આગ્રા ઘરાણું : હિંદુસ્તાની સંગીતનું ઘરાણું. તેરમા સૈકાથી તે અસ્તિત્વમાં છે. શરૂમાં આ ઘરાણાનું સંગીત ધ્રુપદ-ધમારની શૈલીનું હતું. આ ઘરાણાના ઘગ્ગે ખુદાબક્ષ નામના એક કલાકારે ગ્વાલિયર ઘરાણાના મશહૂર ગાયક નત્થન પીરબક્ષ પાસેથી ખયાલગાયકીની તાલીમ મેળવીને પોતાના ઘરાણાની ધ્રુપદગાયકી તથા ખયાલગાયકીનો સુમેળ કરીને હાલ પ્રચલિત આગ્રા ઘરાણાના સંગીતની શૈલીનો પ્રારંભ કર્યો.
આ ઘરાણામાં ગુલામ અબ્બાસખાં, કલ્લનખાં, નત્થનખાં, ફૈયાઝખાં, વિલાયતહુસેનખાં, શરાફતહુસેનખાં, ખાદિમહુસેનખાં, યૂનુસહુસેનખાં વગેરે પ્રખર ગાયકો થઈ ગયા. તે ઉપરાંત ફૈયાઝખાંએ ‘પ્રેમપિયા’, વિલાયતહુસેનખાંએ ‘પ્રાણપિયા’ તથા આ ઘરાણાના શ્રેષ્ઠ પ્રતિનિધિ ખાદિમહુસેનખાંએ ‘સજનપિયા’નાં ઉપનામો હેઠળ ઉત્કૃષ્ટ બંદિશો રચી છે. વિલાયતહુસેનખાંના પુત્ર યૂનુસહુસેનખાં તથા શિષ્ય જગન્નાથબુવા પુરોહિતે પણ ‘દર્પણ’ તથા ‘ગુણીદાસ’ના ઉપનામ હેઠળ અનેક સુંદર બંદિશો રચી છે.
આગ્રા ઘરાણાના સંગીતકારોએ સેંકડો શિષ્યોને તાલીમ આપીને શાસ્ત્રીય સંગીતના પ્રચારમાં અતિમહત્વનો ફાળો આપ્યો છે.
પોતાના ઘરાણાનું અસલ સ્વરૂપ ધ્રુપદ અંગનું હતું તે દર્શાવવા આગ્રા ઘરાણાના ઘણાખરા ગાયકો શરૂમાં નોમતોમ આલાપ કરે છે, જેમાં શબ્દોની સહાય વિના તેઓ રાગનાં વિવિધ અંગોને વિકસાવે છે.
આગ્રા ઘરાણાની વિશેષતાઓ છે : રાગની શુદ્ધતા, અટપટી લયકારી, સ્વરોનો સુંદર લગાવ, ખુલ્લો અવાજ, જોરદાર ગાયકી, ઉત્કૃષ્ટ બોલ-તાનો તથા અનેક અપ્રચલિત રાગોની સુંદર બંદિશોનો અપ્રતિમ ભંડાર. દાખલા તરીકે, કકુભ-બિલાવલ, નટ-બિલાવલ, શુક્લ-બિલાવલ, જૈજ-બિલાવલ, હુસેની કાનડો, મુદ્રિક કાનડો, મીયાં-મલ્હાર, ચૌરંગી મલ્હાર, રામદાસી મલ્હાર, શુભ્રાગૌરી, રામગૌરી, સામંત-સારંગ, લંકાદહન- સારંગ વગેરે.
બટુક દીવાનજી