આઇઝન્સ્ટાઇન, સર્ગેઇ મિખાલોવિચ

February, 2001

આઇઝન્સ્ટાઇન, સર્ગેઇ મિખાલોવિચ (જ. 22 જાન્યુઆરી 1898, રીગા, લાટવિયા, રશિયન એમ્પાયર, અ. 11 ફેબ્રુઆરી 1948, મૉસ્કો, રશિયા, યુ.એસ.એસ.આર.) : રશિયાના ફિલ્મદિગ્દર્શક. ક્રાંતિ પછીના રશિયામાં 1925માં ‘બૅટલશિપ પૉટેમ્કિન’ ફિલ્મનું નિર્માણ કર્યું અને વિશ્વમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. 1962માં લંડનના ‘સાઇટ ઍન્ડ સાઉન્ડ’ નામના ફિલ્મ માસિકે જગતના અગ્રગણ્ય ફિલ્મવિવેચકો પાસે ચલચિત્ર-ઇતિહાસનાં સર્વશ્રેષ્ઠ દશ ચલચિત્રોનાં નામની માગણી કરી, તેમાં ‘બૅટલશિપ પૉટેમ્કિન’ ત્રીજે સ્થાને હતી. ‘બૅટલશિપ પૉટેમ્કિન’ યુદ્ધજહાજની પશ્ચાદભૂમાં દૃશ્યાંકિત થયેલી ફિલ્મ છે.

આઇઝન્સ્ટાઇનનું ક્રાંતિકારી વલણ, એની પ્રતીકયોજના, ફિલ્મની ઝડપી ગતિ, પ્રયોગશીલતા એ સર્વેએ ‘બૅટલશિપ પૉટેમ્કિન’ને જગતની શ્રેષ્ઠ ફિલ્મોમાં આગવું સ્થાન અપાવ્યું. એ પછી 1946માં એમણે ‘ઇવાન ધ ટેરિબલ’ ફિલ્મ બનાવી. એને પણ જગતની ઉત્તમ ફિલ્મોમાં આઠમું સ્થાન મળ્યું છે.

સર્ગેઇ મિખાલોવિચ આઇઝન્સ્ટાઇન

રશિયાના શાસકો જોડે મતભેદ થતાં આઇઝન્સ્ટાઇન અમેરિકા ગયા. ત્યાં એમણે ‘ઑક્ટોબર’ તથા ‘ધી ઓલ્ડ ઍન્ડ ધ ન્યૂ’ ફિલ્મો બનાવી, પણ એકેય ‘બૅટલશિપ પૉટેમ્કિન’ જેવી અભૂતપૂર્વ ફિલ્મ નીવડી શકી નથી. એમણે ‘થન્ડર ઓવર મેક્સિકો’ ફિલ્મ બનાવવા માંડેલી. પરંતુ એમના આકસ્મિક મૃત્યુને કારણે એ ફિલ્મ અધૂરી રહી.

(ચિત્રના કથાનક માટે ‘બૅટલશિપ પૉટેમ્કિન’ અધિકરણ જુઓ.)

કેતન મહેતા