આઇલ ઑવ્ મૅન : ઇંગ્લૅન્ડની વાયવ્યે આયરિશ સમુદ્રમાં એક ટાપુ જે આશરે 48 કિમી. લાંબો અને 16 કિમી. પહોળો છે. ભૌગોલિક સ્થાન : 540 15´ ઉ. અ. અને 40 30´ પ. રે. વિસ્તાર : 570 ચોકિમી. વસ્તી 69,800 (1991). પાટનગર : ડગ્લાસ, તે બ્રિટનનો ભાગ નથી, પરંતુ બ્રિટનના રાજાએ 1928માં તે કબજે કર્યો હતો અને સ્થાનિક સરકાર સહિત તેનો વહીવટ ગૃહ મંત્રાલય સંભાળે છે. બ્રિટનના રાજા લેફ્ટેનન્ટ ગવર્નર નીમે છે તથા ઉપલા અને નીચલા ગૃહ દ્વારા શાસન ચલાવાય છે. આઇલ ઑવ્ મૅન મુક્ત વ્યાપારનો વિસ્તાર હોવાને લીધે તે વ્યાપાર માટે સ્વર્ગ સમાન ગણાય છે. પ્રવાસન આ ટાપુનો આર્થિક પાયો છે. નૂતન પાષાણયુગનાં કેટલાંક સ્મારકો આ ટાપુ પર આવેલાં છે.
હેમન્તકુમાર શાહ