આંતરરાષ્ટ્રીય રોકડતા (International Liquidity) : આંતરરાષ્ટ્રીય ચુકવણી માટે સર્વસ્વીકાર્ય તરલતાઅસ્કામતો. ‘આંતરરાષ્ટ્રીય રોકડતા’નો સમાનાર્થી ‘આંતરરાષ્ટ્રીય અનામતો’ એવો શબ્દપ્રયોગ પણ કરવામાં આવે છે. કેટલાક અર્થશાસ્ત્રીઓ ‘આંતરરાષ્ટ્રીય અનામતો’ની તુલનામાં ‘આંતરરાષ્ટ્રીય રોકડતા’ એ શબ્દપ્રયોગનો વધુ વ્યાપક અર્થ ઘટાવવાનું પસંદ કરે છે. અહીં બંનેને સમાનાર્થી ગણેલા છે.

આંતરરાષ્ટ્રીય ધોરણે વ્યક્તિઓ, પેઢીઓ, સરકારો તથા મધ્યસ્થ (apex) બૅન્કો વચ્ચે ઋણની પતાવટ માટે જે અસ્કામતો સ્વીકાર્ય બનતી હોય તેમના (સત્તાવાર) જથ્થાને આંતરરાષ્ટ્રીય રોકડતા કહેવામાં આવે છે. (અહીં ‘ઋણ’ શબ્દને વ્યાપક અર્થમાં લેવાનો છે. કોઈ વેપારી પાસેથી આપણે વસ્તુ ખરીદીએ એનો અર્થ એવો થાય કે આપણે એના દેવામાં છીએ. તત્કાળ પૈસા ચૂકવીને આપણે ઋણમુક્ત થઈ જઈએ છીએ તે અલગ બાબત છે.)

આંતરરાષ્ટ્રીય રોકડતામાં સમાવેશ પામતી અસ્કામતો કેટલીક લાક્ષણિકતાઓ ધરાવતી હોય છે : એમનામાં રોકડતાનો ગુણ હોય છે, એમનું હસ્તાંતરણ સરળતાથી થઈ શકે છે, તે સહજ રીતે સ્વીકાર્ય બનતી હોય છે અને તેમનું મૂલ્ય પ્રમાણમાં સ્થિર હોય છે.

આંતરરાષ્ટ્રીય અનામતોમાં જેમનો આજે સમાવેશ કરવામાં આવે છે તે અસ્કામતો આ પ્રમાણે છે :

(1) સોનું : દેશની મધ્યસ્થ બૅન્ક પાસે રહેલા સોનાના જથ્થાનો જ આમાં સમાવેશ કરવામાં આવે છે. સોનાનું મૂલ્ય લંડનમાં પ્રવર્તતા સોનાના બજારભાવો પ્રમાણે ગણવામાં આવે છે. લંડનના બજારમાં સોનાનો ભાવ જો ઘટી જાય તો મધ્યસ્થ બૅન્ક પાસે રહેલા સોનાનું મૂલ્ય પણ ઘટી જાય. આંતરરાષ્ટ્રીય અનામતોમાં સોનાની ગણના થાય છે ખરી, પણ તેનો ઉપયોગ ખૂબ જ અલ્પ જથ્થામાં થાય છે.

(2) વિદેશી ચલણો : આંતરરાષ્ટ્રીય અનામતોમાં કેટલાક દેશોનાં ચલણો ખૂબ મોટો હિસ્સો ધરાવે છે. દુનિયાના મોટાભાગના દેશો પોતાની આંતરરાષ્ટ્રીય અનામતોમાં અમેરિકાનો ડૉલર, ઇંગ્લૅન્ડનો પાઉન્ડ સ્ટર્લિંગ, પશ્ચિમ જર્મનીનો માર્ક, જાપાનનો યેન વગેરે ચલણો રાખે છે. વિદેશી ચલણના રૂપમાં આ અનામતોને દેશમાં જ રોકડ નાણાં તરીકે રાખવામાં આવતી નથી, પરંતુ જે તે દેશની બૅન્કોમાં થાપણ રૂપે મૂકવામાં આવે છે અથવા જે તે દેશની સરકારોનાં તિજોરીપત્રો અને અન્ય જામીનગીરીઓમાં રોકવામાં આવે છે.

(3) આંતરરાષ્ટ્રીય નાણાભંડોળમાં ક્વૉટા : આંતરરાષ્ટ્રીય નાણાભંડોળમાં તેના સભ્યદેશનો જે ફાળો (ક્વૉટા) હોય છે તેના 25 ટકા જેટલી રકમ સભ્યદેશને એક અધિકારની રૂએ ધિરાણ રૂપે પ્રાપ્ત થાય છે. અર્થાત્, એ રકમનો ઉપયોગ દેશ ઇચ્છે ત્યારે કરી શકે છે. તેથી નાણાભંડોળમાંના કુલ ક્વૉટાની 25 ટકા રકમનો સમાવેશ આંતરરાષ્ટ્રીય અનામતોમાં કરવામાં આવે છે. કોઈ એક સમયે અનામતો કેટલી છે તેની ગણતરી કરવા માટે ક્વૉટાની 25 ટકા રકમના ઉપયોગમાં નહિ લેવાયેલા ભાગનો જ વિચાર કરવામાં આવે છે.

(4) વિશિષ્ટટ ઉપાડ હક્ક (special drawing rights) : આંતરરાષ્ટ્રીય નાણાભંડોળના આશ્રયે 1970માં વિશિષ્ટ ઉપાડ હક્કોના નામથી ઓળખાતી એક ‘અસ્કામત’નું સર્જન કરવામાં આવ્યું છે. એનું અસ્તિત્વ હિસાબી નોંધોમાં છે અને તે એક પ્રકારના શાખી નાણાં તરીકે અસ્તિત્વ ધરાવે છે. કેટલાક આંતરરાષ્ટ્રીય વ્યવહારોમાં તે ગણતરીના એકમ તરીકે પણ ઉપયોગમાં લેવાય છે; દા.ત., આંતરરાષ્ટ્રીય રોકડતાનું મૂલ્ય SDRમાં ગણવામાં આવે છે.

ઉપર્યુક્ત ચાર અસ્કામતોના રૂપમાં રહેલી આંતરરાષ્ટ્રીય રોકડતાને સ્પર્શતી કેટલીક આંકડાકીય વિગતો નમૂના તરીકે નીચે કોઠા રૂપે રજૂ કરી છે :

દુનિયાના દેશોની સત્તાવાર અનામતો (અબજ SDRsમાં)

તમામ દેશો 30 એપ્રિલ, 1980 31 માર્ચ, 1999
નાણાભંડોળ ખાતેના 16.8 63.2
ક્વૉટાનો ચોથો ભાગ
SDRs 11.8 15.4
વિદેશી ચલણ 292.8 1,116.2
સોના સિવાયની કુલ અનામતો 321.4 1,194.8
સોનું (લંડનમાં પ્રવર્તતા ભાવો પ્રમાણે) 440.5 192.5
ઔદ્યોગિક દેશો :
સોના સિવાયની કુલ અનામતો 184.3 498.9
સોનું 364.2 162.9
વિકાસશીલ દેશો :
સોના સિવાયની કુલ અનામતો 137.1 696.0
સોનું 76.3 29.7
આંકડાપ્રાપ્તિ : IMF Annual Report, 1999.

(1) ઉપર નોંધ્યું છે તેમ, મધ્યસ્થ બૅન્ક પાસે રહેલા સોનાનું મૂલ્ય જે તે દિવસે લંડનમાં પ્રવર્તતા સોનાના બજારભાવ પ્રમાણે ગણવામાં આવે છે. 1980ની તુલનામાં 1999માં સોનાના બજારભાવમાં ઘટાડો થયો હોવાથી સોનાના રૂપમાં અનામતો ઘટેલી જણાય છે, પરંતુ જથ્થાની ર્દષ્ટિએ તપાસીએ તો દુનિયાની મધ્યસ્થ બૅંકો પાસે રહેલા સોનાના જથ્થામાં નજીવો ઘટાડો જ થયો હતો. 1980માં દુનિયાની મધ્યસ્થ બૅંકો પાસે 95.30 કરોડ ઔંસ હતું. આમ છ વર્ષના ગાળામાં એકંદરે ફક્ત 1.75 કરોડ ઔંસ સોનાની હેરફેર થઈ હતી.

(2) વિદેશી ચલણના રૂપમાં રહેલી અનામતો વિશે બે મુદ્દાઓ નોંધપાત્ર છે : (1) 1970 પછી તેમાં ઝડપથી વધારો થયો છે. 1973માં દુનિયાના દેશો પાસે 102.7 અબજ SDRs મૂલ્યનું વિદેશી ચલણ અનામતો રૂપે હતું. 1999માં તે વધીને 1116.2 અજબ SDRs પર પહોંચ્યું હતું. આમ 25 વર્ષના ગાળામાં તે લગભગ અગિયારગણી થઈ. (2) વિદેશી ચલણોના રૂપમાં રહેલી અનામતોમાં ડૉલરનો હિસ્સો 1980માં 69 ટકા હતો, જ્યારે 1999માં તે 60 ટકાથી અધિક હતો. બીજા સ્થાને જર્મન માર્ક આવે છે. એનો હિસ્સો 12 ટકા જેટલો છે. ત્રીજા સ્થાને જાપાનનો યેન હતો. 1999માં તેનો હિસ્સો લગભગ પાંચ ટકા જેટલો હતો.

(3) દુનિયાના દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય અનામતોની વહેંચણી અસમાન રીતે થયેલી છે. સોના સિવાયની દુનિયાની કુલ અનામતોમાં ઔદ્યોગિક દેશોનો ફાળો 41.75 ટકા હતો, સોનાના રૂપમાં રહેલી અનામતોમાં તો ઔદ્યોગિક દેશોનો હિસ્સો 84 ટકા જેટલો મોટો હતો.

વેપારી, ઔદ્યોગિક પેઢીઓ વગેરે ત્રણ હેતુઓ માટે વિદેશી ચલણના રૂપમાં આંતરરાષ્ટટ્રીય અનામતો હાથ પર રાખવાનું પસંદ કરે છે : આયાતોની ચુકવણી માટે, વિદેશોમાં મૂડીરોકાણ કરવા વાસ્તે તેમજ વિદેશી ચલણનો સટ્ટો કરવા માટે. દુનિયાના દેશોની મધ્યસ્થ બૅન્કો બે હેતુઓથી પ્રેરાઈને આંતરરાષ્ટ્રીય અનામતો હાથ પર રાખવાનું પસંદ કરે છે : એક, વિદેશી ચલણના બજારમાં પોતાના દેશના ચલણનું મૂલ્ય ટકાવી રાખવા માટે અને બીજું, દેશના લેણદેણના સરવૈયા પર જો ખાદ્ય ઉપસ્થિત થાય તો તે પૂરવા માટે.

રમેશ ભા. શાહ