આઇઝેન્સ્ટાટ, સૅમ્યુઅલ એન. (જ. 10 સપ્ટેમ્બર 1923, વોરસો, પૉલેન્ડ, અ. 2 સપ્ટેમ્બર 2010, જેરુસલેમ) : વિખ્યાત સમાજશાસ્ત્રી. જેરૂસલેમની હીબ્રૂ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર વિષયના પ્રાધ્યાપક અને તે વિભાગના વડા. તે સ્થાને અગાઉ આ સદીના પ્રખર ચિંતક અને સમાજશાસ્ત્રી માર્ટિન બ્યૂબર હતા.
સમાજશાસ્ત્ર વિષયમાં પીએચ.ડી. પ્રાપ્ત કર્યા પછી આઇઝેન્સ્ટાટે વિશેષ સંશોધન માટે લંડન સ્કૂલ ઑવ ઇકોનૉમિક્સ ઍન્ડ પોલિટિકલ સાયન્સમાં કાર્ય કર્યું. 1948થી તેઓ હીબ્રૂ યુનિવર્સિટી(જેરૂસલેમ)માં શિક્ષણકાર્ય કરે છે.
મુલાકાતી પ્રાધ્યાપક તરીકે તેમણે મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ, ઑસ્લો, શિકાગો, હાર્વર્ડ – ઝૂરિચ વગેરે યુનિવર્સિટીઓમાં કામ કર્યું છે. આગવા સંશોધન માટે તેમને અમેરિકન સોશ્યોલૉજિકલ ઍસોસિયેશન તરફથી 1964માં તેમના વિખ્યાત પુસ્તક ‘પોલિટિકલ સિસ્ટિમ્સ ઑવ્ એમ્પાયર’ માટે ‘મેકાઈવર એવૉર્ડ’ આપવામાં આવ્યો હતો. 1973માં તેમને નેધરલૅન્ડ્ઝ ઇન્સ્ટિટ્યૂટ ફૉર એડવાન્સ્ડ સ્ટડી (વેસેનાર) તરફથી રૉથ્સચાઇલ્ડ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. બીજી શૈક્ષણિક સંસ્થાઓએ પણ તેમની સંશોધનપ્રવૃત્તિને સન્માની છે.
તેમનાં લખેલાં પુસ્તકોમાં ‘ઍબ્સૉર્પ્શન ઑવ્ ઇમિગ્રન્ટ્સ’ (1954), ‘ફ્રૉમ જનરેશન ટુ જનરેશન’ (1956), ‘એસેઝ ઑવ્ સોશ્યોલૉજિકલ આસ્પેક્ટ્સ ઑવ્ પોલિટિકલ ઍન્ડ ઈકોનૉમિક ડેવલપમન્ટ’ (1960), ‘પોલિટિકલ સિસ્ટિમ્સ ઑવ્ એમ્પાયર’ (1963), ‘કમ્પૅરેટિવ સોશ્યલ પ્રૉબ્લેમ્સ’ (1964), ‘એસેઝ ઑવ્ કમ્પૅરેટિવ ઇન્સ્ટિટ્યૂશન્સ’ (1965), ‘મૉડર્નાઇઝેશન : પ્રોટેસ્ટ ઍન્ડ ચેન્જ’ (1966), ‘ફૉર્મ ઑવ્ સોશ્યૉલોજી : પેરેડિમ ઍન્ડ ક્રાઇસિસ’ (1976) વગેરેનો સમાવેશ થાય છે. કેટલાંક પુસ્તકોનું સંપાદન કરવા ઉપરાંત સમાજપરિવર્તનના સિદ્ધાંતો અને આધુનીકરણ પર ઘણા સંશોધનાત્મક લેખો લખ્યા છે.
ર. લ. રાવળ