આગ્રા : ભારતના ઉત્તર પ્રદેશનો જિલ્લો, તેનું વડું મથક અને ઐતિહાસિક શહેર. ભૌગોલિક સ્થાન : 270 18’ ઉ. અ. અને 780 ૦1’ પૂ. રે. પર સ્થિત છે. વસ્તી (જિલ્લો) 43,80,793 (2011)છે. જિલ્લાનો વિસ્તાર 4027 ચોકિમી. આગ્રા જિલ્લો યમુના અને ચંબલ નદીના ફળદ્રુપ મેદાનોનો બનેલો છે.જિલ્લામાં નૈઋત્યે નાની ટેકરીઓ આવેલી છે. ઘઉં, બાજરી, જવ અને કપાસ જિલ્લાના મુખ્ય પાકો છે. આ જિલ્લો સમુદ્રની સપાટીથી 170 મી. ઊંચાઈ ધરાવે છે. મેટ્રોપોલિટિન વિસ્તાર 121 ચોકિમી. છે. ભારત સ્વતંત્ર થયુ પછી આગ્રાનો ઔદ્યોગિક વિકાસ વધુ ઝડપી રહ્યો છે. અહીં ચર્મ ઉદ્યોગ અને પ્રવાસન ઉદ્યોગે વધુ પ્રભુત્વ સ્થાપ્યું છે. આગ્રા શહેરમાંથી પસાર થતી યમુના નદી આજે વિશ્વની સૌથી પ્રદૂષિત નદીઓમાં એક બની છે. આગ્રાના કિલ્લા અને તાજમહેલને યુનેસ્કોએ “World Heritage Site” તરીકે જાહેર કરેલ છે.
આગ્રાના ગાલીચાઓ, સોના અને ચાંદી પરનું કોતરકામ, જડતરકામ અને સફેદ આરસપહાણ પરનું કોતરકામ વિશ્વ વિખ્યાત છે. અહીં 1927માં સ્થપાયેલી આગ્રા યુનિવર્સિટી તેમજ 1859માં સ્થપાયેલી મેન્ટલ હોસ્પિટલ વધુ જાણીતી છે. આ શહેરમાંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ 2, 3 અને 11 પસાર થાય છે. ઉત્તર પ્રદેશ રાજ્યમાં વસ્તીની દૃષ્ટિએ ચોથા ક્રમે અને ભારતમાં ત્રેવીસમાં ક્રમે આવતું આ શહેર છે. આ મેટ્રોપોલિટન શહેરની વસ્તી 17,60,283 (2011) છે. અહીં હિન્દુ, મુસ્લિમ, જૈન, શીખ, ખ્રિસ્તી અને બૌદ્ધ ધર્મીઓ વસે છે. અક્ષર જ્ઞાનનું પ્રમાણ 73 % છે.
સોળમી સદીના આરંભમાં અફઘાન વંશના સિકંદર લોદીએ આગ્રા શહેરની સ્થાપના કરી હોવાનું મનાય છે. તે પહેલાં આજના સ્થળે આગ્રી નામે એક નાનું ગામ વસતું હોવાનું કહેવાય છે, જોકે તેરમી સદીથી અફઘાન વંશના રાજાઓ અને જાતિઓ આગ્રા આવતાં રહ્યાં હતાં અને અકબરે કિલ્લો બાંધ્યો તે પહેલાં પણ એક અતિપ્રાચીન કિલ્લો આગ્રામાં અસ્તિત્વમાં હતો તેમ મનાય છે. મુઘલ સામ્રાજ્ય દરમિયાન કેટલાંક વર્ષોમાં આગ્રા તેનું પાટનગર રહ્યું હતું. હુમાયૂંને આગ્રાથી લાહોર ભગાડનાર શેરશાહે અકબરે બંધાવેલા કિલ્લાની અંદર એક નાનો કિલ્લો બંધાવ્યો હોવાનું પણ મનાય છે. તેણે આગ્રાને વડું મથક બનાવ્યું હતું. 18૦3માં લૉર્ડ લેકે ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે આગ્રાને મરાઠાઓ પાસેથી પડાવી લીધું હતું. 1857ના ભારતના સૌપ્રથમ સ્વાતંત્ર્યયુદ્ધ દરમિયાન આગ્રા શહેર તેનું એક અગત્યનું કેન્દ્ર રહ્યું હતું.
ઝિયાઉદ્દીન અ. દેસાઈ
હેમન્તકુમાર શાહ