આંબાના રોગો : જીવાત અને ફૂગને લીધે થતા રોગો. ઊધઈ, મધિયો અથવા તુડતુડિયાં અને મેઢ અથવા ધણ ઉપરાંત ફળની માખી, લાલ કીડી, પાનકથીરી, ગોટલાના ચાંચવા વગેરે જીવાત આંબાને નુકસાન કરે છે. ઊધઈ માટે ડી.ડી.ટી., બી.એચ.સી., ક્લોરડેન ઉપયોગી છે. મધિયો (જેસીડ) 3 મિમી. લાંબો તડતડ અવાજ કરતો કીટક છે, જે મૉરનો રસ ચૂસીને ફળને બેસવા દેતો નથી. વળી તેના શરીરમાંથી મીઠો રસ ઝરે છે, જેને લીધે કાળી ફૂગનો ઉપદ્રવ થાય છે. મેઢ (સ્ટેમ બોરર) પીળાશ પડતા બદામી રંગનો 50 મિમી. લાંબો કીટક છે. તે આંબાના થડને કોરીને અંદર પેસી જાય છે, જેથી ઝાડ ધીમે ધીમે સુકાઈ જાય છે. ગંધક, ક્રીઓસોટ તથા બીજાં કીટનાશકો આ ઉપદ્રવોમાં ઉપયોગી છે.

Mango Tree with Leaf Spots

પાનના ટપકાનો રોગ

સૌ. "Mango Tree with Leaf Spots" | Public Domain, CC0

જીવાણુ તથા ફૂગથી થતા રોગોમાં આંબાનો ટોચનો ઝાળ (Botryodiplodia theobrcmae Patouill), પાનના ટપકાનો રોગ (Pseudomonas mangiferae indica Patel etal, Bergey etal), આંબાનો વાંદો (Dendrophthoe falcata), ફળોનો સડો (Colletotrichum gloeosporiodes Penzig, Aspergillus niger v. Teighem, Actinoidochium jenkinsii-Uppal Patel and Kamath), કાલવ્રણ (Gloesporium mangiferae Sydao, G. raciborskii P. Henn, Colletotrichum gleosphoroides Penzig), ભૂકી છારો (Oidium mangiferae Berthert), પાનનો કાળઝાળ (Phyllostictina mangiferae), આંબાનો ગુચ્છપર્ણનો રોગ, Fusarium moniliforme નામની ફૂગ તથા Eriophyde miteના બેવડા હુમલાથી થતો રોગ છે. શ્યામ છારો (Capriodium ramosum cke મધિયામાંથી નીકળતા મીઠા રસ ઉપર થતી ફૂગ), શ્યામ પ્રકાંડ (Rhinocladium corticolium), ભૂખરો સુકારો (Lophodermium mangiferae), ભૂખરો ઝાળ (Pestalotia mangiferae P. Henn) અને તામ્ર ગેરુ (Cephaieuros જાતની ફૂગ) ઉલ્લેખનીય છે. આ બધા રોગો સામાન્ય રીતે પાન અને મૉરથી શરૂ થઈને ફળને પણ બગાડે છે અથવા ફળને બેસતાં અટકાવે છે. આ રોગોના પ્રતિકાર માટે બોર્ડોપેસ્ટ, ક્રીઓસોટ, ડામર, ગંધક અને સંશ્લેષિત ફૂગનાશકો ઉપયોગી છે.

રાવજીભાઈ છોટાભાઈ પટેલ

ભીષ્મદેવ કીશાભાઈ પટેલ