આંધ્રુલા સંઘિકે ચરિતમુ

January, 2002

આંધ્રુલા સંઘિકે ચરિતમુ (1949) : તેલુગુ લેખક સુરવરમ્ પ્રતાપ રેડ્ડી(1896-1955)નો સામાજિક ઇતિહાસનો ગ્રંથ. આ કૃતિને ભારતીય સાહિત્ય અકાદમીનો 1955ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો છે.

રેડ્ડી તેલુગુ ભાષાના નામાંકિત વિદ્વાન અને અગ્રણી પત્રકાર હતા. આ પુસ્તકમાં આંધ્રવાસીઓનો સામાજિક ઇતિહાસ સાહિત્ય મારફત આલેખાયો છે અને તેલુગુમાં આ અભિગમ તદ્દન નવો – સર્વપ્રથમ છે.

આંધ્રના ઇતિહાસના પ્રમુખ કાળખંડનો પ્રારંભ દેખીતી રીતે જ પૂર્વીય ચાલુક્ય કાળ(અગિયારમી સદી)થી કરાયો છે. તેલુગુ સાહિત્યની શરૂઆત નન્નય ભટ્ટુ(અગિયારમી સદી)થી થવા પામી. તેમણે સંસ્કૃત ‘મહાભારત’નું તેલુગુમાં રૂપાંતર કરવાનો આરંભ કર્યો. તેલુગુ સાહિત્યની એ પ્રથમ પ્રશિષ્ટ કાવ્યરચના લેખાઈ છે. પછીના ઇતિહાસમાં કાકતીય કાળ, રેડ્ડીઓનો રાજ્યકાળ, વિજયનગર સમયખંડ એમ 1907 સુધીનો એટલે કે તેલુગુ પ્રજાનો 900 વર્ષનો સમયપટ આલેખાયો છે.

આ ઇતિહાસ માટે મુખ્ય આધાર-સામગ્રી સાહિત્ય હોવા છતાં લેખકે શિલાલેખ, વિદેશી પ્રવાસીઓનાં લખાણો, શિલ્પ, ચિત્રકૃતિ, કહેવતો, કેફિયત, વીસરાયેલા – છૂટાછવાયા કાવ્યખંડો, લોકગીતો, લોકવાર્તા તથા અન્ય સાહિત્યિક સંદર્ભ જેવી વૈવિધ્યપૂર્ણ સામગ્રીનો પણ યથોચિત ઉપયોગ કર્યો છે. તેમના ઉર્દૂ તથા સંસ્કૃતના જ્ઞાનને લીધે આ સામાજિક ઇતિહાસનો વ્યાપ વધ્યો છે. આમ આ લેખકની વિદ્વત્તાના કારણે આ ગ્રંથનું તેલુગુ સાહિત્યમાં અનોખું સ્થાન છે.

ચન્દ્રકાન્ત મહેતા