આઇકમાન, ક્રિસ્ટિયાન (Eijkman, Christiaan)

February, 2001

આઇકમાન, ક્રિસ્ટિયાન (Eijkman, Christiaan) (જ. 1 ઑગસ્ટ 1858, નિજકર્ક, નેધરલૅન્ડ્ઝ; અ. 5 નવેમ્બર 1930, યૂટ્રેક્ટ) : ફ્રેડરિક હૉપ્કિન્સ સાથે 1929નો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર સુપ્રસિદ્ધ ફિઝિશિયન અને પેથોલૉજિસ્ટ. તેમને મેડિકલ ડિગ્રી ઍમ્સ્ટર્ડેમ યુનિવર્સિટી(1883)માંથી મળી હતી.   1886માં બેરીબેરીનું કારણ શોધવા તેઓ જાવા ગયા હતા. આઇકમાને 1896માં નેધરલૅન્ડ્ઝ આવી, પબ્લિક હેલ્થ ઍન્ડ ફૉરેન્સિક મેડિસિનના પ્રોફેસર (1898–1928) તરીકે યુટ્રેક્ટ યુનિવર્સિટીમાં કામ કર્યું હતું.

ક્રિસ્ટિયાન આઇકમાન

તેમણે વિટામિન બી–જૂથ(Vitamin B–complex)નું થાયમીન નામનું વિટામિન શોધી કાઢ્યું હતું. આ વિટામિનની ઊણપને કારણે ચેતાતંતુઓ(nerve fibres)માં વિકાર ઉત્પન્ન થાય છે જેને ચેતાશોથ (neuritis) કહે છે. આ વિટામિન આપવાથી તે ઊણપ દૂર થાય છે માટે તેને પ્રતિચેતાશોથ (antineuritis) વિટામિન પણ કહે છે.  આઇકમાન રૉબર્ટ કૉકના વિદ્યાર્થી હતા અને તેમની સાથે જીવાણુઓ અંગે સંશોધન કર્યું હતું. તેમણે તેમની પ્રયોગશાળામાં મરઘીનાં બચ્ચાંને પગમાંથી ધીરે ઘીરે ઉપર તરફ ફેલાતો લકવો થતો જોયો, જે મોટા ભાગે મૃત્યુનું કારણ બનતો હતો. એને બેરીબેરી નામનો રોગ કહે છે. તેમણે નોંધ્યું કે લશ્કરી હૉસ્પિટલમાંથી આવતો ભાત આ મરઘીનાં બચ્ચાંને ખવડાવવામાં આવ્યો હતો ત્યારે બેરીબેરીનો રોગ થયો હતો. પરંતુ તેમને નાગરિક હૉસ્પિટલમાંથી આવતો ભાત ખવડાવાયો ત્યારે તેમને સારું થયું. તેમણે દર્શાવ્યું કે પૉલિશ કરેલા ચોખામાં કોઈ એક તત્વ ન હતું જે તેના કુશકામાં હતું. તેમણે દૂર પૂર્વના કેદીઓને અપાતા ખોરાકની તપાસ કરતી ટુકડીના વડા તરીકે પોતાનું સંશોધન ચાલુ રાખ્યું અને આમ તેમણે માણસને થતો બેરીબેરીનો રોગ મટાડ્યો તેમજ તેને થતો પણ અટકાવ્યો. તેમના અનુગામીએ પુરવાર કર્યું કે બેરીબેરી એક વિટામિનની આહારમાંની ઊણપથી થતો રોગ છે. પાછળથી આઝાદી પહેલાંના ભારતમાંના સંશોધકોએ થાયમીનની શોધ કરી. તેને બી-જૂથનાં વિટામિનોમાં ‘B1’ની સંજ્ઞાથી પણ ઓળખવામાં આવે છે.

હરિત દેરાસરી

શિલીન નં. શુક્લ