આંતરવિકાસ કણરચના (intergrowth texture) : કણરચનાનો એક પ્રકાર. તેમાં બે ખનિજોની અરસપરસ થયેલી ગૂંથણીનું માળખું જોવા મળે છે. મૅગ્માના ઘનીભવન દરમિયાન જુદાં જુદાં ખનિજ દ્રવ્યોના સહસ્ફટિકીભવન(eutectic crystallisation)ને કારણે ઉત્પન્ન થતી સ્ફટિકોની આંતરગૂંથણીભરી સ્થિતિની કણરચના માટે આ પર્યાય વપરાય છે. પર્થાઇટ આ માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે (જુઓ પર્થાઇટ). ગ્રાફિક, માઇક્રોગ્રાફિક, માઇક્રોપૅગ્મૅટાઇટિક અને ગ્રેનોફાયરિક જેવી કણરચનાઓ આંતરવિકાસ કણરચનાના વિવિધ પ્રકારો છે. ગ્રાફિક-ગ્રૅનાઇટમાં જોવા મળતી ક્વાર્ટ્ઝ-ફેલ્સ્પાર વચ્ચેની સુંદર, નયનરમ્ય આંતરગૂંથણીને નમૂનેદાર આંતરવિકાસ કણરચના તરીકે લેખી શકાય, જેમાં ફેલ્સ્પાર તરીકે ઑર્થોક્લેઝ, માઇક્રોક્લિન, પર્થાઇટ અને સોડા-પ્લેજિયોક્લેઝ હોઈ શકે. પ્રત્યેક ખનિજ આંતરવિકાસમાં ભાગ લેતું હોવા છતાં સાતત્યભંગ થતો નથી. વળી મોટા વિસ્તારોને આવરી લેવા છતાં એકસરખી પ્રકાશીય ઉપસ્થિતિ (optic orientation) પણ રહે છે. ક્વાર્ટ્ઝનો સમાવેશ કરતા આંતરવિકાસમાં તે સ્વયં 60°ને ખૂણે સામસામે છેદતા જઈને ત્રિપાર્શ્વ કે ફાચર આકારમાં વિકસે છે. પરિણામે ખૂબ જ જાણીતી ગ્રાફિક કણરચના તૈયાર થાય છે. જ્યારે આ પ્રકારનો આંતરવિકાસ સૂક્ષ્મ પરિમાણ ધારણ કરે ત્યારે તેને માઇક્રોગ્રાફિક કણરચના કહેવાય અને એવા ખડકને માઇક્રોપૅગ્મૅટાઇટ કહેવાય. આવી જ રીતે થતા ઑર્થોક્લેઝ-આલ્બાઇટ (પર્થાઇટ-માઇક્રોપર્થાઇટ) વચ્ચેના તેમજ ઑર્થોહ્રૉમ્બિક-મૉનૉક્લિનિક પાયરૉક્સીન વચ્ચેના આંતરવિકાસ પણ જાણીતા છે. આવા ઘણા આંતરવિકાસ નિ:શંકપણે જરૂરી પ્રમાણવાળાં બે ખનિજદ્રવ્યોના સહસ્ફટિકીભવનને કારણે થતા હોય છે, તેમ છતાં અન્ય કેટલીક આંતરવિકાસ સંરચનાઓ સહઉત્પત્તિને કારણે નહિ, પરંતુ અપવિલયન (exsolution) જેવી ઘટનાને કારણે પણ થતી હોય છે.
મોહનભાઈ પુરુષોત્તમદાસ પટેલ
ગિરીશભાઈ પંડ્યા