આચાર્ય, જાદવજી ત્રિકમજી

February, 2001

આચાર્ય, જાદવજી ત્રિકમજી (જ. 1882, પોરબંદર; અ. 1956, જામનગર) : આયુર્વેદના નિષ્ણાત વિદ્વાન. પિતા પોરબંદરના રાણાના રાજવૈદ્ય હતા. પ્રાથમિક શિક્ષણ પોરબંદરમાં. પછી મુંબઈમાં સંસ્કૃત વ્યાકરણ, દર્શન, આયુર્વેદ ઉપરાંત ફારસી, અરબીનો અભ્યાસ કર્યો હતો. હકીમ રામનારાયણજી પાસે યુનાની અને રાજસ્થાનના પંડિત ગૌરીશંકર પાસે આયુર્વેદપદ્ધતિની વિશેષ જાણકારી પ્રાપ્ત કરી હતી. વૈદક ઉપરાંત જૂના આયુર્વેદગ્રંથોના સંશોધન-સંપાદનનું કાર્ય તેમને અત્યંત પ્રિય હતું. 19૦1માં ‘માધવનિદાન’ની ‘મધુકોષ’ વ્યાખ્યાનું સંશોધન કર્યું તે મુંબઈના નિર્ણયસાગર પ્રેસ દ્વારા પ્રસિદ્ધ થયેલ. પછી તો આયુર્વેદના સંખ્યાબંધ ગ્રંથો તેમના દ્વારા સંશોધિત થઈને પ્રસિદ્ધ થયા; જેમાં ‘આયુર્વેદદીપિકા’ (ટીકા સહિત), ‘ચરકસંહિતા’, ચક્રપાણિકૃત ‘ભાનુમતી’ (વ્યાખ્યા સાથે) ‘સુશ્રુતસંહિતા’, ‘રસપ્રકાશસુધાકર’ (યશોધરવિરચિત) તથા ‘રસસંકેતકલિકા’ (કાયસ્થ વૈદ્ય ચામુંડ વિરચિત), શોઢલ કૃત ‘ગદનિગ્રહ’ (ભા. 12), માધવરચિત ‘આયુર્વેદપ્રકાશ’, ‘ક્ષેમકુતૂહલ’ નામનો પાકશાસ્ત્રનો ગ્રંથ, રાવણકૃત ‘નાડીપરીક્ષા’, કાલિદાસ વૈદ્ય રચિત ‘વૈદ્ય મનોરમા’, ‘રસસાર’, ‘રસકામધેનુ’, ‘અનંગરાગ’ જેવા કામશાસ્ત્રના ગ્રંથો, યુનાની ‘દ્રવ્યગુણવિજ્ઞાનમ્’ વગેરેનો સમાવેશ થાય છે. જાદવજીભાઈએ આયુર્વેદશિક્ષણ માટે જરૂરી પાઠ્યપુસ્તકો સુલભ કરી આપ્યાં તે એમની મોટી સેવા હતી.

જામનગરમાં આયુર્વેદના ઉચ્ચ શિક્ષણ માટે તેમણે થોડો સમય કામ કરેલું. પં. મદનમોહન માલવિયાજીએ તેમને ‘કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય’માં આયુર્વેદિક કૉલેજના આચાર્યપદે સ્થાપીને અને ડી. લિટ્.ની માનાર્હ પદવી આપીને તેમનું સન્માન કરેલું; પરંતુ જાદવજીભાઈએ જિંદગીનાં ઘણાં વર્ષ મુંબઈમાં વૈદક તેમજ ગ્રંથપ્રકાશનના કાર્યમાં ગાળ્યાં હતાં. તેમને ફોટોગ્રાફીનો ભારે શોખ હતો. તેમની પાસે છબીકલાનાં કીમતી સાધનો અને આયુર્વેદ તેમજ ઇતર વિષયોના ગ્રંથોનો વિપુલ સંગ્રહ હતો.

ગોવિંદપ્રસાદ વૈદ્ય