આચાર્ય, જયંતીલાલ મફતલાલ (ઉપનામ ‘પુંડરિક’) (જ. 18 ઑક્ટોબર 19૦6, કડી; અ. 19 જુલાઈ 1988) : ગુજરાતી લેખક. અમદાવાદમાં રહી 1925માં મૅટ્રિક કર્યા પછી 1929માં સંસ્કૃત-ગુજરાતી સાથે બી. એ. થયા. 1931થી ’34 સુધી શાંતિનિકેતનમાં આચાર્ય ક્ષિતિમોહન સેનની નિશ્રામાં રહ્યા. 1935થી ’7૦ સુધી અમદાવાદની વિવિધ સંસ્થા-શાળાઓમાં શિક્ષણકાર્ય કર્યું હતું.
તેમની સાહિત્યલેખનપ્રવૃત્તિનો પરિપાક વૈવિધ્યપૂર્ણ રહ્યો છે. તેમાં સમાવિષ્ટ છે : સ્વરચિત કાવ્યસંગ્રહ ‘દીવાટાણું’ (1973) તથા ‘ગોરસ’ (1939), ‘દીવડા’ (1939) તથા રવીન્દ્રનાથનાં કાવ્યોના અનુવાદ; ‘ગુજરાતના સંતકવિઓ અને બાઉલ પંથ’ (1973), ‘શ્રી શારદામણિ દેવી’ (1943) ‘ઠાકુરદાની વાતો’ (194૦) તથા ‘મરમી સંતોનું દર્શન’ (1982) જેવી ગદ્યકૃતિઓ; અંબુભાઈ પુરાણી તથા માણેકલાલ દેસાઈના સ્મૃતિગ્રંથોનું તેમજ ‘મીરાં જન્મશતાબ્દી ગ્રંથ’નું સંપાદન અને (બંગાળીમાંથી) રવીન્દ્રનાથ, (અંગ્રેજીમાંથી) શ્રીઅરવિંદ, ગૌરીશંકર ઓઝા તથા માતાજીનાં પુસ્તકોના ગુજરાતી અનુવાદ; બીજા અનુવાદોમાં ઉલ્લેખપાત્ર છે ‘માનવધર્મ’ (1938), ‘બ્રહ્મચર્ય’ (1947), ‘સાહિત્ય’ (194૦), ‘મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિ’ (1933) તથા ‘ગીતાની ભૂમિકા અને આપણો ધર્મ’ (1947).
મહેશ ચોકસી