આંતરવિગ્રહ (civil war) : એક જ દેશની રાષ્ટ્રીયતા અને/અથવા નાગરિકત્વ ધરાવતી પ્રજાનાં જુદાં જુદાં જૂથો વચ્ચે તે જ દેશમાં ફાટી નીકળતો વ્યાપક સશસ્ત્ર સંઘર્ષ. આંતરવિગ્રહનાં ચાર મુખ્ય લક્ષણો છે, જે તેને જુદાં જુદાં રાષ્ટ્રો વચ્ચે ખેલાતાં યુદ્ધથી જુદો પાડે છે : (1) તે એક જ દેશના નાગરિકો વચ્ચેનો આંતરસંઘર્ષ હોય છે. (2) તે સંઘર્ષ સશસ્ત્ર અથડામણોમાં પરિણમે છે. (3) તે દેશની ભૌગોલિક સીમાઓની મર્યાદામાં ખેલાતો હોય છે. (4) દેશ અને કાળના સંદર્ભમાં તે વ્યાપક હોવો જોઈએ.

ઇંગ્લૅન્ડમાં ત્યાંની સંસદ અને રાજા ચાર્લ્સ પહેલાના ટેકેદારો વચ્ચેના સંઘર્ષ(1642-49)ને વિશિષ્ટ અર્થમાં આંતરવિગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. રાજા ચાર્લ્સ પર ચલાવવામાં આવેલા ખટલાને અંતે તેને દેહાંતદંડની સજા આપવામાં આવી હતી અને તેની સાથે આ આંતરવિગ્રહમાં સંસદની સર્વોપરિતાના સમર્થકોનો વિજય થયો હતો. ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા વચ્ચે ખેલાયેલ સંઘર્ષ(1861-65)ને અમેરિકન આંતરવિગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. ગુલામીની પ્રથા તથા જીવનપદ્ધતિની ભિન્નતા આનાં મુખ્ય કારણો હતાં. તેમાં ગુલામીની પ્રથાની નાબૂદી તથા સંઘીય રાજ્યવ્યવસ્થાની તરફેણ કરનાર ઉત્તર અમેરિકાને વિજય સાંપડ્યો હતો. રશિયામાં ઝારશાહી તથા સામ્યવાદી વિચારસરણીના સમર્થકો વચ્ચે થયેલો સંઘર્ષ આંતરવિગ્રહનો જ દાખલો છે. ‘ઑક્ટોબર ક્રાંતિ’(1917)ના નામથી ઇતિહાસે તેની નોંધ લીધી છે. તેને પરિણામે વિશ્વના પ્રથમ સામ્યવાદી દેશનો ઉદય થયો હતો. સામ્યવાદી (બૉલ્શેવિક) પક્ષના હાથમાં સત્તા આવ્યા પછી પણ ત્યાં લગભગ પાંચ વર્ષ સુધી (1917-22) પરસ્પરવિરોધી જૂથો વચ્ચે આંતરવિગ્રહ ચાલુ રહ્યો હતો, જેમાં દેશના ખેડૂતવર્ગે સક્રિય ભાગ ભજવ્યો હતો. અંતે સામ્યવાદી વિચારસરણીના સમર્થકોનો વિજય થયો હતો. વીસમી સદીના ચોથા દાયકામાં (1936-39) સ્પેનમાં જમણેરી અને ડાબેરી વિચારસરણી ધરાવતાં જૂથો વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ થયો હતો. 1936માં સ્પેનની ડાબેરી સરકારે સામાજિક ક્રાંતિ લાવવાની ઘોષણા કરી હતી. તેમાંથી એક તરફ અરાજકતાવાદીઓ અને માર્કસવાદીઓ તો બીજી તરફ તેમના જમણેરી વિરોધકો (જે loyalists તરીકે ઓળખાતા હતા) વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ ફાટી નીકળ્યો હતો. માર્ચ, 1939માં સ્પૅનિશ પ્રજાસત્તાકનો પરાજય થતાં આ આંતરવિગ્રહનો અંત આવ્યો હતો. બીજા વિશ્વયુદ્ધ (1939-45) પછી ચીનમાં અમેરિકાપરસ્ત માર્શલ ચાંગ-કાઈ-શેક તથા માઓ-ત્સે-તુંગના નેતૃત્વ હેઠળના સામ્યવાદી પક્ષ વચ્ચે આંતરવિગ્રહ થયો હતો, જેમાં સામ્યવાદી પક્ષનો વિજય (1949) થતાં ચીનમાં પણ સામ્યવાદી શાસન પ્રસ્થાપિત થયું હતું. લૅબેનોનમાં ત્યાંની ખ્રિસ્તી પ્રજા તથા મુસ્લિમ પ્રજા વચ્ચે જે સશસ્ત્ર સંઘર્ષ ચાલ્યો તેણે આંતરવિગ્રહનું સ્વરૂપ ધારણ કર્યું હતું.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે