આઝરબૈજાન : રશિયામાંથી છૂટાં પડેલાં રાજ્યોમાંથી બનેલો દેશ. જે પ્રજાસત્તાક આઝરબૈજાન તરીકે ઓળખાય છે. ભૌ.સ્થાન 38° ઉ.અ. થી 42 ઉ.અ. અને 44° પૂ.રે. થી 51° પૂ.રે.ની વચ્ચે આવેલો છે. પશ્ચિમ એશિયા અને પૂર્વ યુરોપની વચ્ચે આવેલો છે. આ દેશની લંબાઈ ભૂમિ સીમાની લંબાઈ 2,648 કિમી. છે. પશ્ચિમે આર્મેનિયા (1,007 કિમી.), દક્ષિણે ઈરાન (756 કિમી.) વાયવ્યે જ્યોર્જિયા (390 કિમી.), જ્યારે ઉત્તરે રશિયા (15 કિમી.) આવેલ છે. કાસ્પિયન સમુદ્ર સાથે 456 કિમી.ની લંબાઈ ધરાવે છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ 456 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 500 કિમી. છે.
ભૂપૃષ્ઠ : ઉત્તરે મહા કોકેશીયસ (Greater Caucasus) પર્વતીય હારમાળા આવેલી છે. જેની સાથે લઘુ કોકેશીયસ અને ટાલ્યસ પર્વતીય હારમાળા આવેલી છે. આ હારમાળાઓ દેશના 40 % વિસ્તારને આવરી લે છે. આ હારમાળાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ બાઝારડુઝી (4,466 મી.). આઝારબૈજાનમાં કાદવના જ્વાળામુખીઓ (mud volcanoes) જે દુનિયાની નવી સાऱત કુદરતી અજાયબીઓમાં સમાવેશ થાય છે. આ દેશમાં 8,350 નદીઓ આવેલી છે. જેમાં 24 નદીઓજ 100 કિમી. ની લંબાઈ ધરાવે છે. આ બધી નદીઓ કાસ્પિયન સમુદ્રને મળે છે. સૌથી વધુ લંબાઈ ધરાવતી નદી “કુર” છે. અને સૌથી મોટું સરોવર સરયુસુ (Sarysu) છે. અહીનું સૌથી મહત્તમ તાપમાન 46° સે. અને લઘુત્તમ તાપમાન -33° સે. નોંધાયું છે.
આ દેશનું પાટનગર બાકુ છે જે સમુદ્રકિનારે આવેલું ધમધમતું બંદર અને હવાઈ મથક છે. આ દેશના રેલમાર્ગો અને બસ માર્ગો જુદાં જુદાં દેશો સાથે સંકળાયેલ છે. આ દેશની વસ્તી 99,81,457 (2019) છે. જેમાં શહેરી અને ગ્રામીણ વસ્તી અનુક્રમે 47.2 % અને 50.1 % જેટલી છે. મોટે ભાગે આઝેરી વંશના લોકોની વસ્તી વધુ છે. આ સિવાય રશિયન, આર્મેનિયન, ઈઝરાયેલી વગેરે લોકો વસે છે. શિયા મુસ્લિમોનું પ્રમાણ અધિક છે.
ત્યાંના લોકો લાંબું આયુષ્ય ધરાવે છે, એકંદરે આરોગ્યની સ્થિતિ ઘણી સારી છે અને નિરક્ષરતા મહદંશે નાબૂદ થઈ છે. 97 ટકા પ્રજા સાક્ષર છે. અઝેરી તેમની મુખ્ય ભાષા છે. વાંશિક રીતે 83 ટકા પ્રજા અઝેરી વંશની, 6 ટકા રશિયન અને 6 ટકા આર્મેનિયન છે. ધાર્મિક સંદર્ભે 62 ટકા લોકો શિયા મુસ્લિમો, 26 ટકા સુન્ની મુસ્લિમો, 12 ટકા ખ્રિસ્તી તથા શેષ અન્યધર્મીઓ છે.
રૂ, દ્રાક્ષ, ફળફળાદિ, શાકભાજી અને રેશમ તેની મુખ્ય ખેતપેદાશો છે. તેલ, વાયુ, લોખંડ, ઍલ્યુમિનિયમ, તાંબું, સીસું ને ઝિંક ઉપરાંત કીમતી ધાતુઓ તેમજ ચૂનો તેની કુદરતી પેદાશો છે. તાંબાના, રસાયણના, બાંધકામસામગ્રીના, ખાદ્યપદાર્થોના અને ઇમારતી લાકડાના ઉદ્યોગો ઉપરાંત કાપડ-ઉદ્યોગ અને મત્સ્યોદ્યોગ પણ વિકસ્યા છે.
તેનો સાંસ્કૃતિક ઇતિહાસ ઘણો લાંબો છે અને મધ્યયુગમાં તેણે અનેક વૈજ્ઞાનિકો તથા તત્વચિંતકો પેદા કર્યા છે. વિજ્ઞાન, નૃત્ય અને સંગીતમાં પોતાની ઉચ્ચ અને ગૌરવશાળી પરંપરા તેણે જાળવી રાખી છે. કોબુઝ નામના વાદ્ય પર ગવાતાં ગીતો અત્યંત લોકપ્રિય હોય છે. અહીંની ‘મુગમ’ કંઠ્ય અને વાદ્ય સંગીતરચનાઓ પણ જાણીતી છે.
ઑગસ્ટ, 1991માં સ્વતંત્ર રાજ્ય ઘોષિત થયા બાદ પ્રજાસત્તાક રાજ્ય તરીકેનું ઘોષણાપત્ર તેણે પ્રજા સમક્ષ રજૂ કર્યું. જાન્યુઆરી, 1992માં 99.6 ટકા લોકપૃચ્છા (રેફરેન્ડમ) દ્વારા પ્રજાએ તેને માન્ય રાખ્યું. 1992માં અમેરિકાએ તેને માન્યતા આપી અને તે જ વર્ષે તે યુનોનું સભ્ય બન્યું. તેના પ્રમુખ ગદ્દર આલિયેવ અને વડાપ્રધાન આરતુર રસીઝાદે છે. મેલી-મજલિસ નામની તેની સંસદ 50 સભ્યોની બનેલી છે. જોકે OSCE (Organization for Security and Co-operation in Europe) સંસ્થાએ ‘આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસારની ચૂંટણી નથી’ એવી નોંધ મૂકી હતી. 1995માં બળવાનો પ્રયાસ થયેલો, પણ તેને નિષ્ફળ બનાવાયો હતો.
હેમન્તકુમાર શાહ