આજુર્દા, મોહંમદ ઝયાં

February, 2001

આજુર્દા, મોહંમદ ઝયાં (જ. 17 માર્ચ 1945, અમૃતસર, પંજાબ) : કાશ્મીરી લેખક. તેમના નિબંધસંગ્રહ ‘એસેઝ’ને 1984ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે કાશ્મીર યુનિવર્સિટીમાંથી એમ.એ. (ઉર્દૂ), બી.એડ. તથા પીએચ.ડી.ની ડિગ્રીઓ મેળવી છે. સરકારી, અર્ધ સરકારી તથા ખાનગી સંસ્થાઓમાં કામ કર્યા પછી 1973માં તેઓ કાશ્મીર યુનિવર્સિટીના ઉર્દૂ ભાષાના વિભાગમાં અધ્યાપક તરીકે જોડાયા.

તેઓ ઉર્દૂ અને કાશ્મીરી ભાષા પર એકસરખું પ્રભુત્વ ધરાવે છે અને એ બંને ભાષાઓમાં એકસરખી સહજતાથી લેખનકાર્ય કરે છે. તેમનાં 10 પ્રકાશનોમાં નિબંધસંગ્રહો, વાર્તાસંગ્રહો, જીવનચરિત્રો તથા આકાશવાણી-વાર્તાલાપ અને અનુવાદકાર્યનો સમાવેશ થાય છે. મિર્ઝા સલામતઅલી દબીર વિશેના પીએચ.ડી.ના તેમના સંશોધનકાર્યના પરિણામે તેમને ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ તથા આંધ્રપ્રદેશની ઉર્દૂ અકાદમીઓ તરફથી ઍવૉર્ડ અપાયા હતા.

પુરસ્કૃત પુસ્તક ‘એસેઝ’ કાશ્મીરી ભાષામાં તેમનો બીજો નિબંધસંગ્રહ છે. તેમાં વિષયોનું વિસ્તૃત ફલક આવરી લેવાયું છે. રમૂજ અને કટાક્ષ, પ્રતીકાત્મક પ્રાસાદિક શૈલી જેવી કેટલીક લાક્ષણિકતાઓને કારણે પ્રસ્તુત કૃતિ કાશ્મીરી સાહિત્યમાં ગણનાપાત્ર પ્રદાન લેખાય છે.

મહેશ ચોકસી