આજીવિક : શ્રમણ પરંપરાની એક શાખા. જેમ જૈન અને બૌદ્ધ શ્રમણ પરંપરાની શાખાઓ છે, તેમ આજીવિક પણ શ્રમણ પરંપરાની શાખા છે. તે પણ જૈન-બૌદ્ધ શાખાઓ જેટલી પ્રાચીન છે. બુદ્ધ-મહાવીરના સમયમાં તે બહુ જાણીતી હતી અને તેના અનુયાયીઓ પણ ઘણા હતા – ખાસ કરીને મગધ અને કોસલમાં, રાજપુરુષો સહિત સમાજના વિવિધ સ્તરના લોકો તેના અનુયાયીઓ હતા. મૌર્યકાળમાં આ સંપ્રદાય સિલોન સુધી પ્રસર્યો હતો. અશોકના સમકાલીન देवानां प्रिय તિસ્સના પૌત્ર પંડુકાભે અનુરાધાપુરમાં આજીવિકગૃહ બંધાવેલું. તે કાળે ગુજરાતમાં પણ તેનો પ્રસાર થયો હતો. ગયાની 24 કિમી. ઉત્તરે આવેલી બરાબર ટેકરી ઉપરની ત્રણ ગુફાઓ અશોકના અનુગામી દશરથે આજીવિકોને સમર્પિત કરી હતી, તે મતલબના ઉલ્લેખો શિલાલેખોમાં છે. મૌર્યકાળના અંતે તેમનો પ્રભાવ ઉત્તર ભારતમાં સાવ ઓસરી ગયો હતો, પરંતુ દ્રવિડભાષી તમિળ દેશમાં તેમનું અસ્તિત્વ ઈ. સ.ની પંદરમી શતાબ્દી સુધી રહેલું, એનું સમર્થન કરતા અનેક શિલાલેખો તેમજ ‘મણિમેકલાઈ’, ‘નીલકેચિ’ અને ‘ચિવઞાનચિત્તિયાર’ – એ તમિળ ધાર્મિક ગ્રંથો મળે છે. પ્રાકૃત ભાષામાં તેમના દસ આગમો હતા – મહાનિમિત્તવિષયક આઠ અને માર્ગ(ગીતનૃત્ય)વિષયક બે. આ દસના સ્થાને ઉત્તરકાળે તમિળ આજીવિકોએ ‘મર્કલિનૂલ્ (મર્કલિનો ગ્રંથ) અને ‘ઓણ્પતુ કતિર્’ (નવ કિરણો) નામના બે આગમો તમિળ ભાષામાં રચ્યા. સંસ્કૃતમાં પણ તેમના શાસ્ત્રગ્રંથો હતા. બૌદ્ધ ત્રિપિટકના ઉલ્લેખ અનુસાર આજીવિક પંથના નંદ વચ્છ, કિસ સંકિચ્ચ અને મક્ખલિ એ ત્રણ નાયકો હતા. પૂરણ કસ્સપનું પણ આજીવિક સંપ્રદાયમાં મહત્વનું સ્થાન હતું. પકુધ કચ્ચાયનની વિચારધારાનો આજીવિક વિચારધારા સાથે ઘનિષ્ઠ સંબંધ હતો. મક્ખલિ, પૂરણ અને પકુધ ભગવાન બુદ્ધના પ્રતિસ્પર્ધીઓ હતા. જૈન આગમ ‘ભગવતી’ અનુસાર મક્ખલિ (મંખલિ ગોસાલ) ભગવાન મહાવીરનો છ વર્ષ સુધી સાથી હતો. નિયતિવાદ આજીવિકોનો મુખ્ય સિદ્ધાંત છે. કેવી કેવી અવસ્થાઓમાંથી સૌ જીવોએ પસાર થવાનું છે એ દર્શાવતી વિસ્તૃત યાદી મળે છે, તેમાં યોનિપ્રમુખથી માંડી મહાકલ્પ સુધીનાનો ઉલ્લેખ છે. 84 લાખ મહાકલ્પોમાંથી વિના અપવાદ સૌએ પસાર થવાનું છે; તે પછી મુક્તિ છે. આ છે સંસરણ દ્વારા શુદ્ધિનો અર્થાત્ સંસારશુદ્ધિનો સિદ્ધાંત. નિર્દિષ્ટ યાદીમાં મુક્તિ પૂર્વે દરેકે ધારણ કરવા પડતા 14 ભવો ગણાવ્યા છે, છ અભિજાતિઓ (ચિત્તના રંગો) ગણાવી છે. આઠ પુરુષભૂમિઓ (આધ્યાત્મિક વિકાસની ભૂમિકાઓ) ગણાવી છે, વળી ચરમ ભવમાં જીવ સાત પઉટ્ટપરિહાર કરે છે, એનો ઉલ્લેખ પણ યાદીમાં છે. પઉટ્ટપરિહારનો અર્થ મૃત પરકાયમાં પ્રવેશ છે. આજીવિકોના આઠ ચરિમો એ એક પ્રકારનું તપ છે, જેમાં જીવ સ્વેચ્છાએ તૃષાથી, ભૂખથી નહિ, દેહ-ત્યાગ કરે છે. જો ચોરાસી લાખ કલ્પો પછી સર્વ જીવો મુક્ત થઈ જાય તો સંસાર ખાલી થઈ જવાની આપત્તિ આવે. આનાથી બચવા તમિળ આજીવિકોએ મંડલમોક્ષનો સિદ્ધાંત સ્થાપ્યો, જે અનુસાર મુક્તો પણ સંસારમાં પાછા આવે છે. તેમનો મોક્ષ સ્વર્ગસમ છે. જૈનોની જેમ સાત ભંગો ન માનતાં કેવળ ત્રણ જ ભંગો – સત્, અસત્, સદસત્  માનતા હોવાથી તેઓ ત્રૈરાશિક કહેવાતા. આજીવિક શ્રમણો નગ્ન રહેતા; ભિક્ષા માટે પાત્રનો ઉપયોગ કરતા નહિ, હાથમાં ભોજન કરતા; પોતાના માટે તૈયાર કરવામાં આવેલી ભિક્ષા લેતા નહિ; ગર્ભિણી સ્ત્રી, ધવડાવતી સ્ત્રી વગેરે પાસેથી ભિક્ષા ગ્રહણ કરતા નહિ; કદી માંસ, મચ્છી કે માદક પીણાને સ્પર્શતા નહિ; ભોજનની નિયત માત્રા જ લેતા. હાલ આજીવિક પંથ લુપ્ત થઈ ગયો છે અને તેનું સાહિત્ય પણ ઉપલબ્ધ નથી.

નગીનભાઈ જીવણલાલ શાહ