આઇરાસ (Infrared Astronomical Satellite – IRAS) : પાર-રક્ત ખગોળવિજ્ઞાનના અભ્યાસ માટે અમેરિકા, બ્રિટન અને નેધરલૅન્ડ્ઝના સંયુક્ત પ્રયાસથી તૈયાર થયેલ ઉપગ્રહ. 25 જાન્યુઆરી, 1983ના રોજ 900 કિમી. ઊંચાઈએ સૂર્ય-સમક્રમિક ભ્રમણકક્ષામાં તેને પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. તેમાં રાખવામાં આવેલું દૂરબીન પ્રવાહી હીલિયમની મદદથી 30 કેલ્વિન અથવા -2700 સે. તાપમાને રાખવામાં આવ્યું હતું, જેથી પાર-રક્ત પ્રકાશનું અત્યંત ચોકસાઈથી અવલોકન લઈ શકાય. આ દૂરબીન દ્વારા પાર-રક્ત પ્રકાશની ચાર જુદી જુદી તરંગલંબાઈ – 12, 25, 60 અને 100 માઇક્રોન-માં અવલોકનો લેવામાં આવ્યાં હતાં. પ્લાન્કના ઉષ્માકીય વિકિરણ(thermal radiation)ના સિદ્ધાંત અનુસાર 3000 કેલ્વિ. અથવા તેનાથી ઓછું તાપમાન ધરાવતા કોઈ પણ પદાર્થો ઉપર દર્શાવેલી તરંગલંબાઈના પ્રકાશનું મહત્તમ ઉત્સર્જન કરે છે. આથી આઇરાસના દૂરબીન દ્વારા આકાશના ઠંડા પદાર્થોનું પાર-રક્ત પ્રકાશમાં અવલોકન શક્ય બન્યું હતું.

આઇરાસના દૂરબીન દ્વારા દસ મહિના સુધી આકાશી અવલોકનો લેવામાં આવ્યાં હતાં. ત્યારબાદ પ્રવાહી હીલિયમનું સંપૂર્ણ બાષ્પીભવન થઈ ગયું હોવાથી અવલોકનો લેવાનું શક્ય નહોતું. આ સમય દરમિયાન આકાશના લગભગ 95 ટકા વિસ્તારનું પાર-રક્ત પ્રકાશમાં સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. એના પરિણામરૂપે પાર-રક્ત પ્રકાશના બે લાખથી પણ વધારે સ્રોત મળી શક્યા હતા (આ સર્વેક્ષણ પહેલાં પાર-રક્ત પ્રકાશના જાણીતા સ્રોતની સંખ્યા લગભગ 2,000 જેટલી જ હતી.) આ સ્રોત નવજાત તારા અથવા દૂરનાં સર્પિલ તારા-વિશ્વો હોવાં જોઈએ એમ માનવામાં આવે છે. આઇરાસની સહુથી મહત્વની શોધ એ છે કે અભિજિત્ (Vega) નામના તેજસ્વી તારાની ચારે બાજુ પ્રદક્ષિણા કરતા અને પાર-રક્ત પ્રકાશનું ઉત્સર્જન કરતા ઘન પદાર્થોનું અસ્તિત્વ જાણવા મળ્યું છે. આ ઘન પદાર્થો એ તારાના ગ્રહમંડળની ઉત્પત્તિની પ્રાથમિક અવસ્થામાં હોવા જોઈએ એમ ખગોળ-વિજ્ઞાનીઓ માને છે. આમ આપણા સૌર ગ્રહમંડળ ઉપરાંત આકાશમાં બીજા એક તારાનું ગ્રહમંડળ પણ અસ્તિત્વ ધરાવે છે. જોકે એ ગ્રહમંડળ પર જીવસૃષ્ટિનું આગમન થતાં પહેલાં તો અગણિત વર્ષો નીકળી જશે. આ ઉપરાંત, આઇરાસનાં અવલોકનો દ્વારા મૃગ તારામંડળના બીટલગુસ તારાની આજુબાજુ ચાર પ્રકાશવર્ષનો વિસ્તાર ધરાવતું ધૂળનું પ્રચંડ આવરણ શોધી કાઢવામાં આવ્યું છે. આઇરાસ ઉપગ્રહ દ્વારા કુલ સાત નવા ધૂમકેતુ શોધી શકાયા છે અને લઘુ-ગ્રહો(asteroids)નું સર્વગ્રાહી સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. (જુઓ અંતરીક્ષ ખગોળશાસ્ત્ર.)

પરંતપ પાઠક