આઇર (Ayr) : સ્કૉટલૅન્ડના નૈર્ઋત્ય ભાગમાં આઇર નદીના મુખ પર, સ્ટ્રૅથક્લાઇડ પ્રદેશમાં, ગ્લાસગોના નૈર્ઋત્યમાં 53 કિલોમીટરના અંતરે આવેલું દક્ષિણ આયરશાયરનું વહીવટી વડું મથક. ભૌગોલિક સ્થાન : 550 28´ ઉ. અ. અને 40 38´ પ. રે. (પશ્ચિમ). વસ્તી આશરે 48,200 (1991) બાજુમાં કોલસાની ખાણો છે. ફર્થ ઑવ્ ક્લાઇડ નામના સમુદ્રના ફાંટા પર આ ગામ આવેલું હોવાથી ત્યાં વહાણવટાના ઉદ્યોગનો વિકાસ થયેલો છે. ઉપરાંત ગાલીચા, ઊની કાપડ, રસાયણો, એંજિનિયરિંગ તથા લોખંડ અને પોલાદની વસ્તુઓનું ઉત્પાદન થાય છે.
આઇર નામનું બીજું ગામ ક્વીન્સલૅન્ડ (ઑસ્ટ્રેલિયા)ના ઈશાનમાં બુર્દેકિન નદીના મુખ પર 1881માં વસેલું. ભૌગોલિક સ્થાન : 190 35´ દ. અ. અને 1470 24´ પૂ. રે. 1882માં તેને કાયદેસર માન્યતા આપવામાં આવેલી. ક્વીન્સલૅન્ડના તે વખતના ગવર્નરનું જન્મસ્થાન આઇર, જે સ્કૉટલૅન્ડમાં આવેલું છે તેના પરથી આ વસવાટનું નામ પણ આઇર પાડવામાં આવ્યું છે. તેની વસ્તી 9,012 (1991) છે. 1903માં તે પરગણું થયું. બુર્દેકિનના સિંચાઈ ક્ષેત્રનું તે કેન્દ્ર છે. ત્યાં શેરડી, ડાંગર તથા મકાઈનું ઉત્પાદન થાય છે. આ વિસ્તારમાં ખાંડનાં કારખાનાંઓ પણ છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે