આજીર માનુર (1952) : અસમિયા ભાષાની સામાજિક નવલકથા. લેખક હિતેશ ડેકા. કથાનાયક પ્રતાપ સુશિક્ષિત યુવક છે અને એનાં પ્રેમાળ ભાઈ-ભાભી જોડે રહે છે. ઘરમાં પ્રતાપની ભાભીની બહેન નીલિમા પણ રહે છે. પ્રતાપ અને નીલિમા બંને એકબીજાંને ચાહતાં હોવા છતાં એકબીજાંની સામે પ્રેમનો એકરાર કરી શકતાં નથી. ભાઈભાભીના આગ્રહથી પ્રતાપને એક સુંદર અને ગર્વિષ્ઠ ધનિક કન્યા બીના જોડે લગ્ન કરવું પડે છે. બીના સાસરાના ગરીબ ઘરમાં પોતાનો મેળ ખવડાવી શકતી નથી, પ્રતાપ નમતું આપતો નથી. એ બીનાને વારંવાર કહે છે કે એને પૈસાનો મોહ નથી પણ પોતે પ્રેમનો ભૂખ્યો છે. આખરે બીના શ્વશુરગૃહનો ત્યાગ કરી પિતાને ઘેર જાય છે. પ્રતાપ તેને પાછી બોલાવવા માટે પ્રયત્ન કરતો નથી. માથે હાથ દઈને બેસી નહિ રહેતાં, તે દલિત અને પીડિતની સેવામાં લાગી જાય છે. ખેડૂતોનું સંગઠન કરે છે અને સામૂહિક ખેતીનો પ્રયોગ કરે છે. એવામાં પ્રતાપની ભાભીનું મૃત્યુ થતાં પ્રતાપ નીલિમાને એના ભાઈની જોડે લગ્ન કરવાનું કહે છે, જેનો નીલિમા ભગ્ન હૈયે સ્વીકાર કરે છે.

આ કથામાં ગરીબ-તવંગર વચ્ચેનો સંઘર્ષ બતાવાયો છે; પરંતુ નવલકથાનો હેતુ વર્ગવિગ્રહ દર્શાવવાનો નથી. આધુનિક સમાજના પ્રશ્નો વિશેનો નાયકનો પ્રતિભાવ દર્શાવીને લેખકે કથાના કેન્દ્રમાં પ્રણય મૂક્યો છે. બીના અને નીલિમા એ બે સ્ત્રીપાત્રોના માનસની ભિન્નતા દર્શાવી છે. નીલિમા પ્રતાપ સમક્ષ તેના હૈયાની વેદના વ્યક્ત કરે છે, પણ પોતાની ઇચ્છા તેના પર ઠોકી બેસાડવા માગતી નથી. પ્રતાપની સલાહ મુજબ તે બનેવીને પરણવા તૈયાર થઈને પ્રતાપને બીનાને પાછી લાવવાની તક આપે છે.

પ્રીતિ બરુઆ