આઉના રોગો : પ્રાણીઓના રોગો. સસ્તન માદા પશુઓમાં દુગ્ધગ્રંથિઓ એ કુદરતી દેણ છે, જેના દ્વારા પશુશિશુના પ્રાથમિક પોષણ માટે સંપૂર્ણ ખોરાકરૂપ દૂધનો આહાર મળી રહે છે. પરંતુ માનવસંસ્કૃતિના વિકાસ સાથે મનુષ્યના આહારમાં પણ દૂધની અગત્ય જણાતાં પશુપાલન એક ખેતીપૂરક આર્થિક વ્યવસાય તરીકે વિકાસ પામ્યો અને પશુપાલકો – રબારી, ભરવાડ, ખેડૂતો અને અન્ય લોકો  દુધાળાં પશુઓ (ગાય, ભેંસ, ઘેટાં, બકરાં) રાખતા થયા. અને વધુ દૂધ-ઉત્પાદન માટે તેમણે વૈજ્ઞાનિક પશુસંવર્ધનની રીતો અપનાવી. આમ દુધાળાં પશુઓમાં આઉ – આંચળ વધુ નાજુક થયાં અને પુર:પ્રવર્તક કારણોને (proclivity) લીધે આઉની રોગવશ્યતા વધી. આઉ – આંચળને થતા રોગોમાં સામાન્ય રોગો, જેવા કે ઈજા  જખમ, અકસ્માતે વાગવું કે દબાણે આવી છોલાવું, દૂધમાં રક્ત, સોજો, દૂધનળીમાં અવરોધ, ગાંઠ, વિકૃત આકાર, વધુ પડતાં લટકતાં આંચળ વગેરે ગણી શકાય, જ્યારે ચેપી રોગો જેવા કે દુગ્ધગ્રંથિનો શોથ (mastitis), શીતળા (cowpox), ચાંદાં (bovine ulcerative mammillitis), મસા (papollomatosis) વગેરે મુખ્ય છે.

દુગ્ધગ્રંથિનો શોથ : આ રોગ આઉ – આંચળના સોજા તરીકે જાણીતો છે. આંચળ અને આઉની પેશીઓના સંસર્ગમાં કોઈ પણ જાતના સૂક્ષ્મજીવો આવે અને તેના ઉપદ્રવ અને ફેલાવા માટે અનુકૂળ પરિબળો ઉપલબ્ધ હોય ત્યારે દુગ્ધગ્રંથિમાં સોજો આવે છે, જેથી દૂષિત દૂધ આવે છે. આ રોગ, ગાય, ભેંસ, ઘેટી, બકરી, ઘોડી વગરે પશુઓમાં જોવામાં આવે છે. ગાય અને ભેંસમાં આ રોગનું આર્થિક દૃષ્ટિએ ઘણું જ મહત્વ છે. આ રોગ થવામાં ઘણાં કારણો ભાગ ભજવે છે. મુખ્તત્વે સૂક્ષ્મજીવો (જીવાણુ, વિષાણુ અને ફૂગ) અને પુર:પ્રવર્તક કારણોથી રોગ થાય છે.

સૂક્ષ્મજીવોમાં ખાસ કરીને સ્ટ્રેપ્ટોકોકસ એગેલેક્સીઆ, સ્ટ્રેપ્ટોકોકસ ડીસગેલેક્સીઆ, સ્ટેફાઇલોકોકસ ઓરિયસ, કોરીનેબેક્ટેરિયમ પાયોજીનસ, પાશ્ચ્યુરેલા મલટોસીડા, ઇ. કોલાઈ, માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ, ક્લોસ્ટ્રિડિયમ વગેરે જાતના જીવાણુ, કેટલાક વિષાણુ તથા ટ્રાઇકોસ્પોરોન અને કેન્ડિડા જાતિની ફૂગો રોગકારક હોય છે. પુર:પ્રવર્તક કારણોમાં આંચળ – આઉને જખમ, ગંદકી, પશુની રોગવશ્યતા જેમાં આનુવંશિક કારણો, દેખભાળ, આહાર અને દોહવાની ખોટી રીત વગેરે ભાગ ભજવે છે.

સામાન્ય રીતે પશુઓમાં આ રોગ છૂટોછવાયો જોવા મળે છે. પરંતુ કોઈ વાર સમૂહમાં મહામારી રૂપે પણ થવા સંભવ છે. સંકર ગાયોમાં આ રોગ વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ રોગથી દૂધઉત્પાદકતામાં લગભગ 30 ટકાનો ઘટાડો થાય છે. ભારતમાં એક અભ્યાસ – મોજણી દ્વારા જણાયું છે કે આ રોગથી દૂધ-ઉત્પાદન-ઘટ અને પશુની અસ્વસ્થતાને લીધે વાર્ષિક રૂ. 400 કરોડની નુકસાની થાય છે. ગુજરાત રાજ્યમાં પશુરોગનિદાનકેન્દ્રોમાં દૂધના નમૂનાઓ તપાસતાં લગભગ 75 ટકા નમૂનાઓમાં રોગકારક જીવાણુઓ જણાયા હતા. આમ ગુજરાતમાં પણ આ રોગ વ્યાપક પ્રમાણમાં છે. આ રોગથી પશુનું મરણ થતું નથી.

આઉનો ચેપ હંમેશાં આંચળ દ્વારા અનેક પ્રકારના જીવાણુઓના સંચારથી થાય છે, જેમાં આંચળ પરની ઈજા, રહેઠાણની ગંદકી, આંચળના સંકોચક સ્નાયુઓની શિથિલતા, લાંબી અને લટકતી દૂધગ્રંથિઓ, અંગૂઠા વડે આંચળને દબાવીને દૂધ દોહવાની રીત, દૂધ દોહનારના હાથની અસ્વચ્છતા, પશુની મંદ રોગપ્રતિકારકશક્તિ, ખોરાકમાં વધુ પડતું ખાણ-દાણ પણ લીલાચારાનો અભાવ વગેરે કારણોથી સૂક્ષ્મજીવોને દૂધગ્રંથિમાં સંચાર, વૃદ્ધિ અને વિકાસ પામવાની તકો વધે છે અને આથી જીવાણુ અને જીવાણુવિષ વડે દૂધગ્રંથિને સોજો આવીને રોગલક્ષણો જણાય છે.

દૂધગ્રંથિનો સોજો મંદ (subacute), તીવ્ર (acute) અથવા જીર્ણ (chronic) રૂપમાં જોવામાં આવે છે. કોઈ વખત દૂધગ્રંથિના શોથ સાથે પશુશરીરમાં તીવ્ર અસર થઈને રોગ અતિતીવ્ર (peracute) રૂપે જોવામાં આવે છે. રોગનો અવ્યક્તકાલ અને રોગલક્ષણોનો આધાર જીવાણુના પ્રકાર અને તેની અસર ઉપર અવલંબે છે. રોગલક્ષણોમાં મુખ્યત્વે સોજો, દૂધમાં ફેરફાર, આંચળ અને આઉની વિકૃતિ તથા શારીરિક અસર જોવા મળે છે, જેનો આધાર રોગની તીવ્રતા ઉપર હોય છે.

મંદરૂપમાં રોગ તુરત પરખાતો નથી. દૂધમાં ઘટ, દૂધના ઘટકોમાં ફેરફાર અને આઉ અને આંચળ ઉપર સાધારણ સોજો હોય, દૂધ તપાસવામાં આવે તો તેમાં નાના ફોદાઓ દેખાય, દૂધ પાતળું અને રંગે આછું પીળાશ પડતું જણાય અને દૂધગ્રંથિ મુલાયમને બદલે સાધારણ તંતુમય અને કઠણ જણાય છે.

તીવ્રરૂપમાં દૂધગ્રંથિ ઉપર એકાએક સોજો આવે, દૂધમાં ઘટ, દૂધમાં ફોદાઓ વધારે પ્રમાણમાં જણાય, દૂધને બદલે પાણી જેવું ચીકણું પ્રવાહી અથવા પરૂ નીકળે, કોઈ વાર લોહી પણ હોય, સોજાને લીધે દર્દ થાય, દૂધ દોહવામાં તકલીફ પડે, પશુ દોહવરાવવા માટે સરખું ઊભું રહે નહિ, ખોરાક ઓછો લે, શરીર ગરમ જણાય, પશુ સુસ્ત જણાય અને આઉ અને આંચળ કઠણ થઈ ગયાં હોય. કોઈ વાર આંચળ અને આઉ ઠંડાં જણાય, આઉની ત્વચાનો રંગ ભૂરો-વાદળી થઈ ત્વચામાં કાપા જોવામાં આવે અને દૂધને બદલે લોહીવાળું અને દુર્ગંધવાળું પ્રવાહી નીકળે ત્યારે કોથ (gangrene) થયું કહેવાય, જે કાયમી નુકસાન કરે.

જીર્ણરૂપમાં વારંવાર સાધારણ સોજો આવવાથી દૂધ ઘટી જાય છે, દૂધગ્રંથિ કઠણ જણાય છે અને દૂધમાં સાધારણ ફેરફાર જણાય છે, તથા આઉ-આંચળની વિકૃતિ થવાનો સંભવ હોય છે.

આ રોગમાં વિષમયતા (toxaemia), તાવ, સુસ્ત અને અવસાદી હોવું, ખોરાકની અરુચિ જેવાં લક્ષણો ચેપની જાત અને તીવ્રતા ઉપર આધાર રાખે છે.

રોગલક્ષણો અને દૂધમાં થયેલા ફેરફારથી આ રોગ જાણી શકાય છે. દૂધના નમૂનાની પ્રયોગશાળામાં તપાસ થતાં સૂક્ષ્મજીવોની માહિતી મળે છે, જે સારવારમાં ઉપયોગી નીવડે છે.

આ રોગ ચેપી હોવાથી રોગનિયંત્રણ જરૂરી છે. પરદેશમાં રોગનિયંત્રણ માટે વિવિધ યોજનાઓ અમલમાં છે. રોગકારણોના મુદ્દાઓ ધ્યાનમાં રાખીને આંચળ અને આઉને કોઈ રીતે ઈજા-જખમ ન થાય તેની કાળજી લેવી, રહેઠાણ સ્વચ્છ રાખવાં, દોહવાની યોગ્ય પદ્ધતિ રાખવી, દોહતાં પહેલાં આંચળ અને આઉને મંદ જંતુનાશક દવાવાળા પાણીથી સાફ કરી સ્વચ્છ કપડા વડે કોરાં કરી દૂધ દોહવું અને દૂધ દોહનારે પણ દરેક વખતે દવાવાળા પાણીથી હાથ સાફ કરવા વગેરે બાબતો રોગપ્રતિકાર માટે જરૂરી છે. પશુના દૂધની તપાસ અને પરીક્ષણ કરતા રહેવું હિતાવહ છે, જેથી રોગના પ્રાથમિક તબક્કામાં રોગને જાણીને તબીબી માર્ગદર્શન મેળવી શકાય. રોગનિયંત્રણનાં પગલાં લેવાથી રોગથી થતું આર્થિક નુકસાન ઘટાડી શકાય છે.

શીતળા : આ રોગ ચામડીનો સાંસર્ગિક રોગ છે; તેમાં આંચળ અને આઉ ઉપર નાના ફોલ્લા થાય છે, જે ફૂટીને સુકાઈને ભીંગડા રૂપે જોવા મળે છે.

શીતળાનો રોગ બધાં પશુઓમાં થાય છે, પરંતુ દરેક પશુજાત માટે રોગકારક વિષાણુ અલગ અલગ હોય છે, જેમ કે ઘેટામાં થતા આ રોગના વિષાણુ ગાય-ભેંસમાં રોગ કરી શકતા નથી.

ગાય-ભેંસમાં થતો આ રોગ વિષાણુ-જન્ય છે જે પોક્સવાયરસ બોવીસ જાતના વિષાણુઓથી થાય છે અને આ વિષાણુ ઘોડા અને મનુષ્યમાં થતા આ પ્રકારના રોગના વિષાણુ (Poxvirus variolae) સાથે સંબંધિત છે. આ રોગ બધી જગ્યાએ છૂટોછવાયો જોવા મળે છે અને સ્થાનિક મહામારી રૂપે ભાગ્યે જ પ્રવર્તે છે. રોગિષ્ઠ ગાયમાંથી તંદુરસ્ત ગાયને રોગ લાગુ પડે છે અને દોહનારના હાથ મારફતે એક ગાયમાંથી બીજી ગાયમાં ફેલાય છે તથા કરડતી જીવાતો મારફતે પણ રોગના વિષાણુ ફેલાવાની શક્યતા રહે છે. સામાન્ય રીતે શીતળાનાં વિષાણુ, આંચળના જખમ દ્વારા શરીરમાં પ્રવેશ પામીને આંચળ-આઉના સ્નાયુઓમાં વિકાસ અને વૃદ્ધિ પામીને 3થી 6 દિવસમાં સ્થાનિક શીતળાનાં લક્ષણો બતાવે છે.

રોગલક્ષણો આઉ અને આંચળ ઉપર જોવા મળે છે, જેમાં શરૂઆતમાં નાની ફોલ્લીઓ થાય, ત્વચા લાલ થાય, ફોલ્લીઓ પીળી પડે અને તેમાં વચ્ચેના ભાગમાં ખાડો પડે, જે સુકાઈને ભીંગડારૂપે જોવા મળે છે. દોહતી વખતે આ ફોલ્લીઓ ફૂટી જાય ત્યારે ચાંદું પડે છે. આથી ગાયને પીડા થાય, દૂધ ઘટી જાય અને પૂરું દોહવા દે નહિ. જીવાણુઓનો ચેપ લાગતાં દુગ્ધગ્રંથિને સોજો આવે. શીતળા થયેલ ગાયનું દૂધ મનુષ્યના વપરાશમાં લઈ શકાય છે, પરંતુ ઉકાળીને વપરાશમાં લેવું હિતાવહ છે.

આ રોગનું નિદાન રોગલક્ષણો અને પ્રયોગશાળાની તપાસથી થઈ શકે છે. રોગનિયંત્રણનાં જરૂરી પગલાં જેવાં કે સ્વચ્છતા, જંતુનાશક દવાનો ઉપયોગ વગેરેથી રોગ અટકાવી શકાય છે.

મનહર દવે