આઇસોપ્રીન (isoprene) : 2-મિથાઇલ – 1,3 – બ્યૂટાડાઈન. તેનું સૂત્ર CH2 = C(CH3)-CH = CH2 છે. તે રંગવિહીન પ્રવાહી છે. ઉ. બિ. 34.1, વિ. ઘ. 0.862. કુદરતમાં તે મળતું નથી પરંતુ ડામર, નેપ્થા, રબર વગેરેનું વિચ્છેદક નિસ્યંદન (destructive distillation) કરવાથી તે મળે છે. ઑટો વેલાકે ટર્પીનના બંધારણીય એકમ તરીકે આઇસોપ્રીનને સ્વીકાર્યું હતું. તેણે ટર્પીનના અણુઓને આઇસોપ્રીનના અણુના ગુણક (C5H8)n ગણ્યા. ‘આઈસોપ્રીનના અણુઓને વિવિધ રીતે જોડવાથી ટર્પીનના અણુઓનું બંધારણીય માળખું મેળવી શકાય’ એ નિયમ આઇસોપ્રીન નિયમ તરીકે ઓળખાય છે. ટર્પીન વર્ગનાં સંયોજનો આઇસોપ્રીનોઇડ સંયોજન તરીકે ઓળખાય છે.
હાલમાં આઇસોપ્રીનનું પેટ્રોરસાયણ ઉદ્યોગમાં મોટા પ્રમાણમાં ઉત્પાદન કરાય છે. ઝીગ્લર – નટ્ટા ઉદ્દીપકની હાજરીમાં તેનું બહુલીકરણ કરતાં કુદરતી રબરને મળતું સંશ્લેષિત રબર [સપક્ષ (cis) 1, 4 – પૉલિઆઇસોપ્રીન] પ્રાપ્ત થાય છે.
પ્રહલાદ બે. પટેલ