આચાર્ય, હરિનારાયણ ગિરધરલાલ, ‘વનેચર’

February, 2001

આચાર્ય, હરિનારાયણ ગિરધરલાલ, ‘વનેચર ( જ. 25 ઑગસ્ટ 1897; વિરમગામ; અ. 23 મે 1984, અમદાવાદ) : ગુજરાતના પક્ષીવિદ અને પ્રાણીવિદ લેખક. ઊંઝાના વતની. માધ્યમિક શિક્ષણ પાટણ-સિદ્ધપુરમાં. 1914માં મૅટ્રિક. ગુજરાત કૉલેજમાંથી 1919માં સંસ્કૃત સાથે બી. એ. થયા. અસહકારના આંદોલનમાં જોડાયા એ સાથે રાષ્ટ્રીય શાળાઓમાં ને તે પછી ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપનકાર્ય કર્યું. પછી ટેક્સટાઇલ મિલમાં મૅનેજરની કામગીરી બજાવી. અમદાવાદ મિલઓનર્સ ઍસોસિયેશનના મંત્રી પણ રહેલા.

આચાર્યે ‘વનફૂલ’ ઉપનામથી ‘સીતાવિવાસન’ (1923) નામનું એક લાંબું કાવ્ય તથા કેટલાંક નાનાં કાવ્યો પણ લખેલાં; પણ એમનો મુખ્ય રસ તો વ્યાયામ, પ્રવાસ આદિ પ્રવૃત્તિઓ અને પ્રકૃતિનું અધ્યયન હતો. એના ફલસ્વરૂપે 1926થી ‘કુમાર’માં એમણે જીવનચરિત્રાત્મક, પર્યટનવિષયક, વ્યાયામ વિશેના અને પ્રકૃતિ પરના લેખો લખવાનું આરંભ્યું. આ સર્વેમાં પણ એમનો વિશેષ અભ્યાસ પ્રાણીઓ-પક્ષીઓ વિશેનો રહ્યો. 1938માં સ્થપાયેલા પ્રકૃતિમંડળના ત્રૈમાસિક ‘પ્રકૃતિ’ના એ તંત્રી રહેલા. એમાં અને ‘કુમાર’માં એમણે ‘વનેચર’ ઉપનામથી પ્રકૃતિ અને પ્રાણીવિષયક લેખમાળા લખેલી, જેનાથી તેમને ગુજરાતના શ્રેષ્ઠ પ્રકૃતિવિદ તરીકે પ્રતિષ્ઠા મળવા ઉપરાંત 1947નો રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયેલો. આ લેખમાળાને સમાવતું એમનું યશોદાયી પુસ્તક ‘વનવગડાનાં વાસી’ લેખકની ઊંડી જાણકારી ઉપરાંત ઉચ્ચ સંસ્કાર ને સર્જકતાની મહેકવાળી રોચક ગદ્યશૈલીનો પણ પરિચય કરાવે છે.

રમણ સોની