છે જ, પરંતુ તેનાથી પણ વિશેષ લશ્કરી વ્યૂહરચનાની દૃષ્ટિએ તેનું ભૌગોલિક સ્થાન અત્યંત મહત્વનું ગણાય છે. આ રાજ્યની પૂર્વ અને ઉત્તરે ટિબેટ અને ચીન, વાયવ્યમાં અફઘાનિસ્તાન, પશ્ચિમ અને નૈર્ઋત્યમાં પાકિસ્તાન અને દક્ષિણમાં હિમાચલ પ્રદેશ છે. અફઘાનિસ્તાન અને ચીનની લગોલગ સરહદોથી રશિયા બહુ દૂર તો ન જ કહેવાય. આમ કાશ્મીરનું સૌંદર્ય, તેનું ભૌગોલિક સ્થાન અને તેની વસ્તીમાં મુસલમાનોનું જંગી પ્રમાણ – આ ત્રણ બાબતો મુખ્ય હોવાથી આ રાજ્યનું પાકિસ્તાનમાં વિલીનીકરણ કરવાની પાકિસ્તાનની મુરાદ હતી. પાકિસ્તાનના પ્રણેતા મહંમદ અલી ઝીણાના વિશાળ પાકિસ્તાનના સ્વપ્નમાં કાશ્મીર અનિવાર્ય અંતર્ગત ભાગ હતો.

માઉન્ટબૅટન યોજના હેઠળ કાશ્મીર સ્વેચ્છાથી પાકિસ્તાનમાં સામેલ થયું હોત તો ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ અને સ્વતંત્ર ભારતની સરકારને તેમાં કોઈ વાંધો ન હતો અને તે મતલબનો સંકેત સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ લૉર્ડ માઉન્ટબૅટનને આપવામાં આવ્યો હતો. જૂન, 1947માં માઉન્ટબૅટન પોતે ચાર દિવસના પ્રવાસે કાશ્મીર ગયા હતા ત્યારે વિલીનીકરણ અંગે નિર્ણય લેવાની તેમણે રાજા હરિસિંગને સલાહ પણ આપી હતી, પરંતુ તેમ કરવાને બદલે રાજા હરિસિંગે પાકિસ્તાન સાથે ‘જૈસે થે’ કરાર (standstill agreement) કર્યો. કાશ્મીર રાજ્યમાં ત્યારે પ્રજાકીય સરકાર ન હોવાથી કાશ્મીર સાથે આવો કરાર કરવાની ભારતે સદંતર ના પાડી. કાશ્મીરની પ્રજાના નેતા શેખ અબ્દુલ્લા તે સમયે જેલવાસ ભોગવતા હતા.

પાકિસ્તાનના પ્રમુખ મહંમદ અલી ઝીણાના સલાહકારોએ કાશ્મીર રાજ્ય પર આક્રમણ કરીને તે બળજબરીથી પચાવી પાડવાની યોજના ઘડી કાઢી, જેને ઝીણાએ સંમતિ આપી. આ યોજના મુજબ એક તરફ વિલીનીકરણના પ્રશ્નને કોમી સ્વરૂપ આપવામાં આવ્યું, કાશ્મીરના હિન્દુ રાજા સામે બળવો કરવા માટે પ્રજાને ખુલ્લેઆમ ઉશ્કેરવામાં આવી, તો બીજી તરફ પાકિસ્તાને સપ્ટેમ્બર, 1947માં અદ્યતન શસ્ત્રસરંજામ અને સામગ્રી સાથે કબાઈલી હુમલાખોરોનાં ધાડાં કાશ્મીર પર બળપૂર્વક કબજો કરવા મોકલ્યાં. આ હુમલાખોરોમાં છૂપી રીતે પાકિસ્તાની લશ્કરના સૈનિકો અને અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા હતા. કાશ્મીર પરના આક્રમણને પાકિસ્તાને જેહાદ અર્થાત્ ધર્મયુદ્ધ જાહેર કર્યું; સાથોસાથ પાકિસ્તાને કાશ્મીરની આર્થિક નાકાબંધી પણ કરી.

22 ઑક્ટોબર, 1947ના રોજ હુમલાખોરોએ બારામુલ્લા શહેર પર કરેલા હુમલા પછી ત્યાં સામૂહિક ખૂનરેજી અને લૂંટફાટ ચલાવી, તે ન ચલાવી હોત અથવા લૂંટવામાં આવેલ સંપત્તિ અને અપહૃત સ્ત્રીઓને પાકિસ્તાનમાં પહોંચતી કરવાનો હઠાગ્રહ ન રાખ્યો હોત તો શ્રીનગર તરફ કૂચ કરી તે કબજે કરવાનું પાકિસ્તાનનું ધ્યેય કદાચ સફળ થયું હોત. અહીં કાશ્મીરનો ઇતિહાસ કરવટ બદલે છે.

એક તરફ કાશ્મીર પર થયેલ આ પાકિસ્તાની હુમલો ભારત સરકાર માટે અસહ્ય બનતો હતો ત્યારે બીજી તરફ રાજા હરિસિંગે 24 ઑક્ટોબર, 1947ના રોજ ભારત સરકાર સમક્ષ મદદની માગણી કરી. શેખ અબ્દુલ્લાને જેલમાંથી મુક્ત કરવામાં આવતાં તેમણે પણ રાજા હરિસિંગની માગણીને ટેકો આપ્યો. 26 ઑક્ટોબર, 1947ના રોજ રાજા હરિસિંગે ભારત સાથેના કાશ્મીરના વિલીનીકરણના દસ્તાવેજ પર પોતાની મહોર મારી. કાશ્મીર રાજ્યમાં સામાન્ય સ્થિતિ ઊભી થાય, કાયદો અને વ્યવસ્થા ફરી પ્રસ્થાપિત થાય કે તરત જ વિલીનીકરણના પ્રશ્ન પર લોકમત લેવાની શરતે ભારતે કાશ્મીરનું ભારતમાં (કામચલાઉ) વિલીનીકરણ માન્ય રાખ્યું.

27 ઑક્ટોબર, 1947ના રોજ ભારતના લશ્કરની અગ્રિમ ટુકડીઓ શ્રીનગરના હવાઈ મથક પર ઉતારવામાં આવી અને ભારત-પાકિસ્તાન વચ્ચેના પ્રથમ, છતાં વિધિસર રીતે જાહેર ન કરાયેલા યુદ્ધની શરૂઆત થઈ. જાન્યુઆરી, 1948માં ભારતે રાષ્ટ્રસંઘની સલામતી સમિતિ સમક્ષ કાશ્મીર પરના આક્રમણમાં પાકિસ્તાનની સંડોવણી અંગે વિધિસરની ફરિયાદ રજૂ કરી. રાષ્ટ્રસંઘની વિનંતીને માન આપી જુલાઈ, 1948માં ભારતે યુદ્ધવિરામની એકતરફી ઘોષણા કરી, જોકે પાકિસ્તાને આવું કોઈ પગલું લીધું ન હતું અને તેથી પાકિસ્તાનપ્રેરિત આક્રમણખોરોના કાશ્મીર પરના હુમલાઓ તે પછી પણ ચાલુ રહ્યા હતા. ઉભયપક્ષી યુદ્ધવિરામ માટે વાટાઘાટો સફળ થતાં 31 ડિસેમ્બર, 1948/1 જાન્યુઆરી, 1949થી યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો.

યુદ્ધવિરામ માટેની સ્વીકૃત શરતોમાં યુદ્ધવિરામ રેખા દોરવી, યુદ્ધમોકૂફી દરમિયાન સમગ્ર કાશ્મીર રાજ્યમાં સામાન્ય સ્થિતિ પ્રસ્થાપિત કરવી અને તે પછી રાજ્યના વિલીનીકરણના પ્રશ્ન પર લોકમત લેવો, વળી કાશ્મીરના જે પ્રદેશ પર પાકિસ્તાને આક્રમણ દ્વારા કબજો કર્યો હોય તે પ્રદેશ પરથી પોતાનું લશ્કર, પાકિસ્તાની નાગરિકો તથા પાકિસ્તાનપ્રેરિત કબાઇલી હુમલાખોરોને પાછા હઠાવવા અને તે પછી ભારતે કાશ્મીરમાંથી પોતાના લશ્કરની ટુકડીઓ મહદ્ અંશે પાછી ખસેડવી : આ બધી જ શરતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાને આ બધી જ શરતો સ્વીકારી હોવા છતાં આજ દિન સુધી તેનો અમલ કર્યો નથી અને તેથી કાશ્મીર રાજ્યનો જે પ્રદેશ પાકિસ્તાને બળજબરીથી કબજે કર્યો છે તેને પાકિસ્તાને ‘આઝાદ કાશ્મીર’ (Occupied Kashmir) કહ્યું છે. આ કહેવાતો ‘આઝાદ કાશ્મીર’ ઇલાકો ખરેખર તો જમ્મુ અને કાશ્મીર રાજ્યનો જ કાયદેસરનો ઇલાકો છે, જેનું ક્ષેત્રફળ 1,61,850 હેક્ટર છે.

1947ના ભાગલા પછી તરત જ પાકિસ્તાને ભારત પર કરેલા આક્રમણ દરમિયાન પાકિસ્તાને આ પ્રદેશ પડાવી લીધો. તે પાકિસ્તાનનો પ્રાંત નથી તેમજ તે પાકિસ્તાન સાથે જોડાયેલ નથી, પણ ‘સ્વતંત્ર’ છે. જોકે તેના સંરક્ષણની જવાબદારી પાકિસ્તાન હસ્તક છે અને આર્થિક તથા વહીવટી રીતે તે પાકિસ્તાન સાથે જોડાયેલું છે. આ વિસ્તારનો પાકિસ્તાને ગેરકાયદેસર કબજો લીધો હોવાનું ભારત જણાવતું રહ્યું છે અને આ અંગેના પ્રશ્નનું સમાધાન લાવવા તેણે સંયુક્ત રાષ્ટ્રસંઘ (UNO) સમક્ષ રજૂઆત કરેલી છે. ‘આઝાદ’ શબ્દના પ્રયોગ સામે પણ ભારતને વાંધો છે. ભારત અને પાકિસ્તાનના દ્વિપક્ષી સંબંધો સમધારણ (normal) બનવાની આડે આવતી કેટલીક મહત્વની બાબતોમાંનો એક મુદ્દો ‘આઝાદ કાશ્મીર’ છે. આ અંગેનો વિવાદ લોકમત દ્વારા ઉકેલવાના સંયુક્ત રાષ્ટ્રોના પ્રયાસો સફળ થયા નથી. 1972માં જે અંકુશરેખા (Loc) નક્કી કરવામાં આવી તે અન્વયે હાલ પાકિસ્તાન અને ભારત વચ્ચે જમ્મુ અને કાશ્મીરનું વિભાજન થયેલું છે. જો આઝાદ કાશ્મીર પાકિસ્તાન હસ્તક ન હોત તો કારાકોરમ ઘાટનો ઉપયોગ કરવાનું તેને માટે શક્ય ન બનત અને ચીન સાથે ભૌગોલિક રીતે સંબંધો સ્થાપી ન શકત. આમ વ્યૂહાત્મક દૃષ્ટિએ ‘આઝાદ કાશ્મીર’ ભારત અને પાકિસ્તાન બંને માટે મહત્વનો પ્રદેશ છે. કાશ્મીરે ભારત સાથે વિધિસરનું વિલીનીકરણ સ્વીકાર્યું છે.

આવા સંજોગોમાં યુદ્ધવિરામ સ્વીકારવાને બદલે કાશ્મીર પર નૃશંસ આક્રમણ કરનાર પાકિસ્તાનપ્રેરિત હુમલાખોરોનો પીછો કરી તેમને કાશ્મીરના સમગ્ર પ્રદેશમાંથી તે જ વખતે ભારતે હાંકી કાઢ્યા હોત તો ‘આઝાદ કાશ્મીર’નું અસ્તિત્વ હોત કે કેમ એ શંકાસ્પદ છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે