આચાર્ય, પ્રસન્નકુમાર

February, 2001

આચાર્ય, પ્રસન્નકુમાર (189૦-196૦) : ભારતીય વાસ્તુવિદ્યાના નિષ્ણાત. તેમણે ચિતાગોંગ કૉલેજ અને કલકત્તા યુનિવર્સિટીમાં શિક્ષણ લીધું હતું. 1914માં શિષ્યવૃત્તિ મેળવીને તેઓ ઇંગ્લૅન્ડ ગયા હતા. ત્યાં તેમણે ભારતીય સ્થાપત્ય અંગેનો કોષ તૈયાર કર્યો હતો. તેને માટે તેમને ડી. લિટ. ની પદવી આપવામાં આવેલી. 1923થી 195૦ સુધી તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં વિનયન વિદ્યાશાખાના અધ્યક્ષ, પ્રાચ્ય (oriental) વિદ્યાના વડા અને સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી હતી.

સંસ્કૃત ભાષામાં લખાયેલ ‘માનસારમ્’  એ ભારતીય વાસ્તુવિદ્યા અંગેનો પ્રમાણભૂત ગ્રંથ છે. આ ગ્રંથના સંપાદનનું ભગીરથ કાર્ય તેમણે કર્યું છે. આ સંદર્ભમાં તેમણે જાતે સાત ગ્રંથોની શ્રેણી તૈયાર કરી છે. ગ્રંથની સંપાદિત આવૃત્તિમાં તેનું અંગ્રેજી ભાષાંતર, ભારતીય વાસ્તુવિદ્યા અંગેનો કોષ અને પારિભાષિક શબ્દોના અર્થ, નકશા ને ચિત્રો સહિત, આપ્યાં છે. પરદેશમાં ફેલાયેલી ભારતીય વાસ્તુવિદ્યા અંગેનો પણ એક સ્વતંત્ર ગ્રંથ છે. ‘માનસારમ્’ અંગેના આ સાતેય ગ્રંથો આચાર્ય પ્રસન્નકુમારની ભારતીય વાસ્તુવિદ્યાના ક્ષેત્રે અણમોલ ભેટ છે.

થૉમસ પરમાર