આઇગન, માનફ્રેડ

February, 2001

આઇગન, માનફ્રેડ (જ. 9 મે  1927, બોકમ, જર્મની, અ. 6 ફેબ્રુઆરી 2019, ગોટીનજન, જર્મની) : જર્મન વૈજ્ઞાનિક. અતિ ઝડપી રાસાયણિક પ્રક્રિયાઓના અભ્યાસ બદલ તેમને 1967માં રૉનાલ્ડ નોરીશ અને જ્યૉર્જ પૉર્ટર સાથે રસાયણશાસ્ત્રમાં નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. તેમણે ગટિંગન યુનિવર્સિટીમાં અભ્યાસ કરી 1951માં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી. તે જ વર્ષમાં તેઓ આ યુનિવર્સિટીમાં સહાયક તરીકે જોડાયા. 1953માં તેઓ ગટિંગનના મૅક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફિઝિકલ કેમિસ્ટ્રીના સભ્ય બન્યા અને 1964માં તેના નિયામક અને પછી ચેરમૅન બન્યા.

Eigen,Manfred

માનફ્રેડ, આઇગન

સૌ. "Eigen,Manfred" | CC BY 3.0

1954માં તેમણે સેકન્ડના હજારમા ભાગ જેટલા સમયમાં થતી અત્યંત ઝડપી પ્રક્રિયાઓના અભ્યાસ માટેની વિશ્રાંતિ (relaxation) તકનીકને દાખલ કરી. કોઈ એક તાપમાને અને દબાણે સમતોલનને પામેલા દ્રાવણને ઊર્જાના ઝડપી ફેરફારરૂપી અલ્પજીવી વિક્ષોભ (disturbance) આપતાં સમતોલન થોડા સમય માટે નાશ પામે છે. પણ તરત જ એક નવું સમતોલન પ્રાપ્ત થાય છે. આ ગાળા દરમિયાન શું બને છે તે જાણવા માટે તેમણે અવશોષણ સ્પેક્ટ્રમિકીનો ઉપયોગ કર્યો. વિક્ષોભ માટે વીજપ્રવાહના સ્પંદ (pulses) અથવા તાપમાન કે દબાણના ઝડપી ફેરફારનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિ દ્વારા તેમણે પાણીનું આયનીકરણ, પ્રસરણ નિયંત્રિત પ્રોટોઅપઘટની (protolytic) પ્રક્રિયાઓ, તથા કિટો-ઇનોલ ચલાવયવતા (tantomerism) વગેરેનો અભ્યાસ કર્યો હતો. પાછળથી તેમણે વિશ્રાંતિ તકનીકનો ઉપયોગ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓના અભ્યાસ માટે પણ કર્યો હતો. ન્યૂક્લીઇક (nucleic) ઍસિડ અને પ્રોટીનના ઉદગમમાં પણ તેમને રસ પડ્યો અને તેમના સહકાર્યકર વિન્ક્લર સાથે તેમણે આ અણુઓના નિર્માણની કાર્યવિધિ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.

ઈન્દ્રવદન મનુભાઈ ભટ્ટ