આઇરિસિન : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા કુળ ઍમેરેન્થૅસીની એક નાની પ્રજાતિ. તે શાકીય અથવા ઉપક્ષુપ જાતિઓ ધરાવે છે અને ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણ કટિબંધીય અમેરિકા-(ઇક્વેડોર)ની મૂલનિવાસી છે. તેનાં સહસભ્યોમાં લાંપડી, મોરશિખા, કણેજરો, કાંટાળો ડાંભો, રાજગરો, તાંદળજો, ગોરખભાંજો અને અંઘેડીનો સમાવેશ થાય છે. ઍમેરેન્થેસીના ત્રણ સંવર્ગો (tribes) પૈકી આઇરિસિનનું સ્થાન ગોમ્ફ્રીનીમાં છે. ભારતમાં તેની બેથી ત્રણ જાતિઓ વાવવામાં આવે છે.

Iresine herbstii

આઇરિસિન

સૌ. "Iresine herbstii" | CC BY-SA 3.0

Iresine herbstii Hook F. syn. Achyranthes verschaffelti Lem. 60 સેમી.થી 90 સેમી.ની ઊંચાઈ ધરાવતી નાની, બહુવર્ષાયુ, બહુશાખિત શોભન જાતિ છે. તેનું પ્રકાંડ પોચું અને રાતા રંગનું હોય છે. તેનાં પર્ણો ઝીણાં ગોળાશ પડતાં, અને મરૂનથી ઘેરા કિરમજી અને ઘેરા રાતા રંગની ઝાંયવાળાં હોય છે.  વનસ્પતિના સઘળા ભાગો વિવિધરંગી હોવાથી તે સુંદર લાગે છે. તેનું પ્રસર્જન કટકારોપણ (cutting) દ્વારા કરવામાં આવે છે.

તેના પુષ્પમાં પુંકેસરનું પરાગાશય એકખંડી હોય છે. બીજાશય એકકોટરીય હોય છે અને એક જ અંડક ધરાવે છે.

સામાન્યત: શોભન વનસ્પતિ તરીકે ઉદ્યાનોમાં તેને ઉગાડવામાં આવે છે. લીલી વનસ્પતિઓ સાથે તે રંગનો સુંદર વિરોધાભાસ આપતી હોવાથી ઉદ્યાનમાં તેનો ચોક્કસ સમમિત (symmetrical) અભિકલ્પ (design) બનાવવામાં આવે છે. જાવામાં પર્ણોનો અગર-અગર જેલીને રંગ આપવામાં ઉપયોગ થાય છે. પર્ણોને પાણીમાં કચડીને લાલ રંગનું દ્રવ્ય મેળવવામાં આવે છે.

મ. ઝ. શાહ

સરોજા કોલાપ્પન