આઇ. યુ. પી. એ. સી. (IUPAC)

February, 2001

આઇ. યુ. પી. . સી. (IUPAC) : ઇન્ટરનૅશનલ યુનિયન ઑવ્ પ્યૉર ઍન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી નામનું પંચ (મંડળ). ઓગણીસમા સૈકાના પ્રથમ અર્ધભાગમાં કાર્બનિક રસાયણજ્ઞોએ ઘણાં કાર્બનિક સંયોજનો કુદરતમાંથી મેળવ્યાં હતાં અથવા સંશ્લેષિત રીતે તૈયાર કર્યાં હતાં. આ સંયોજનોનું નામકરણ તેમનાં ઉદગમ (source), નિર્માણ-પદ્ધતિ, શોધકના નામ વગેરે ઉપરથી કરવામાં આવ્યું હતું. જેમ જેમ વિકાસ સધાતો ગયો તેમ તેમ આ રૂઢ (arbitrary) નામકરણપદ્ધતિમાં ગૂંચવાડો ઊભો થતો ગયો. નામકરણ(nomenclature)પદ્ધતિ એવી હોવી જોઈએ કે સંયોજનના નામ ઉપરથી તેનાં બંધારણનો ખ્યાલ અસંદિગ્ધ રીતે આવે, અને નવાં સંયોજનો શોધાય ત્યારે તેમને આ પદ્ધતિમાં આવરી લેવાય. આ કાર્યમાં વ્યવસ્થા સ્થાપવાના ઉદ્દેશથી 1889માં ઇન્ટરનૅશનલ કેમિકલ કૉંગ્રેસે તેને માટે એક સમિતિ નીમી. 1892માં જિનીવા કૉંગ્રેસે તેને માટે એક પદ્ધતિ યોજેલી, પણ તે સંતોષકારક માલૂમ ન પડતાં 1919માં ઇન્ટરનૅશનલ યુનિયન ઑવ્ કેમિસ્ટ્રી(IUC)એ આ અંગે નવેસરથી પ્રયત્ન કરીને 1930માં તેનો પ્રથમ હેવાલ બહાર પાડ્યો. આ લીજ (બેલ્જિયમના એ નામના શહેર ઉપરથી) નિયમો તરીકે ઓળખાય છે. 1947માં નામકરણ માટેનું એક નવું પંચ નિમાયું, જે ઇન્ટરનૅશનલ યુનિયન ઑવ્ પ્યૉર ઍન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી (આઇ. યુ. પી. એ. સી.) તરીકે ઓળખાય છે. આ પંચે નામકરણ અંગેના કેટલાક હેવાલો બહાર પાડ્યા છે. અમેરિકન કેમિકલ સોસાયટીએ (1960, 82, 5542) બહાર પાડેલો હેવાલ છેવટનો અને સર્વગ્રાહી (exhaustive) ગણાય છે.

આઇ. યુ. પી. એ. સી.એ યોજેલ પદ્ધતિમાં પ્રત્યેક સંયોજનને એક મૂળ પાયાના સંયોજનના વ્યુત્પન્ન (derivative) તરીકે ગણવામાં આવે છે. વિસ્થાપકો(substituents)નાં સ્થાન આંકડાથી દર્શાવીને પદાર્થનું અસંદિગ્ધ નામ યોજવામાં આવે છે. વિસ્થાપનોની અગ્રિમતા માટેના નિયમો પણ નક્કી કરવામાં આવેલ છે. સમગ્ર વિશ્વમાં આ પદ્ધતિ સ્વીકારાયેલી હોવાથી અનુકૂળ ગણાય. આ પદ્ધતિ એટલી સ્થિતિસ્થાપક છે કે નવાં શોધાતાં સંયોજનોને તે સરળતાથી સમાવીને તેમને અસંદિગ્ધ નામ આપી શકે છે. હજુ પણ રૂઢ નામો સરળ અને જાણીતાં હોવાને કારણે વપરાશમાં છે. દા.ત., નીચેના સૂત્રવાળો પદાર્થ નૅપ્થેલીન તરીકે ઓળખાય છે :

વિવિધ કાર્બનિક સંયોજનોના વર્ગોની રજૂઆત પ્રસંગે જે તે વર્ગનું નામકરણ ચર્ચવામાં આવેલું છે.

પ્રવીણસાગર સત્યપંથી