આંત્રાંત્રરોધ (intussusception) : આંતરડાના પોલાણમાં આંતરડાનો બીજો ભાગ પ્રવેશીને તેને બંધ કરી દે તે. સામાન્ય રીતે આંતરડાનો આગળનો ભાગ પાછળના ભાગમાં પ્રવેશે છે (જુઓ આંત્રરોધ આકૃતિ). આથી આંતરડાના થતા ગઠ્ઠામાં ચાર નિશ્ચિત ભાગો થાય છે : (1) અંતર્નળી એટલે કે અંદર પ્રવેશેલો આંતરડાનો ભાગ, (2) બાહ્ય નળી એટલે કે જેમાં આંતરડાનો બીજો ભાગ પ્રવેશેલો હોય છે તે ભાગ, (3) ગ્રીવા એટલે કે બાહ્ય નળીનો છેડો જ્યાંથી અંતર્નળી પ્રવેશી છે અને (4) ટોચ, એટલે કે અંતર્નળીનો છેડો. અંતર્નળીની ટોચ પર ક્યારેક સ્તંભમસો (polyp), સ્તંભવાળી કૅન્સરની ગાંઠ, અવશ્લેષ્મ કલામાંની મેદગાંઠ (submucous lipoma) કે મેકલની વિપુટિકા (Meckel’s diverticulum) હોય તો તેને કારણે આંતરડાનો તે ભાગ તેની પછીના ભાગમાં સરકીને ક્વચિત્ આંત્રાંત્રરોધ સર્જે છે. નાનાં શિશુઓમાં થતા આંત્રાંત્રરોધનું કોઈ કારણ જાણી શકાતું નથી. તે ઘણી વખત ખોરાકમાં તરતના કરાયેલા ફેરફાર કે નાક-ગળાના ચેપ પછી તરત જ થાય છે. આ માટે વિવિધ કારણો રજૂ કરાયેલાં છે જે સર્વસ્વીકાર્ય નથી. મોટાભાગના કિસ્સામાં નાના આંતરડાનો છેલ્લો ભાગ (અંતાંત્ર, ileum) મોટા આંતરડા-(સ્થિરાંત્ર)માં પ્રવેશે છે. ક્યારેક અંતાંત્ર આંતાંત્રમાં, તો ક્યારેક સ્થિરાંત્ર સ્થિરાંત્રમાં પ્રવેશીને આ તકલીફ સર્જે છે. મોટેભાગે નાનાં બાળકોમાં થતી આ તકલીફમાં પેટમાં ચૂંક, ઊલટી તથા લાલ લુગદી જેવો મળ થાય છે. આંત્રરોધ થાય છે છતાં પેટ ફૂલતું નથી. પેટના મધ્યભાગમાં કેળાના જેવા આકારની ડૂંટી તરફની અંતર્ગોળ ગાંઠને હાથ વડે સ્પર્શી શકાય છે. ખૂબ વધી ગયેલ આંત્રાંત્રરોધમાં અંતર્નળીનું આંતરડું ગુદા વાટે બહાર પણ આવી શકે છે. અંતર્નળીનો લોહીનો પુરવઠો ઘટે છે, તે ભાગ મૃત્યુ પામે છે અને તેથી પરિતનગુહા(peritonial cavity)માં તેનો ચેપ પ્રસરે છે. પેટના સાદા એક્સ-રે ચિત્રમાં નાના આંતરડામાં હવા દેખાય છે જ્યારે અંધાંત્ર(caecum)ના વિસ્તારમાં હવા દેખાતી નથી. બેરિયમ-બસ્તી (barium enema) નિદાનમાં સહાયક છે. ક્યારેક આ તપાસ કરતી વખતે જ આંત્રાંત્રરોધ દૂર પણ થાય છે.
નસ વાટે પ્રવાહી આપીને તથા નાક-જઠરી નળી વાટે હવાપ્રવાહીનું શોષણ કરીને દર્દીની હાલતને સ્થિર (stable) કરવામાં આવે છે. ક્યારેક જલદાબ (hydrostatic pressure) વડે આંત્રાંત્રરોધ દૂર કરી શકાય છે. જરૂર ઊભી થતાં ઉદરછેદન(laparotomy)ની શસ્ત્રક્રિયા કરવામાં આવે છે. આંત્રાંત્રરોધ દૂર કરતી વખતે પેશીનાશ (gangrene) પામેલા આંતરડાના મરી ગયેલા ભાગને દૂર કરવામાં આવે છે. ફક્ત 2 % દર્દીઓમાં આંત્રાંત્રરોધ ફરીથી થાય છે.
શિલીન નં. શુક્લ
સોમાલાલ ત્રિવેદી