આઇઝનહોવર, ડ્વાઇટ ડેવીડ (જ. 14 ઑક્ટોબર 1890, ટેક્સાસ, યુ.એસ.; અ. 28 માર્ચ 1969, વૉશિંગ્ટન ડી.સી., યુ.એસ.) : અમેરિકાના 34મા પ્રમુખ (1953-1961). પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં યશસ્વી સૈનિક કારકિર્દી પછી તેઓ સર્વોચ્ચ સેનાપતિ તેમજ પંચતારક જનરલ બન્યા અને ખૂબ લોકપ્રિયતા મેળવી. 1952માં રિપબ્લિકન પક્ષ તરફથી પ્રમુખ તરીકે ચૂંટાઈને તેઓ બે સત્ર (1952-60) પ્રમુખ તરીકે રહ્યા. એકંદરે તેમણે રૂઢિચુસ્ત નીતિ અપનાવી હતી. તેમના સમયમાં વિદેશનીતિનું સંચાલન સેક્રેટરી ઑવ્ સ્ટેટ જૉન ફૉસ્ટર ડલેસના હસ્તક હતું.
1953માં તેમણે કોરિયાના યુદ્ધમાં યુદ્ધમોકૂફી કરાવી અને 1957માં તેમના ‘શાન્તિ માટે અણુ’ના સૂચનથી આંતરરાષ્ટ્રીય અણુપંચની રચના કરવામાં આવી હતી. સામ્યવાદ સામે મોરચો ઊભો કરવા માટે 1954માં અગ્નિ એશિયાના દેશો સાથે ‘સિયાટો’, 1955માં બગદાદ કરાર, તેમજ ફૉર્મોસાના શાસક ચાંગ કાઈ શેક સાથે લશ્કરી કરારો કર્યા. 1956માં ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ અને ઇઝરાયલના ઇજિપ્ત ઉપરના સંયુક્ત હુમલાના સંદર્ભમાં તેમણે ‘આઇઝનહોવર સિદ્ધાંત’ (doctrine) ઘોષિત કર્યો.
1954માં અમેરિકાની સર્વોચ્ચ અદાલતના રંગભેદ સામેના ચુકાદાના ઉલ્લંઘન સામે તેમણે દક્ષિણમાં સમવાય લશ્કર મોકલેલું. તેમના કાર્યકાળ દરમિયાન 1957માં નાગરિક અધિકારોનો પ્રથમ કાયદો પસાર કરાવ્યો હતો.
‘ક્રૂસેડ ઇન યુરોપ’ તથા ‘મૅન્ડેટ ફૉર ચેન્જ’ તેમના જાણીતા ગ્રંથો છે.
દેવવ્રત પાઠક