આંતરરાષ્ટ્રીય વ્યાપારી મહામંડળ

January, 2002

આંતરરાષ્ટ્રીય વ્યાપારી મહામંડળ (International Chamber of Commerce) (સ્થાપના 1919) : ખાનગી સાહસ તથા નિર્બંધ વ્યાપારી વ્યવસ્થાઓનું સમર્થન કરનારું વિશ્વવ્યાપી સર્વોચ્ચ વ્યાપારી મહામંડળ. ‘સરકારી નિયંત્રણો તથા નિયમનો’ને લીધે ઊભી થતી જટિલ અને અપરિવર્તનશીલ વ્યવસ્થાના પ્રત્યુત્તરરૂપ સ્વયંસંચાલિત વ્યાપારવ્યવસ્થામાં વિશ્વાસ એ આ આંતરરાષ્ટ્રીય સમવાયી વ્યાપારી મહામંડળની તમામ પ્રવૃત્તિઓની બુનિયાદ છે. સંસ્થાનું કેન્દ્રીય કાર્યાલય પૅરિસ ખાતે આવેલું છે.

ICC headquarters

આંતરરાષ્ટ્રીય વ્યાપારી મહામંડળનું પૅરિસ ખાતે આવેલું કેન્દ્રીય કાર્યાલય

સૌ. "ICC headquarters" | CC BY-SA 4.0

વિશ્વભરનાં સેંકડો વ્યાપારી-ઔદ્યોગિક મહામંડળો, મહાજનો, વ્યાપારી-ઔદ્યોગિક પેઢીઓ, કંપનીઓ, ઉદ્યોગપતિઓ તથા વેપારીઓ ઇત્યાદિ આ મહામંડળનું સભ્યપદ ધરાવે છે અને તે દ્વારા તેમને આંતરરાષ્ટ્રીય આર્થિક-વ્યાપારી-ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ અને પ્રગતિનું વિધેયાત્મક વાતાવરણ સર્જવાની તક પ્રાપ્ત થાય છે.

પ્રત્યેક દેશમાં આ મહામંડળની એક સ્થાયી રાષ્ટ્રીય સમિતિ રચવામાં આવેલી છે. એ સમિતિ પોતાના દેશનાં સત્તામંડળો સમક્ષ આંતરરાષ્ટ્રીય મહામંડળનું પ્રતિનિધિત્વ ધરાવે છે અને તેનાં મંતવ્યોની રજૂઆત કરે છે.

સંલગ્ન સભ્ય સંસ્થાઓ વચ્ચેના વિવાદો ઉકેલવામાં લવાદી યા મધ્યસ્થી સેવાઓ આપવા ઉપરાંત આ મહામંડળ ‘વિશ્ર્વ-વ્યાપાર’ (world-trade) નામના ત્રિમાસિક સામયિકનું પ્રકાશનકાર્ય સંભાળે છે.

રાષ્ટ્રીય સત્તામંડળો તથા આંતરરાષ્ટ્રીય સંગઠનો સમક્ષ વિશ્વનાં વ્યાપારી વર્તુળોના પ્રવક્તા તરીકે આ મહામંડળ કામગીરી બજાવે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની આર્થિક અને સામાજિક સમિતિએ આ મહામંડળને ઉચ્ચતમ સલાહકાર તરીકે માન્યતા આપેલી છે.

આ મહામંડળના કાર્યક્ષેત્રમાં પૂર્વ-પશ્ચિમ વ્યાપાર, ઔદ્યોગિક સંપત્તિ, બહુરાષ્ટ્રીય સાહસો, મૂડીનિવેશ, બૅંકિંગ અને નાણાકીય વ્યવસ્થાઓ-વ્યવહારો, હવાઈ પરિવહન, દરિયાઈ પરિવહન, વીમા-વ્યવસ્થા, દૂરસંચાર તથા માહિતીસંચાર વ્યવસ્થાઓ, માર્કેટિંગ અને વિજ્ઞાપન, ઊર્જા ઉદ્યમ અને પર્યાવરણ, પરિવેશ, વ્યાપારનીતિ, કરવેરા, સ્પર્ધા મધ્યસ્થી-લવાદી વગેરેનો સમાવેશ થાય છે. આમાંના પ્રત્યેક માટે તજજ્ઞો, નિષ્ણાતો તથા સંચાલકોનાં બનેલાં કાયમી સ્વરૂપનાં વિવિધ કમિશનો અને સમિતિઓ રચવામાં આવેલાં છે, જે પોતાના ક્ષેત્રને સ્પર્શતી સમસ્યાઓના વ્યવહારુ ઉકેલો શોધવામાં સહાયક બની રહે છે.

દર ત્રણ વર્ષે મહામંડળનું ત્રિવાર્ષિક અધિવેશન મળે છે. 1965 તથા 1987નાં ત્રિવાર્ષિક અધિવેશનો ભારતમાં યોજવામાં આવ્યાં હતાં.

ધીરુભાઈ વેલવન