આંતરરાષ્ટ્રીય લવાદી : રાજ્યોના પરસ્પરના ઝઘડાઓના નિરાકરણ માટેના શાંતિમય અને મૈત્રીભર્યા ઉપાયો માટે રચવામાં આવેલું તંત્ર. તેમાં બંને પક્ષકારો પોતાના દાવાઓ કાયદેસર નિકાલ માટે પરસ્પરની સંમતિથી ત્રાહિત વ્યક્તિ કે વ્યક્તિઓના પંચને સોંપે છે, તેમની આગળ રજૂઆત કરે છે અને ચુકાદો માગે છે. ચુકાદાનો અમલ પક્ષકાર રાજ્યોનાં સૌજન્ય અને સદ્વ્યવહાર પર આધારિત હોય છે. લવાદોની એકી સંખ્યા રખાય છે, જેથી બહુમતીનો નિર્ણય માન્ય ગણાય. કેટલીક સંધિઓમાં લવાદીની જોગવાઈ હોય છે,
મધ્યયુગમાં ગ્રીસ અને ઇટાલીનાં નગરરાજ્યો લવાદી અપનાવતાં. 1794ની યુનાઇટેડ સ્ટેટ્સ અને ગ્રેટબ્રિટન વચ્ચેની ‘જય’ સંધિમાં લવાદીનાં ત્રણ પંચોની જોગવાઈ હતી. તેના આધારે અમેરિકન આંતરવિગ્રહ વખતે એક પક્ષકાર માટે બ્રિટને બાંધેલાં વહાણોથી યુનાઇટેડ સ્ટેટ્સને થયેલ નુકસાન બાબતમાં અલાબામા ક્લેઇમ્સ આર્બિટ્રેશન(1872)ના લવાદી ચુકાદા મુજબ બ્રિટને અમેરિકાને નુકસાની ભરપાઈ કરી હતી. ત્યારબાદ જગતમાં લવાદીની પ્રક્રિયાને વેગ મળ્યો. 1899 તથા 1907નાં હેગ અધિવેશનોએ લવાદીના કાયદાનું સંહિતાકરણ કરીને ‘લવાદીની કાયમી અદાલત’-(Permanent Court of Arbitration)ની સ્થાપના કરી. ખરું જોતાં તે ‘અદાલત’ પણ નથી અને ‘કાયમી’ પણ નથી. તે એક પદ્ધતિ છે. તેને કોઈ વિશિષ્ટ હકૂમત નથી. દરેક રાજ્ય પોતાના આંતરરાષ્ટ્રીય કાયદાના ચાર જાણકાર સભ્યોની આ અદાલતના લવાદોની યાદી પર નિમણૂક કરે છે. લવાદી સ્વીકારનાર દરેક પક્ષકાર આ યાદીમાંથી બેની પસંદગી કરે છે, જેમાંનો એક તેનો નાગરિક હોઈ શકે. આ લવાદોની પસંદગી પછી પ્રમુખ એક અન્ય સભ્યની નિમણૂક કરે છે.
અત્યાર સુધી વીસેક ઝઘડાઓ માટે આંતરરાષ્ટ્રીય લવાદી થઈ છે, જેમાં ઇંગ્લૅન્ડ અને યુ. એસ. વચ્ચેનો નૉર્થ આટલાન્ટિક ફિશરીઝ કેસ (1910), ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સ વચ્ચેનો સાવરકર કેસ (1911) અને ભારત-પાકિસ્તાન વચ્ચેનો સરહદનો કેસ (1968) મુખ્ય છે. ભારતના સ્વાતંત્ર્યવીર સાવરકરને જ્યારે કેદી તરીકે વહાણ મારફતે બ્રિટનથી ભારત લાવતા હતા ત્યારે તે અંધારી રાત્રે સમુદ્રમાં કૂદીને ફ્રાન્સના કિનારે પહોંચી ગયા હતા. ત્યારે ફ્રાન્સના સાર્વભૌમત્વનો ભંગ કરીને અંગ્રેજોએ તેમને પકડી લીધા હતા. પંચે બ્રિટનના લાભમાં ચુકાદો આપ્યો હતો અને ફ્રાન્સની માગણી મુજબ સાવરકરને ફ્રાન્સને સુપરત કર્યા નહોતા. કચ્છની સરહદના લવાદી કેસમાં પંચે ભારતનો છાડબેટ પાકિસ્તાનને ફાળવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ન્યાય પંચો પર આંતરરાષ્ટ્રીય રાજકારણનું દબાણ હોય છે. જેથી મોટાભાગના લવાદી ચુકાદાઓનો અમલ થતો નથી. કચ્છ ચુકાદો અન્યાયી હોવા છતાં ભારતે છાડબેટ પાકિસ્તાનને સુપરત કર્યો હતો.
લવાદોની સંખ્યા નિશ્ચિત હોતી નથી. રાજ્યો ઘણી બાબતોને સાર્વભૌમત્વની કે પાયાનાં હિતોની ગણીને ન્યાયી ચુકાદાથી પર ગણે છે અને તેથી મોટા ઝઘડાઓ લવાદોને સોંપાતા નથી.
છોટાલાલ છગનલાલ ત્રિવેદી