આઇન્સ્ટાઇનિયમ

February, 2001

આઇન્સ્ટાઇનિયમ : આવર્તક કોષ્ટકના 3જા (અગાઉના III b) સમૂહમાંની ઍક્ટિનાઇડ શ્રેણીનું સંશ્લેષિત રાસાયણિક તત્વ. સંજ્ઞા Es. વિખ્યાત વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇનના માનમાં આ તત્વનું નામકરણ કરવામાં આવ્યું છે. કુદરતમાં તે અપ્રાપ્ય છે. દક્ષિણ પેસિફિક મહાસાગરમાં નવેમ્બર 1952માં કરવામાં આવેલ હાઇડ્રોજન બૉંબ (‘માઇક’ના) અથવા ઉષ્માનાભિકીય (thermonuclear) વિસ્ફોટના કચરામાંથી ડિસેમ્બર 1952માં બર્કલી (કૅલિ.) ખાતે આલ્બર્ટ ઘિયોર્સો અને સહકાર્યકરોએ આ તત્વ સૌપ્રથમ શોધ્યું હતું. તે પછી પેસિફિક એટોલ(attol)ના પરવાળાના ખડકોમાંથી તત્વનો વધુ જથ્થો મેળવવામાં આવ્યો હતો. 1954માં આર્ગોન નૅશનલ લૅબોરેટરી (ANL) અને યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા રેડિયેશન લૅબોરેટરી (UCRL) ખાતે યુરેનિયમ-238 પર નાઇટ્રોજન આયનોનો મારો (bombardment) ચલાવી 7.3 મિ. અર્ધઆયુ ધરાવતો Es-246 સમસ્થાનિક મેળવવામાં આવ્યો હતો. U-238 પર ન્યૂટ્રૉનના પ્રબળ મારાથી તથા પ્લુટોનિયમ પર ધીમા ન્યૂટ્રૉનના મારાથી 276 દિવસનું અર્ધઆયુ ધરાવતો સમસ્થાનિક વજન કરી શકાય તેટલા જથ્થામાં મેળવી શકાયો હતો.

આઇન્સ્ટાઇન તત્વના દળસંખ્યા 245, 246, 248, 249, 250, 251, 252, 253, 254 અને 255 ધરાવતા દસ સમસ્થાનિકો છે, જે પૈકી 245નું અર્ધઆયુ 75 સેકન્ડ છે, જ્યારે સામાન્ય સમસ્થાનિક Es-252નું 472 દિવસ છે. બધા સમસ્થાનિકો વિકિરણધર્મી છે. તેના કેટલાક ગુણધર્મો નીચે પ્રમાણે છે :

પરમાણુક્રમાંક 99; ઇલેક્ટ્રૉનીય સંરચના [Rn]5f117s2; સૌથી વધુ સામાન્ય સમસ્થાનિકોનું કેન્દ્રકીય દળ 252.0830; E0 (Es3+/Es) (વોલ્ટ) 1.98; સ્થાયી ઑક્સિડેશન અવસ્થા 3.

253Es વાપરીને કરવામાં આવેલા અભ્યાસ પરથી એમ માલૂમ પડ્યું છે કે આઇન્સ્ટાઇન તત્વના ગુણધર્મો ત્રિસંયોજક ઍક્ટિનાઇડ તત્ત્વોને મળતા આવે છે. તત્વનો માઇક્રોગ્રામ નમૂનો વાપરી ઇલેક્ટ્રૉન વિવર્તન (diffraction) અભ્યાસ કરતાં માલૂમ પડ્યું છે કે તે Es2O3 સૂત્ર ધરાવતો સફેદ ઑક્સાઇડ બનાવે છે. મેન્દેલેવિયમ (Md) તત્ત્વ મેળવવા  પર α-કણોનો મારો ચલાવવામાં આવે છે.

જ. ચં. વોરા