આચાર્ય, કે. એમ. (ડૉ.) (જ. 17 સપ્ટેમ્બર 1949, સાવરકુંડલા) : કુષ્ઠરોગનું સેવાકાર્ય કરનારા તબીબ.

1972માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી તબીબી સ્નાતક થયા પછી 1975માં કુષ્ઠરોગની ડીવીડી પદવી મેળવી તથા ચર્મરોગમાં વિશેષજ્ઞ તરીકે 1977માં એમ.ડી. થયા. પિતા પ્રાથમિક શાળાના આચાર્ય. રૂઢિચુસ્ત બ્રાહ્મણ ખરા, પરંતુ દલિત વિદ્યાર્થીઓને ઘેર બોલાવીને ભણાવે. એમાંથી જ કિરીટભાઈને સેવાના સંસ્કાર પ્રાપ્ત થયા. તબીબીક્ષેત્રને માનવસેવાનું માધ્યમ માન્યું.

ગાંધી સાહિત્ય વાંચેલું અને ગાંધીજીએ કુષ્ઠરોગી પરચુરેશાસ્ત્રીના ઘારાં સાફ કરેલાં તેથી પ્રભાવિત થઈને કિરીટભાઈએ પણ ગાંધીજીનું અધૂરું કાર્ય આગળ ધપાવવાનો સંકલ્પ કરી લીધેલો. મેડિકલ કૉલેજના વિદ્યાર્થી તરીકે સાદો લેંઘો પહેરીને ક્લાસમાં જતા. પ્રાધ્યાપકે એ જ કારણસર તેમને વર્ગ બહાર કાઢી મૂકેલા. તે પછી આર્થિક સ્થિતિની વિગતો જાણીને પરવાનગી આપેલી.

જામનગરની ઇરવીન હૉસ્પિટલમાં ચર્મરોગ નિષ્ણાત તરીકે તેમણે કામ કર્યું. પછી પોતાનું ક્લિનિક પણ ચલાવ્યું. કુષ્ઠરોગીઓને એમણે જ્યારે હૉસ્પિટલમાં દાખલ કર્યા ત્યારે હાહાકાર મચી ગયેલો. કોઈ કર્મચારી દર્દીને અડવા તૈયાર ન હતા. ડૉક્ટરના સંકલ્પને કારણે ધીરે ધીરે વાતાવરણ બદલાયું. તે પછી ડૉ. આચાર્ય કુષ્ઠરોગીઓને શોધી લાવતા, સારવાર કરતા અને છેલ્લે પુનર્વસન કરવાનું કામ પણ તેમણે મોટા પાયે ઊપાડ્યું.

1981માં વિશ્વ આરોગ્ય સંસ્થાએ બહુઔષધીય સારવારપદ્ધતિ અમલમાં મૂકી તેનો પ્રચાર-પ્રસાર કર્યો. હાથ-પગને ક્ષતિ થઈ હોય તો જરૂરી સાધનો પૂરાં પાડ્યાં. કુરૂપતા આવી હોય ત્યાં પ્લાસ્ટિક સર્જરી પણ કરી. સમગ્ર ગુજરાતમાં સંખ્યાબંધ નિદાન કૅમ્પો કર્યા. એમની કાર્યપદ્ધતિની બે વિશેષતા છે : સાજા થયેલા રોગીઓનું કુટુંબમાં જ પુનર્વસન કરવું અને તેમને હૂંફ અને સ્નેહ પૂરો પાડવો. પુનર્વસન કાર્ય માટે તેમણે દાતાઓ અને ક્લબોને જોડી છે.

મોરારીબાપુના હસ્તે રક્તપિત્ત વિમુક્ત ભાઈ-બહેનોને રોજગારીનાં સાધનો અને પશુપાલન માટે રોકડ સહાયનું વિતરણ કરાયું છે. અનાજ, પાણી અને ઘરવખરીનું પણ વિતરણ કરાવે છે. કોમી એકતાનું બહુ મોટું કામ થયું. મુસ્લિમો ગણપતિના ફોટા લઈ ગયા, હિન્દુઓ મક્કાના પવિત્ર સ્થળની તસવીરો પણ લઈ ગયા. નિષ્ઠાવાન સેવક તબીબના વિચારનો દર્દીઓને પણ ચેપ લાગ્યો. એમને અનેક ઍવૉર્ડ મળ્યા છે. મધર ટેરેસાના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. કુષ્ઠરોગીઓનાં લગ્ન અને વારસા બાબતે તેઓ કાયદાકીય સુધારા કરાવી રહ્યા છે. તેમના આ વિષયના બે અભ્યાસપૂર્ણ પુસ્તકો નવજીવન પ્રકાશને પ્રગટ કર્યાં છે.

ડંકેશ ઓઝા