આઉટ્રામ, સર જેમ્સ (જ. 29 જાન્યુઆરી 1803, યુ.કે.; અ. 11 માર્ચ 1863, ફ્રાંસ) : બ્રિટિશ યુગના ભારતના એક સેનાપતિ. પિતાનું નામ બેન્જામીન આઉટ્રામ. 1829માં સામાન્ય લશ્કરી અધિકારી તરીકે તેઓ ભારતમાં આવ્યા હતા. ખાનદેશના ભીલોને સૈનિક તરીકેની તાલીમ આપી તેમની સહાયથી તેમણે દોંગ જાતિને પરાજય આપ્યો હતો. 1835થી 1838ના ગાળામાં મહીકાંઠામાં તેમણે વ્યવસ્થા સ્થાપી. ત્યારબાદ અફઘાનિસ્તાન પરના બ્રિટિશ આક્રમણમાં સેનાપતિ તરીકે મહત્વની કામગીરી બજાવી હતી. અંગ્રેજો સામે સિન્ધના અમીરોના બળવા સમયે તેઓ સિન્ધમાં કમિશ્નર હતા. સર ચાર્લ્સ નેપિયરના દેશને કારણે સિન્ધની પ્રજા ઉપર દમન કરવાની ફરજ પડેલી. સાતારા અને વડોદરા રાજ્યમાં બ્રિટિશ રેસિડેન્ટ તરીકે પણ તેમણે કામગીરી બજાવી હતી. બ્રિટિશ શાસનમાં ખાલસા કરેલા અવધના પ્રદેશ ઉપર લૉર્ડ ડેલહાઉસીએ આઉટ્રામને વહીવટી અધિકારી તરીકે નીમ્યા હતા. 1857નો વિપ્લવ શાંત કરવામાં સેનાપતિ તરીકે લૉર્ડ કેનિંગને સર આઉટરામે સહાય કરી હતી. વાઇસરોયની કાઉન્સિલના સભ્ય તરીકે પણ થોડા સમય માટે તેમણે કામગીરી બજાવી હતી.
જ. જ. જોશી