આઇસોપ્રીનૉઇડ્ઝ
(isoprenoids)
આઇસોપ્રીન (C5H8) સાથે બંધારણીય સંબંધ ધરાવતાં સંયોજનોનો વર્ગ. આ વર્ગનાં કેટલાંક સંયોજનો ટર્પેન્ટાઇન તેલમાં મળી આવતાં હોઈ તે ટર્પીન્સ તરીકે પણ ઓળખાય છે. મૂળ હાઇડ્રોકાર્બનના ઑક્સિજનયુક્ત વ્યુત્પન્નોને પણ આ વર્ગમાં આવરી લેવામાં આવે છે. આ વર્ગનાં સંયોજનો વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિમાં મળી આવે છે. સુગંધીદાર તેલો, વૃક્ષોમાંથી સ્રવતા ઓલીઓરેઝીન અને રબર, કેરોટીનોઇડ વર્ણકો, ચયાપચયમાં અગત્યનો ભાગ ભજવતાં વિટામિન A, E તથા K, ક્લોરોફિલમાંનું ફાયટોલ અને માછલીના તેલમાં રહેલ સ્ક્વેલિન અને કેટલાંક કીટ-આકર્ષકો (pheromones) આઇસોપ્રી-નૉઇડ્ઝ સંયોજનો છે. કુદરતમાં સ્ટીરૉઇડ્ઝ પણ ટર્પીન્સમાંથી નિર્મિત થાય છે.
વર્ગીકરણ : કુદરતમાં મળતાં ટર્પીન્સનું વિભંજન (pyrolysis) કરતાં આઇસોપ્રીન મળતું હોઈ ઑટો વેલાખે એવું અનુમાન કર્યું કે ટર્પીન્સના બંધારણમાં આઇસોપ્રીન પાયાનો એકમ હોવો જોઈએ. એટલે કે ટર્પીન્સનું કાર્બન માળખું આઇસોપ્રીન એકમોમાં વિભાજિત થઈ શકે તેવું હોવું જોઈએ. આ, આઇસોપ્રીન નિયમ તરીકે ઓળખાય છે. આઇસોપ્રીન એકમોની સંખ્યા ઉપરથી ટર્પીન્સનું વર્ગીકરણ કરવામાં આવે છે. એક જ આઇસોપ્રીન એકમવાળાં સંયોજનો એટલે હેમીટર્પીન્સ કુદરતમાં મળતાં નથી.
આઇસોપ્રીન એકમોની સંખ્યા | અણુસૂત્ર | વર્ગનું નામ | ઉદાહરણ |
2 | C10H16 | મોનોટર્પીન્સ | મિર્સીન (myrcene) ઓસિમીન, ડાઈપેન્ટીન પાઇનીન, કૅમ્ફીન સિટ્રાલ, કૅમ્ફર (C10H16O) ટર્પિનીઓલ, જીરેનિયોલ (C10H18O) |
3 | C15H24 | સેસ્કવીટર્પીન્સ | ફાર્નેસીન, બિસેબોલીન ઝિંજિબરીન ફાર્નેસોલ (C15H26O) નિરોલિડોલ |
4 | C20H32 | ડાઇટર્પીન્સ | ફાયટોલ (C20H40O) વિટામિન-A1 (C20H30O) એબીટિક એસિડ (C20H30O2) |
5 | C25H40 | સેસ્ટરટર્પીન્સ | ડાઇયુમિસીન (diumycene) ઓફિયોબોલેન |
6 | C30H48 | ટ્રાઇટર્પીન્સ | સ્ક્વેલીન એમ્બ્રીન (Ambrein) |
8 | C40H64 | ટ્રેટાટર્પીન્સ | કૅરોટીન, લાયકોપીન |
n | (C5H8)n | પૉલિટર્પીન્સ | કુદરતી રબર |
આઇસોપ્રીન અણુઓની ગોઠવણીમાં સામાન્ય રીતે શિર-પુચ્છ (head to tail) : 1, 4 – જોડાણ થતું હોય છે, જોકે પુચ્છ–પુચ્છ (tail to tail) જોડાણ પણ જોવા મળે છે.
આગળ ઉપર આવતાં બંધારણીય સૂત્રોમાંની ટપકાંવાળી રેખાઓમાં આઇસોપ્રીન એકમોમાં વિભાજન દર્શાવે છે.
પ્રાપ્તિ, અલગીકરણ, શુદ્ધીકરણ અને બંધારણ : કૉનિફેરસ અને સાઇટ્રસ વર્ગની વનસ્પતિનાં પાંદડાં, રસ (sap) અને રેસાઓ(tissues)માં સુગંધિત પ્રવાહીરૂપ સંયોજનો હોય છે, જે સુગંધિત તેલો (essential oils) તરીકે ઓળખાય છે.
આ સુગંધીદાર તેલોને વૃક્ષ કે છોડનાં અંગોમાં(દા.ત. ફૂલ, પાંદડાં, રેસા, છાલ, કાષ્ઠ)થી બાષ્પ-નિસ્યંદનથી, દ્રાવકનિષ્કર્ષણથી, કે પીલીને મેળવવામાં આવે છે. આ તૈલી પદાર્થોનું વિભાગીય નિસ્યંદન કરીને તેમાં રહેલ ઘટકોને અલગ કરવામાં આવે છે. આ વિભાગોનાં ઉ. બિં. નજદીક હોઈ તેમને અલગ પાડવામાં ઘણી મુશ્કેલી રહે છે. હાઇડ્રોજન ક્લોરાઇડ, હાઇડ્રોજન બ્રોમાઇડ અને નાઇટ્રોસોક્લોરાઇડ સાથે આ ઘટકો ઘન વ્યુત્પન્નો આપે છે. આ વ્યુત્પન્નોને સ્ફટિકીકરણથી અલગ કરીને તેમના વિઘટન દ્વારા તેના મૂળ ઘટકો શુદ્ધ રૂપમાં મેળવાય છે. વર્તમાન સમયમાં વર્ણલેખન (chromatography) પદ્ધતિ આ શુદ્ધીકરણમાં ઘણી ઉપયોગી નીવડી છે.
શુદ્ધ ઘટકનું પૃથક્કરણ કરીને તેમાં રહેલાં તત્વોનું પ્રમાણ નક્કી કરીને અણુભાર ઉપરથી તેનું અણુસૂત્ર નક્કી કરવામાં આવે છે. રાસાયણિક ગુણધર્મોના અભ્યાસ ઉપરથી તેમાં રહેલા દ્વિબંધ અને ક્રિયાશીલ સમૂહો અંગે માહિતી મેળવાય છે. પદાર્થના અણુના કાર્બન માળખાની રચના અંગેનો ખ્યાલ મેળવવા માટે તેના અણુનું વ્યવસ્થિત રીતે કાળજીપૂર્વક ક્રમિક અવક્રમણ (degradation) કરવામાં આવે છે. દરેક પ્રક્રિયામાં એક કે બે દ્વિબંધોનું જ વિખંડન કરવામાં આવે છે. આ અવક્રમણમાં મળતા બધા સાદા પદાર્થોનાં બંધારણ અને જે પ્રક્રિયાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તે પ્રક્રિયાઓ સાથે સંકળાયેલ બંધારણીય રૂપાંતરોના જ્ઞાનના આધારે મૂળ પદાર્થના બંધારણ અંગે અનુમાન કરવામાં આવે છે. અવક્રમણ ક્રિયાઓમાં ઉપચયન (oxidation), ઓઝોનૉલિસિસ અને સલ્ફર અથવા સિલિનિયમ વડે વિહાઇડ્રોજનીકરણ (dehydrogenation) અગત્યની છે. દા.ત.
ઘણી વાર પ્રાયોગિક માહિતી એક કરતાં વધુ બંધારણ સૂચવતી હોય છે. ઘણા આઇસોપ્રીનૉઇડ્ઝના બંધારણમાં રહેલ નાનાં વલયો, અગાઉ બીજાં સંયોજનોમાં માલૂમ નહિ પડેલ અને અવક્રમણ પ્રક્રિયા દરમિયાન આ વલયોનું બીજા પ્રકારનાં વલયોમાં રૂપાંતર થતું હોવાને કારણે અવક્રમણ અંગેની માહિતીનું અર્થઘટન કરવામાં ઘણી મુશ્કેલી અનુભવવામાં આવી હતી. જે બંધારણ રજૂ થતું હોય તેનું સમર્થન અસંદિગ્ધ સંશ્લેષણ વડે કરવામાં આવે છે. જો પદાર્થ ઔદ્યોગિક દૃષ્ટિએ ઉપયોગી હોય તો તે પદાર્થ ઓછી કિંમતે મળે તેવી સંશ્લેષણ-પદ્ધતિ શોધી કાઢવામાં આવે છે. શરૂઆતમાં આ અંગે થયેલ સંશોધનમાં પડતી મુશ્કેલીઓનો ખ્યાલ નીચેના ઉદાહરણ ઉપરથી સ્પષ્ટ થશે.
કપૂરનું પૃથક્કરણ કરીને તેમાં રહેલ કાર્બન, હાઇડ્રોજન અને ઑક્સિજનનું પ્રમાણ 1833માં નક્કી કરી શકાયેલું, પણ ઑક્સિજન, કાર્બોનિલ સમૂહ તરીકે રહેલ છે તે બાબત 1883માં નક્કી કરી શકાઈ હતી. તેના અવક્રમણ ઉપરથી લગભગ 30 બંધારણીય સૂત્રો સૂચવાયેલાં છે. તેના પ્રથમ સંશ્લેષણમાં અગિયાર પ્રક્રિયાઓનો ક્રમવાર ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે જમાનામાં આ મોટી સિદ્ધિ ગણાય. ટર્પેન્ટાઇનમાં રહેલ α-પાઇનીનનો ઉપયોગ કરીને હાલમાં તે કુદરતમાં મળતા કપૂર કરતાં ઓછી કિંમતે બનાવવામાં આવે છે. વિવિધ ભૌતિક પદ્ધતિઓ – ખાસ કરીને સ્પેક્ટ્રોસ્કોપી-નો ઉપયોગ કરવાથી જે કાર્ય માટે પહેલાં વર્ષો લાગતાં હતાં તે કાર્ય થોડા જ દિવસોમાં પૂરું કરવાનું હવે શક્ય બન્યું છે.
જીવ-સંશ્લેષણ (biosynthesis) : કુદરતમાં વિવિધ પ્રકારનાં ટર્પીન્સનું સંશ્લેષણ કેવી રીતે થતું હશે તે અંગે રાસાયણિકોને કુતૂહલ રહેલું છે. પ્રયોગશાળામાં વપરાતાં જલદ પ્રક્રિયકો અને ઊંચું તાપમાન કુદરતમાં શક્ય નથી. વળી, પ્રયોગશાળામાં ઘણી પ્રક્રિયાઓ પાણીની ગેરહાજરીમાં કરવામાં આવે છે, જ્યારે કુદરતમાં થતી બધી પ્રક્રિયાઓમાં પાણી હંમેશાં હાજર હોય છે.
કુદરતમાં આઇસોપ્રીનની હાજરી સાબિત થઈ નથી. બોનરે સૂચવ્યું કે ટર્પીન્સનાં C5-એકમો C2-એકમોમાંથી (એટલે કે એસેટિક ઍસિડમાંથી) બનેલાં હોય છે. આઇસોપ્રીન એકમોના સંશ્લેષણ માટે મેવાલોનિક ઍસિડ(જીવ-સંશ્લેષિત એકમ)ની જરૂર પડે છે, જે એસેટિક એસિડમાંથી બનતો હોઈ જીવ-સંશ્લેષણ માટેનો અગત્યનો એકમ એસેટિક ઍસિડ ગણાય છે. તે સંશ્લેષણમાં ‘active acetate’રૂપે હોય છે, અને ‘acetylcoenzyme-A’ તરીકે ઓળખાય છે. તે એસેટિક ઍસિડ અને કોએન્ઝાઇમ-Aમાંથી ઉદભવે છે.
મેવાલોનિક ઍસિડ અને આઇસોપેન્ટાઇલ-પાયરોફૉસ્ફેટ, ટર્પીન્સ સંયોજનોના સંશ્લેષણમાં અગત્યના મધ્યસ્થીઓ છે. તેમનું સંશ્લેષણ નીચે પ્રમાણે થાય છે :
(i) મેવાલોનિક ઍસિડ :
(ii) મેવાલોનિક ઍસિડનું C5 એકમમાં રૂપાંતર (એટલે કે આઇસોપેન્ટાઇલ પાયરોફૉસ્ફેટમાં રૂપાંતર) :
(iii) આઇસોપેન્ટાઇલ પાયરોફૉસ્ફેટની ગોઠવણી : C5 એકમોવાળાં ટર્પીન સંયોજનો જીરેનિયોલ અને નીરોલ જેવાં સંયોજનો મારફત સર્જાતાં હોય છે. આ સંયોજનો આઇસોપેન્ટાઇલ પાયરોફૉસ્ફેટ એકમોની ગોઠવણી દ્વારા મળે છે.
(iv) જીરેનાઇલ પાયરોફૉસ્ફૅટ
(v) જીરેનાઇલ પાયરોફૉસ્ફેટમાંથી ટર્પીન સંયોજનો :
Z = પાયરોફૉસ્ફેટ સમૂહ I = સમાવયવીકરણ (isomerisation)
O = ઉપચયન (oxidation) C = ચક્રીકરણ (cyclization)
R = પુનર્વિન્યાસ (rearrangement)
ટર્પીન્સનું વનસ્પતિમાં કાર્ય : આ વર્ગનાં સંયોજનો વૃક્ષો શા માટે ઉત્પન્ન કરતાં હશે તે હજુ કલ્પનાનો જ વિષય રહ્યો છે. આ અંગેનાં કેટલાંક સૂચનો નીચે પ્રમાણે છે. સુગંધીદાર તેલો અમુક કીટકોને આકર્ષે છે, જેથી પરાગનયન(pollination)ને મદદ થાય છે. જ્યારે કેટલાંક કીટકો કે પ્રાણીઓ માટે તે પ્રતિકર્ષી (repellant) હોય છે, જેથી વૃક્ષોનું તેમનાથી રક્ષણ થાય છે. સુવાસયુક્ત વૃક્ષો બીજાં વૃક્ષોની સરખામણીમાં રંગની ઓછી ભભકવાળાં હોય છે તે બાબત નોંધપાત્ર ગણાય. આવા પદાર્થો વૃક્ષની શરીરધર્મી ક્રિયાઓ ઉપર અંકુશ રાખતા હોય તથા રાળ અને રબર જેવા પદાર્થો વૃક્ષ ઉપર થતી ઈજાઓના ઉપચાર તરીકે કાર્ય કરતા હોય એમ માનવાને કારણ છે. આ પદાર્થો ચયાપચયના સ્થાયી ઉત્સર્જિત પદાર્થો છે કે તેમનું કોઈ ક્રિયાશીલ કાર્ય છે તે અંગેનો ખ્યાલ આવતો નથી.
આઇસોપ્રીનૉઇડ સંયોજનોનું તુલનાત્મક સર્વેક્ષણ :
મૉનોટર્પીન :-
છોડ-દ્રવ્ય(plant product)નું બાષ્પ-નિસ્યંદન કરીને આ પદાર્થો મેળવાય છે. શુદ્ધીકરણ માટે નીચા દબાણે વિભાગીય નિસ્યંદન કરવામાં આવે છે. તેમનાં ઉ.બિં. 1500-1850 સે. વચ્ચે સામાન્ય રીતે હોય છે આ પદાર્થોને (1) અચક્રીય અને (2) ચક્રીય એમ બે પેટાવિભાગોમાં વહેંચી શકાય.
(1) અચક્રીય પદાર્થોમાં હાઇડ્રોકાર્બન સંયોજનો કુદરતમાં ઓછાં મળે છે, જ્યારે તેમનાં ઑક્સિજનયુક્ત સંયોજનો બહોળા પ્રમાણમાં મળે છે. તે સુગંધીદાર પદાર્થોની બનાવટમાં ઉપયોગી છે.
સિટ્રોનેલોલ અને સિટ્રોનેલાલ, સિટ્રોનેલા તેલમાંથી મળે છે. લીલી ચામાં સિટ્રાલ મળે છે, જ્યારે જીરેનિયોલ ગુલાબ તથા ટર્કિશ જીરેનિયમમાં મળે છે. સિટ્રોનેલાલની ઉપર ઍસિડની પ્રક્રિયાથી એકચક્રીય મૉનોટર્પીન આઇસોપુલેગોલ મળે છે, જેમાંથી ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણથી મેન્થૉલ, પ્રતિબિંબરૂપોના મિશ્રણરૂપ મળે છે. સિટ્રાલના રિડક્શનથી જીરેનિયોલ મળે છે. સિટ્રાલનું એસેટોન સાથે સંઘનન કરીને મળતાં સ્યૂડોઆયોનોન- (pseudoionone)ની ઍસિડ સાથે પ્રક્રિયા કરતાં β-આયોનોન મળે છે; તે વાયોલેટના અત્તર (perfume) તરીકે અને વિટામિન-Aના સંશ્લેષણમાં વપરાય છે.
(2) ચક્રીય મૉનોટર્પીનના પ્રતીકરૂપ લિમોનીન, નારંગી તથા લીંબુના તેલમાંનો મુખ્ય ઘટક છે. ટર્પીનોલીન. α અને β-ફિલેન્ડ્રીન અને α-/β-/γ- ટર્પીનીન્સ, લિમોનીનથી ફક્ત દ્વિબંધોના સ્થાન પરત્વે ભિન્ન છે. સુગંધીદાર પદાર્થ સિવાય તેના ખાસ ઉપયોગો નથી. ઑક્સિજનયુક્ત સંયોજનોમાં ટર્પીનીઓલ અને ટર્પીનહાઇડ્રેટ અગત્યનાં છે.
એસ્કેરિડોલ ટર્પીન પેરૉક્સાઇડ છે. તે ચિનોપોડિયમ તેલ(chenopodium oil)માં હોય છે, અને કૃમિનાશક ગુણો ધરાવે છે. α – પાઇનીન સામાન્ય ટર્પેન્ટાઇન તેલનો મુખ્ય ઘટક છે, અને તેને દ્વિચક્રીય મૉનોટર્પીનોનું પ્રતીક ગણી શકાય. કોઈ પણ ટર્પીનની સરખામણીમાં સૌથી વધુ વિગતવાર અભ્યાસ α-પાઇનીનની પ્રક્રિયાઓનો કરવામાં આવ્યો છે. તેના ઉપર ઍસિડની અસરથી ટર્પીન હાઇડ્રેટ, α-ટર્પીનીઓલ, ટર્પીનોલીન અને ટર્પીનીન્સનું મિશ્રણ મળે છે, જે પાઇનઑઇલ (તેલ) તરીકે ઓળખાય છે, અને સોંઘા જંતુનાશક (disinfectant), દુર્ગંધ દૂર કરનાર અને આર્દ્રક (wetting agent) તરીકે ઉપયોગી છે. α-પાઇનીન ઉપર ઍસિડની વિવિધ પરિસ્થિતિમાં પ્રક્રિયા કરવાથી ટર્પીનીઓલ, ટર્પીનહાઇડ્રેટ, બૉર્નિયોલ, ફેન્ચાઇલ આલ્કોહૉલ અને કૅમ્ફીન મળે છે. છેલ્લાં ત્રણ સંયોજનો અણુપુનર્વિન્યાસને કારણે બને છે, અને કપૂરને સંશ્લેષિત રીતે મેળવવામાં આ પુનર્વિન્યાસ ફળદાયી નીવડેલ છે.
સેસ્ક્વીટર્પીન્સ : આ પદાર્થો બાષ્પનિસ્યંદન અથવા દ્રાવક – નિષ્કર્ષણ વડે મેળવાય છે. સેસ્ક્વીટર્પીન્સ મૉનોટર્પીન્સની સરખામણીમાં વધુ જટિલ બંધારણીય પ્રશ્નો ઉપસ્થિત કરે છે. આ વર્ગનાં અચક્રીય, એકચક્રીય તથા દ્વિચક્રીય પ્રકારનાં સંયોજનો મળે છે. તેમાંનાં કેટલાંકનાં સૂત્રો બંધારણીય સરખામણી માટે નીચે દર્શાવ્યાં છે :
દ્વિચક્રીય સેસ્ક્વીટર્પીનમાં બે પ્રકારની સમૂહોની ગોઠવણી હોય છે. કેડેલીન અને યુડેલીન હાઇડ્રોકાર્બન પ્રકારનાં આ સંયોજનોને સલ્ફર કે સિલીનિયમ સાથે ગરમ કરતાં જે હાઇડ્રોકાર્બન મળે તે ઉપરથી તેમાં રહેલા સમૂહોનું સૂત્ર નક્કી કરી શકાય છે.
ડાઇટર્પીન : પાઇન વૃક્ષમાંથી ગુંદર જેવો પદાર્થ-ઓલીઓરેઝિન (oleoresin) મળે છે, જેનું નિસ્યંદન કરતાં અવશેષરૂપે રાજન (rosin) મળે છે. તે મુખ્યત્વે ત્રિચક્રીય ડાઇટર્પીન છે અને એબીટિક ઍસિડ તરીકે ઓળખાય છે. તે રંગરોગાનમાં, કાગળને સાઇઝ કરવામાં, સાબુમાં અને રબર-ઇમલ્શન બનાવવામાં વપરાય છે.
ફાયટોલ ક્લૉરોફિલમાં ઉપશાખા તરીકે હાજર છે. તેમાં પણ આઇસોપ્રીન એકમો 1 : 4-બંધથી જોડાયેલ છે. આ ગોઠવણી વિટામિન-Aમાં પણ છે.
ટ્રાઇટર્પીન : અચક્રીય ટ્રાઇટર્પીન હાઇડ્રોકાર્બન સ્ક્વેલીન શાર્ક અને બીજી માછલીઓના તેલમાં હોય છે. તે વનસ્પતિ તેલોમાં, ફૂગમાં, કાનના મેલમાં અને પ્રસ્વેદ-ગ્રંથિઓ(sebacious glands)ના સ્રાવ(secretion)માં હોય છે. કોલેસ્ટેરૉલના જીવસંશ્લેષણમાં સ્ક્વેલીન મધ્યસ્થી હોવાનું સાબિત થયું છે. ચક્રીય ટ્રાઇટર્પીનમાં, પંચચક્રીય ટ્રાઇટર્પીન શર્કરાઓ સાથેનાં સંયોજનો-ગ્લાયકોસાઇડ-રૂપે વૃક્ષના ઘણા ભાગોમાં મળી આવે છે. β-અમિરીન આ વર્ગનું પ્રતીક ગણાય. તે ઇલેમીવૃક્ષમાંથી મળે છે. આ પણ સ્ક્વેલીનમાંથી બનતું હોવાનું માનવામાં આવે છે.
સેસ્ટરટર્પીન : આ વર્ગનાં સંયોજનો કંઈક ઓછાં વ્યાપક છે. સૂક્ષ્મ જીવાણુઓ(દા.ત.; ફૂગ)માં આ વર્ગનાં સંયોજનો મળી આવે છે. દા.ત.; મોએનોસિનોલ (C25H41O).
ટેટ્રાટર્પીન : કૅરોટીનૉઇડ વર્ગના પીળા, નારંગી અને લાલ તૈલદ્રાવ્ય વર્ણકો, વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિમાં મળે છે. તેમનું અણુસૂત્ર C40H64 ને બદલે C40H58 છે, પણ તેમનો અણુ આઇસોપ્રીન એકમોના જોડાણથી રચી શકાય છે, તેથી તેમનો ટેટ્રાટર્પીનમાં સમાવેશ કરવામાં આવે છે. ટમેટાનો લાલ વર્ણક લાયકોપીન આ વર્ગનું અચક્રીય સંયોજન છે, જ્યારે ગાજરમાં રહેલો પીળો વર્ણક β-કૅરોટીન આ વર્ગનું દ્વિચક્રીય સંયોજન છે. આ બંનેના 20 કાર્બનના બે ટુકડાઓ પુચ્છ-પુચ્છ (T-T) બંધથી જોડાયેલ છે. β-કૅરોટીનનો એક અણુ શરીરમાં વિટામિનAના બે અણુ આપે છે.
પૉલિટર્પીન : રબરના વૃક્ષમાંથી ઝરતા રસમાં પૉલિટર્પીન હાઇડ્રોકાર્બન, (C5H8)n (જ્યાં n = 4,000-5,000) હોય છે. રબરમાં -CH2 સમૂહો સપક્ષ (cis) છે, જ્યારે ગટાપર્ચામાં તે વિપક્ષ (trans) છે.
પ્રહલાદ બે. પટેલ