આંતરરાષ્ટ્રીય રાજકારણ

રાજ્યોનાં એકમેક સાથેનાં વ્યવહાર, વર્તન અને વિવિધ સંબંધોનો અભ્યાસ કરતું શાસ્ત્ર. આ વ્યવહાર અને સંબંધોનું પ્રમાણ જેમ વિપુલ બનતું ગયું તેમ આ વિષયનો વ્યાપ પણ વિસ્તરતો રહ્યો છે. આ સંબંધો માત્ર રાજકીય ન રહેતાં માનવજીવનનાં વિવિધ ક્ષેત્રોને સ્પર્શતા હોવાથી ઘણી વાર ઉચિત રીતે આ વિષયને આંતરરાષ્ટ્રીય સંબંધો કહેવામાં આવે છે. અલબત્ત, મુખ્યત્વે અને મૂળભૂત રીતે તે રાજકીય હોવાથી આંતરરાષ્ટ્રીય રાજકારણ તરીકે વિશેષત: ઓળખાય છે.

માનવઇતિહાસમાં રાજ્ય અને રાજકારણની શરૂઆત તો હજારો વર્ષ પહેલાં થયેલી અને તે વિશેની વિચારણા અને ટીકાટિપ્પણીઓનાં મૂળ પણ એટલાં જ પ્રાચીન રહ્યાં છે. મહાભારતના શાન્તિપર્વમાં, કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં, ગ્રીક નગરરાજ્યોના રાજકીય જીવન અંગેના પ્લેટો, ઍરિસ્ટૉટલના ચિંતનમાં, ચીનના મૅન્શિયસ અને કૉન્ફ્યૂશિયસ જેવાનાં મંતવ્યોમાં રાજકારણના શાશ્વત પ્રશ્નો વિશેની ચર્ચાવિચારણા જોવા મળે છે. ઇટાલીના મૅકિયાવેલીથી આધુનિક યુગનાં મંડાણ થાય છે.

આંતરરાષ્ટ્રીય રાજકારણનો ઉદય આજના સ્વરૂપે અર્વાચીન યુગથી થાય છે. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં જે કાંઈ વ્યવસ્થા કે તેના અભાવનાં દર્શન થાય છે તેની શરૂઆત ત્રીસ વર્ષ (1618-1648) સુધી યુરોપમાં ચાલેલા ધર્મયુદ્ધ પછી કરવામાં આવેલી વેસ્ટફાલિયાની સંધિ(1648)થી થાય છે. આ સંધિથી સાર્વભૌમ રાજ્યનો ઉદય થયો અને તેની ઉપર આજની છે તેવી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય રાજકારણ પ્રતિષ્ઠિત થયેલાં છે. આ ર્દષ્ટિએ જોતાં આંતરરાષ્ટ્રીય રાજકારણ અર્વાચીન યુગની નીપજ છે.

સાર્વભૌમત્વ એટલે નિયત પ્રદેશમાં સર્વોપરી સત્તા અને અન્ય રાજ્યો સાથે સ્વતંત્ર વર્તાવનો સિદ્ધાંત. પ્રત્યેક સાર્વભૌમ રાજ્ય કાનૂની સર્વોપરીતા અને રાજકીય સ્વાધીનતા ભોગવે છે તે સાથે અન્ય રાજ્યના આંતરિક વ્યવહારમાં હસ્તક્ષેપ કે દરમિયાનગીરી ઉપર પ્રતિબંધ રહે છે. ટૂંકમાં (1) સાર્વભૌમત્વ, (2) કાનૂની સમાનતા અને (3) પ્રાદેશિક અખંડિતતા – આ ત્રણ સિદ્ધાંતો ઉપર આંતરરાષ્ટ્રીય રાજકારણનું સંચાલન થાય છે.

આંતરરાષ્ટ્રીય રાજકારણ અને આંતરિક રાજકારણ વચ્ચે મૂળભૂત તફાવત છે. આંતરરાષ્ટ્રીય રાજકારણ મુખ્યત્વે રાજ્યો વચ્ચેનું રાજકારણ છે. તેનો મુખ્ય ઘટક રાજ્ય છે, નાગરિક નહિ. આંતરિક રાજકારણમાં કાયદો અને શાસનવ્યવસ્થા અસરકારક રીતે ચાલે છે કારણ કે તેમાં સર્વોચ્ય સત્તા ધરાવતી સરકાર છે. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં તેનો અભાવ છે. રાજ્યમાં સત્તા છે, પણ રાજ્યો ઉપર કોઈ સત્તા નથી. સાર્વભૌમ રાજ્ય આંતરિક સર્વોપરીતા તથા બાહ્ય જગત સાથે સ્વાતંત્ર્ય ભોગવે છે. આંતરિક વ્યવહારમાં તે સૌને આદેશ આપી શકે છે અને કોઈનો આદેશ સ્વીકારતું નથી. બહારના જગતમાં તેનું કોઈ ઉપરી નથી. આંતરરાષ્ટ્રીય રાજકારણની રંગભૂમિ ઉપર દરેક રાજ્ય સ્વતંત્ર ભૂમિકા ભજવનાર અદાકાર હોય છે અને પોતાનાં શક્તિ અને સ્થાન પ્રમાણે પોતપોતાનો ભાગ ભજવે છે. દરેક રાજ્ય બિલિયર્ડના ટેબલ ઉપર ઘૂમતા, કૂદતા દડાની માફક આંતરરાષ્ટ્રીય રાજકારણના અવકાશમાં સ્વૈરવિહાર કરતું રહે છે અને છેવટે યથેચ્છ વર્તી શકે છે. રાજ્યનાં અસ્તિત્વ, સલામતી અને સંરક્ષણની જવાબદારી પોતાની હોય છે. વાસ્તવમાં તે બીજા કોઈની ઉપર આધાર રાખી શકે તેમ પણ હોતું નથી. દરેક રાજ્ય સ્વતંત્ર, સમાન અને સ્વનિર્ભર હોય છે. આંતરરાષ્ટ્રીય રાજકારણનું મૂળભૂત સ્વરૂપ (અને ઢાંચો) તેનાં આ બે પાસાંમાં વ્યક્ત થાય છે : (1) પ્રત્યેક રાજ્યની સાર્વભૌમ ભૂમિકા અને (2) સૌની ઉપર સ્વામિત્વ દાખવી શકે તેવી શાસનવ્યવસ્થાનો અભાવ. પરિણામે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં અરાજકતાનું તત્વ જણાય છે. તેમાં નથી કોઈનું વર્ચસ્ કે નથી કોઈનો અંકુશ. તેનું કલેવર વિભાજિત છે. આવી પરિસ્થિતિને કોઈ વાર (આદિમ યુગ કે) કુદરતી અવસ્થા (State of Nature) જેવી ગણવામાં આવે છે.

અન્ય રાજ્યો સાથેની સમાનતા તથા આંતરિક જીવનમાં સર્વોપરી કાનૂની સત્તા અર્પતા સાર્વભૌમત્વની સાથે રાષ્ટ્રત્વની ભાવના ભળે છે. એક પક્ષે ‘આપણે’ અને બીજે પક્ષે ‘તેઓ’ની મનોવૃત્તિ કેળવાય છે. રાષ્ટ્રવાદ એક પ્રબળ ભાવના છે. તેનાથી સ્વદેશાભિમાન પોષાય છે અને ‘આપણાપણું’ ર્દઢ થાય છે. રાષ્ટ્ર એટલે સમાન ઇતિહાસ, સરખો ભૂતકાળ અને એક જ ભાવિ ધરાવતો જનસમુદાય. રાષ્ટ્રવાદ એક માનસિક ભાવના ઉપરાંત સાંસ્કૃતિક ઘટના છે. રાજ્યની સાથે જોડાતાં તે ખૂબ પ્રબળ બને છે.

આંતરરાષ્ટ્રીય ભૂમિકા ભજવનાર રાજ્યને કાનૂની અસ્તિત્વ, સ્થાન અને મોભો હોય છે. અન્ય રાજ્યોની સાથે તે કરાર કે સમજૂતી કરવાની ક્ષમતા ધરાવે છે, તે સાથે બળ કે તાકાત વાપરવાનો અધિકાર માત્ર રાજ્યને જ છે. હિંસાનો ઉપયોગ કરવાનો ઇજારો માત્ર રાજ્ય ધરાવે છે. રાજ્યની પાસે તેની સરકાર છે, ચોક્કસ સીમા ધરાવતો પ્રદેશ છે અને તેના રક્ષણ તળે જીવન પસાર કરતા લોકો છે. પૃથ્વી ઉપર વસતો પ્રત્યેક મનુષ્ય કોઈ ને કોઈ રાજ્યનો નાગરિક હોય છે. રાજ્યવિહીન માણસ કલ્પવો મુશ્કેલ છે.

પ્રત્યેક રાજ્ય સાર્વભૌમ, સ્વતંત્ર અને સમાન હોવાથી તેમની સલામતીનો પ્રશ્ન એક વણઊકલ્યો કોયડો બને છે. દરેક રાજ્ય પોતાની સલામતીની શોધમાં રહે છે. આથી કોઈની સલામતી સંપૂર્ણ બનતી નથી અને ઘણી વાર એકની સલામતી બીજાની બિનસલામતીમાં પરિણમે છે, સલામતી મૃગજળ જેવી બની જાય છે. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં સર્વોપરી વ્યવસ્થાનો જે અભાવ છે તેની ખરી પ્રતીતિ સલામતીના ક્ષેત્રમાં જોઈ શકાય છે. આંતરરાષ્ટ્રીય રાજકારણને શેતરંજના ખેલ સાથે સરખાવવામાં આવે છે. તેનું હાર્દ ઉપરની પરિસ્થિતિમાં સમાયેલું છે.

આંતરરાષ્ટ્રીય રાજકારણમાં રાજ્ય મુખ્ય ભાગ ભજવનાર છે, પણ તેની સાથે રાજ્યેતર અદાકારોને પણ સ્થાન છે. દિવસે દિવસે તેમની સંખ્યા વધતી રહી છે. આંતરરાષ્ટ્રીય તખતા ઉપર નવા આગંતુકો અને ચહેરાઓનો જાણે કે શંભુમેળો થઈ ગયો છે. આવા રાજ્યેતર ઘટકોની આંતરરાષ્ટ્રીય ભૂમિકા માટે પણ પૂર્વશરતો જરૂરી મનાય છે : (1) તે સતત ચાલતી મહત્વની કામગીરીમાં પ્રવૃત્ત હોય; (2) રાજ્યો તેમનું મહત્વ સ્વીકારતાં હોય તેમજ વિદેશનીતિના ઘડતરમાં તેમનો ફાળો હોય અને (3) તેમના નિર્ણયોમાં તેઓ સ્વાધીન અને સ્વતંત્ર હોય.

આવા રાજ્યેતર ઘટકો કે મંડળોને ત્રણ વિભાગમાં વહેંચી શકાય : (1) આંતરસરકારી (Intergovernmental-INGO) (2) બિન-સરકારી (Nongovernmental-NGO) અને બહુરાષ્ટ્રીય નિગમો (Multi-National Corporations-MNC).

પ્રથમ વિભાગમાં વિશેષ ધ્યાન ખેંચે તેવા એકમોમાં રાષ્ટ્રસંઘ (League of Nations), સંયુક્ત રાષ્ટ્રો (United Nations), રાષ્ટ્રકુટુંબ (Commonwealth of Nations), ઑર્ગેનાઇઝેશન ઑવ્ અમેરિકન સ્ટેટ્સ (OAS), ઑર્ગેનાઇઝેશન ઑવ્ આફ્રિકન યુનિટી (OAU), આરબ લીગ, આંતરરાષ્ટ્રીય નાણાપંચ (International Monetary Fund), આંતરરાષ્ટ્રીય મજૂર સંઘ (International Labour Organisation), કૉમિકૉન (Council for Mutual Economic Assistance), આંતરરાષ્ટ્રીય આરોગ્ય મંડળ (World Health Organisation), ‘એસિયન’ (Association of South East Asian Nations), ‘સાર્ક’ (South Asian Association for Regional Co-operation), ‘નાટો’ (North Atlantic Treaty Organisation) તેમજ ‘વૉર્સો પૅક્ટ’ (Warsaw Treaty Organisation) વગેરે ગણાવી શકાય. 1983ની એક ગણતરી પ્રમાણે આવાં આંતરસરકારી વ્યવસ્થાતંત્રોની સંખ્યા 360 હતી. પછી પણ આવાં તંત્રોની સંખ્યા વધતી રહી છે. તેમના દ્વારા વૈશ્વિક ધોરણે અગત્યની કામગીરી થઈ રહી છે. આવાં મંડળો સિવાય આજના આંતરરાષ્ટટ્રીય રાજકારણની કલ્પના કરવી મુશ્કેલ છે.

પરંતુ આથી ઘણી મોટી સંખ્યા ધરાવતાં બિનસરકારી મંડળોએ પણ બળવત્તર સ્થાન પ્રાપ્ત કર્યું છે. 1905માં તેમની સંખ્યા 134 હતી, 1972માં તે વધીને 2,470 થઈ અને 1983માં તે 4,700ના આંકડાએ પહોંચી ગઈ છે. ધર્મ, વિવિધ વ્યવસાયો, રમતગમત વગેરે તેનાં પ્રેરક બળો રહ્યાં છે.

વિવિધ રાજકીય પક્ષો, મજૂરમંડળો અને લોકચળવળના અને માનવહક્કના પ્રશ્ન ઉપર આવાં અનેકાનેક મંડળો પોતપોતાનાં ક્ષેત્રોમાં ક્રિયાશીલ છે. વૈશ્વિક બંધુભાવ અને સંપર્ક સાધવા ઉપરાંત તેઓ દબાવજૂથ તરીકે પણ કામ કરી રહ્યાં છે. કૂદકે અને ભૂસકે આગળ વધતી તેમની સંખ્યા તેમની વધતી જતી અગત્યની ગવાહી પૂરી પાડે છે. લોકોના હિતના રક્ષણ વિશેની તેમની કામગીરીના આધારે સંયુક્ત રાષ્ટ્રોની વિવિધ સમિતિઓએ તથા શાખાઓએ તેમને કાનૂની સ્થાન આપ્યું છે. તેમના અભિપ્રાયોને આજે ઘણું વજન અપાઈ રહ્યું છે.

છેલ્લે આવે છે લગભગ 7,000થી પણ વધારે બહુરાષ્ટ્રીય નિગમો અને તેમની 26,000થી વધારે શાખાપ્રશાખાઓ. ’80ના દાયકામાં તેમનું મૂડીરોકાણ 220 અબજ ડૉલર જેટલું થઈ ગયું છે. તેમના વેચાણના આંકડા કેટલાય અબજો સુધી પહોંચી ગયા છે. એવાં ઘણાં નિગમ છે જે નાણાકીય અને પહોંચની ર્દષ્ટિએ કેટલાંય રાજ્યોથી વિશેષ શક્તિ અને પ્રસાર ધરાવે છે. અમુક અંશે રાજ્યો ઉપર પ્રભાવ પાડવામાં તે સફળ થયાં છે.

રાજ્યેતર ઘટકોની વધતી જતી સંખ્યા તથા તેમના પ્રભાવ છતાં તેઓ રાજ્યની તોલે આવી શકે તેમ નથી. તેનું મુખ્ય કારણ રાજ્યનું અનોખું સ્થાન તથા તેની વિશિષ્ટ ફરજો અને કામગીરી છે. તેના સાર્વભૌમત્વને કારણે તેનું કાનૂની સ્થાન અન્ય સૌ ઘટકો કરતાં જુદું પડે છે; ઉપરાંત ભૌગોલિક સ્થાન, લશ્કરી બળ તથા વસ્તી ઉપરનો તેનો અંકુશ જોતાં તેની બરોબરી ભાગ્યે જ કોઈ સંસ્થા કરી શકે છે. રાષ્ટ્રવાદની પ્રબળ ભાવના તેને ટેકો આપે છે અને તેના નાગરિકોનાં સાંસ્કૃતિક, ઐતિહાસિક તથા સામાજિક મૂલ્યોનું તે રક્ષણ કરે છે. લોકોની સલામતી રાજ્યના શિરે રહેતી હોવાથી તેમની નિષ્ઠા રાજ્ય પ્રત્યે રહે તે સ્વાભાવિક છે. આ ર્દષ્ટિએ રાજ્યનું મહત્વ અને તેનો મહિમા અદ્વિતીય રહ્યાં છે.

સાર્વભૌમત્વ, કાનૂન અને શિષ્ટાચારની ર્દષ્ટિએ પ્રત્યેક રાજ્ય સમાન ગણાય છે. નેપાળના રાજાને, બ્રિટનની રાણીને તથા અમેરિકા કે રશિયાના પ્રમુખને સરખું માન અને સ્થાન અપાય છે. નાનું કે મોટું પ્રત્યેક રાજ્ય સમાન ગણવામાં આવતું હોવાથી એક રાજ્યને એક મતના ધોરણે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં સ્થાન અપાય છે; પરંતુ આ સમાનતા વૈધાનિક છે અને માનમરતબા પૂરતી ઔપચારિક છે. બીજાં બધાં ક્ષેત્રોમાં રાજ્યો વચ્ચે ભારે અસમાનતા પ્રવર્તે છે. કદ, ભૌગોલિક સ્થાન, કુદરતી સાધનસામગ્રી, વસ્તી, આર્થિક વિકાસ, વ્યક્તિદીઠ આવક, રાજકીય અનુશાસન અને સ્થિરતા, ઔદ્યોગિક પ્રગતિ, શિક્ષણનો વ્યાપ, વિજ્ઞાનની સિદ્ધિઓ, સ્વાસ્થ્યનો આંક, લોકનિષ્ઠા અને સામાજિક શિસ્તમાં વિવિધ રાજ્યો વચ્ચે મોટો તફાવત રહેલો છે. આપણી દુનિયામાં કશું સમાન રીતે વહેંચાયેલું નથી તેની પ્રતીતિ રાજ્યો વચ્ચેની અસમાનતા જોતાં થાય છે.

આજની દુનિયાના દેશોને વિકસિત અને અવિકસિત કે વિકસતા દેશો તરીકે જોવામાં આવે છે. પહેલી દુનિયા તે વિકાસ પામેલા પશ્ચિમના ઉદ્યોગપ્રધાન દેશો. બીજી દુનિયામાં રશિયા, ચીન તથા પૂર્વ યુરોપના દેશો જેવા સમાજવાદી દેશોનો સમાવેશ થાય છે. ત્રીજી દુનિયાના દેશો મોટેભાગે જૂના સંસ્થાનવાદના ભોગ બન્યા હતા અને હવે સ્વતંત્ર થયા છે અને વિકાસની મથામણ કરી રહ્યા છે તે. ઘણીવાર પહેલી બંને દુનિયાઓને ‘ઉત્તર’ તથા ત્રીજી દુનિયાને ‘દક્ષિણ’ કહેવામાં આવે છે. એકંદરે જોઈએ તો ઉત્તરમાં દુનિયાની 25 % વસતિ છે, જ્યારે 75 % જેટલી સંપત્તિ છે. આથી ઊલટું દક્ષિણમાં 75 % વસતિ સાથે સંપત્તિ માત્ર 25 % જેટલી જ છે.

રાજ્યો વચ્ચેની અસમાનતા મુખ્યત્વે ચાર બાબતો ઉપર નિર્ભર છે : કદ, વસતિ, રાષ્ટ્રીય આવક અને લશ્કરી તાકાત. રશિયા દુનિયાનો 11 %, કૅનેડા 7 % અને ચીન દરેક 6 % તથા અમેરિકા 6 % પ્રદેશ ધરાવે છે. કદમાં ભારત સાતમું સ્થાન ધરાવે છે. વસતિમાં ચીન, ભારત, રશિયા અને અમેરિકાનો ઊતરતો ક્રમ છે. માથાદીઠ આવકની રીતે સ્વિટ્ઝર્લૅન્ડ, અમેરિકા, જાપાન અને નૉર્વે પ્રથમ ચાર દેશો છે. એકંદરે દુનિયાની આવકમાં વિકસિત દેશોનો હિસ્સો 80 ટકાથી વધારે છે, જ્યારે વિકાસશીલ દેશોનો હિસ્સો 20 ટકાથી ઓછો છે. દુનિયાની પાંચ મહાસત્તાઓ – અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને ચીન સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિમાં કાયમી સ્થાન તથા નિષેધાધિકાર (veto) ધરાવે છે. પાંચેય અણુસત્તાઓ છે અને દુનિયાના કુલ લશ્કરી ખર્ચનો 65 % ખર્ચ તેમના દ્વારા થાય છે (1980). આઇસલૅન્ડમાં સરાસરી આયુષ્યમર્યાદા 76 વર્ષની છે અને અમેરિકાની 77 વર્ષની છે, જ્યારે કમ્બોડિયામાં 54 અને ઈથિયોપિયાની માત્ર 42 વર્ષની છે.

વિવિધ ર્દષ્ટિએ આલેખાયેલી આ અસમાનતાઓમાં ભૌગોલિક સ્થાન બહુ મહત્વનો ભાગ ભજવે છે. કેટલાંક રાજ્યો – જેવાં કે ઑસ્ટ્રિયા, નેપાળ, મૉંગોલિયા – દરિયાના લાભથી વંચિત રહે છે તો કેટલાંક બે રાજ્યો વચ્ચે અંતરિયાળ રાજ્ય (buffer state) તરીકે રહેવા પામે છે. અફઘાનિસ્તાન, નેપાળ, નેધર્લૅન્ડ્ઝ, બેલ્જિયમ તેના ઉત્તમ દાખલાઓ છે. ચીન-રશિયા, અમેરિકા-કૅનેડા જેવાં કેટલાંક એકમેકની સાથે લાંબી સરહદો ધરાવે છે. કુદરતી સાધનસામગ્રી ક્યાંક વિપુલ છે તો બીજે તેની તંગી વરતાય છે. તે જ પ્રમાણે આબોહવા, નજીકનાં રાજ્યો અને તેમની સાથેના સંબંધો રાજ્યનાં તાકાત અને ભાવિ ઘડવામાં નિર્ણાયક ભાગ ભજવે છે.

વિજ્ઞાન અને યંત્રવિદ્યામાં મનુષ્યે સાધેલી પ્રગતિનો પ્રભાવ રાજ્યોના સંબંધો તેમજ તાકાત ઉપર પડેલો છે. સ્થળકાળનાં બંધનોને ઉવેખીને માનવીએ સંદેશા તેમજ વાહનવ્યવહારને સરળ અને ઝડપી બનાવ્યો છે. ભૌગોલિક બંધનોની સામે પણ તે ઝૂઝે છે. રેડિયો, દૂરદર્શન અને ઉપગ્રહ દ્વારા સંદેશાવ્યવહારથી દુનિયાનાં અંતરો ટૂંકાં બન્યાં છે. રોગપ્રતિકાર અને યોગ્ય પોષણ દ્વારા મનુષ્યની આવરદા લંબાવી શકાઈ છે. વળી નવી શોધખોળ અને તેમના વાસ્તવિક જીવનમાં થતા વિનિયોગ વચ્ચેનો સમયગાળો પણ ઉત્તરોત્તર ઘટતો રહ્યો છે. વીજાણુક્ષેત્રની સિદ્ધિઓ લશ્કરી તાકાતમાં નિર્ણાયક ભાગ ભજવી રહી છે. અણુશસ્ત્રોના કારણે યુદ્ધની સમગ્ર ભૂમિકા ધરમૂળથી બદલાઈ ગઈ છે. તે જ પ્રમાણે માત્ર ત્રીસ મિનિટમાં પૃથ્વીની પ્રદક્ષિણા કરી શકતાં આંતરખંડીય પ્રક્ષેપાસ્ત્રોએ આંતરરાષ્ટ્રીય રાજકારણની સિકલ બદલી નાખી છે.

દોઢસોથી વધારે (સંયુક્ત રાષ્ટ્રોમાં 190 સભ્ય રાજ્યો છે) અસમાન રાજ્યો, રાજ્ય ઉપરાંત બીજા ઘટકો કે અદાકારો અને તેમની વચ્ચે વિવિધ સ્વરૂપ અને સ્તર ઉપર ચાલતી આંતરપ્રક્રિયાઓ અને સંબંધોના આધારે આ વિષયનાં વસ્તુ, વ્યાપ અને સંકુલતાનો ખ્યાલ આવે છે.

સત્તા : આંતરરાષ્ટ્રીય રાજકારણમાં સત્તાનું મહત્વ અને માહાત્મ્ય એટલું બધું ગણવામાં આવે છે કે આંતરરાષ્ટ્રીય રાજકારણને સત્તાનું રાજકારણ કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય રાજકારણ માત્ર સત્તાના જોરે જ ચાલે છે એમ કહેવામાં અતિશયોક્તિ રહેલી છે. પોતાને વાસ્તવદર્શી કહેવરાવતા ઘણા વિદ્વાનો અહીં અમેરિકાના પ્રસિદ્ધ રાજ્યશાસ્ત્રી હાન્સ જે. મૉર્ગેન્થોને અનુસરે છે. સત્તા પ્રાપ્ત કરવી, તેને જાળવવી અને વધારવી તે જ આંતરરાષ્ટ્રીય રાજકારણનું ધ્યેય મનાય છે. પરિણામે ઘણી વાર રાજ્યોનું વર્ગીકરણ સત્તાના આધારે થાય છે. રશિયા અને અમેરિકા ‘મહાસત્તા’ છે તો ભારત ‘મધ્યમ સત્તા’ છે અને નાનાં રાજ્યો ‘નાની સત્તા’ છે.

સત્તા એટલે બીજા રાજ્ય ઉપર પ્રભાવ પાડવાની, તે દ્વારા નિયત ધ્યેય હાંસલ કરવાની અને દિશાસૂચન કરવાની શક્તિ. સત્તા ચાર પાસાં સૂચવે છે : (1) રાજ્યો વચ્ચેનો સંબંધ, (2) તેમની વચ્ચે ચાલતી પ્રક્રિયા, (3) ધ્યેયપ્રાપ્તિના સાધન તરીકે તેનો ઉપયોગ અને (4) સામેના રાજ્યનો પ્રતિભાવ. સત્તા સાપેક્ષ છે. તે ગતિશીલ હોવાથી તેનું ચોક્કસ માપ કે અનુમાન મુશ્કેલ રહે છે. બૅંકની થાપણની માફક તે જમે થઈ શકે છે. અનેક પ્રકારની સાધન-સામગ્રી અને પરિબળોની તેમાં જરૂર પડે છે. આજની પરિવર્તનશીલ દુનિયામાં સત્તાની વહેંચણીની ભાત બદલાતી રહે છે. તેના વિશેની અટકળો સાચી હોય તોપણ બદલાતી રહે છે અને ગણતરીઓ ઊંધી વળે છે.

સત્તાનાં ઘણાં સ્વરૂપો છે : લશ્કરી, વૈજ્ઞાનિક, રાજકીય, નૈતિક અને માનસિક. કાર્લ ડૉઈજના મત મુજબ સત્તા એટલે સંઘર્ષમાં વિજયી થવું, વિઘ્નોને પાર કરવાની સાથે ઇષ્ટ વસ્તુઓ હાંસલ કરવાની શક્તિ. સંઘર્ષ માત્ર લશ્કરી હોતો નથી અને રાજ્ય રાજ્ય વચ્ચે તે નિરંતર ચાલતો હોય છે. સત્તા દ્વારા પ્રભાવ પાડવાનો હોય છે, અસરકારક બનવાનું હોય છે. માત્ર નગ્ન બળ કે આક્રમણ ઘણી વાર નાકામયાબ કે અસ્વીકાર્ય બને છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં મત નાખવાથી માંડીને રાજ્યને ફરજ પાડવી, અમુક કાર્ય કરતું તેને રોકવું, તેના માર્ગમાં અવરોધ નાખવો. આ સર્વ સત્તાનો ઉપયોગ સૂચવે છે. સત્તાના પ્રયોગની પદ્ધતિઓમાં સામ, દામ, દંડ અને ભેદ જાણીતા છે. વિગતે જોઈએ તો બળનો ઉપયોગ, અહિંસક સજા, ધમકી, લાભ, પ્રલોભન અને બળની ઓથે મંત્રણા કે સમજૂતી.

આંતરરાષ્ટ્રીય રાજકારણમાં એક રાજ્યને નર્યો ફાયદો અને બીજાને સંપૂર્ણ નુકસાન તેવું હોતું નથી. બંનેને લાભ થાય, બંને ફાયદો ઉઠાવે તેમ પણ બને. લાભ અને સજાનું મિશ્રણ પણ થઈ શકે. લાભની શક્યતા વધારી પ્રભાવનું ક્ષેત્ર વિસ્તારી શકાય. વેપાર, નાણાકીય સહાય અને શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંબંધો દ્વારા પરસ્પરનો સદભાવ અને ભાઈચારાની લાગણી વિકસાવી શકાય.

પરંતુ રાજ્યના પ્રભાવની પાછળ પીઠબળની જરૂર પડે છે. બળ વગરની ધમકી નિષ્ફળ નીવડે છે. રાજ્યની ધાક તેના બળ ઉપર આધારિત છે. પરંતુ બળ હોય તો, ધમકીને સજાનું રૂપ આપવાની જરૂર રહેતી નથી. ખરેખરું શક્તિશાળી રાજ્ય લશ્કરી સેનાપતિની સ્થિતિમાં હોય છે. તેની ઇચ્છા સહેલાઈથી આદેશ કે હુકમ બને છે. અહીં પણ નિર્બળ રાજ્ય ઉપર જેટલો પ્રભાવ પાડી શકાય તેટલો શક્તિશાળી ઉપર પડતો નથી. અન્ય રાજ્ય ઉપર પ્રભાવ પાડવા માટે કયાં સાધન, કોની સામે, કયે પ્રસંગે અને કયા ધ્યેય માટે જોતરવાં તે રાજ્યે નક્કી કરવાનું હોય છે.

રાજ્યની સત્તાનું વિશ્લેષણ કરતાં તેની બે મુખ્ય બાજુઓ જોઈ શકાય છે : (1) પાર્થિવ અને (2) અપાર્થિવ. પાર્થિવ બાજુમાં રાજ્યનું ભૌગોલિક સ્થાન, વસતિ, કુદરતી સાધનસામગ્રી, સંપત્તિ તથા લશ્કરી સામર્થ્ય મુખ્ય છે. અહીં લશ્કરી ખર્ચ અને રાષ્ટ્રીય આવક નિણર્યિક બને છે. અપાર્થિવ તત્વોમાં નેતૃત્વ અને સંચાલનશક્તિ, પ્રજાની દેશદાઝ અને એકાત્મતા, મુત્સદ્દીગીરી, તેની શાખ, રાષ્ટ્રીય ચારિત્ર્ય અને ગુપ્તચર માહિતીની કાર્યક્ષમતા વગેરે ગણાવી શકાય.

પૂરતી અને આધારભૂત માહિતી ઉપર રાજ્યની સત્તાનો મોટો આધાર રહે છે. રાજ્યરૂપી નૌકાનું કાર્યક્ષમતાથી વહન કરવા ત્રણ બાબતોની આવશ્યકતા રહે છે : (1) અન્ય રાજ્યોનાં નીતિ, ધ્યેય અને યોજના વિશે જાણકારી, (2) પોતાનું આર્થિક તેમજ લશ્કરી બળ અને આંતરિક પરિસ્થિતિ તથા (3) પોતાનાં નીતિ તથા કાર્યની અન્ય ઉપર થતી અસર તથા તેમના પ્રતિભાવ અંગેની માહિતી. એક મહાન સત્તા તરીકે અમેરિકા પોતાની ગુપ્તચર સંસ્થા (સી. આઇ. એ.) ઉપર 50 કરોડ ડૉલરનો વાર્ષિક ખર્ચ કરે છે. પૃથ્વી ઉપર ઘૂમતા મહાન સત્તાઓના ઉપગ્રહો તેમને બધા જ દેશોની માહિતી પૂરી પાડે છે.

રાજ્યો વચ્ચેના સંબંધોમાં પ્રચાર-માહિતીપ્રસારણને મહત્વનું સ્થાન અપાય છે. રેડિયો, દૂરદર્શન, સાંસ્કૃતિક પ્રચાર, કલાકારો તથા નિષ્ણાતોની આપલે, વૈજ્ઞાનિક અને વિદ્યાકીય સંપર્ક વગેરે દ્વારા અન્ય રાજ્યો ઉપર અસર ઉપજાવી શકાય છે. વિવિધ પ્રકારનાં પ્રતીકોનો ઉપયોગ પણ તેમાં કરવામાં આવે છે. ભાષાશિક્ષણ દ્વારા પણ રાજ્યો અન્ય રાજ્યો સાથે નિકટ સંપર્કમાં આવે છે.

મુત્સદ્દીગીરી : રાજ્ય રાજ્ય વચ્ચેના સંપર્કનું સૌથી મહત્વનું કાનૂની સાધન તે મુત્સદ્દીગીરી છે. વિદેશનીતિ રાજ્યનું ધ્યેય કે સાધ્ય સૂચવે છે; તો મુત્સદ્દીગીરી તેનું સાધન છે. વિદેશનીતિની સિદ્ધિ માટે ઘણાં સાધનો છે. તેમાં મુત્સદ્દીગીરી સૌથી મહત્વનું સ્થાન ધરાવે છે. રાજ્યો વચ્ચેના વિચાર-વિનિમયનું તે પ્રધાન સાધન છે.

મુત્સદ્દીગીરી દ્વારા પાંચ કાર્યો અદા થાય છે : (1) સંઘર્ષનું સુયોગ્ય વ્યવસ્થાપન કે સંચાલન તેમજ તેનું નિવારણ, (2) રાજ્યો વચ્ચેના પ્રશ્નોનો ઉકેલ, (3) રાજ્યો વચ્ચેનો સંપર્ક અને વિચારવિનિમય, (4) મંત્રણા અને તેના દ્વારા કરાર કે સમજૂતી, (5) વિદેશનીતિના નિર્ણયોનો અમલ.

મુત્સદ્દીગીરીનું સંચાલન સ્વાભાવિક રીતે જ ગુપ્ત રીતે થાય છે. જોકે પહેલા વિશ્વયુદ્ધ પહેલાં અને પછી ગુપ્ત સંધિઓ દ્વારા રાજ્યો વચ્ચે છળકપટની નીતિ અનુસરવામાં આવેલી હતી. તે કારણે ગુપ્તતાનો મોટા પાયે વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ લાંબા અનુભવનો નિષ્કર્ષ એ છે કે મુત્સદ્દીગીરીનું સંચાલન ખાનગી રાહે થતું હોય તોપણ તેના નિર્ણયો જાહેર ચર્ચા માટે ખુલ્લા રહેવા જોઈએ.

આજના ઝડપી વાહન અને સંદેશાવ્યવહારના યુગમાં મુત્સદ્દીઓની અગત્ય ઘટી છે, કારણ કે રાજ્યો વચ્ચે ઝડપી સંપર્ક શક્ય બન્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં મતદાન કરતાં પહેલાં પોતાની સરકારનો સંપર્ક સહેલાઈથી સાધી શકાય છે. વિદેશમંત્રીઓ ટેલિફોન દ્વારા અગર જાતે હવાઈ સફર કરીને બીજા દેશો સાથે વિચારવિનિમય કરી શકે છે. દેશના વડાઓ વચ્ચેની શિખર પરિષદો સહેલાઈથી યોજી શકાય છે. ઉપગ્રહ દ્વારા બીજા દેશોની લશ્કરી હિલચાલ પણ કળી શકાય છે.

આ બધું છતાં મુત્સદ્દીગીરી અને મુત્સદ્દીઓની જરૂર રહી છે. વિદેશનીતિ અને તેની સાથે સંકળાયેલા અટપટા પ્રશ્નો વિશે નિષ્ણાતોની જરૂર રહે છે. મુત્સદ્દીગીરીની પોતાની વિશિષ્ટ ભાષા પણ વિકાસ પામી છે, તે દ્વારા રાજ્યો વિચારવિનિમય સાધતાં હોય છે. બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર સંઘની ખુલ્લેઆમ થતી ચર્ચાઓ દ્વારા મુત્સદ્દીગીરીને સંસદીય સ્વરૂપ મળ્યું છે.

મુત્સદ્દીગીરીના સંચાલનમાં મંત્રણાઓ, સોદાબાજી, ઝઘડાઓની પતાવટ કે ઉકેલ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા સુમેળ સાધવાની પદ્ધતિઓ ગણાવી શકાય. પ્રશ્નોના શાંતિમય ઉકેલ માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘના ખતપત્રમાં ઉલ્લેખ કરાયેલી પદ્ધતિઓમાં મંત્રણા, સુલેહ-સમજૂતી, મધ્યસ્થી, ન્યાયાલયનો આશરો અને લવાદી મુખ્ય છે.

સાર્વભૌમ રાજ્યો એકમેકને માન્ય કરે ત્યારબાદ બંનેની સંમતિથી રાજ્યનું પ્રતિનિધિત્વ ધરાવતા એલચીઓની આપલે થાય છે. રાજ્યના વડાને ઓળખપત્ર આપીને એલચી તેનું કામ શરૂ કરે છે. એલચીનું કાર્યાલય તથા નિવાસ – દૂતાવાસ – જે રાજ્યના તે એલચી હોય તેમની માલિકી અને સાર્વભૌમત્વ તળેનાં ગણાય છે. પ્રાચીન સમયથી દૂતને – એલચીને – કેટલીક છૂટછાટો તથા વિશેષાધિકારો અપાયેલા છે.

આર્થિક નીતિ : મુત્સદ્દીગીરી ઉપરાંત વિવિધ પ્રકારની આર્થિક નીતિ દ્વારા અન્ય રાજ્ય સાથેના સંબંધ વિકસાવી કે મર્યાદિત કરી શકાય. રાષ્ટ્રીય હિતના રક્ષણ માટે આર્થિક નીતિ એક પ્રબળ અને અસરકારક સાધન છે અને તેનો અનેક હેતુઓ માટે પણ ઉપયોગ થાય છે; જેમ કે, જીવનધોરણ ઊંચું લાવવા માટે, વિદેશવ્યાપાર વિકસાવવા, રોજગારી વધારવા, પોતાની સાધનસામગ્રીનો બચાવ કરવા તકનીકી પ્રગતિ સાધવા અને સ્વાસ્થ્યનું ધોરણ ઊંચું લાવવા તેમજ લડાઈના સાધન તરીકે વગેરે. ટૂંકમાં, સારા કે ખરાબ હેતુ માટે રાજ્ય તેની આર્થિક નીતિ અપનાવી શકે છે; ઉદાહરણ તરીકે, જકાતનું પ્રમાણ વધારી કે ઘટાડી શકાય, અમુક દેશને ફાયદો કે ગેરફાયદો કરી શકાય, વેપાર વધારી કે ઘટાડી શકાય, વ્યાજના દર દ્વારા અન્ય રાજ્યના અર્થકારણ ઉપર સારી કે માઠી અસર ઉપજાવી શકાય. બીજા વિશ્વયુદ્ધ પછી મહાન સત્તાઓની સહાયથી જે આંતરરાષ્ટ્રીય આર્થિક સંસ્થાઓ (જેવી કે, આંતરરાષ્ટ્રીય બૅન્ક, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ) ઊભી કરવામાં આવી તથા જે આર્થિક સમજૂતીઓ થઈ તે દ્વારા દુનિયાના અર્થકારણ ઉપર ઊંડી અને વ્યાપક અસર ઉપજાવી શકાઈ.

આંતરરાષ્ટ્રીય રાજકારણના વિવિધ હેતુઓ સિદ્ધ કરવા રાજ્ય જુદી જુદી આર્થિક પદ્ધતિઓનો ઉપયોગ કરતું હોય છે : જકાત, કાર્ટેલ, વ્યાપારી સમજૂતીઓ, ભરાવો થયેલા માલને અન્ય દેશને નીચા ભાવે વેચવો (dumping), નીચા ભાવે આગળથી માલ ખરીદી લેવો, ધિરાણ દ્વારા ઉછીનાં નાણાંની મદદ કરવી કે ગ્રાન્ટ દ્વારા સહાય કરવી.

આજની દુનિયામાં પરસ્પરાવલંબનની માત્રા વધતી રહી છે ત્યારે દેશોનાં અર્થકારણ એકબીજા સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતાં થયાં છે. પરિણામે આર્થિક સત્તા ધરાવતી મહાન સત્તાઓની ઉદાર કે સંકુચિત નીતિ દ્વારા અનેક દેશોના અર્થકારણ ઉપર સારી કે માઠી અસર સહેલાઈથી ઉપજાવી શકાય છે.

રાજ્યનું વર્ગીકરણ તે કઈ નીતિ અનુસરે છે તે ઉપરથી ઘણી વાર કરવામાં આવે છે; એટલે કે, તે ‘જૈસે થે’(status quo)ની નીતિ અપનાવે છે કે ‘વિસ્તૃતીકરણ’(expansion)ની. અર્થાત્, સત્તાનો ઉપયોગ તે સ્થિરતા માટે કરે છે કે પરિવર્તન માટે તે અહીં અભિપ્રેત છે.

દુનિયાના રાજકારણનો છેલ્લાં પાંચસો વર્ષનો ઇતિહાસ સંસ્થાનવાદ ((colonialism) અને સામ્રાજ્યવાદ(imperialism)ની નીતિથી ભરપૂર છે. આ નીતિની દૂરગામી અસરો આજે પણ આંતરરાષ્ટ્રીય રાજકારણ ઉપર વરતાય છે. મોટાભાગનાં ત્રીજી દુનિયાનાં રાજ્યો 1945 પછી જ સ્વતંત્ર બન્યાં છે. તે પહેલાં તેઓ યુરોપના દેશોના આધિપત્ય નીચે હતાં.

સંસ્થાનવાદ અને સામ્રાજ્યવાદ વચ્ચેનો એક ફરક એ પાડવામાં આવે છે કે સંસ્થાનવાદ મધ્યયુગ પછી શરૂ થયેલો, જેમાં યુરોપના સ્પેન અને પોર્ટુગલ જેવા દેશોએ દુનિયાના જુદા જુદા ભાગોમાં 1492થી 1763 દરમિયાન તેમનો પગદંડો જમાવ્યો હતો. તેમાં આર્થિક હિતોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. પાછળથી યુરોપના અન્ય દેશોએ પણ આ પ્રકારની વિસ્તારવાદી નીતિ અપનાવીને આધિપત્ય મેળવ્યું હતું. સામ્રાજ્યવાદની શરૂઆત 1870 પછી થાય છે. તેમાં આફ્રિકા અને એશિયાના બીજા ઘણા દેશો ઉપર યુરોપના દેશોએ પોતાનું રાજકીય સ્વામિત્વ ર્દઢ કર્યું હતું. આ બંને સમયની વચ્ચે કેટલાંક વર્ષો એવાં ગયાં, જેમાં આ જાતની નીતિ કંઈક મંદ પડી હતી. સંસ્થાનવાદમાં પછાત ગણાતા લોકો ઉપર પોતાને આગળ પડતા માનતા યુરોપના લોકોએ ઉપરીપણું દાખવ્યું હતું. આ યુરોપીય રાષ્ટ્રવાદનું વિસ્તૃતીકરણ હતું. નવા પ્રદેશો સર કરવાની તમન્નાએ તેમાં મુખ્ય ભાગ ભજવ્યો હતો. સામ્રાજ્યવાદની નીતિ આર્થિક શોષણ, બજારની શોધ અને મૂડીવાદી અર્થતંત્રની વિસ્તારવાદી નીતિને આભારી હતી. આથી જ પહેલા અને બીજા વિશ્વયુદ્ધને સામ્રાજ્યવાદી યુદ્ધો કહેવામાં આવે છે; પરંતુ વ્યવહારમાં અને વાસ્તવિક જીવનમાં આ તફાવત લાંબો ટકી શકે તેમ નથી. બંને શબ્દો મોટેભાગે એકમેકના પર્યાય તરીકે વપરાય છે. સામ્રાજ્યવાદ એટલે એક પ્રજાનું બીજી પ્રજા ઉપરનું આધિપત્ય. પરિણામે બંને વચ્ચે માલિક-ગુલામ સંબંધો સ્થપાય છે. એકની સત્તા બીજાની ગુલામી સાથે સંકળાયેલી હોય છે.

સામ્રાજ્યવાદ એટલે ગોરા લોકોએ બિનગોરા લોકોને સુધારવા માટે સ્વીકારેલી નીતિ(white man’s burden)થી માંડીને તેમાં નર્યું શોષણ – આર્થિક, રાજકીય, સામાજિક – અને માનસિક, સાંસ્કૃતિક સ્વામિત્વ જ છે એમ કહેવાયું છે. આજે રાષ્ટ્રીય આત્મનિર્ણય-(national self-determination)નો નાદ ચારે બાજુથી સંભળાઈ રહ્યો છે, ત્યારે કોઈ પણ પ્રજાનું અન્ય પરનું ઉપરીપણું સાંખી લેવા કોઈ દેશ તૈયાર નથી. સ્વાતંત્ર્ય એ સૌનો જન્મસિદ્ધ હક્ક છે તેથી દેખીતી રીતે જ સામ્રાજ્યવાદની તરફેણમાં કોઈ દલીલ ટકી શકે તેમ નથી.

એક વૈશ્વિક ઘટના તરીકે સામ્રાજ્યવાદ પાછળ ઘણાં પરિબળો કામ કરી રહેલાં હતાં, જેમાં આર્થિક લાભ અને સ્વાર્થ સૌથી મોટું કારણ ગણાવી શકાય. સોંઘા ભાવે કાચા માલની ઉપલબ્ધિ અને મોંઘા ભાવે તૈયાર માલ વેચી શકાય એવાં બજારને સુલભ કરવામાં સામ્રાજ્યવાદનો મોટો ફાળો રહ્યો છે. લેનિનના કહેવા પ્રમાણે સામ્રાજ્યવાદ મૂડીવાદના નફા માટેની દોડનું પરિણામ છે, તેનો જ ઉચ્ચતર તબક્કો છે. સામ્રાજ્યવાદી પ્રક્રિયામાં ધ્વજધારી લશ્કરોના પ્રવેશ પાછળ વેપારીઓની વણજાર દાખલ થતી રહી. રાજકીય સ્વામિત્વ અને આર્થિક શોષણ હાથ મિલાવતાં રહ્યાં.

સામ્રાજ્યવાદનું બીજું પ્રબળ કારણ સંરક્ષણના ક્ષેત્રમાં રહેલું છે. સામ્રાજ્યવાદને ટકાવવા તથા ફેલાવવા અને સમય આવ્યે પોતાનું રક્ષણ કરવા સંસ્થાનોના લોકોને સૈન્યમાં ભરતી કરી શકાતા. લશ્કરી થાણાં સ્થાપવાનું કાર્ય પણ સરળ બનતું. બ્રિટન જેવા સામ્રાજ્યવાદી દેશો તેમના ભારત જેવા સામ્રાજ્યના રક્ષણ માટે વૈશ્વિક વ્યૂહરચના ગોઠવતા, જેમાં દરિયારસ્તે સંસ્થાનોની શૃંખલા રચાઈ હતી. જમીનને રસ્તે ઈરાન, અફઘાનિસ્તાન તેમજ તિબેટ જેવાં બફર રાજ્યોની રશિયાની સામે દીવાલ ઊભી કરવામાં આવી હતી.

રાષ્ટ્રત્વનું અભિયાન અને મોટાઈ તથા મોભાનો સાચોખોટો ખ્યાલ પણ સામ્રાજ્યવાદનો પોષક બન્યો છે. વિશાળ સમુદાય અને પ્રદેશો ઉપર પોતાની પકડ રાખવામાં સામ્રાજ્યવાદી દેશો પોતાનું ગૌરવ સમજ્યા છે. જાણે કે કોઈ દૈવી સંકેત તેમને તેમ કરવા પ્રેરી રહ્યો ન હોય ! આવા ખ્યાલથી દોરવાઈને અમેરિકાએ ફિલિપાઇન્સ ટાપુઓ ઉપર પોતાનું વર્ચસ્ જમાવ્યું હતું. ઇટાલીના મુસોલિનીએ પણ આવા જ તરંગોથી દોરવાઈને એબિસિનિયાને સામ્રાજ્યવાદી પકડમાં લીધું હતું. વધતી જતી લશ્કરી તાકાત માટે પોતાનો વિસ્તાર વધારવો તે આવાં રાજ્યોનો સ્વાભાવિક ક્રમ રહ્યો છે.

ઘણી વાર વધતી જતી વસ્તીના વસવાટ માટે પણ સામ્રાજ્યવાદનો આશરો લેવાયો છે. આ કહેવાતા કારણમાં દેખાય છે તેટલું વજૂદ જણાયું નથી. બીજા વિશ્વયુદ્ધ પહેલાં જાપાને ચીનમાં અને જર્મનીએ બીજા પ્રદેશો માટે આવી મહેચ્છા રાખી હતી, પરંતુ હકીકતમાં તેઓ તે પ્રમાણે કરી શક્યા નથી. તેમ છતાં આ કારણ ઘણા સામ્રાજ્યવાદી દેશોએ પોતાનો વિસ્તાર વધારવા માટે આપેલું છે.

સામ્યવાદી વિચારસરણી પ્રમાણે સામ્રાજ્યવાદ પાછળનું સૌથી પ્રબળ કારણ મૂડીવાદી અર્થતંત્ર છે. અમુક હદ સુધી વિકાસ સાધ્યા પછી મૂડીવાદને નછૂટકે સામ્રાજ્યવાદનો આશરો લેવો પડે છે. લેનિન દ્વારા રજૂ કરવામાં આવેલા આ કારણમાં તથ્ય હોય તોપણ પૂર્વ યુરોપના દેશો ઉપર એક સામ્યવાદી દેશ તરીકે સોવિયેત સંઘે વીસમી સદીમાં 1940 પછીના ચાર દાયકા સુધી જે આધિપત્ય રાખ્યું હતું તેને પણ સામ્રાજ્યવાદ જ કહેવો પડે.

પોતાનો વિસ્તાર વધારવામાં લશ્કરી બળ, વિચારસરણીનું પ્રાબલ્ય, કહેવાતા લાભનાં વચનો આપીને કરાયેલી ખરીદી, કપટ, કુનેહ, ચતુરાઈ અને ઘણી વાર એ સૌના સંમિશ્રણનો આશરો સામ્રાજ્યવાદી રાજ્યોએ લીધો છે. આવા દેશોમાં સૌથી વિશાળ સામ્રાજ્ય બ્રિટન દ્વારા સ્થપાયું હતું. બ્રિટનના સામ્રાજ્ય ઉપર સૂર્ય કદી આથમતો નથી એમ કહેવાતું.

બ્રિટનની વિજયી સામ્રાજ્યવાદી કૂચની પાછળ ફ્રાન્સ, જર્મની, ઇટાલી, બેલ્જિયમ, હોલૅન્ડ, જાપાન, રશિયા અને અમેરિકાએ આ પ્રકારની વિસ્તારવાદી આધિપત્યની નીતિ અપનાવી. સામ્રાજ્યવાદી ઉપરીપણાની સાથે આ રાજ્યોએ ઠેર ઠેર એવાં પ્રભાવક્ષેત્રો (spheres of influence) વિકસાવ્યાં, જ્યાં તેઓ તેમના સ્વાર્થ સાધવા મનપસંદ નીતિ અનુસરી શકે અને અન્ય રાજ્યોને તેમ કરવાની ફરજ પાડી શકે તેમ હતું. તુર્કી, ઈરાન, થાઇલૅન્ડ, ચીન, મૉંગોલિયા વગેરે દેશોમાં આ પ્રકારનાં વર્ગવર્તુળો મોટા પ્રમાણમાં ફેલાવવામાં આવ્યાં હતાં. સામ્રાજ્યવાદી પકડ નીચે ન આવ્યા છતાં આ રાજ્યો મોટે અંશે પરતંત્ર બની ગયાં હતાં.

સ્વાતંત્ર્યયુદ્ધ કરીને બ્રિટનની પકડમાંથી મુક્ત બનેલું અમેરિકા આ વિશ્વવ્યાપી વલણથી મુક્ત રહ્યું નથી. પોતાનો વિશાળ પ્રાદેશિક વિસ્તાર નિશ્ચિત થયા પછી અમેરિકાએ તેની પહેલી નજર દક્ષિણ અમેરિકા તરફ કરી. 1823માં મનરો સિદ્ધાંત બહાર પાડીને અમેરિકાએ દક્ષિણ અમેરિકાને પોતાના પ્રભાવક્ષેત્ર તરીકે જાહેર કર્યું અને યુરોપના કોઈ પણ દેશને તેમાં હસ્તક્ષેપ કરતાં અટકાવ્યો. આમ સમગ્ર દક્ષિણ અમેરિકાને પોતાના વિશિષ્ટ અધિકારનું ક્ષેત્ર બનાવીને તેને પોતાના રાજકીય અને આર્થિક સ્વાર્થનું પ્યાદું બનાવી મૂક્યું. ઍટલાન્ટિક અને પૅસિફિક મહાસાગરોને જોડતી પનામાની નહેર આજદિન સુધી અમેરિકાને તાબે રહી છે. તે જ પ્રમાણે કૅરિબિયન ક્ષેત્રમાં – ક્યૂબા, ડૉમિનિકન પ્રજાસત્તાક, નિકારાગુઆ, વેનેઝુઇલા, હાયટી વગેરે ટાપુઓના પ્રદેશમાં પણ તેની આણ પ્રવર્તતી.

વિશ્વવ્યાપી ઘટના તરીકે ગઈ કાલ સુધી ઉત્તરના આધિપત્ય અને દક્ષિણના દાસત્વનું ચિત્ર આ હતું. બીજા વિશ્વયુદ્ધ પછી જ આ પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું છે અને મોટા ભાગના એશિયા-આફ્રિકાના દેશો સ્વતંત્ર થયા છે. વૈશ્વિક ઘટના તરીકે સામ્રાજ્યવાદ હકીકત હોવા ઉપરાંત એક પ્રક્રિયા છે જે ચાર સ્વરૂપે દેખા દે છે : (1) શક્તિશાળી રાજ્ય નિર્બળ રાજ્યમાં પ્રથમ અંત:ક્ષેપ (penetration) કરીને હસ્તક્ષેપ કરે છે. (2) આ પછી શોષણની પ્રક્રિયા શરૂ થાય છે, જેમાં નિર્બળ રાજ્યનો સ્વાર્થસાધક ગેરઉપયોગ થાય છે. એક જ શબ્દમાં તેને શોષણનીતિ (exploitation) કહી શકાય. (3) આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે સંસ્થાનના લોકોમાં ભાગલા પાડવા(fragmentation)ની નીતિ અપનાવાય છે. સંસ્થાનમાં સામાન્ય રીતે વિભાજિત સમાજ જોવા મળે છે. સુગ્રથનનો અભાવ તેને વિશેષ નિર્બળ બનાવે છે. (4) છેલ્લે, આ ત્રણેય પ્રક્રિયાઓને પરિણામે પરતંત્ર લોકો પોતાના ભાવિ ઉપરનો કાબૂ ગુમાવે છે. કોઈ પણ નિર્ણયપ્રક્રિયામાં તેમની ભાગીદારી હોતી નથી. તેઓ દૂર ફેંકાઈ જાય છે. તેમના જ મુલકમાં તે બીજા કે ત્રીજા વર્ગના નાગરિક બની બેસે છે. તેમની કોઈ ગણના જ હોતી નથી.

યુદ્ધોત્તર વર્ષોની એક મોટી સિદ્ધિ તે સામ્રાજ્યવાદની મોટા પાયા પરની વિદાય છે. વીસમી સદીના ઉત્તરાર્ધમાં એશિયા-આફ્રિકાના લગભગ બધા જ દેશોએ સ્વાતંત્ર્ય પ્રાપ્ત કર્યું છે. આથી ઇતિહાસનો એક નવો યુગ શરૂ થયો છે. આજના આંતરરાષ્ટ્રીય રાજકારણમાં જેટલાં સ્વતંત્ર, સાર્વભૌમ રાજ્યો છે તેટલાં આ પહેલાંના ઇતિહાસમાં કદી દેખાયાં નથી. આ નવોદિત રાષ્ટ્રોનો સ્વતંત્ર અને સંયુક્ત અવાજ સંયુક્ત રાષ્ટ્ર સંઘના રંગમંચ ઉપરથી આજે સંભળાય છે. રાજકારણ સંપૂર્ણ અર્થમાં આંતરરાષ્ટ્રીય બન્યું છે. આ ઘટના પાછળ સંયુક્ત રાષ્ટ્ર સંઘનો પણ મોટો ફાળો છે.

નવોદિત રાષ્ટ્રોની મોટી મહત્વાકાંક્ષા વિકસિત દેશોની સમકક્ષ થવાની છે. ઝડપી, સર્વદેશીય વિકાસ તેમનો ગુરુમંત્ર બન્યો છે. પરંતુ તેમ કરવામાં તેઓ પૂરા સફળ થયા નથી. તે સાથે સામ્રાજ્યવાદ નવા સ્વરૂપે, નવા સ્વાંગમાં ફરીને ડોકિયું કરી રહ્યો છે. વૈચારિક, સાંસ્કૃતિક પરતંત્રતા તેનું આગવું લક્ષણ છે. તે જ પ્રમાણે વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રમાં આ રાષ્ટ્રોની પરાધીનતાનું પ્રમાણ ઘણું મોટું છે. વિકસિત દેશોનાં બહુરાષ્ટ્રીય નિગમો જ્યારે આ નવોદિત રાજ્યોમાં પગદંડો જમાવે છે ત્યારે તેઓ મોટા ભાગનો નફો બહાર ખેંચી જાય છે. સરવાળે જૂના સંસ્થાનની સ્થિતિમાં ઝાઝો ફરક પડતો નથી. તેમની આર્થિક પરાધીનતા કાયમ રહે છે. વિકસિત દેશો તરફથી મળતી મદદ પણ પરિસ્થિતિમાં જોઈતો ફેરફાર લાવી શકી નથી. ઉત્તર-દક્ષિણ તફાવત વધતો રહ્યો છે. આ પરિસ્થિતિને ઘણી વાર નૂતન સંસ્થાનવાદ કહેવામાં આવે છે.

યુદ્ધ : અભ્યાસના એક વિષય તરીકે આંતરરાષ્ટ્રીય રાજકારણની શરૂઆત થઈ ત્યારે તેની પાછળનો પ્રધાન હેતુ યુદ્ધને દૂર કરી શાન્તિની સ્થાપના કરવાનો રહ્યો હતો. આજે પણ આ પ્રશ્ન જેવો ને તેવો વિકટ સ્વરૂપે ખડો છે. કૌટિલ્યે લખ્યું છે કે જો શાન્તિ અને યુદ્ધ વચ્ચે પસંદગી કરવાની હોય તો નિ:શંક શાન્તિને જ પસંદ કરવી જોઈએ, કારણ કે તેની દ્વારા જ આબાદી હાંસલ થઈ શકે છે. ગ્રીક ઇતિહાસવિદ યુસિડિડીઝે કહેલું કે શાન્તિ ક્યારેય ખરાબ નથી અને યુદ્ધ કદી સારું નથી, કારણ કે શાન્તિના સમયમાં યુવાનો વૃદ્ધોને દફનાવે છે જ્યારે યુદ્ધમાં વૃદ્ધો યુવાનોની અંત્યેષ્ટિ કરતા હોય છે.

યુદ્ધ એ આંતરરાષ્ટ્રીય રાજકારણનો અંતર્ગત ભાગ છે. તે એટલી હદે કે આંતરરાષ્ટ્રીય કાનૂનનાં પુસ્તકોમાં પણ યુદ્ધસમયનો કાયદો શાન્તિના વખતના કાયદા કરતાં વધારે વિસ્તાર ધરાવે છે. આંતરરાષ્ટ્રીય રાજકારણની પ્રત્યેક પ્રક્રિયા કે પ્રવૃત્તિમાં એક યા બીજે સ્વરૂપે યુદ્ધ ડોકિયું કરતું હોય છે. માનવજાતનો ઇતિહાસ અનેક યુદ્ધોથી ખરડાયેલો છે.

યુદ્ધની પાછળનું પ્રબળ કારણ તે આંતરરાષ્ટ્રીય રાજકારણના કલેવરમાં પડેલું છે. વિભાજિત કલેવર, કેન્દ્રીય શાસનનો અભાવ, પ્રત્યેક સ્વતંત્ર રાજ્યની સાર્વભૌમિકતા, પોતાની સલામતી માટેની રાજ્યની સ્વનિર્ભરતા-આ વિશિષ્ટતાઓના કારણે રાજ્ય રાજ્ય વચ્ચેના પ્રશ્નો ઉકેલવાનો છેવટનો ઉપાય યુદ્ધનો રહ્યો છે. મુત્સદ્દીગીરીની મંત્રણાઓમાં પણ યુદ્ધ પ્રચ્છન્ન સ્વરૂપે રહેલું હોય છે. આ કારણથી જ ક્લાઉઝેવિટ્સે કહ્યું છે કે, યુદ્ધ રાજકીય સંબંધોનો જ એક ભાગ છે અને તેથી તેનાથી કોઈ રીતે ભિન્ન નથી… યુદ્ધ બીજું કાંઈ નથી, પણ રાજકીય સંબંધોનું જ એક પ્રકારનું સાતત્ય (continuation) હોય છે. લશ્કરી બળ દ્વારા રાષ્ટટ્રો, રાજ્યો, રાજવીઓ કે પક્ષો અથવા રાજ્યની અંદરના બે ઘટકો વચ્ચેનો દુશ્મનાવટભર્યો સંઘર્ષ એટલે યુદ્ધ. 1945 પછી ઠંડા યુદ્ધનો જે સમય વીત્યો તેને ‘નહિ યુદ્ધ, નહિ શાન્તિ’ તરીકે ઓળખાવાય છે.

યુદ્ધનો વિસ્તૃત અભ્યાસ કરનાર એક લેખકે જણાવ્યું છે કે જેમ માનવસંસ્કૃતિ વિકસતી ગઈ છે તેમ તેમ યુદ્ધ વધુ વ્યાપક, વધુ ભયંકર, વધુ ખર્ચાળ અને વધુ લાંબો સમય ચાલતું થયું છે. આ પ્રમાણે થવા પાછળનાં કારણોમાં યુદ્ધને ફ્રાન્સની ક્રાન્તિ (1789) પછી મળેલું રાષ્ટ્રીય સ્વરૂપ છે. રાષ્ટ્રીય અસ્મિતાનો અતિરેક તેના આત્યંતિક સ્વરૂપમાં યુદ્ધખોર બને છે. ઔદ્યોગિક ક્રાન્તિ, વૈજ્ઞાનિક સહાય તથા લોકોની આવેશમય સામેલગીરીના કારણે આ પરિણામ આવ્યું છે. યુદ્ધની વધતી જતી ભયંકરતાનું એક ચિહન તે નાગરિકોની ખુવારીના વધતા જતા આંકડા છે. અણુશસ્ત્રો અને રાસાયણિક શસ્ત્રોના  આગમન પછી યુદ્ધનું સ્વરૂપ બદલાઈ ગયું છે. આજનું યુદ્ધ સંપૂર્ણ (total) યુદ્ધ બની ગયું છે, જેમાં સંહાર કે વિનાશની કોઈ સીમા રહેતી નથી.

યુદ્ધ થવાનાં વિવિધ કારણો અપાય છે. એક મત પ્રમાણે રાજ્યો વચ્ચેની ગુપ્ત સંધિઓ યુદ્ધને આમંત્રે છે. પહેલા વિશ્વયુદ્ધ પહેલાંનો અનુભવ આ કારણને અનુમોદન આપે છે. યુદ્ધનો વિસ્તૃત અભ્યાસ કરનાર ક્વીન્સી રાઇટ યુદ્ધ પહેલાં બનેલા બધા જ બનાવોને તેનાં કારણો તરીકે ગણાવે છે. વધારે વિસ્તૃત પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો આ ચાર કારણો મુખ્યત્વે જવાબદાર ગણાય છે : (1) પ્રવર્તમાન પરિસ્થિતિ પ્રત્યેનો ઊંડો અસંતોષ; (2) સંઘર્ષ ટાળવા માટેની આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા કે સંસ્થાનો અભાવ કે તેની અશક્તિ; (3) અપૂરતો કાનૂન; (4) સત્તા અને સંપત્તિની અસમાન વહેંચણી. સામ્યવાદી વિચારકોએ યુદ્ધના જુદા જુદા પ્રકારો ગણાવ્યા છે; જેવા કે, સામ્રાજ્યવાદી યુદ્ધ, ક્રાંતિ, સ્વાતંત્ર્યસંગ્રામ વગેરે. સામ્રાજ્યવાદી સિવાયનાં યુદ્ધોને તેઓ આવકારે છે. તેમની ર્દષ્ટિએ યુદ્ધનાં બીજ મૂડીવાદ અને તેમાંથી ફલિત થતા સામ્રાજ્યવાદમાં પડેલાં છે. કેટલાકના મત મુજબ ભય અને બિનસલામતીની લાગણી યુદ્ધ પાછળનું સૌથી મહત્વનું કારણ છે.

પરંતુ જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય રાજકારણનો મૂળભૂત ઢાંચો બદલાય નહિ ત્યાં સુધી તેના અવિષ્કારના સ્વરૂપે યુદ્ધ ટાળી શકાય તેમ નથી. આજનું સાર્વભૌમ રાજ્ય પોતાને કાયદાથી પર માને છે અને આવાં એક નહિ પણ અનેક રાજ્યો છે. તેમની ઉપર દેખરેખ કે નિયમન રાખી શકે તેવી કોઈ સર્વમાન્ય, અધિકૃત વ્યવસ્થા કે સંસ્થા નથી. આંતરરાષ્ટ્રીય કાનૂન છે, પણ તેનું કેટલું પાલન કરવું તે રાજ્ય પોતે જ સ્વેચ્છાથી નક્કી કરતું હોય ત્યાં તેની અસરકારકતા મર્યાદિત રહેવાની. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પ્રત્યેક રાજ્ય સંધિ કે કરાર દ્વારા પોતાની ઉપર જેટલું બંધન સ્વીકારવું હોય તેટલું જ સ્વીકારે છે. આથી સત્તા પાછળની દોટ અને શસ્ત્રસ્પર્ધા રાજ્યની નીતિનો સ્વાભાવિક ક્રમ રહે છે. કૌટિલ્યે જણાવ્યું છે તેમ, પાડોશી રાજ્યો કદી મિત્ર થઈ શકતાં નથી. એકમેકની ભીતિ તેમને કાયમ સતાવ્યાં કરે છે. પરિણામે રાષ્ટ્રીય હિતની સાધના અને તેના સંગોપનમાં એક શક્યતા તરીકે હંમેશાં યુદ્ધનો સમાવેશ થાય છે. શાન્તિના સમયમાં મુત્સદ્દીગીરી દ્વારા રાજ્ય તેની નીતિનું સંચાલન કરે છે; પરંતુ અંતિમ નિદાનમાં યુદ્ધની નીતિને તે તિલાંજલિ આપી શકતું નથી. કોઈ પણ રાજ્ય તેની રાષ્ટ્રીય નીતિના એક ભાગ રૂપે યુદ્ધની શક્યતા ખ્યાલમાં રાખે છે. યુદ્ધ મોંઘું, ખતરનાક છે અને તેનાથી ધાર્યાં પરિણામ લાવી શકાતાં ન હોવા છતાં આજના આંતરરાષ્ટટ્રીય વ્યવહારમાં અને દેશદેશના સંબંધોમાં અનિશ્ચિતતાનું મોટું પ્રમાણ રહેલું છે. દેશની ઉપર ક્યારે કેવી આપત્તિ આવી પડશે તેની ખાતરી હોતી નથી. પરિણામે રાજ્ય જોખમ ખેડતું નથી અને ગાફેલ પણ રહેતું નથી. પોતાની હસ્તી અને સ્વાતંત્ર્યને ટકાવી રાખવાની છેવટની જવાબદારી તેના પોતાના શિરે હોય છે.

માનવ-ઇતિહાસમાં યુદ્ધ દ્વારા જ મોટાં રાજકીય અને આર્થિક પરિવર્તનો થયાં છે. અમેરિકાના સ્વતંત્ર દેશ તરીકેના ઉદયની પાછળ તેનું સ્વાતંત્ર્યયુદ્ધ હતું. તે જ પ્રમાણે દક્ષિણ અમેરિકાનાં રાજ્યો સ્પેન અને પૉર્ટુગલ સામે યુદ્ધે ચડીને જ સ્વતંત્ર બન્યાં છે. 1789ની ફ્રાન્સની ક્રાન્તિ પછી નેપોલિયનની સરદારી નીચે લડાયેલાં યુદ્ધો દ્વારા યુરોપનું નવવિધાન શક્ય બન્યું હતું. પ્રાચીન સમયમાં રોમના સામ્રાજ્યનો ફેલાવો લડાઈ દ્વારા જ શક્ય બન્યો હતો. ભારતના ઇતિહાસમાં સમુદ્રગુપ્તે વિજયો દ્વારા, હર્ષવર્ધને અને પાછળથી અકબર અને શિવાજીએ સફળ યુદ્ધો દ્વારા ઘણી સિદ્ધિઓ હાંસલ કરી હતી. પાણીપત અને પ્લાસીનાં યુદ્ધોએ ભારતના ઇતિહાસમાં મોટા પલટાઓ આણ્યા હતા. મુસ્લિમોની જેહાદ અને ખ્રિસ્તીઓનાં ધર્મયુદ્ધો સુવિદિત છે. ટૂંકમાં, લડાઈ રાજકીય પરિવર્તનની જન્મદાત્રી છે. સભ્યતા અને સંસ્કૃતિના ફેલાવા માટે, વિજ્ઞાનને આગળ ધપાવવા માટે તેમજ આધુનિકીકરણની પ્રક્રિયાનો વેગ વધારવા તથા તેનો વ્યાપ ફેલાવવામાં યુદ્ધોએ મોટો ફાળો આપ્યો છે.

શાન્તિમય ઉપાયો : આમ છતાં યુદ્ધનો આશરો છેવટના ઉપાય તરીકે જ લેવામાં આવે અને શક્ય હોય ત્યાં વિકલ્પે બીજા ઉપાયો યોજાય તેવી ભાવના બળવત્તર બનતી જાય છે. શસ્ત્રોનાં વ્યાપ અને વિનાશકતા જોતાં યુદ્ધ અસ્વીકાર્ય બન્યું છે. આથી રાજ્ય રાજ્ય વચ્ચેના પ્રશ્નો અને સંઘર્ષનો નિવેડો લાવવા માટે બીજી પદ્ધતિઓ શોધવાનું અનિવાર્ય બન્યું છે. ‘વેરથી વેર શમતું નથી’, ‘અહિંસા એ પરમ ધર્મ છે’ વગેરે અનુભવવાણી વિદિત છે, પણ આ તથ્યોને ગળે ઉતારવાનું દુષ્કર કાર્ય તે માટેના શિક્ષણ સિવાય શક્ય નથી. શાન્તિસંશોધન અને શાન્તિશિક્ષણના બહોળા ફેલાવા સિવાય અને તે માટેનો લોકમત કેળવ્યા સિવાય આ પ્રકારનું વાતાવરણ ઊભું થઈ શકે તેમ નથી.

જો 19મી સદી અને 20મી સદીનો પૂર્વાર્ધ રાષ્ટ્રવાદનો સમય હતો તો હવેનો સમય આંતરરાષ્ટ્રીયતાનો છે તેમ કહી શકાય. દુનિયા ખૂબ નાની બની ગઈ છે અને રાષ્ટ્રવાદના ધોરણે ચાલતાં યુદ્ધો અર્થહીન બની ગયાં છે. પર્યાવરણના પ્રશ્નો, શાન્તિની જાળવણી, આર્થિક ઉન્નતિના પ્રશ્નો વૈશ્વિક ધોરણે જ હલ થઈ શકે તેમ છે. આથી રાષ્ટ્રવાદને સાંસ્કૃતિક ક્ષેત્રે સ્વીકારી, રાજકીય-આર્થિક ક્ષેત્રે આંતરરાષ્ટ્રીયતાનો સ્વીકાર કરવાની જરૂર સમજાઈ છે. એમ થાય તો યુદ્ધની શક્યતા ઓછી કરી શકાય.

યુદ્ધને દૂર કરવાનો અને શાન્તિમય રીતે ઝઘડાઓની પતાવટ કરવા માટેનો મોટો ઉપક્રમ રાષ્ટ્રસંઘ (League of Naitons) દ્વારા કરવામાં આવ્યો હતો (1919-1939); પરંતુ તેના બંધારણમાં એક મોટી ખામી રહી ગઈ હતી. રાષ્ટ્રસંઘની કાઉન્સિલમાં કોઈ પણ બંધનકર્તા નિર્ણય લેવામાં તમામ સભ્યરાજ્યોની સંપૂર્ણ સંમતિ(unanimity)ની જરૂર રહેતી અને સાર્વભૌમ રાજ્યો આમ કરવા ભાગ્યે જ તૈયાર હતાં. આથી ખરે સમયે રાષ્ટ્રસંઘની સંસ્થા પાંગળી બની ગઈ. વળી, શાન્તિ એટલે ‘જૈસે થે’ ગણવામાં મહાન સત્તાઓએ ટૂંકી અને સંકુચિત ર્દષ્ટિ બતાવી. પરિણામે, જરૂરી અને અનિવાર્ય ફેરફારો માટે પણ કોઈ અવકાશ રહ્યો નહિ. 1919માં જે પરિસ્થિતિ ઊભી થઈ હતી તેને જ ટકાવી રાખવાનો નિષ્ફળ પ્રયાસ ચાલુ રાખવામાં આવ્યો. ઉપરાંત અમેરિકા શરૂઆતથી જ રાષ્ટ્રસંઘનું સભ્ય બન્યું નહિ અને સામ્યવાદી રશિયાને તેમાંથી દૂર રાખવામાં આવ્યું. રાષ્ટ્રસંઘની નાકામયાબી તેના બંધારણમાં તો હતી જ, પણ તે સાથે મહાસત્તાઓની વામણી નીતિ પણ તેને માટે જવાબદાર હતી.

રાષ્ટ્રસંઘ પછીનો બીજો મોટો પ્રયાસ 1928માં કરવામાં આવ્યો, જેને કેલૉગ-બ્રાયન્ડ કરાર કે પૅરિસનો કરાર કહેવામાં આવે છે. આ કરારથી રાજ્યો વચ્ચેના કોઈ પ્રશ્ન અંગે બળ વાપરવાની બંધી કરવામાં આવી અને તેવા પ્રસંગોએ શાન્તિમય પદ્ધતિઓ દ્વારા જ પ્રશ્નોના ઉકેલ શોધવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો. કેલૉગ અમેરિકાના અને બ્રાયન્ડ ફ્રાન્સના વિદેશમંત્રી હતા. પરંતુ આ કરાર ઉપરની સહીની શાહી સુકાય તે પહેલાં જ અન્ય રાજ્યોએ તેનો છડેચોક ભંગ કર્યો. 1931માં જાપાને ચીન ઉપર આક્રમણ કરીને મંચુરિયાનો પ્રદેશ પડાવી લીધો અને તેમાં રાષ્ટ્રસંઘના કે પૅરિસના કરાર કોઈ ફરક પાડી શક્યા નહિ.

દરમિયાન અમેરિકાના બીજા એક વિદેશમંત્રી સ્ટીમસને શાન્તિ જાળવવાના સિદ્ધાન્ત તરીકે કોઈ પણ પ્રાદેશિક ફેરફારને મંજૂર ન કરવા અને તેને રાજ્યો તરફથી માન્યતા ન આપવા જણાવ્યું; પરંતુ આ સિદ્ધાન્તની મોટી મર્યાદા તે ‘જૈસ થે’ની સ્થિતિ કાયમને માટે સાચવી રાખવામાં રહેલી હતી. પરિવર્તન પામતી દુનિયામાં આ પ્રકારનું જડ વલણ બધાં રાજ્યો હંમેશ માટે સ્વીકારે તે શક્ય ન હતું. આથી આ સિદ્ધાંત પણ નિષ્ફળ બન્યો.

આંતરરાષ્ટ્રીય રાજકારણની અનેક જાણીતી ઉક્તિઓમાંની એકમાં કહેવાયું છે : ‘જો તમે શાન્તિ ઇચ્છતા હો તો લડાઈ માટે તૈયાર રહો.’ આનો અર્થ એ છે કે, એટલું બળ કેળવો કે જેથી તમારી સાથે યુદ્ધ કરવા પહેલાં અન્ય રાજ્યોને વિચાર કરવો પડે. શસ્ત્રસજ્જતા શાન્તિનું કવચ બને છે. બીજી એવી જ ઉક્તિ છે : ‘શક્તિશાળી બન્યા પછી જ મંત્રણાઓ કરો’ (Negotiate from strength). ટૂંકમાં, શાન્તિની બાંયધરી શક્તિસંપન્નતામાં રહેલી છે; પરંતુ આ નીતિ જો બધાં જ રાજ્યો અનુસરે તો ? પરિણામ એ આવે કે શસ્ત્રસ્પર્ધા કે શસ્ત્રદોટ હંમેશની પ્રક્રિયા બની જાય અને તેનાથી તંગદિલીમાં વધારો થતાં રાજ્યો લડાઈ તરફ ધકેલાઈ જાય.

આથી વિરુદ્ધની નીતિનો પણ પુરસ્કાર કરવામાં આવ્યો છે. જો રાજ્યો નિ:શસ્ત્રીકરણની નીતિ અપનાવે તો તેનાથી શાન્તિની શક્યતા વધે એમ કહેવામાં આવે છે, પણ નિ:શસ્ત્રીકરણ માટેનું યોગ્ય રાજકીય વાતાવરણ પહેલાં ઊભું થવું જોઈએ. નિ:શસ્ત્રીકરણ કોઈ સ્વયંસંચાલિત પદ્ધતિ નથી. તેનો આધાર બદલાતી આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ ઉપર રહેતો હોય છે. ટૂંકમાં, શસ્ત્રીકરણ તેમ નિ:શસ્ત્રીકરણ જેવી એકાકી નીતિ અપનાવવાથી શાન્તિ સ્થાપી શકાતી નથી.

શાન્તિની જાળવણી માટેનો એક સિદ્ધાન્ત તે યુદ્ધખોર રાજ્યને એકલું પાડી દેવામાં રહેલો છે. જે રાજ્ય આક્રમક વલણ બતાવે તેની સામે અન્ય શાન્તિપ્રિય રાજ્યોએ પ્રતિબંધક જોગવાઈઓ (sanctions) કરવી, જેથી તેની સાન ઠેકાણે આવે અને તેનું વર્તન સુધરે. પરંતુ આવી જોગવાઈઓ તો જ સફળ થાય જો બધાં રાજ્યો તેમાં સહકાર આપે. આક્રમક રાજ્ય જો બળવાન હોય તો આવી જોગવાઈઓની અવગણના પણ કરી શકે, નહિ તો અન્ય રાજ્યોમાં ભાગલા પાડી પોતાના પક્ષને મજબૂત કરી લે.

આંતરરાષ્ટ્રીય કાયદો : કેટલાક નિરીક્ષકોના અભિપ્રાય પ્રમાણે યુદ્ધને રોકવાનો સર્વોત્તમ ઉપાય તેને ગેરકાયદેસર ઠરાવવાનો છે. આ માટે જો આંતરરાષ્ટ્રીય કાયદાને અસરકારક બનાવવામાં આવે તો યુદ્ધમાત્ર બંધ કરાવી શકાય. પરંતુ આંતરરાષ્ટ્રીય કાયદાની મોટી મર્યાદા એ છે કે તે રાજ્યની સંમતિ અને બાંધછોડના આધારે ઘડાતો આવ્યો છે. તેને રાજ્ય ઉપર લાદવા માટે કોઈ અધિકૃત કે સર્વમાન્ય સંસ્થા નથી. આંતરરાષ્ટ્રીય કાયદો રાજ્ય ઉપર આધારિત છે, રાજ્ય કાયદા ઉપર આધારિત નથી. આંતરિક રાજકારણમાં જે શક્ય અને સરળ છે તે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સંભવી શકે તેમ નથી. 1928ના પૅરિસ કરાર દ્વારા આમ કરવાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. પોતાનાં સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા જાળવવા માટે રાજ્ય તત્પર હોય છે અને તે માટે યુદ્ધને તેની રાષ્ટ્રીય નીતિના એક ભાગ રૂપે ગણે છે. કાગળ ઉપર લખાયેલા કરારો કે આંતરરાષ્ટ્રીય કાયદાની કલમો તેમને રોકવા અસમર્થ હોય છે.

આ બધું છતાં આંતરરાષ્ટ્રીય કાયદાની અવહેલના કરવી કોઈ રીતે યોગ્ય નથી. જેવો છે તેવો આ કાયદો જ માનવકલ્યાણનું ધ્યેય સાધી શકે તેમ છે. 1899 અને 1907ની હેગ પરિષદો પછી લડાઈના સંચાલનમાં કાયદાએ કેટલીક જોગવાઈઓ કરી છે. તેનો સંપૂર્ણ અનાદર કોઈ રાજ્ય કરતું નથી. તટસ્થ રાજ્યોની ભૂમિકા વિશે આંતરરાષ્ટ્રીય કાયદાએ પૂરતો ઉલ્લેખ કરેલો છે. આંતરરાષ્ટ્રીય રાજકારણનું સંચાલન કાયદાની સંપૂર્ણ બેપરવાઈથી થતું નથી. ભવિષ્યની પ્રગતિ કાયદાને માન આપવામાં રહેલી છે, તેને અવગણવામાં નહિ.

બીજા વિશ્વયુદ્ધ પછી યુદ્ધ દરમિયાન કરાયેલા અમાનવીય ગુનાઓ માટે ન્યૂરેમ્બર્ગ તથા ટોકિયો ખાતે કાયદાકીય કારવાઈ કરવામાં આવી હતી, જેના પરિણામે નાઝી તથા જાપાનના સેનાપતિઓને સજા ફરમાવવામાં આવી હતી. આ કારવાઈમાં જે કાયદાઓનો અમલ કરવામાં આવ્યો તેમને આંતરરાષ્ટ્રીય કાયદાના ભાગ રૂપે વણી લેવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય કાયદો માત્ર રાજ્યો ઉપર નહિ, પણ તેમને પાર કરીને વ્યક્તિઓ ઉપર અમલી બનાવવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય રાજકારણને નર્યા બળનું રાજકારણ બનતું અટકાવવું હોય તો તેમાં ધીમે ધીમે ‘કાયદાના રાજ્ય’ને દાખલ કરવું રહ્યું. જેમ આંતરિક રાજકારણમાં વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંબંધો કાયદાની રાહે ચાલે છે તેમ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પણ વહેલામોડા ચાલે તેમાં જ માનવજાતિની પ્રગતિની શક્યતા રહેલી છે.

મહાભારતના સમયથી ધર્મયુદ્ધ અને અધર્મયુદ્ધના ખ્યાલ પ્રચલિત થયા છે. આંતરરાષ્ટ્રીય કાયદાનો પ્રશિષ્ટ લેખક હ્યૂગો ગ્રોશિયસ પણ ન્યાયી અને અન્યાયી યુદ્ધનો ઉલ્લેખ કરે છે. અનિવાર્ય હોય ત્યારે જ અને માત્ર સંરક્ષણ માટે જ યુદ્ધ લડાય, લડાય ત્યારે માનવીય ધોરણે તેનું સંચાલન થાય અને યુદ્ધનો આશરો બની શકે તેટલો ઓછો લેવાય તે દિશામાં માનવજાતે પ્રગતિ કરવી હોય તો તે માટે આંતરરાષ્ટ્રીય કાયદાને બળવત્તર બનાવવો જોઈએ.

જેમ યુદ્ધની ભયાનકતા વધી છે તેમ શાન્તિની અગત્ય વધી છે. શાન્તિ એ આજના યુગનું મહામોંઘું મૂલ્ય છે. આંતરિક રાજકારણ મૂલ્યનિષ્ઠ બને એમ આપણે ઇચ્છીએ છીએ. તે જ પ્રમાણે આંતરરાષ્ટ્રીય રાજકારણને પણ કાયદાના વર્તુળમાં લાવવાની જરૂર છે. રાજકારણ અને કાયદો એકમેકની સામે હોય તે પરિસ્થિતિ બદલીને તેમને બંનેને એકમેકનાં પૂરક બનાવવાં જોઈએ. કાયદાનું શાસન પ્રસરવું જોઈએ, વિકસવું જોઈએ, સર્વગ્રાહી બનવું જોઈએ. તે સાથે શાન્તિના ધ્યેયને જડ ચોકઠામાં જકડી રાખવાને બદલે વધુ લવચીક અને પરિવર્તનક્ષમ બનાવવું જોઈએ. આ ધ્યેયને ખ્યાલમાં રાખીને જ સંયુક્ત રાષ્ટ્રસંઘનું ખતપત્ર ઘડવામાં આવ્યું છે. માનવીની શાન્તિ માટેની આરઝૂને તે વાચા આપે છે. ખતપત્રનું અર્થઘટન કરીએ તો તેની દ્વારા યુદ્ધને માનવજાતિ સામેનો મહાભયંકર ગુનો ગણવામાં આવ્યો છે. શક્ય હોય ત્યાં સુધી શાન્તિમય ઉપાયોનો આશરો લઈને પ્રશ્નો પતાવવાનું રાખવું જોઈએ અને સંરક્ષણ સિવાય બીજા કોઈ હેતુ માટે યુદ્ધ કરવું જોઈએ નહિ એમ ખતપત્રનો સ્પષ્ટ નિર્દેશ છે.

આ અભિગમનો સૂચિતાર્થ એ છે કે યુદ્ધની સંપૂર્ણ નાબૂદી માટેનો એકમાત્ર સર્વમાન્ય ઉપાય તે અસરકારક વિશ્વસરકાર છે. આજે આ ધ્યેય દૂર જણાય છે પણ તેની અનિવાર્યતા સ્પષ્ટ છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ તે દિશામાંનું એક શકવર્તી પગલું છે. જોકે તેનું અધિકારવર્તુળ રાજ્યના સાર્વભૌમત્વને સ્પર્શી શકતું નથી; તેમ છતાં આજે વિશ્વસરકાર નહિ તો વિશ્વસમાજની ઝાંખી થાય તેવાં ચિહનો વરતાય છે. શાન્તિની તરફદારી કરતો લોકઅભિપ્રાય વધુ ને વધુ પ્રબળ બનતો જાય છે. રાજ્યો વચ્ચે વિશ્વાસનું વાતાવરણ રચવા(confidence-building)ના પ્રયત્નો થઈ રહ્યા છે. વિશ્વમાં એવા ઘણા દેશો છે જેમાં એક યા બીજા પ્રકારનું સમવાય કામ કરી રહ્યું છે. અમેરિકા, રશિયા, ભારત જેવાં સમવાયતંત્રો તેના ઉત્તમ દાખલાઓ છે. પ્રાદેશિક સમજૂતીઓ; જેવી કે, યુરોપીય સંઘ, આફ્રિકાના દેશોનું મંડળ, ઉત્તર-દક્ષિણ અમેરિકાનું પ્રાદેશિક મંડળ, અગ્નિ એશિયાના દેશોનું તેમજ દક્ષિણ એશિયાના દેશોનાં મંડળો અસ્તિત્વમાં આવ્યાં છે. આ પ્રાદેશિક મંડળો આવતી કાલની દુનિયાના ઘડતરમાં – તેની રચનામાં વિધેયક ભાગ ભજવી શકે અને દેશ દેશ વચ્ચેના માનસિક અંતરને દૂર કરી શકે.

વિશ્વસરકાર હજી એક સ્વપ્ન છે અને તેને સાકાર કરવા સમય લાગવાનો છે. તે પહેલાં લોકશિક્ષણ દ્વારા તેને અનુકૂળ લોકઅભિપ્રાય કેળવાય તે જરૂરી છે. યુદ્ધ કે શાન્તિ વચ્ચેના દ્વન્દ્વની પસંદગીના બદલે યુદ્ધોની સંખ્યામાં ઘટાડો થતો રહે તેમ તેમ શાન્તિનું પલ્લું નમતું જાય એ પદ્ધતિ વધારે વાસ્તવિક અને કાર્યક્ષમ બને તેમ છે. દરેક ન લડાયેલું યુદ્ધ શાન્તિ માટે ઉપકારક છે એમ સમજીને યુદ્ધને ટાળવાનો, તેને બદલે બીજા ઉપાયો યોજવાનો ઉપક્રમ છેવટે યુદ્ધવિહીન સમાજ તરફ દુનિયાને દોરી જશે.

આંતરરાષ્ટ્રીય રાજકારણનાં નિયમનો : આંતરરાષ્ટ્રીય રાજકારણના નિયમન માટે રાજ્યે શા ઉપાયો યોજ્યા છે અને તેમાં તેમને કેટલી સફળતા મળી છે તેનો વિચાર કરીએ તો તેમાં સત્તાની સમતુલાનો સિદ્ધાંત આવે છે. જ્યાં ઘણાંબધાં રાજ્યો સાર્વભૌમ હોય અને સત્તા માટેની દોટમાં ઇચ્છા-અનિચ્છાએ સામેલ હોય ત્યાં સત્તાના ખ્યાલની આસપાસ રાજકારણની રમત ગોઠવાય તે સ્વાભાવિક છે. આ સિદ્ધાન્ત નવો નથી. પ્રાચીન સમયમાં કૌટિલ્યે મંડળનો સિદ્ધાન્ત પ્રતિપાદિત કર્યો હતો, જેમાં અમુક રાજ્યો તેમની સત્તાના જોર ઉપર કે તેને વધારવા બીજાં રાજ્યો સાથે જોડાતાં અને તેને પરિણામે રાજ્યોના મંડળની રચના થતી. ઇજિપ્ત બૅબિલોનિયા તથા ચીનમાં પણ આ પદ્ધતિનો અમલ થતો હતો. રોમનું સામ્રાજ્ય ઊભું થયું ત્યારે આ પ્રકારની પદ્ધતિની જરૂર રહી નહિ; પરંતુ મધ્યયુગ વીત્યા પછી જ્યારે સાર્વભૌમ રાજ્યપ્રથા અમલમાં આવી ત્યારે સત્તાની સમતુલાની પદ્ધતિ પુનર્જીવિત થઈ. 16મી-17મી સદીમાં તેની શરૂઆત ગણાય અને 18મી સદીમાં તે પૂર્ણ કળાએ ખીલેલી ગણાય. આજના સંદર્ભમાં પણ તે એક યા બીજી રીતે ચાલ્યાં કરે છે. તેનું મૂળ કારણ એ છે કે તે સાર્વભૌમ રાજ્યપ્રથાનું સ્વાભાવિક નિષ્પન્ન છે. 18મી અને 19મી સદીનો યુરોપનો ઇતિહાસ તેનાં અનેક ર્દષ્ટાંત પૂરાં પાડે છે.

સત્તાની સમતુલાના સિદ્ધાન્તનો સીધો સાદો અર્થ ત્રાજવાનાં બે પલ્લાં સરખાં રહે તેમ સત્તાનાં પલ્લાં પણ સમતોલ રહે, કોઈ રાજ્ય વધારે પડતું સત્તાવાન ન બને અને બને તો તેનો સામનો કરવા અન્ય રાજ્યો ભેગાં થઈ સત્તાની સમતુલા કરવા પ્રયાસ કરે. સમતુલા રાજ્યોનું ધ્યેય છે પણ વ્યવહારમાં પ્રત્યેક રાજ્ય સત્તાનું પલ્લું પોતાની તરફ નમે તેમ ઇચ્છતું હોય છે. આથી સમતુલા કોઈ એક સ્થિતિ કરતાં વિશેષ સ્વરૂપે એક સતત ચાલતી પ્રક્રિયાનું સૂચન કરે છે. સત્તાની અટકળ કદી સંપૂર્ણ ચોકસાઈથી થઈ શકતી નથી. તેથી દરેક રાજ્ય તેનો અડસટ્ટો કાઢીને પોતાની બાજુને બળવાન બનાવવાની પેરવીમાં રહે છે.

સત્તાની સમતુલાના સિદ્ધાન્તને વિગતે તપાસીએ તો તેના વિવિધ અર્થ થતા હોય છે. પ્રથમ તો તેનો ઉદ્દેશ સમતુલા સ્થાપવાનો હોય છે; પરંતુ બધાં જ રાજ્ય એકીસાથે તેને અનુસરતાં સરવાળે સમતુલાને બદલે અ-સમતુલાની સ્થિતિનું નિર્માણ થાય છે. બીજું, સત્તા તેના સ્વભાવથી જ વિસ્તારવાદી હોય છે. કોઈ પણ રાજ્ય તેની સત્તામાં અનહદ વધારો કરતું જણાય ત્યારે અન્ય રાજ્યો તેનો સામનો કરવા ભેગાં થાય અને સમતુલાનો પ્રયાસ કરે; પણ છેવટના નિદાનમાં તેમને તે રાજ્ય સાથે યુદ્ધ કરવાની ફરજ પડે. આથી સત્તાની સમતુલા રાજકારણનું નિયમન કરવામાં નિષ્ફળ નીવડે છે. સત્તાની સમતુલા મૃગજળ સમાન રહે છે. સમતુલાની શોધ નિરર્થક બને છે અને રાજ્યો માટે યુદ્ધ સિવાય બીજો વિકલ્પ રહેતો નથી. ત્રીજું, સત્તાની સમતુલા જો સ્થિર રહેવા પામે તો તેનાથી એક જ પ્રકારની પરિસ્થિતિ – જૈસે થે – ચાલુ રહેવા પામે છે. જે રાજ્યો એક યા બીજા કારણે પરિવર્તન ઇચ્છતાં હોય તેમને તે સ્થિતિ અનુકૂળ આવતી નથી. પરિણામે વિસંવાદ ઊભો થવાની પૂરી શક્યતા રહે છે. સમતુલા સ્થિર રહેતી નથી અને રાજ્યોનું મન લડાઈ તરફ દોરાય છે. ચોથું, જે પરિસ્થિતિ દૂરના રાજ્યને કે નિરીક્ષકનો સમતુલાની જણાય તે તેમાં ભાગ લઈ રહેલાં રાજ્યોને ન જણાય. તેઓ તો સત્તાની સાઠમારીમાં પ્રવૃત્ત હોય અને પોતાની તરફનું પલ્લું વધારે વજનવાળું – સત્તાવાળું – થાય તેનો જ પ્રયત્ન કરતાં હોય. આથી પરિસ્થિતિના અર્થઘટનમાં તફાવત રહે અને સમતુલા છે કે નહિ તે વિશે જ મતભેદ ઊભો થતાં મોટાભાગનાં રાજ્યો પોતાની સત્તાની માવજત કરતાં થાય. સરવાળે સમતુલાનો હેતુ માર્યો જાય. પાંચમું, ઇંગ્લૅન્ડ જેવું રાજ્ય પોતાને આ પ્રક્રિયામાં વિશિષ્ટ ભાગ ભજવતું ગણે છે. સમતુલાના ત્રાજવાને સમતોલ રાખવા માટે કોઈકની જરૂર પડે છે અને ઇંગ્લૅન્ડે હંમેશાં એ ભાગ ભજવ્યો છે. યુરોપીય ખંડમાં જ્યારે પણ કોઈ રાજ્ય અતિશય સત્તાધીશ બન્યું છે (ઉદાહરણ તરીકે નેપોલિયનના સમયનું ફ્રાન્સ, હિટલરના સમયનું જર્મની) ત્યારે ઇંગ્લૅન્ડે તેનું વજન સામે પક્ષે નાખીને સમતુલાને બચાવવાનો પ્રયાસ કર્યો છે. ઇંગ્લૅન્ડ આ પ્રમાણે કરી શક્યું, કારણ કે 34 કિમી.ની ખાડીને કારણે તે જુદું રહી શકતું હતું. બીજું, તેની પાસે એટલી તાકાત – ખાસ કરીને દરિયાઈ શક્તિ – હતી કે તે જે બાજુએ વજન નાખે તે બાજુ સત્તાની સમતુલા નમતી. છેલ્લે, તે જરૂર પડ્યે જ આ નીતિનો અમલ કરતું હતું. આ ઉપરથી એમ કહી શકાય કે સત્તાની સમતુલામાં પહેલી શરત સત્તા હોવી (સારા પ્રમાણમાં હોવી) જરૂરી છે. શક્તિશાળી રાજ્ય આ પદ્ધતિ અમલમાં મૂકી શકે છે. નાનાં અને નબળાં રાજ્યો સમતુલામાં ફરક પાડી શકતાં નથી. તેઓ તો દેડકાંની પાંચશેરી જેવી સ્થિતિમાં હોય છે; પરંતુ આજે ઇંગ્લૅન્ડ આ નીતિ અનુસરી શકે તેમ નથી. તે એટલું શક્તિશાળી રહ્યું નથી, ભૌગોલિક અંતર ટૂંકાં થઈ ગયાં છે અને વૈશ્વિક રાજકારણનું ક્લેવર બદલાઈ રહ્યું છે.

આજના બદલાયેલા સંદર્ભમાં ઇંગ્લૅન્ડનું સ્થાન કોઈ લઈ શકે તેમ નથી. બીજા વિશ્વયુદ્ધ પછી દ્વિધ્રુવી રાજકારણ અસ્તિત્વમાં આવ્યું જેમાં સત્તાનું કેન્દ્ર યુરોપ નહિ, પણ અમેરિકા અને રશિયા બન્યાં. યુરોપનાં રાજ્યો પશ્ચિમ અને પૂર્વમાં વહેંચાઈ ગયાં અને બંને મહાસત્તાઓ સાથે ગઠબંધનમાં બંધાઈ ચૂક્યાં પરિણામે પ્રાદેશિક સમતુલાને બદલે વૈશ્વિક સમતુલાનું ચિત્ર સર્જાયું.

સત્તાની સમતુલાની નીતિને અનુસરવા જે રીતો અપનાવવી પડે છે તેમાંની સૌથી વધુ વ્યાપક નીતિ સમજૂતી કે કરાર કરવાની છે. સાર્વભૌમ રાજ્યો સ્વેચ્છાએ તેમ ક્યારેક પરિસ્થિતિજન્ય કારણોને લીધે અન્ય રાજ્યો સાથે મૈત્રીના સંબંધ બાંધે છે અને સમજૂતી સાધે છે. આવા કરાર બે પ્રકારના હોય છે : સંરક્ષણાત્મક કે આક્રમક. પ્રથમ પ્રકારનો મુખ્ય હેતુ રાજ્યનું રક્ષણ કરવાનો હોય છે, જ્યારે બીજામાં અન્ય રાજ્ય ઉપર હુમલાની પૂર્વતૈયારી હોય છે. રાજ્ય સમજૂતી સાધે છે તેમાં બે બાબતો આવશ્યક ગણાય છે : (1) સમજૂતી સાધનાર બંને રાજ્યો એકમેકને મદદ કરી શકે તેટલી સત્તા ધરાવતાં હોવાં જોઈએ (2) સમજૂતી કરનાર રાજ્યો સમાન હિત ધરાવનારાં હોવાં જોઈએ. પ્રત્યેક સમજૂતી ક્યાંક સત્તાનો સરવાળો તો ક્યાંક તેની બાદબાકી સર્જતી હોય છે. એક સમજૂતીની સામે બીજી સમજૂતી થતી હોય છે અને તેના દ્વારા સત્તાની નવી ભાત પડતી હોય છે. સમજૂતી આક્રમક હેતુ માટે થઈ હોય તો તેના પરિણામે યુદ્ધ થાય છે; પણ પ્રત્યેક સમજૂતી યુદ્ધનું કારણ બનતી નથી. વાસ્તવમાં રાજ્યો તેમની સમજૂતી સંરક્ષણ માટે છે એમ જ કહેતાં હોય છે અને તેનો ઉપયોગ પાછળથી આક્રમક હેતુ માટે થતો હોય છે.

સત્તાની સમતુલા માટેની બીજી રીત તે વળતર અંગેની છે. પ્રદેશોના ભાગલા કે વહેંચણી દ્વારા તેનો અમલ કરવામાં આવે છે. 18મી સદીમાં પોલૅન્ડના ત્રણ વખત ભાગલા પાડવામાં આવ્યા હતા. આજુબાજુના રાજવીઓએ તેમની વચ્ચે સત્તાની સમાનતા જાળવવા એક પછી એક પ્રદેશો સર કર્યા હતા. આવા ભાગલા સત્તાને જોરે નબળા રાજ્યના ભોગે થતા હોય છે. 1870થી 1914નાં વર્ષો દરમિયાન યુરોપના દેશોએ મોટાભાગના એશિયા-આફ્રિકાના દેશોને સામ્રાજ્યવાદી ભીંસમાં લીધા હતા અને તેમની વચ્ચે આ પ્રદેશોના ભાગલા પાડવામાં આવ્યા હતા. વિજયી અને સત્તાધીશ રાજ્યો વચ્ચેની સોદાબાજી વળતરના સિદ્ધાન્ત દ્વારા અમલી બને છે અને તેનાથી સત્તાની સમતુલા જાળવવાનો પ્રયાસ થાય છે.

શસ્ત્રીકરણ અને નિ:શસ્ત્રીકરણ – બંને રીતે પણ સત્તાની સમતુલા માટે પ્રયત્નો થયા છે. પોતાની શક્તિ અને સત્તા વધારવા માટે અને બીજા રાજ્ય કરતાં સબળ થવા માટે રાજ્યો શસ્ત્રીકરણનો માર્ગ અપનાવે છે. પરિણામે ઘણી વાર રાજ્યો વચ્ચે શસ્ત્રદોટ ચાલે છે. શસ્ત્રોની સરસાઈ મેળવવા વૈજ્ઞાનિક અને તકનીકી સહાય લેવાય છે. સત્તાની સમતુલા અંતિમ ધ્યેય હોય છે, પણ ઘણી વાર તેથી ઊલટું પરિણામ આવે છે. જેમ શસ્ત્રીકરણ તેમ નિ:શસ્ત્રીકરણનો પણ આશરો લેવામાં આવે છે. શસ્ત્રીકરણ સત્તામાં વધારો કરે છે તો નિ:શસ્ત્રીકરણ તેમાં ઘટાડો કરે છે અને અન્યોન્ય સમજૂતી થાય તો તેના દ્વારા સત્તાની સમતુલા જાળવી શકાય છે.

એ જ પ્રમાણે બળવાન રાજ્યો નબળાં રાજ્યોની સરહદો ઓળંગી તેમાં હસ્તક્ષેપ કરે છે, તેમાં પોતાને અનુકૂળ સરકારની રચના કરે છે અને પોતાની સત્તાનું વર્તુળ વિકસાવે છે. જેમ દરમિયાનગીરી, તેમ બિનદરમિયાનગીરી પણ એક નીતિ છે. સ્પેનના આંતરવિગ્રહના સમયે તેમાં હસ્તક્ષેપ ન કરવાની નીતિ દ્વારા જીતી રહેલા ફ્રાન્કોના પક્ષની તરફદારી થઈ હતી. હકારાત્મક તેમ નકારાત્મક નીતિ દ્વારા રાજ્યો પોતાની નેમ પાર પાડવા મથતાં હોય છે. તટસ્થ રહેવું એ પણ એક નીતિ છે. માત્ર તે કયા સંજોગોમાં અનુસરવામાં આવે છે તે નિર્ણાયક છે.

બે કે ત્રણ મોટી સત્તાઓની વચ્ચે આવેલું નાનું રાજ્ય બફર રાજ્ય બને છે. આવા રાજ્યની ઉપકારક ભૂમિકા એ છે કે તેના દ્વારા મહાસત્તાઓ વચ્ચેનો સંઘર્ષ ટાળી શકાય છે. અંતરિયાળ રાજ્ય ઢાલની ગરજ સારે છે. કોઈ વાર તે તટસ્થ તો કોઈ વાર મહાસત્તાના આધિપત્ય નીચે રહે છે. પરિણામે મહાસત્તાઓ વચ્ચે સમતુલા જળવાય છે. યુરોપીય રાજ્યોએ જ્યારે સામ્રાજ્યવાદ ફેલાવ્યો ત્યારે અગ્નિ એશિયામાં સિયામ કે થાઇલૅન્ડ, બ્રિટન અને ફ્રાન્સનાં સામ્રાજ્યોની વચ્ચે અંતરિયાળ રાજ્ય બની ગયું હતું. આવો બીજો જાણીતો દાખલો તે બ્રિટનના સામ્રાજ્ય (દા.ત., હિંદુસ્તાન) તથા રશિયાની વચ્ચે મધ્ય એશિયામાં આવેલા ત્રણ દેશો-ઈરાન, અફઘાનિસ્તાન તથા તિબેટ. ભૂ-રાજકીય ર્દષ્ટિએ પણ તે મહત્વનાં હતાં. 1945 પછીના અમેરિકા તથા રશિયા વચ્ચેના દ્વિધ્રુવી રાજકારણમાં ફિન્લૅન્ડની સ્થિતિ અંતરિયાળ રાજ્યની રહી હતી.

સત્તાની સમતુલા જાળવવા માટેની સૌથી જાણીતી નીતિ તે ભાગલા પાડવાની છે. કૌટિલ્યે પણ તેની ચાર પદ્ધતિઓમાં ભેદની નીતિ ગણાવી છે. રોમના સામ્રાજ્ય સમયે તે ખૂબ પ્રચલિત બની હતી. ફ્રાન્સ અને જર્મની વચ્ચે તેમજ સામ્રાજ્યવાદી બ્રિટને આ નીતિનો બહોળો ઉપયોગ કર્યો છે. આયર્લૅન્ડના ભાગલા તેમજ ભારતના ભાગલા તેના દાખલાઓ છે. 1942 પછી કોરિયા, વિયેટનામ તેમજ જર્મનીના ભાગલા પાડવામાં આવેલા. સામ્યવાદી રશિયા પશ્ચિમ યુરોપ વિભાજિત રહે તેવી નીતિ અનુસરતું આવ્યું છે.

સંયુક્ત સલામતી : સ્વાભાવિક કે અનિવાર્ય લેખાતી સત્તાની સમતુલાની નીતિ યુદ્ધ ટાળવામાં સફળ નીવડી નથી. તેમાં ખુલ્લી કે ગુપ્ત સમજૂતીઓ, પ્રદેશોની વહેંચણી, શસ્ત્રદોટ તથા રાજકીય કાવાદાવા વગેરેનો આશરો લેવાય છે. તેને બદલે રાજ્યો એકત્રિત થઈને શાન્તિ જાળવે તથા વખત આવ્યે યુદ્ધનો સામનો કરે તેવી નીતિ આવકારવામાં આવે છે. આવી નીતિને સહિયારી કે સામૂહિક સલામતી(collective security)ની નીતિ કહેવામાં આવે છે. દેખીતી રીતે આ નીતિ અસરકારક અને પ્રગતિશીલ જણાય છે; પરંતુ જ્યાં સુધી સમગ્ર આંતરરાષ્ટ્રીય રાજકારણ ઉપર દેખરેખ રાખી શકે એવું તંત્ર ઊભું થાય નહિ ત્યાં સુધી રાજ્યો કે થોડા મોટા પ્રદેશોના ધોરણે રચાયેલી સંયુક્ત સલામતી સરવાળે સત્તાની સમતુલાની નીતિ જ પુરવાર થાય છે. તેમ છતાં એક પ્રયોગ તરીકે તે જરૂર ગણનાપાત્ર રહી છે.

મુખ્યત્વે આવા ત્રણ પ્રયોગો થયા છે : (1) યુરોપીય મંડળ (Concert of Europe) (1815-1914), (2) રાષ્ટ્રસંઘ (1919-1939) અને (3) સંયુક્ત રાષ્ટ્રસંઘ (1945 પછી). 1815માં નેપોલિયનની હાર થતાં વિયેનાની પરિષદ(Congress of Viena)માં યુરોપનો નકશો પલટાયો અને શાન્તિની સ્થિતિ ટકાવી રાખવા માટે ચતુષ્કોણી સમજૂતી તથા પવિત્ર કરાર(Holy Alliance)ની રચના કરવામાં આવી. કહેવાય છે કે યુરોપના લડાઈઓથી ભરપૂર ઇતિહાસમાં આ સો વર્ષ દરમિયાન ઓછામાં ઓછી લડાઈઓ થઈ હતી અને તેનો યશ આ સમજૂતીઓને ફાળે જાય છે. યુરોપની મોટી સત્તાઓએ એકત્રિત થઈને રચેલું આ મંડળ પહેલા વિશ્વયુદ્ધ (1914) સુધી ચાલુ રહ્યું હતું. સત્તાની રાજરમત, પાકી મુત્સદ્દીગીરી તથા સત્તાની સમતુલાની પરંપરા અનુસરીને આ રાજ્યોએ શાન્તિનું નાવ તરતું રાખ્યું. બાલ્કન પ્રદેશોની તંગ પરિસ્થિતિમાં, ક્રીમિયાના વિગ્રહ (1856) સમયે તથા બર્લિન પરિષદ (1878) દ્વારા આ રાજ્યોએ પરિસ્થિતિ વકરે નહિ તેનું ધ્યાન રાખ્યું. રૂઢિચુસ્ત પણ સમાનશીલ રાજ્યો આ સમય પૂરતાં સફળ રહ્યાં. 1870 પછી શરૂ થયેલી સામ્રાજ્યવાદી સ્પર્ધાથી વાતાવરણ તંગ બનતું રહ્યું અને થોડા વખતમાં બે જૂથમાં વહેંચાઈ ગયું. આનું સીધું પરિણામ તે પહેલું વિશ્વયુદ્ધ (1914-1918).

પહેલા વિશ્વયુદ્ધ પછી શરૂ કરવામાં આવેલો રાષ્ટ્રસંઘ સંયુક્ત સલામતીનો નોંધપાત્ર પ્રયોગ હતો. સત્તાના વિભાજન અને સમતુલનને સ્થાને તેમાં આક્રમણની સામે સત્તાના એકીકરણનો તથા સહકારનો ખ્યાલ હતો. રાષ્ટ્રસંઘની પાછળ અમેરિકાના પ્રમુખ વિલ્સનના આદર્શવાદે મોટો ભાગ ભજવ્યો હતો. લોકો અને પ્રદેશોની પ્યાદાંની માફક હેરાફેરી કરવા સામે તેમજ સત્તાની સમતુલાની રમત પ્રત્યે તેમને તિરસ્કાર હતો. અપેક્ષા એવી હતી કે રાષ્ટ્રસંઘ સૌનો સાથ લઈને નવો ચીલો પાડશે અને શાન્તિના યુગની શરૂઆત કરશે. કમનસીબે  અમેરિકા શરૂઆતથી જ તેનાથી દૂર રહ્યું અને સામ્યવાદી સોવિયેત સંઘને બાકાત રાખવામાં આવ્યું. રાષ્ટ્રસંઘની કારોબારી એટલે કે કાઉન્સિલમાં બધા જ સભ્ય દેશોની સંપૂર્ણ સંમતિ આવશ્યક ગણાઈ હતી, આથી જ્યારે જ્યારે લડાઈ થવાનો પ્રસંગ આવ્યો ત્યારે રાષ્ટ્રસંઘ કોઈ પગલું લઈ શક્યું નહિ. ઉત્તરોત્તર પરિસ્થિતિ બગડતી રહી. 1929ની આર્થિક મંદી, જાપાનનું ચીન ઉપરનું આક્રમણ (1931), હિટલરનું આગમન (1933) અને ઇટાલીનું એબિસિનિયા ઉપરનું આક્રમણ (1936) તેના સીમાસ્તંભ રહ્યા. આમ સંયુક્ત સલામતીનો મોટો પ્રયોગ નિષ્ફળ નીવડ્યો.

બીજા વિશ્વયુદ્ધ પછી અસ્તિત્વમાં આવેલા સંયુક્ત રાષ્ટ્ર સંઘ(United Nations Organisation)માં રાષ્ટ્રસંઘના ખતપત્રમાં રહી ગયેલી ખામીઓ દૂર કરવામાં આવી. અમેરિકા તથા રશિયા શરૂઆતથી જ તેનાં સભ્ય રહ્યાં. તેની કારોબારી એટલે કે, સલામતી સમિતિમાં બધાની સંમતિની જગ્યાએ પાંચ મહાસત્તાઓની સંમતિ આવશ્યક ગણવામાં આવી. સભ્ય રાજ્ય પોતે તેમજ અન્ય રાજ્યોની સહાયથી સ્વરક્ષણ કરી શકે તેનો વિચાર કરવામાં આવ્યો. સાથોસાથ પ્રાદેશિક સમજૂતીઓને પણ સ્થાન આપવામાં આવ્યું.

પરંતુ આંતરરાષ્ટ્રીય રાજકારણની વાસ્તવિકતાઓની સંપૂર્ણ અવગણના કરવાનું શક્ય નહોતું. સંયુક્ત રાષ્ટ્રસંઘના ખતપત્રમાં રાજ્યોની સાર્વભૌમ સમાનતા(sovereign equality)નો સ્વીકાર કરવામાં આવ્યો. મહાસત્તાઓના તેમજ અન્ય દેશોની નીતિમાં સત્તાની સમતુલાના ખ્યાલ ચાલુ રહ્યા. પોતાનાં સંરક્ષણ અને સલામતી માટે સંયુક્ત રાષ્ટ્રસંઘ ઉપર આધાર રાખવો જોખમી બન્યો. મહાસત્તાઓ ઉપર નિયમન રાખવામાં સંયુક્ત રાષ્ટ્રસંઘને સફળતા મળી નહિ. બંને વચ્ચેના ઠંડા યુદ્ધે તંગદિલીનું વાતાવરણ ઊભું કર્યું. પહેલાંના રાષ્ટ્રસંઘની સરખામણીમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ વધારે વ્યાપક પ્રતિનિધિત્વ સાથે વધુ અસરકારક પણ છે. પરંતુ તેની સફળતાની આડે ઘણી મર્યાદાઓ પણ છે.

સત્તાની સમતુલા અને સંયુક્ત સલામતી એકમેકની વિરુદ્ધ જણાય છે. એકમાં સત્તાનો તખતો પ્રવાહી અને બદલાતો રહે છે તો બીજામાં તેનો સરવાળો અને એકીકરણ થતાં જણાય છે; પરંતુ તત્વત: બંને એકમેકનાં પૂરક પણ છે, સંયુક્ત સલામતીમાં પણ સમતુલાની નીતિ અર્દશ્ય થતી નથી, માત્ર તેનું ફલક વિશાળ બને છે.

અસંતોષકારક, બિનઅસરકારક અને ઘણી ર્દષ્ટિએ વાંધાજનક હોવા છતાં સત્તાની સમતુલાની નીતિ આજે પણ ટકી રહી છે. આમ થવાનું મુખ્ય કારણ એ છે કે આજદિન સુધી તેનો વિકલ્પ જડ્યો નથી. આંતરરાષ્ટ્રીય રાજકારણની સમગ્ર પરિસ્થિતિનું તે નિષ્પન્ન છે, તેનું ફરજંદ છે, તેનો પરિપાક છે. યુદ્ધનિવારણ અને સલામતીની સતત શોધમાં રહેતું રાજ્ય સમજૂતીઓ અને કરારના તાણાવાણા ગૂંથ્યાં કરે છે. આવો પ્રત્યેક દાવ તત્પૂરતા સમય માટે સ્વીકાર્ય બને છે; પરંતુ રાજ્યનું લાંબા ગાળાનું હિત અને તેની શાન્તિની ખોજ અધૂરાં જ રહે છે.

વળી સત્તાની સમતુલાની નીતિની સફળતા માટે કેટલીક પૂર્વશરતો છે, જે મળવી હંમેશાં સુલભ નથી. જે રાજ્યો આ પ્રકારની નીતિ અનુસરે છે તેમની વચ્ચે થોડુંક સામ્ય હોવું જરૂરી છે. તેમની કાર્યશૈલી પાછળ પરંપરાનું બળ હોય તો જ તેમની વચ્ચે સમજૂતીઓ થઈ શકે. 17મી અને 18મી સદી દરમિયાન આ નીતિ યુરોપ પૂરતી મર્યાદિત રહી અને તેના સંચાલનમાં સફળતા મળી; પરંતુ આવી પરિસ્થિતિ હંમેશાં જોવા મળતી નથી. આજનું આંતરરાષ્ટ્રીય રાજકારણ વૈશ્વિક સ્વરૂપનું બન્યું છે. તેમાં એશિયા-આફ્રિકાનાં નવોદિત રાજ્યો સામેલ થયાં છે, જે સત્તાના રાજકારણથી દૂર રહેવાનું પસંદ કરે છે.

1945 પછીનું રાજકારણ અમેરિકા અને રશિયા – બે ધ્રુવો વચ્ચે સ્થિર થયું. યુરોપની અગત્ય ઘટી અને બંને મહાસત્તાઓની છત્રછાયા નીચે બે લશ્કરી છાવણીઓ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. આ પ્રકારના રાજકારણમાં સમતુલાની નીતિ અનુસરવાનું ખૂબ મુશ્કેલ બન્યું. બીજું, અપરિમિત વિનાશ કે સંહાર કરી શકે તેવાં અણુશસ્ત્રોના આગમનથી દ્વિધ્રુવી રાજકારણ વધુ તંગ અને લડાયક બન્યું. ત્રીજું, આ બંને મહાસત્તાઓ એકમેકથી તદ્દન વિરોધી વિચારસરણીની પુરસ્કર્તા હોવાને કારણે તેમાં સમજૂતી માટે કોઈ અવકાશ રહ્યો નહિ. છેલ્લે, તેમના સિવાયનાં રાજ્યો લશ્કરી સત્તા અને તાકાતની ર્દષ્ટિએ એટલાં વામણાં અને નિર્બળ બની ગયાં કે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં તેમની ભાગીદારીની શક્યતા નહિવત્ બની. (અલબત્ત, બિનજોડાણની નીતિ આ પરિસ્થિતિને પહોંચી વળવા માટેનો નવો આવિષ્કાર ગણાય.)

સમતુલાની નીતિ માટે એક અપેક્ષા એ રહે છે કે તેમાં ત્રાજવાની દાંડીને પકડી રાખનાર-સમતુલન કરનાર-ની જરૂર પડે છે. રાજકારણ યુરોપ પૂરતું મર્યાદિત હતું ત્યારે ઇંગ્લૅન્ડે આ ભૂમિકા ભજવી હતી. 1945 પછીની દુનિયામાં થોડા સમય માટે યુરોપના કેટલાક દેશોએ અમેરિકા અને રશિયાની વચ્ચે સમતુલન કરવા માટે વિચાર કર્યો હતો, પણ તેમાં તેમને સફળતા મળી ન હતી. બે અતિશય બળવાન રાજ્યો વચ્ચે ત્રીજું બળ થવું સરળ નથી. વળી ખુદ ઇંગ્લૅન્ડે પણ 20મી સદીની શરૂઆતમાં પોતાની અલગ રહેવાની નીતિને તિલાંજલિ આપી હતી અને જાપાન (1902), ફ્રાન્સ (1904) અને રશિયા(1907)ની સાથે કરાર કર્યા હતા.

સત્તાની સમતુલાની ચડતીપડતીના ઇતિહાસ ઉપર નજર નાખીએ તો સ્પષ્ટ થાય છે કે જ્યારે જ્યારે સમતુલાની નીતિમાં ચાર પાંચ કે તેથી વધુ સંખ્યામાં રાજ્યો ભાગ લઈ રહ્યાં હોય છે ત્યારે ત્યારે તેમની વચ્ચે યુદ્ધ થવાની શક્યતા ઓછી હોય છે. તેથી ઊલટું, જ્યારે બે જૂથની આમને સામને સમતુલાની સ્થિતિ ઉદભવે છે ત્યારે તે બે જૂથની વચ્ચે યુદ્ધ થવાની શક્યતાઓ વધી જાય છે. પહેલા વિશ્વયુદ્ધ પહેલાં બંને બાજુ ત્રણ ત્રણ રાજ્યો કરારથી બંધાઈ ગયાં હતાં – ત્રિપક્ષી મૈત્રી (Triple Entente) અને ત્રિપક્ષી જોડાણ (Triple Alliance) – અને તેમની વચ્ચે થોડા સમયમાં જ યુદ્ધ ફાટી નીકળ્યું હતું.

1945 પછી અમેરિકા અને રશિયા અને તેમની તળેનાં મિત્રરાજ્યો વચ્ચે સમતુલા ઊભી થઈ હતી પણ તે ‘ભયની સમતુલા’ હતી જેને લીધે ઠંડા યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ. આ ઠંડું યુદ્ધ ક્યારે ખરેખર યુદ્ધમાં પરિણમે તેની કોઈને ખાતરી ન હતી. ભય, તંગદિલી અને અનિશ્ચિતતાનું આ વાતાવરણ સૌને માટે ચિંતાનો વિષય રહ્યું.

આંતરરાષ્ટ્રીય રાજકારણમાં એક સમયે સૌથી મોખરે રહેનાર સત્તાની સમતુલાની નીતિએ ઘણી વાર યુદ્ધને ટાળવામાં મદદ કરી છે તેમાં શંકા નથી. આંતરરાષ્ટ્રીય રાજકારણના કલેવરમાં જડાયેલી અને તેમાંથી જ ઉદભવતી આ નીતિ રાજ્યો માટે અખત્યાર કરવી સરળ હતી, પણ તેનાથી કાવાદાવા, છળકપટ, ધાકધમકી અને સત્તાનો દોર ચાલુ રહ્યો. રાજ્યો વચ્ચેના પ્રશ્નોનો ન તો ઉકેલ મળ્યો કે ન તો શાન્તિ મળી.

આંતરરાષ્ટ્રીય રાજકારણ સત્તાની આસપાસ ઘૂમતું રહ્યું અને સત્તાનો આધાર મુખ્યત્વે લશ્કરી તાકાત ઉપર રહેવાથી શસ્ત્રસ્પર્ધા નિત્યનો ક્રમ બની ગઈ. રાજ્યો વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ કાયમ રહી. પ્રત્યેક યુદ્ધના પરિણામે રાજ્યોની સરહદો બદલાતી રહી. તે સાથે દરેક યુદ્ધના પેટાળમાં બીજું યુદ્ધ જન્મતું રહ્યું. યુરોપના ઇતિહાસમાં ભાગ્યે જ એવો દસકો ગયો હશે જ્યારે ક્યાંય પણ યુદ્ધ ન થયું હોય ! વર્ષો અને સદીઓ સુધી સમતુલાની નીતિ આંતરરાષ્ટ્રીય રાજકારણનો સ્વાભાવિક ક્રમ બની ગઈ. બીજા શબ્દોમાં કહીએ તો સત્તાની સમતુલા સત્તાના રાજકારણનો જ પર્યાય હતી. અર્થશાસ્ત્રની માફક રાજકારણની સમતુલા પણ એક કાલ્પનિક વિભાવના જ રહેવા પામી અને રાજકીય વ્યવહારમાં ભાગ્યે જ ચરિતાર્થ થઈ શકી.

શાન્તિમય ઉકેલ : બળ, સત્તા અને છેવટે યુદ્ધ સફળ ન થાય ત્યારે તેનો એકમાત્ર વિકલ્પ શાન્તિમય સાધનોનો, એટલે કે, અહિંસક અભિગમનો રહે છે. જેમ યુદ્ધ પ્રાચીન સમયથી માનવજાતના ઇતિહાસમાં જડાયેલું છે તે જ પ્રમાણે શાન્તિ અને તેની સતત ખોજ પણ માનવજીવનનો એક ભાગ બની રહી છે. સમ્રાટ અશોકનો કલિંગની લડાઈ પછીનો ઉદ્વેગ, શસ્ત્રત્યાગ અને અહિંસાનો સ્વીકાર ભારતના પ્રાચીન ઇતિહાસનો અમૂલ્ય વારસો ગણાયો છે. તેની પાછળ પણ યુદ્ધ પ્રત્યેની નફરત અને શાન્તિની ઝંખના જણાય છે. વીસમી સદીમાં બે વિશ્વયુદ્ધો ઉપરાંત કોરિયા, વિયેટનામ અને ઈરાન-ઇરાક એવાં ઘણાં યુદ્ધોની હારમાળા ચાલુ રહેવા પામી છે; પરંતુ બીજી તરફ શાન્તિ માટેનો આગ્રહ અને તેને માટે સતત ચાલુ રહેલા પ્રયાસો પણ એટલા જ યશસ્વી રહ્યા છે. આજે માનવીનું અસ્તિત્વ મિટાવી દે તેવાં ભયંકર અણુશસ્ત્રોના યુગમાં શાન્તિ માટેનો સતત પ્રયાસ અને શાન્તિમય સાધનોનો ઉપયોગ સૌ દેશો માટે યુગધર્મ બન્યો છે.

1899 અને 1907માં ઝઘડાઓના શાન્તિમય ઉકેલ માટે હેગમાં બે પરિષદો મળી હતી; ત્યારબાદ રાષ્ટ્રસંઘ અસ્તિત્વમાં આવ્યો હતો (1919). 1924માં આ જ વિષય માટે જિનીવામાં કરારો કરવામાં આવ્યા હતા. 1928માં પૅરિસ મુકામે યુદ્ધને જાકારો આપવાના કરાર કરવામાં આવેલા. બીજા વિશ્વયુદ્ધ પછી 1945માં સંયુક્ત રાષ્ટ્રસંઘનું ખતપત્ર ઘડી કાઢવામાં આવ્યું હતું. ઉપરાંત દુનિયાના લગભગ બધા જ પ્રદેશોને આવરી લેતાં પ્રાદેશિક મંડળો પણ શરૂ થયેલાં, જે આજે પણ ક્રિયાશીલ રહ્યાં છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘના ખતપત્રમાં પણ શાન્તિમય ઉકેલની પદ્ધતિઓને અગ્રતા આપવામાં આવી છે. જ્યારે પણ રાજ્યો વચ્ચે પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તેમની પહેલી પસંદગી શાન્તિમય પદ્ધતિઓને જ આપવાની છે અને તેમાં સફળતા ન મળે તો જ બીજાં સાધનોનો વિચાર કરવાનો છે, એમ તેમાં સ્પષ્ટ કરેલું છે.

શાન્તિમય સાધનોના મુખ્યત્વે બે વિભાગ પડે છે : (1) જેમાં સમાધાનકારી અભિગમ અપનાવાય છે અને રાજ્યને ફરજ પાડી શકાતી નથી. (2) જેમાં બંને પક્ષોને – રાજ્યોને ફરજ પાડી શકાય છે. ટૂંકમાં, આ પદ્ધતિનો સ્વીકાર કરતાં તે બંધનકર્તા બને છે. પ્રથમ વિભાગમાં મંત્રણા કે વાટાઘાટો (negotiations), સત્પ્રયાસ (good offices) અને મધ્યસ્થી (mediation), જાંચ-તપાસ (enquiry) તથા સુલેહસમજૂતી અગર સમાધાનની કાર્યવહી(conciliation)ની ગણના થાય છે. બીજા વિભાગમાં લવાદ (arbitration) તથા અદાલતી પતાવટ(judicial settlement)નો સમાવેશ થાય છે.

મંત્રણા : રાજ્યો વચ્ચેના સવાલો હલ કરવા માટેનું સર્વસામાન્ય સાધન તો મુત્સદ્દીઓ દ્વારા થતી વાતચીત કે મંત્રણાઓ છે. મુત્સદ્દીઓ ઉપરાંત રાજ્યના વિદેશમંત્રીઓ તથા સરકારના તેમજ રાજ્યના વડાઓ વચ્ચે પણ વાતચીત ચલાવી શકાય છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થા મંત્રણાઓ માટેનું આદર્શ સ્થળ ગણાય છે. ઉપરાંત બીજાં પ્રાદેશિક મંડળોમાં કે આંતરરાષ્ટ્રીય ધોરણે મળતી પરિષદોમાં પણ મંત્રણાનો દોર ચાલતો હોય છે. આમ છતાં રાજ્યો વચ્ચેના બધા જ પ્રશ્નો માટે મંત્રણાનું સાધન પૂરતું નથી.

સત્પ્રયાસ અને મધ્યસ્થી : ઘણી વાર જે બે રાજ્યો પરસ્પર સમજૂતીથી ન કરી શકે તે તેમની પ્રત્યે સદભાવ રાખતું ત્રીજું રાજ્ય કરી શકે. આવો શુભ હેતુથી કરાતો પ્રયાસ જો સફળ થાય તો તે રાજ્ય બીજાં બે રાજ્યોની વચ્ચે મધ્યસ્થીનું કાર્ય કરી શકે. સત્પ્રયાસમાં ત્રીજું રાજ્ય બંને રાજ્યો વચ્ચેના સંદેશાવ્યવહારનું સાધન બને છે, બંને વચ્ચે સેતુની ગરજ સારે છે તો મધ્યસ્થી બનતાં તે ચોક્કસ સૂચનો કે શરતો રજૂ કરી શકે છે અને તે દ્વારા સમજૂતીની ભૂમિકા ઊભી કરી શકે છે. 1965માં ભારત-પાકિસ્તાનની લડાઈ થઈ ત્યારબાદ રશિયાએ તાશ્કંદ મુકામે બંને દેશોના વડાઓને બોલાવીને સમાધાન કરાવ્યું હતું. તે જ પ્રમાણે ઇઝરાયલ અને ઇજિપ્ત વચ્ચેના વિગ્રહ પછી અમેરિકાએ આ પ્રકારની ભૂમિકા ભજવી હતી. ઘણી વાર તટસ્થ રહેતા દેશો આ પ્રકારના કાર્ય માટે આવકાર્ય બનતા હોય છે. આવું રાજ્ય બંને પક્ષો તરફ સમાન સદભાવથી પ્રેરાય છે અને બંને પક્ષોને સ્વીકાર્ય હોય તો જ આ પ્રકારની ભૂમિકા સફળતાપૂર્વક ભજવી શકે છે.

જાંચતપાસ : રાજ્યો વચ્ચેના વિવાદમાં ખરેખર શું કારણ છે તેની તપાસ સમાધાનની પૂર્વશરત છે. 1899 અને 1907ની હેગ ખાતે મળેલી પરિષદોએ જાંચતપાસ માટે કમિશન નીમવાનું સૂચન કર્યું હતું. 1919 પછી જન્મેલા રાષ્ટ્રસંઘ દ્વારા પણ આ પદ્ધતિને અનુમોદન મળ્યું હતું. જાંચતપાસની પદ્ધતિમાં પ્રશ્નની બધી વિગતો તપાસાય છે અને પ્રશ્નની બધી બાજુઓ ખુલ્લી થતાં સમાધાનનો માર્ગ મોકળો થાય છે.

સમાધાન : જાંચતપાસ પૂરી થતાં વિચારોની આપલે નિર્ણાયક સ્વરૂપે લે છે અને સમાધાનની ભૂમિકા સર્જાય છે. પહેલેથી રચાયેલું અગર પાછળથી અસ્તિત્વમાં આવેલું સમાધાન-કમિશન તેનાં સૂચનો રાજ્યો સમક્ષ મૂકે છે એટલે સમજૂતી શક્ય બને છે. સમાધાન સાધવામાં રચનાત્મક અભિગમ લેવાય છે અને બાંધછોડનો માર્ગ અપનાવાય છે.

લવાદ અને અદાલતી પતાવટ : આ બંને પદ્ધતિઓ સ્વીકારતાં પહેલાં રાજ્યને વિચાર કરવો પડે છે; કારણ કે એક વાર તેનો સ્વીકાર થતાં તેના પરિણામ રૂપે જે નિર્ણય લેવાય તે તેને માટે બંધનકર્તા બને છે. રાજ્યો વચ્ચેના વિવાદોને ઘણી વાર બે વિભાગમાં વહેંચવામાં આવે છે : (1) કાનૂની અને (2) રાજકીય. પ્રથમ વિભાગમાં રાજ્યો વચ્ચેની સમજૂતીઓ કે કરારોના અર્થઘટનના પ્રશ્નો હોય છે. બીજા વિભાગમાં રાજ્ય રાજ્ય વચ્ચેના વધારે ગંભીર રાજકીય પ્રશ્નો હોય છે. આ તફાવત પાડવાનું મુખ્ય કારણ એ છે કે, કાનૂની પ્રશ્નો જેટલી સહેલાઈથી લવાદને સોંપી શકાય છે તેટલા રાજકીય પ્રશ્નો સોંપાતા નથી. રાજકીય પ્રશ્નો ઘણી વાર સરહદના અને રાજ્યની પ્રાદેશિક અખંડિતતાને સ્પર્શતા હોવાથી કોઈ પણ રાજ્ય તેમને લવાદને સોંપવામાં જોખમ ગણે છે, જેનો તેઓ અસ્વીકાર કરી શકે છે. લવાદના નિર્ણયો બંને રાજ્યો માટે બંધનકર્તા હોય છે.

લવાદની પદ્ધતિમાં બંને રાજ્યો તરફથી એક એક તથા ત્રીજી એક નિષ્પક્ષ વ્યક્તિના – એમ ત્રણ વ્યક્તિઓના પંચની નિમણૂક થાય છે અને તેઓ બહુમતી નિર્ણય કરે તે રાજ્યને સ્વીકારવાના રહે છે. કચ્છની સરહદના પ્રશ્ન ઉપર ભારત-પાકિસ્તાને લવાદી સ્વીકારી હતી અને તેના નિર્ણય પ્રમાણે પ્રદેશોની હેરફેર કરવામાં આવી હતી.

અદાલતી પતાવટમાં રાજ્યો વચ્ચેના પ્રશ્નને આંતરરાષ્ટ્રીય અદાલત સમક્ષ લઈ જવામાં આવે છે. કેટલીક વાર અમુક પ્રશ્ન માટે ખાસ અદાલતની નિમણૂક કરવામાં આવે છે.

આ ઉપરાંત પ્રાદેશિક મંડળો દ્વારા પણ રાજ્યો તેમના પ્રશ્નોના શાન્તિમય ઉકેલ શોધતા હોય છે. આ અંગે સંયુક્ત રાષ્ટ્રસંઘના ખતપત્રમાં પણ વિગતવાર ઉલ્લેખ કરાયો છે (કલમ 51). ઉત્તર તથા દક્ષિણ અમેરિકાનાં રાજ્યોના પ્રાદેશિક મંડળના ખતપત્રમાં ચોથા પ્રકરણમાં શાન્તિમય ઉકેલનો નિર્દેશ કરવામાં આવ્યો છે. તે જ પ્રમાણે સંયુક્ત રાષ્ટ્રસંઘના ખતપત્રના છઠ્ઠા પ્રકરણમાં આ બધી જ પદ્ધતિઓની અગત્ય અને અગ્રિમતાનો ખ્યાલ આપવામાં આવ્યો છે, એટલું જ નહિ, પણ રાજ્યો આ પદ્ધતિઓને જ પહેલી પસંદગી આપે તેવું કહેવામાં આવ્યું છે.

શાન્તિમય ઉકેલની આ બધી જ પદ્ધતિઓની આધારભૂમિકા આંતરરાષ્ટ્રીય કાનૂન છે. રાજ્યોના એકમેકના સંબંધો આ કાયદો અને તેના પાયાના સિદ્ધાંતો ઉપર રચાય છે. જેમ માનવજીવનમાં તેમ રાજકારણમાં પણ કોઈ આત્યંતિક વલણો ચાલી શકતાં નથી. એક તરફ માત્ર સત્તા અને બીજી તરફ એકલો કાયદો એ રીતે આંતરરાષ્ટ્રીય રાજકારણનું સંચાલન થતું નથી. રાજ્યો વચ્ચેના સર્વસાધારણ વ્યવહારમાં, શાન્તિના વાતાવરણમાં રાજ્યો એકમેકની સાથે સુલેહસંપથી વર્તતાં હોય છે, અન્યોન્યને મદદ કરતાં હોય છે અને એકમેકના ટેકે આગળ વધતાં હોય છે. તેમની વચ્ચેનો વિકસતો વ્યવહાર અને વધતા જતા સંબંધો આંતરરાષ્ટ્રીય કાયદાના આધાર ઉપર ચાલતા હોય છે.

સાંપ્રત પ્રવાહો : ઇતિહાસની એક મોટી ઘટના અનેક નાનીમોટી ઘટનાઓની હારમાળા સર્જે છે. 1939-45નું વિશ્વયુદ્ધ આવી એક મોટી ઘટના હતી, જેના કારણે કેટલીક નોંધપાત્ર ઘટનાઓ બનવા પામી. ઇતિહાસનો એક યુગ આથમ્યો અને નવા યુગનાં મંડાણ થયાં. નવા યુગની શરૂઆત(1945)માં જ ત્રણ શકવર્તી ઘટનાઓ બની : (1) અણુશસ્ત્રોનો ઉદભવ, (2) કમ્પ્યૂટરની શરૂઆત અને (3) સંયુક્ત રાષ્ટ્રસંઘ(UNO)નો જન્મ. માનવજાતિના વર્તમાન જીવન ઉપર આ ત્રણેયની પ્રગાઢ અસરો પડી છે. માનવીના ભાવિ સાથે પણ તે ઘનિષ્ઠ રીતે સંકળાયેલી છે. અણુશસ્ત્રોના કારણે યુદ્ધનું સ્વરૂપ બદલાઈ ગયું અને તેનો પ્રભાવ રાજકારણના સંચાલન ઉપર પડ્યો. યુદ્ધની ભયાનકતા વધતાં શાન્તિની આવશ્યકતા અને આગ્રહને પુષ્ટિ મળી. કમ્પ્યૂટરના આગમનથી માનવજીવનના તેમજ વિજ્ઞાનના વિકાસની અભૂતપૂર્વ શક્યતાઓ ખુલ્લી થઈ. સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રવેશથી આંતરરાષ્ટ્રીય જીવનમાં એક નૂતન વ્યવસ્થાતંત્ર સુલભ થયું, જેના દ્વારા વૈશ્વિક પ્રશ્નો વિશેનો નવો અભિગમ શરૂ થયો. દુનિયાના સામાજિક, રાજકીય, આર્થિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક જીવન ઉપર આ સંસ્થા છવાઈ ગઈ. આજે તેના સિવાયનું જીવન કલ્પી શકાય તેમ નથી. આંતરરાષ્ટ્રીય રાજકારણના સંચાલનમાં તે ગુરુતમ સાધારણ અવયવ(highest common denominator)નું સ્થાન લઈ રહી છે.

બીજા વિશ્વયુદ્ધને કારણે બ્રિટન, ફ્રાન્સ, નેધરલૅન્ડ્ઝ (હોલૅન્ડ), જર્મની અને બીજા યુરોપીય દેશોના સામ્રાજ્યને મરણતોલ ફટકો પડ્યો. સામ્રાજ્યવાદનો અસ્ત અને એશિયા-આફ્રિકાનાં નવાં રાજ્યોનું ઉત્થાન 1945 પછીના રાજકારણને અનોખું પરિમાણ આપે છે. આ પ્રક્રિયા 20-25 વર્ષ ચાલી. 1945માં સંયુક્ત રાષ્ટ્રસંઘમાં માત્ર 51 સભ્ય-રાજ્યો હતાં. 2020માં તેમની સંખ્યા 193ની થઈ છે. આંતરરાષ્ટ્રીય રાજકારણ વૈશ્વિક ફલક ઉપર વિસ્તર્યું છે.

સામ્રાજ્યોની વિદાય સાથે યુરોપે તેનું કેન્દ્રવર્તી સ્થાન ગુમાવ્યું. યુરોપને સ્થાને બે નવી મહાસત્તાઓનો ઉદય થયો. સત્તાનાં નવાં નિર્ણાયક સ્થાનો વૉશિંગ્ટન અને મૉસ્કોમાં સ્થિર થયાં. રાજકારણે નવો આકાર લીધો. અમેરિકા અને રશિયા વચ્ચેના દ્વિધ્રુવી રાજકારણ તથા રાજકીય, આર્થિક અને વિચારસરણીના તફાવતને લીધે બંને વચ્ચે ઠંડું યુદ્ધ શરૂ થયું, જે સમગ્ર દુનિયામાં પ્રસર્યું. તેમની વચ્ચેના વિસંવાદને કારણે બંનેએ લશ્કરી કરારો કરી મોટા ભાગની દુનિયાને પોતાની તરફ વાળવાનો પ્રયાસ કર્યો. નાટો (North Atlantic Treaty Organization) (1955) તથા વૉર્સો કરાર (Warsaw Pact) આમને-સામને આવી ગયાં. બંને વચ્ચેની તંગદિલીના કારણે ‘નહિ યુદ્ધ, નહિ શાન્તિ’ની પરિસ્થિતિ સર્જાઈ.

ઠંડા યુદ્ધથી દૂર રહેવા ત્રીજા વિશ્વના દેશોમાં ભારતે બિનજોડાણની નીતિ સ્વીકારવામાં પહેલ કરી. આ એક અભૂતપૂર્વ, મૌલિક પ્રતિભાવ હતો. ત્રીજા વિશ્વનાં નવોદિત રાષ્ટ્રો નિર્બળ હતાં, પણ તે કારણે દીનતા કે પરાધીનતા અનુભવવા તૈયાર ન હતાં તથા પૂર્વપશ્ચિમ વચ્ચેના તણાવ અને યુદ્ધમાં ભાગીદાર બનવા માગતાં ન હતાં. શરૂઆતમાં આ નવી નીતિની અસર મર્યાદિત રહી અને તેને વિશે ગેરસમજ પણ ઊભી થઈ; પણ સમય જતાં તેનું મહત્વ તથા જરૂરિયાત સમજાતાં ગયાં. 1961ની બેલગ્રેડની બિનજોડાણની નીતિને ટેકો આપતી પરિષદમાં 25 દેશો હતા. 2020માં તેમની સંખ્યા 120ની થઈ છે. બિનજોડાણવાદી આંદોલન(Non-alinged Movement – NAM)ના સ્વરૂપમાં આ દેશોએ કાઠું કાઢ્યું છે. આ સંગઠન શસ્ત્રોને સ્થાને ઝઘડાઓની શાંતિમય પતાવટનો આગ્રહ સેવે છે. વર્તમાન આંતરરાષ્ટ્રીય રાજકારણમાં તે ન અવગણી શકાય તેવું પરિબળ બન્યું છે.

આ નવા દેશોની મૂળભૂત ઇચ્છા પોતાનો વિકાસ સાધવાની હતી. તેને માટે શાન્તિ જળવાય તે પૂર્વશરત હતી. તે સાથે પોતાના સાર્વભૌમત્વ અને સ્વાતંત્ર્યનું રક્ષણ કરવા પણ તેઓ એટલા જ આતુર હતા. આ માટે આંતરરાષ્ટ્રીય રાજકારણની નિર્ણયપ્રક્રિયામાં ભાગીદારી અને આંતરરાષ્ટ્રીય રાજકારણનું વધુ ન્યાયી ધોરણે નવ-સંસ્કરણ અને નૂતન આર્થિક વ્યવસ્થા (New International Economic Order – NIEO) થાય તે જરૂરી હતું. 1950 પછીનાં વર્ષો દરમિયાન ત્રીજી દુનિયાના દેશો આંતરરાષ્ટ્રીય રાજકારણનું લોકશાહીકરણ કરવા માટે તેમની માગણીઓ વિવિધ સ્વરૂપે અને કક્ષાએ કરતા રહ્યા છે. તેમાં તેમને સંયુક્ત રાષ્ટ્રસંઘની સહાય મળતી રહી છે. 1960થી વિકાસના દસકાઓ, 0.7 % જેટલી વિદેશી સહાય, અંકટાડ(United Nations Conference on Trade and Development)ની સ્થાપના વગેરે મુખ્ય છે; પરંતુ આ પરિવર્તન માટે તેમને વિકસિત દેશો તરફથી જોઈએ તેટલો ટેકો સાંપડ્યો નથી.

સાંપ્રત આંતરરાષ્ટ્રીય જીવનને ઘડનારાં પરિબળોમાં વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીનો ફાળો મહત્વનો રહ્યો છે. ઝડપી અને વ્યાપક પરિવર્તન શક્ય બન્યું છે, દેશ દેશ વચ્ચેનાં અંતર ઘટ્યાં છે અને તેમની વચ્ચેના સંપર્ક અને વ્યવહાર વધારે ઘનિષ્ઠ બન્યા છે. લોકજાગૃતિ અને શિક્ષણનો પ્રસાર પણ વધ્યાં છે. ઉપરાંત વિજ્ઞાનની શોધખોળો અને તેના પ્રસાર વચ્ચેનો સમયગાળો ઉત્તરોત્તર ઘટતો જાય છે. આથી રાજ્યો વચ્ચે પરસ્પરાવલંબનની માત્રા વધી છે. અને તેમની વચ્ચેની આંતરપ્રક્રિયા અને સંબંધોમાં ખૂબ વધારો થયો છે. પરિણામે આંતરરાષ્ટ્રીય રાજકારણ એકીસાથે ગતિશીલ, જટિલ અને સંકુલ બન્યું છે. સંકુલતાના વધારા સાથે તેનો વ્યાપ વધતો જાય છે. આથી રાજકારણની કાર્યસૂચિ વિસ્તરતી જાય છે. જે પ્રશ્નો ગઈ કાલે બિનજરૂરી કે મામૂલી લાગતા હતા તે સફાળા આગળ આવીને રાજકીય કક્ષાએ ઉકેલ માગી રહ્યા છે.

અહીં એકમેકના વિરોધી જણાતા પણ એકમેકની સાથે એકીવખતે વહેતા પ્રવાહો જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય રાજકારણ દેશ દેશની વચ્ચેની વિદેશનીતિ પૂરતું મર્યાદિત રહ્યું નથી. રાજ્યની આંતરિક અને બાહ્ય નીતિ એકમેકની સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલી જોવા મળે છે અને એકની અસર બીજાની ઉપર પડતી દેખાય છે. આંતરિક અને બાહ્ય નીતિ વચ્ચેની આંતરપ્રક્રિયા રોજના અનુભવની વાત બની ગઈ છે. પેટ્રોલ અને તેલના ભાવવધારાની અસર લગભગ બધા જ દેશોએ અનુભવી છે. આંતરિક ક્ષેત્રમાં થયેલી રાજકીય ઊથલપાથલ આંતરરાષ્ટ્રીય સ્થિરતા ઉપર અસર કરતી હોય છે. તે જ પ્રમાણે આજની વિદેશનીતિના નિર્ણયો આવતી કાલની આંતરિક નીતિને ઘાટ આપે છે.

આથી પણ વિશેષ અગત્યની વાત એ છે કે 1970 પછીના આંતરરાષ્ટ્રીય રાજકારણના પ્રશ્નો માત્ર રાષ્ટ્રીય ન રહેતાં વૈશ્વિક પરિમાણ ધરાવતા થયા છે. 1972માં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા સ્ટૉકહોમમાં યોજવામાં આવેલી પર્યાવરણ અંગેની પહેલી આંતરરાષ્ટ્રીય પરિષદ આ પ્રક્રિયાની દ્યોતક છે. આબોહવા, અંતરીક્ષ, દરિયાઈ સાધનસંપત્તિ, આતંકવાદ, ઍસિડનો વરસાદ, વિવિધ પ્રકારનાં પ્રદૂષણ, ઓઝોનનો ઘટાડો વગેરે પ્રશ્નો સમગ્ર માનવજાતિને સ્પર્શે છે. વસ્તીવિસ્ફોટ, અન્ન, ઊર્જા અને ખુદ વિકાસના પ્રશ્નો આંતરરાષ્ટ્રીય ધોરણ ધરાવતા થઈ ગયા છે. આથી તેમને હલ કરવા માટે કોઈ એક દેશનું સામર્થ્ય પૂરતું નથી. વળી આ પ્રશ્નો પરસ્પર એટલા ઘનિષ્ઠ રીતે ગૂંથાયેલા છે કે તેમાંના કોઈ એકને હલ કરવા જતાં અન્યનો પણ વિચાર કરવો પડે છે. આમ આ પ્રશ્નોના સંદર્ભમાં રાષ્ટ્રીય સરકારો તેમના પ્રાદેશિક સીમાડાઓ ઓળંગી ‘કંઈક’ કરવા કટિબદ્ધ જણાય છે. આ કારણથી જ સંયુક્ત રાષ્ટ્રસંઘે 1972 પછી આ પ્રકારના વૈશ્વિક પ્રશ્નો વિશે ઘણી પરિષદો યોજી છે.

આ સંદર્ભમાં રાષ્ટ્રીય સલામતીના સ્વરૂપમાં ધરમૂળ પરિવર્તન આવ્યું છે. 1945 સુધી સલામતી પ્રાદેશિક ધોરણે જોવાતી હતી અને સરહદોના રક્ષણનો સવાલ લશ્કરી બળ ઉપર આધારિત રહેતો. દરેક રાજ્ય સ્વરક્ષણ માટે સ્વનિર્ભર રહેતું. 1945 પછીના રાજકારણમાં ઠંડા યુદ્ધને કારણે લશ્કરીકરણનો મહિમા વધ્યો અને તેની અતિશયતાની કોઈ સીમા રહી નહિ. લશ્કરો પાછળનું કુલ આંતરરાષ્ટ્રીય ખર્ચ દુનિયાની આવકના 6 % જેટલું થયું. જોકે ઠંડા યુદ્ધના અંત પછી હવે લશ્કર પાછળનું દુનિયાનું કુલ ખર્ચ દુનિયાની આવકના ત્રણ ટકાથી ઓછું થઈ જવા પામ્યું છે. 1990માં અમેરિકાએ તેની રાષ્ટ્રીય આવકના 5.3 ટકા લશ્કર પાછળ ખર્ચ્યા હતા, 1998માં તેણે 3.2 ટકા ખર્ચ્યા હતા. વિજ્ઞાન અને યંત્રવિદ્યા દ્વારા શસ્ત્રોની ભયાનકતામાં વધારો થતો રહ્યો અને સતત તણાવની સ્થિતિ ઊભી થઈ.

પરંતુ રાષ્ટ્રો વચ્ચેના સંબંધોમાં સમાયેલી સલામતી હવે કુદરત સાથેના સંબંધોમાં મોટે અંશે પલટાઈ ગઈ છે. કુદરતી સાધનસામગ્રીના અતિવપરાશના કારણે કુદરત રૂઠી છે અને કુદરતી સાધનોની અછત દેખાવા લાગી છે. જમીનનાં ધોવાણ તથા તેની ફળદ્રૂપતામાં ઘટાડો, જંગલોનો નાશ, ઊંડા જતા પાણીના સ્તર, પ્રાણીજગત તેમજ વનસ્પતિના વૈવિધ્યનો અંત, રણવિસ્તારનો ફેલાવો, મચ્છીની ઉપલબ્ધતામાં નોંધાયેલો ઘટાડો, બળતણની ઘેરી બનતી કટોકટી, વરસાદના અભાવના કારણે કેટલાક પ્રદેશોમાં ઊતરી આવેલા ભયાનક દુષ્કાળના ઓળા અને અન્નની ભયંકર અછત વગેરે માનવસંસ્કૃતિ સામે ઊભા થયેલા પડકારો છે. તેને પહોંચી વળવા માટે લશ્કરી અભિગમ નકામો બને છે. ઊર્જાની માંગને પહોંચી વળવા માટે વપરાતા સ્રોતો-તેલ, કોલસો વગેરે, સુકાવા લાગ્યા છે ત્યારે તે માટે વિકલ્પોની શોધ અનિવાર્ય બની છે.

આ નવી કટોકટીઓ લશ્કરી બળને અર્થહીન બનાવે છે. એટલું જ નહિ, પણ તેમનો સામનો કરવા માટે નવી પદ્ધતિઓ અને વિશિષ્ટ કામગીરી અપનાવવાનું જરૂરી બન્યું છે. સામ્રાજ્યવાદના અસ્ત પછી તથા સ્વાતંત્ર્યના પગરણની સાથે લોકજાગૃતિનો જુવાળ એટલો પ્રબળ બન્યો છે કે કોઈ પણ દેશમાં લશ્કરી હસ્તક્ષેપ કરવો તે મુનાસિબ રહ્યું નથી. દુનિયા સંક્રાન્તિકાળમાં પ્રવેશી છે, જેમાં યુદ્ધની અનાવશ્યકતા સ્પષ્ટ થતી જાય છે. રાજ્ય રાજ્ય વચ્ચેના સંબંધો શાન્તિ અને એખલાસભર્યા રહે અને ઊભા થયેલા નવા પ્રશ્નોનો સંયુક્ત રીતે સામનો કરવાની પદ્ધતિઓ વિકસાવે તે જરૂરી બન્યું છે. સલામતીની વ્યાખ્યા જ બદલાઈ રહી છે અને રાષ્ટ્રીય કક્ષાના પ્રયત્નોની જગ્યાએ વૈશ્વિક અભિગમ વધુ ફળદાયી બનતો જણાય છે.

નવા વિકસતા સંદર્ભને પૂરી સમજદારી અને જવાબદારીથી આગળ વધારવાનું ભગીરથ કાર્ય 1985થી રશિયામાં સત્તા ઉપર આવેલા મિખાઇલ ગોર્બાચોવ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. તેમના નીતિવિષયક નિર્ણયો ભલે રશિયાની આંતરિક પરિસ્થિતિમાંથી ઉદભવ્યા હોય તોપણ તેમાં એક નવા દર્શનની ઝાંખી થતી હતી, જે આવતી કાલના આંતરરાષ્ટ્રીય રાજકારણનું ચિત્ર રજૂ કરે છે. તેમની નવી નીતિના મૂળમાં બે પ્રવાહો વરતાય છે : (1) શાન્તિ અને તેના સૂચિતાર્થો – પૂર્વ-પશ્ચિમ વચ્ચે સમજૂતી, ઠંડા યુદ્ધને વિદાય, અણુશસ્ત્રોની નાબૂદી, યુદ્ધકીય અને તણાવના વાતાવરણને બદલે શાન્તિમય અને પરસ્પર વિશ્વાસના વાતાવરણનું સર્જન, યુદ્ધવિહીન, અહિંસક સમાજની રચના. (2) લોકશાહીકરણ – સ્ટાલિનવાદી સરમુખત્યારશાહીને વિદાય, લોકશાહી રાજકારણ, મુક્ત પ્રેસ, મુક્ત સમાજ, વ્યક્તિસ્વાતંત્ર્ય, બહુપક્ષપ્રથાનો સ્વીકાર, ખાનગી મિલકત વગેરે માનવહક, વિકેન્દ્રિત અર્થકારણ, બજાર પર આધારિત અર્થતંત્ર તરફ પ્રયાણ તથા સોવિયેત પ્રથાનું નવનિર્માણ.

આ અભિગમની પ્રેરણા તેમને આજના વૈશ્વિક પ્રશ્નો વિશેની ચિંતા અને ચિંતનમાંથી પ્રાપ્ત થઈ હતી. જ્યાં અણુયુદ્ધનો ખતરો માનવસંસ્કૃતિ અને માનવઅસ્તિત્વને જોખમમાં મૂકતો હોય ત્યાં માનવીને ટકાવી રાખવો તે પ્રધાન ફરજ બને છે. સામ્યવાદ કે મૂડીવાદમાં જીવતો માણસ જ્યારે અણુયુદ્ધની રાખ બની જાય ત્યારે તેમની વચ્ચે કશો ફરક રહેતો નથી. વળી જે યુદ્ધ કદી લડાવાનું નથી, તેની પાછળ નાણાં અને શ્રમનો વ્યર્થ ખર્ચ કરવો કોઈ રીતે યોગ્ય નથી. વિચારસરણી, પ્રાદેશિક વિસંવાદો અને યુદ્ધોને દૂર રાખી દુનિયાએ તેની સામે ઊભા થયેલા વૈશ્વિક પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને જૂની ઘરેડના વિચારોને દૂર કરવા જોઈએ, એવો અભિગમ જોર પકડતો જાય છે.

ગોર્બાચોવે બતાવેલા ઉપક્રમના કારણે આંતરરાષ્ટ્રીય રાજકારણ ઉપર વ્યાપક અને પ્રગાઢ અસર પડી છે અને શાન્તિનો સંદેશ પ્રસર્યો છે. 1985-1990ના પાંચ વર્ષના ગાળામાં જે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે તેનાથી દુનિયાના લગભગ બધા જ દેશોની વિદેશનીતિમાં નવાં મંડાણ થયાં છે. નવરચના (Perestroika) અને ખુલાવટ (Glasnost) ઘરગથ્થુ શબ્દો બની ગયા છે. નિ:શસ્ત્રીકરણ અને લશ્કરોના ઘટાડાની દિશામાં નિર્ણાયક પગલાં લેવાયાં છે. અફઘાનિસ્તાનમાંથી રશિયાનાં સૈન્યોની વિદાય સાથે ઠેર ઠેર લશ્કરી અભિગમ અને હસ્તક્ષેપ અપ્રિય બની ગયા છે. પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનું ઠંડું યુદ્ધ ગઈ કાલની સ્મૃતિમાત્ર બની ગયું છે. યાલ્ટા પરિષદ(ફ્રેબ્રુઆરી, 1945)માં મહાસત્તાઓએ નક્કી કરેલી પૂર્વપશ્ચિમની સરહદો, પ્રાદેશિક સમજૂતીઓ અને ભાગલાની નીતિ માલ્ટાની પરિષદ(ડિસેમ્બર, 1989)માં ફગાવી દેવામાં આવી છે.

આઠ વર્ષ (1980-88) ચાલેલું ઈરાન અને ઇરાક વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થયું. પાકિસ્તાનમાં લોકશાહીનાં પગરણ થયાં. ફિલિપાઇન્સમાં સર્વસત્તાધીશ માર્કોસના પતન પછી લોકોએ ચૂંટેલી સરકાર સત્તા ઉપર આવી. ભારતમાં રાષ્ટ્રીય મોરચાની નવી સરકારે પાડોશી દેશો-મુખ્યત્વે શ્રીલંકા અને નેપાળ સાથે સુમેળ સાધવાની શરૂઆત કરી. ભારતીય સૈન્યે તેની કામગીરી પૂરી કરીને શ્રીલંકાની લાગણીને માન આપીને ત્યાંથી વિદાય લીધી. નેપાળમાં બહુપક્ષીય પ્રથા શરૂ થઈ. રંગદ્વેષની રૂઢિચુસ્ત અને બિનલોકશાહીની વર્ષો સુધી ચાલતી આવેલી નીતિમાં છૂટછાટ મૂકવાની શરૂઆત, દક્ષિણ આફ્રિકાની સરકારે નેલ્સન મંડેલાને 27 વર્ષના લાંબા કારાવાસ પછી ફેબ્રુઆરી 11, 1990ના દિવસે મુક્તિ આપીને કરી. એટલી જ ભવ્ય અને પ્રભાવક ઘટના તે નામિબિયાના સ્વાતંત્ર્ય(માર્ચ 21, 1990)ની છે. નામિબિયાની મુક્તિ પછી આફ્રિકાનો કોઈ દેશ હવે પરાધીન રહેતો નથી. નામિબિયાની સ્વાતંત્ર્યપ્રાપ્તિમાં સંયુક્ત રાષ્ટ્રસંઘનો ફાળો ઘણો મોટો છે. આથી તેમાં સભ્ય-રાજ્ય તરીકે તેને સહેલાઈથી પ્રવેશ મળી ગયો.

ટૂંકા ગાળામાં એક પછી એક બનેલા બનાવોની આ શૃંખલા પરિવર્તનની સાથે આવી રહેલા યુગનાં એંધાણ આપે છે.

રશિયામાં આવેલા પરિવર્તનને પગલે પગલે પૂર્વ યુરોપના લગભગ બધા દેશોમાં નાટ્યાત્મક ઢબે ફેરફારો થયા છે. લોકશાહીકરણની પ્રક્રિયા આગળ વધી છે. સામ્યવાદી પક્ષ સંકેલાઈ ગયો છે. મુક્ત સમાજ અને આર્થિક વ્યવસ્થાનાં પગરણ મંડાયાં છે. મોકળાશના આ વાતાવરણમાં પૂર્વ યુરોપમાંનાં રશિયાનાં સૈન્યોએ વિદાય લેવા માંડી છે. પૂર્વ અને પશ્ચિમ યુરોપ વચ્ચેના અંતરાયો દૂર થઈ રહ્યા છે.

બર્લિનની દીવાલનું પતન (1989), બસો વર્ષ પૂર્વેની ફ્રાન્સની ક્રાન્તિમાં બેસ્ટાઇલના કિલ્લાના પતન(1789)ની યાદ આપે છે. પૂર્વ અને પશ્ચિમ યુરોપ વચ્ચેના સંબંધો પુનર્જીવિત થઈ રહ્યા છે અને ગોર્બાચોવની ‘સહિયારું યુરોપીય ઘર’(Common European House)ની વિભાવના આગળ વધી રહી છે. પૂર્વ અને પશ્ચિમ જર્મની જોડાઈ ગયાં છે.

1992 અને 1997ની સંધિઓ દ્વારા યુરોપીય સમવાય(European Union)નો આરંભ થયો. આવતી કાલની દુનિયામાં જે સત્તાઓ આકાર લઈ રહી છે તેમાં અમેરિકા, યુરોપીય સમવાય, રશિયા, જાપાન, ચીન અને ભારતનો સમાવેશ કરવામાં આવે છે. ત્રીજી દુનિયાના દેશોમાં ઝડપી આર્થિક પ્રગતિ હાંસલ કરવામાં દ. કોરિયા, તાઇવાન, સિંગાપોર તથા હૉંગકૉંગની ગણના થાય છે; પરંતુ 1990ના દાયકામાં ત્રીજી દુનિયાના દેશોની પ્રગતિ ધીમી પડી છે. હવે પછીનાં વર્ષોમાં રશિયા સહિતના યુરોપીય દેશો અને અમેરિકા વચ્ચેના સંબંધો સુમેળભર્યા થતાં તેઓ તેમની પોતાની આર્થિક પ્રગતિમાં જ ધ્યાનમગ્ન રહે અને ત્રીજી દુનિયાના પ્રશ્નો વિશે બેપરવાઈ બતાવે તેવો પણ ભય સેવાય છે.

ઇરાકે 16 જાન્યુઆરી, 1991માં કુવૈત પર આક્રમણ કર્યું. અમેરિકાની સંપૂર્ણ મદદથી કુવૈતે આ આક્રમણનો પ્રતિકાર કર્યો અને 28 ફેબ્રુઆરી, 1991ના રોજ કુવૈત જાણે ફરી સ્વતંત્ર બન્યું. અમેરિકાના પ્રમુખ જ્યૉર્જ બુશ અને મિખાઈલ ગોર્બાચોવે સ્ટાર્ટ’-START’ (Strategic Arms Reduction Treaty) પર હસ્તાક્ષર કર્યા અને બંને મહાસત્તાઓ વચ્ચે ચાલતી વાટાઘાટોનો સફળ અંત આવ્યો. આ સંધિ અનુસાર બંને દેશો લાંબા અંતરનાં અણુશસ્ત્રોમાં ત્રીજા ભાગ સુધીનો કાપ મૂકશે તેવો નિર્ણય લેવામાં આવ્યો. 25 ડિસેમ્બર, 1991માં મિખાઈલ ગોર્બાચોવે રોંનામું આપ્યું અને તેઓ સોવિયેત સંઘના છેલ્લા પ્રમુખ બની રહ્યા. એથી 1985થી આરંભાયેલી લોકશાહીવાદી સુધારાઓની પ્રક્રિયા જાણે સમાપ્ત થઈ અને સોવિયેત સંઘનું વિસર્જન થયું. આ સાથે વૉર્સો કરારના દેશોએ 31 માર્ચ, 1991 સુધીમાં આ કરાર હેઠળનું લશ્કરી માળખું વિખેરી નાંખવા મત આપ્યા.

1 જાન્યુઆરી, 1993માં ચૅકોસ્લોવાકિયાનું વિભાજન થતાં સ્લૉવાકિયા અને ચેક પ્રજાસત્તાકોનું સર્જન થયું. સમજદારીભર્યું આ વિભાજન ‘શાંતિપૂર્વકની અલગતા’ (velveat divorce) તરીકે જાણીતું બન્યું હતું. સપ્ટેમ્બર, 1993માં ઇઝરાયલ અને પૅલેસ્ટાઇન વચ્ચે ‘પર્મેનન્ટ પીસ એકૉર્ડ’ થયા, જેમાં યિત્ઝાક રેબિન અને યાસર અરાફત સંમત થયા કે પૅલેસ્ટાઇનના ગાઝા, જેરીકો અને વેસ્ટ બક વિસ્તારોમાંથી ઇઝરાયલ તેનાં દળો પાછાં ખેંચશે અને તુરત પૅલેસ્ટાઇન સ્વશાસનનાં પગલાં ભરી શકશે તેમજ ડિસેમ્બર, 1994 સુધીમાં ‘પર્મેનન્ટ પીસ એકૉર્ડ’નો અંતિમ ઉદ્દેશ સિદ્ધ કરી શકાશે. જુલાઈ, 1994માં પૅલેસ્ટાઇન લિબરેશન ઑરગેનિઝેશનના દેશનિકાલ ભોગવતા નેતા યાસર અરાફત 27 વર્ષ બાદ ગાઝા પટ્ટી દ્વારા પૅલેસ્ટાઇનમાં પ્રવેશ્યા. આ તબક્કે બંને દેશો પરસ્પરને રાજકીય માન્યતા આપવા સંમત થયા હતા.

હૉંગકૉંગ પર 1841થી બ્રિટિશ હકૂમત હતી. 30 જૂન 1997ના રોજ આ 156 વર્ષ જૂના બ્રિટિશ શાસનનો અંત આવ્યો. 1984માં આ અંગે ચીન-બ્રિટન વચ્ચે એક સંયુક્ત ઘોષણા થઈ હતી તે મુજબ હૉંગકૉંગ ચીનનું ‘વિશિષ્ટ વહીવટી દરજ્જો ધરાવતું’ રાજ્ય બન્યું. આ ઘોષણા અનુસાર હૉંગકૉંગવાસીઓ બ્રિટિશ શાસન જેવું જ સ્વાતંત્ર્ય ચીનના શાસન પછી પણ માણતા રહેશે તેવી બાંયધરી આપવામાં આવી હતી. આ ધોરણે હૉંગકૉંગ ચીનને સુપરત થયું. 21 જુલાઈ, 1994ના રોજ ટોની બ્લૅર મજૂરપક્ષના ચૂંટાયેલા નેતા બન્યા અને મે 1997માં તેમણે પક્ષનો કાયાકલ્પ કર્યો, જાણે ‘નવા’ મજૂરપક્ષનો જન્મ થયો. તેના પરિણામે 179 બેઠકોની બહુમતી સાથે ટોની બ્લૅર મજૂરપક્ષના વડાપ્રધાન બન્યા. છેલ્લાં 200 વર્ષમાં તેઓ બ્રિટનના સૌથી નાની વયના વડાપ્રધાન બન્યા.

મે, 1995માં સાર્ક (SAARC) દેશોએ એશિયા મુક્ત વ્યાપાર વિસ્તાર સ્વીકાર્યો અને ઉપખંડના આર્થિક અને તકનીકી વિકાસ માટે દક્ષિણ એશિયા વિકાસ ભંડોળની રચના કરી. ઑક્ટોબર 1995માં કોલંબિયાના કાર્ટિજિના શહેર ખાતે બિનજોડાણવાદી દેશો (Non-Alinged Movement – NAM)ની અગિયારમી પરિષદ યોજાઈ જેમાં 113 સભ્ય દેશોએ ભાગ લીધો. બિનજોડાણવાદી આંદોલનના બધા દેશોએ યુનોને મજબૂત કરવાની હિમાયત કરી.

1997માં ભારત અને પાકિસ્તાન, બંને દેશોએ વિદેશી બ્રિટિશ શાસનથી મુક્તિ મેળવી તે પ્રસંગની સુવર્ણજયંતી ઊજવી.

જાન્યુઆરી, 1999ના પ્રારંભથી સમગ્ર યુરોપમાં ‘યુરો’ ચલણનો પ્રારંભ થયો. જેમાં બેલ્જિયમ, જર્મની, સ્પેન, ફ્રાંસ, ઑસ્ટ્રિયા, પોર્ટુગલ, આયર્લૅન્ડ, લક્ઝમબર્ગ, ઇટાલી, હોલૅન્ડ અને ફિનલૅન્ડનો સમાવેશ થયો હતો. આ દેશોને ‘યુરોઝોન’ તરીકે ઓળખવામાં આવે છે. 1999માં ઇન્ડોનેશિયાના પ્રમુખ સુહાર્તોએ રાજીનામું આપતાં તેમના 32 વર્ષ પુરાણા આપખુદ શાસનનો અંત આવ્યો.

27 માર્ચ, 2000ના રોજ રશિયામાં પ્રમુખપદ માટેની ચૂંટણી યોજવામાં આવી. લોકશાહી ઢબે યોજાયેલી આ ચૂંટણીમાં વ્લાદીમીર પુટિન વિજયી નીવડ્યા.

વિશ્વ એકવીસમી સદીમાં પ્રવેશ્યું ત્યારે ઠંડા યુદ્ધ કે મહાસત્તાઓની સમસ્યાથી આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર ઠીક ઠીક મુક્ત હતું; પરંતુ આતંકવાદની સમસ્યા વિકરાળ બની રહી હતી. 11 સપ્ટેમ્બર, 2001ના રોજ ન્યૂયૉર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને પૅન્ટાગૉનનો કેટલોક હિસ્સો ધરાશાયી કરવામાં આવ્યો ત્યારે આતંકવાદની ચરમસીમા અમેરિકાના નાગરિકોએ અનુભવી. આ જ વર્ષની 13મી ડિસેમ્બરે ભારતની સંસદ ઉપર પણ આત્મઘાતી જૂથોએ હુમલો કરીને આતંકવાદનું વિકરાળ સ્વરૂપ છતું કર્યું. આ આતંકવાદને નાથવા અમેરિકાએ અફઘાનિસ્તાન પર હવાઈ હુમલા કર્યા. ત્યાંના તાલિબાન શાસનનો અંત આવ્યો અને વિવિધ જૂથોની બનેલી વચગાળાની સરકાર સ્થાપવામાં આવી.

માર્ચ, 2002માં ઇઝરાયલમાં પૅલેસ્ટાઇનના આતંકવાદી વેરવિખેર હુમલાથી લગભગ 300 જેટલા નાગરિકો માર્યા ગયા, જેને પરિણામે ઇઝરાયલે પૅલેસ્ટાઇનના રામલ્લા શહેરને ઘેરો ઘાલ્યો અને યાસર અરાફતને લગભગ ‘નજરકેદ’ની સ્થિતિમાં મૂકી દીધા. વિશ્વના વિવિધ દેશોના દબાણ હેઠળ આ ઘેરો હટાવી યાસર અરાફતને ઇઝરાયલે મુક્ત કર્યા છે પરંતુ આતંકવાદની પરેશાનીમાં લેશમાત્ર ફેર પડ્યો નથી. એકવીસમી સદીને આરંભે આતંકવાદ વિવિધ દેશોને પીડતી મહત્વની સમસ્યા છે.

સંહારક શસ્ત્રો ઘટાડવા માટે 1969થી 79 સુધીમાં અમેરિકા અને રશિયા વચ્ચે શ્રેણીબંધ મંત્રણાઓ થઈ હતી જે ‘સાલ્ટ’ (Strategic Arms Limitation Talks – SALT) તરીકે જાણીતી બની હતી. તેના અનુસંધાનમાં 24 મે, 2002ના રોજ અમેરિકાના પ્રમુખ બુશ અને રશિયાના પ્રમુખ પુતિન વચ્ચે ‘પરમાણુશસ્ત્ર સંધિ’ કરવામાં આવી. આ સંધિ અનુસાર બંને દેશો પોતપોતાના પરમાણુશસ્ત્રોના જથ્થામાં ઘટાડો કરે તેવો નિર્ણય લેવાયો. તેમાં ‘ઍટૉમિક વૉરહેડ્ઝ’ની સંખ્યા ઘટાડીને 2012 સુધીમાં 1,700થી 2,200ની વચ્ચે રાખવી તેમ નક્કી કરવામાં આવ્યું.

આ જ રીતે 28 મે, 2002નો દિવસ પણ નોંધપાત્ર બન્યો. આ દિવસે ‘નાટો’(North Atlantic Treaty Organization)ના 19 દેશોના બનેલા સંગઠનમાં નવા સભ્ય દેશ (જુનિયર પાર્ટનર) તરીકે રશિયા જોડાયું જે ભૂતકાળમાં આ દેશોનું કટ્ટર દુશ્મન હતું. આ જોડાણથી બે ભૂતકાલીન મહાસત્તાઓ – અમેરિકા અને રશિયા – પરસ્પરની સાવ નજીક આવી છે. તેમનો મુખ્ય હેતુ વિશ્વમાં વ્યાપી રહેલા આતંકવાદનો સામનો કરવાનો છે; કારણ ઇસ્લામિક કટ્ટરવાદીઓની નેમ અખંડ ઇસ્લામિક સંઘ રચી પૂર્વ ગોળાર્ધ પર પ્રભુત્વ સ્થાપવાની છે. આ હેતુમાં ઇસ્લામિક કટ્ટરવાદીઓને આગળ વધતા અટકાવવા માટે રશિયા પણ આતંકવાદ વિરુદ્ધના સંઘર્ષમાં સામેલ થયું છે. આ કરારો પર હસ્તાક્ષર થયા ત્યારે ‘સંઘર્ષમાંથી સંવાદ અને સંવાદમાંથી સહકાર’ની ભાવના સાથે આપણે લાંબી મજલ કાપી છે તેવી રજૂઆત કરનાર રશિયાના પ્રમુખ પુતિનનું વક્તવ્ય મનનીય હતું.

આ તબક્કે નાટોમાં સભ્યપદે જોડાયેલું રશિયા માત્ર શાંતિની જાળવણી, ક્રાઇસિસ મૅનેજમેન્ટ તેમજ ઍર ડિફેન્સ સર્ચ ઍન્ડ રેસ્ક્યૂ ઑપરેશન જેવાં ક્ષેત્રોમાં અન્ય દેશોની સાથે રહી સંયુક્તપણે ભૂમિકા ભજવશે. આ ઘટનાઓ આંતરરાષ્ટ્રીય રાજકારણના પરિવર્તન પામી રહેલા તખ્તાની સૂચક છે.

જોકે 2011થી 2021નો દશકો શાંતિ-અશાંતિ વચ્ચે ઝોલાં ખાતો રહ્યો. અમેરિકા-ઈરાન વચ્ચે અમેરિકન પ્રમુખ બરાક ઓબામાના કાર્યકાળ વખતે 2009થી 2017 દરમિયાન સંબંધો સુધર્યા હતા. 2015માં અમેરિકા-ઈરાન વચ્ચે ઐતિહાસિક પરમાણુસંધિ JCPOA (જૉઇન્ટ કૉમ્પ્રેહેન્સિવ પ્લાન ઑફ ઍક્શન) થઈ હતી. એ પ્રમાણે ઈરાને પરમાણુ કાર્યક્રમ બંધ કરવાનો હતો અને અમેરિકા સહિતના સાથી દેશોએ ઈરાન ઉપર લાગેલા આર્થિક પ્રતિબંધો હટાવી દેવાના હતા. એ કરારને માંડ બે વર્ષ થયાં હતાં. ત્યાં અમેરિકાના પ્રમુખપદે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈ આવ્યા. ટ્રમ્પે પરમાણુકરાર ગેરવાજબી ગણાવીને તેને તોડી નાખ્યો. ઈરાને પણ ફરીથી પરમાણુ કાર્યક્રમ આગળ વધારીને યુરેનિયમનો જથ્થો વધારવા માંડ્યો. પરિણામે બંને દેશો વચ્ચે સંબંધો ખૂબ જ તંગ બન્યા. ગલ્ફના અખાતમાં ઈરાને ઑઇલ ટૅન્કર ઉડાવી દીધું એ પછી અમેરિકાએ યુદ્ધજહાજ તૈનાત કરી દીધું હતું. ટ્રમ્પના શાસનકાળ દરમિયાન સતત અજંપાભરી સ્થિતિ રહી હતી.  ટ્રમ્પના અનુગામી પ્રમુખ જો બાઇડને ઈરાન સાથે સંબંધો સુધારીને ઓબામા સમયના કરારો ફરીથી જીવંત કરવાના પ્રયાસો કર્યા હતા. એમાં ચીન-રશિયા-ફ્રાન્સ અને બ્રિટન જેવી મહાસત્તાઓએ પણ સમર્થન આપ્યું હતું. તેમ છતાં સમાધાનનો માર્ગ ખૂલ્યો ન હતો.

એ જ રીતે અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે પણ ભારે સંઘર્ષ જોવા મળ્યો હતો. આખા દાયકા દરમિયાન સ્થિતિ તંગ જોવા મળી હતી. ટ્રમ્પના શાસનકાળ વખતે યુદ્ધના ભણકારા સંભળાતા હતા. ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉને સતત બેલાસ્ટિક મિસાઇલોનું પરીક્ષણ ચાલુ રાખતાં વિશ્વભરના દેશોએ ઉત્તર કોરિયા પર આર્થિક પ્રતિબંધો મૂક્યા હતા. છતાં 2018માં કિમ જોંગ ઉન અને દક્ષિણ કોરિયાના પ્રમુખ મૂન-જાઈ-ઇન વચ્ચે ઐતિહાસિક બેઠક થતાં થોડાક સમય માટે શાંતિ સ્થાપાઈ હતી. જૂન, 2018માં ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉન વચ્ચે સિંગાપોરમાં એવી જ ઐતિહાસિક બેઠક થતાં કાયમી શાંતિ સ્થપાશે તેવી શક્યતા ઊજળી બની હતી, પરંતુ કોઈ કાયમી ઉકેલ આવ્યો ન હતો. જોકે તંગદિલી ઘણી ઘટી ગઈ હતી. જો બાઇડેનના કાર્યકાળમાં ઉત્તર કોરિયા પરના પ્રતિબંધો હટી જશે એવી આશા વ્યક્ત થઈ હતી.

અમેરિકા-રશિયા વચ્ચે પણ પુતિન-ટ્રમ્પના કાર્યકાળ વખતે સંબંધો ખૂબ જ વણસી ગયા હતા. અમેરિકા-ચીન વચ્ચે પણ ટ્રેડ-વૉર શરૂ થતાં 2019–20માં ઘણો વેપાર-વ્યવહાર બંધ પડ્યો હતો. ભારત-ચીન વચ્ચે સરહદી તંગદિલી સર્જાતાં વેપારથી લઈને સાંસ્કૃતિક આદાનપ્રદાન સુધીના સંબંધો બગડ્યા હતા. 2020ના અંતે એમાં સુધારો લાવવાના પ્રયાસો થયા હતા, પરંતુ ચીનની વિસ્તારવાદની નીતિના કારણે સતત તંગદિલી રહેતી આવે છે. ચીને તો તાઇવાનને સંપૂર્ણ રીતે કાબૂમાં લેવા માટે વિવિધ તરીકા અજમાવ્યા છે. ગેરકાયદે રીતે તાઇવાનની જળસીમા અને હવાઈ સીમામાં ચીન ઘૂસણખોરી કરતું હોવાથી એ મુદ્દે ચીન-અમેરિકાય સામસામા થતા રહે છે. ઇઝરાયલ-ઈરાન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. સીરિયા ઇઝરાયલ-ઈરાન માટે યુદ્ધભૂમિ બની ગયું છે. છેલ્લા એક દશકામાં આમ તો સીરિયા ઇન્ટરનેશનલ બેટલગ્રાઉન્ડ બની ગયું છે અને તેના કારણે લાખો લોકો બેઘર બની ચૂક્યા છે.

ભારત-પાકિસ્તાનના સંબંધો 2015 પછી ફરી તંગ બન્યા છે. અટલ બિહારી વાજપેયી 2004 સુધી વડાપ્રધાન હતા ત્યારે તેમણે પાકિસ્તાનની મુલાકાત કરીને સંબંધો સુધારવાની પહેલ કરી હતી. સરહદે યુદ્ધવિરામ કરાવવામાં અટલ બિહારી વાજપેયીને મહત્વપૂર્ણ સફળતા મળી હતી, પરંતુ થોડાંક વર્ષોમાં પાકિસ્તાન સૈન્યએ ફરીથી ગોળીબારી શરૂ કરીને ભારતની ઉશ્કેરણી કરી હતી. 2004થી 2014 સુધી મનમોહનસિંહ વડાપ્રધાન હતા, ત્યારે સંબંધોમાં ઉતાર-ચઢાવ આવતો રહ્યો હતો. પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ સીઆરપીએફના જવાનો પર જમ્મુ-કાશ્મીરના પુલાવામામાં હુમલો કર્યો હતો જેમાં 40 જવાનો શહીદ થયા હતા. એ પછી ભારતે તાત્કાલિક અસરથી પાકિસ્તાન સાથે વેપાર બંધ કર્યો હતો. ભારતીય સૈન્યએ 2019ની 26મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી, જેમાં આતંકવાદી કૅમ્પનો ખાતમો બોલાવ્યો હતો.

ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે કૂટનીતિમાં પણ પાકિસ્તાનને એકલું પાડી દેવાની રણનીતિ અપનાવી હતી. ઑગસ્ટ, 2019માં જ ભારતે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-370 રદ કરીને ભારતનું બંધારણ કાશ્મીરમાં લાગુ પાડવાનો માર્ગ મોકળો કરી દીધો હતો. પાકિસ્તાને એ નિર્ણય પાછો ખેંચવાની માગણી કરી હતી. યુએનમાં રજૂઆત કરી હતી, પરંતુ ભારતે અન્ય કોઈની દખલગીરીનો ઇનકાર કરીને નિર્ણય યથાવત્ રાખ્યો હતો. આવી સ્થિતિ વચ્ચે બંને દેશોના સંબંધો તંગ બની રહ્યા હતા.

ટૂંકમાં વિશ્વના એક ડઝન જેટલા દેશો વચ્ચે એક કે બીજા કારણથી સંઘર્ષ ચાલી રહ્યો છે. આ અથડામણના કારણે ઘણી વાર વિશ્વયુદ્ધના ભણકારા પણ સંભળાવા લાગે છે. અમેરિકા-રશિયા, ભારત-ચીન, ભારત-પાકિસ્તાન, અમેરિકા-ચીન, અમેરિકા-ઈરાન જેવા દેશો વચ્ચે સંઘર્ષ થાય છે ત્યારે વિશ્વભરના રાજકારણમાં અને અર્થતંત્રમાં તેની અસર થાય છે.

આંતરરાષ્ટ્રીય રાજકારણનાં વર્તમાન વહેણો મુખ્યત્વે નીચે પ્રમાણે ગણાવી શકાય :

(1) ઠંડા યુદ્ધમાંથી સુમેળ અને શાન્તિ તરફ પ્રયાણ. તેને પરિણામે દ્વિધ્રુવી રાજકારણમાંથી બહુકેન્દ્રીય રાજકારણ તરફનાં વલણો વરતાય છે. લશ્કરીકરણ અને સંરક્ષણ અંગેના ખર્ચમાં ઘટાડો થતાં અન્ય ક્ષેત્રોમાં વધુ ઝડપી પ્રગતિની શક્યતાઓ ખૂલવાનો સંભવ છે. આ પ્રક્રિયાનો પૂરો ફાયદો ત્રીજી દુનિયાને થશે જ તેની ખાતરી નથી.

(2) ત્રીજી દુનિયા સામેના પ્રશ્નાર્થોનો સામનો કરવા માટે વૈશ્વિક અને ઉદાર અભિગમ અપનાવવો જરૂરી બન્યો છે. કારણ કે છેલ્લાં ચાળીસ વર્ષ દરમિયાન તેમની અને વિકસિત દેશો વચ્ચે આર્થિક તફાવત વધતો રહ્યો છે. તે જ પ્રમાણે રાષ્ટ્રોની અંદર પણ ગરીબી અને અમીરી વચ્ચેની ખાઈ વધુ વિસ્તૃત બની છે. વર્તમાન વલણો ચાલુ રહે તો વિકસિત અને અલ્પવિકસિત દેશો વચ્ચેની આર્થિક અસમાનતા વધતી રહેશે. વૈશ્વિકીકરણને પરિણામે અસમાનતા વધી રહી હોવાની ટીકા સર્વસામાન્ય છે. દારુણ ગરીબી અને એશઆરામવાળી અમીરી એકીસાથે ટકી ન શકે. આ માટેનો જરૂરી વૈશ્વિક પ્રયાસ આવતી કાલના આંતરરાષ્ટ્રીય રાજકારણ માટે મોટી અગત્ય ધરાવે છે.

ત્રીજી દુનિયાની વસતિ ઝડપથી વધી રહી છે. તેની ઉપર નિયંત્રણ મૂકવું તે તાકીદનો પ્રશ્ન બની ગયો છે. તે સાથે આ પ્રશ્નને બીજાં ર્દષ્ટિબિંદુઓથી પણ જોવાની જરૂર છે. ત્રીજા વિશ્વના વસતિના બોજાની સામે વિકસિત દેશો ઓછી વસતિ સાથે કુદરતની સાધનસામગ્રીનો બહોળો ઉપયોગ અને ઉપભોગ કરી રહ્યા છે. ભારતના નાગરિકની તુલનામાં અમેરિકાનો નાગરિક દર વર્ષે સરેરાશ લગભગ 100ગણી વધારે ઊર્જા વાપરે છે. અમેરિકામાં વ્યક્તિદીઠ 3,440 કૅલરીનો ખોરાક છે તો અલ્પવિકસિત દેશોમાં તે 2,344 કૅલરીનો થવા જાય છે. પૃથ્વીની મર્યાદિત સાધનસામગ્રી ઉપર વધારે વસતિનો બોજ છે કે વધારે પડતા ઉપભોગનો, એ પણ ગંભીર વિચાર માગી લે છે.

વસતિવધારાના કારણે પૂરતું અન્ન નથી અગર નહિ મળે તે દલીલ પણ પાયા વગરની છે. 1950 પછીનાં વર્ષોમાં દુનિયાની વસતિમાં અપૂર્વ એવા ઊંચા દરે વધારો થયો છે, પરંતુ હરિયાળી ક્રાંતિને પરિણામે અનાજના ઉત્પાદનમાં એના કરતાંય વધુ ઊંચા દરે વધારો થવા પામ્યો છે. સવાલ ઉત્પાદનનો છે તેના કરતાં તેની ન્યાયી વહેંચણીનો વિશેષ છે. ગાંધીજીની જાણીતી ઉક્તિ છે કે બધાંની જરૂરિયાતોને પહોંચી વળાય તેટલું છે, પરંતુ બધાંના અતિલોભને આંબી શકાય તેમ નથી.

વસતિવિસ્ફોટ અને ગરીબી હાથ મિલાવીને ચાલે છે તે હવે સ્પષ્ટ થયું છે. જ્યાં બાળકોની જીવાદોરી ટૂંકી ત્યાં જન્મપ્રમાણ વધુ રહે છે. જો ગરીબી દૂર થાય તો સારા પોષણના કારણે બાળકોનું મરણપ્રમાણ ઘટે અને તે સાથે તેમનું જન્મપ્રમાણ પણ ઘટે. ઊંચું બાળમરણપ્રમાણ અને ઊંચો જન્મદર એકીસાથે ચાલતાં હોય છે.

આમ છતાં ત્રીજા વિશ્વમાં જન્મનો વૃદ્ધિદર જે 1960ના દસકામાં 2.0 ટકાથી અધિક હતો તે ઘટીને 1.7 ટકાથી ઓછો થવા પામ્યો છે. ઉત્તર-દક્ષિણ વિવાદના આ વિકટ પ્રશ્ન અંગે ઘણી વાર જીવનનૌકાની ઉપમા અપાય છે, જેમાં ત્રીજી દુનિયાના લોકો ભારરૂપ છે. પૃથ્વીની ઘટતી જતી સાધનસામગ્રીમાં ન્યાયી ભાગીદારીના બદલે થોડાં વિકસિત રાષ્ટ્રો પૂરતો જ આ પ્રકારનો વિચાર રજૂ કરવામાં આવે છે.

પૃથ્વીની સાધનસામગ્રી સમગ્ર માનવજાતિની છે. બધા માનવીઓનો તે સમાન વારસો છે. આજે જ્યારે અછત અને પ્રદૂષણનાં અનિષ્ટો માનવજાતિ સામે ઊભાં થઈ રહ્યાં છે ત્યારે તેમનો ન્યાયી, વિવેકપૂર્ણ અને કરકસરભર્યો ઉપયોગ અનિવાર્ય બને છે. સૌનું એક, અવિભાજ્ય અને સમાન ભાવિ છે. પૃથ્વીની સાધનસામગ્રી આપણે એ રીતે જાળવવાની છે કે જેથી ભવિષ્યની પ્રજા તેનાથી વંચિત ન બને, તે સાથે તે સર્વને માટે સુલભ બને તે પણ એટલું જ જરૂરી છે. સામાજિક ન્યાયના સિદ્ધાંતને આંતરરાષ્ટ્રીય ન્યાયમાં રૂપાંતરિત કરવાનો છે. એક જાણીતી ઉક્તિ અનુસાર આ પૃથ્વી આપણા પૂર્વજો પાસેથી આપણને વારસામાં મળેલી નથી; તે તો આપણાં બાળકો પાસેથી ઉછીની લીધેલી છે. માનવજાતિના સમાન વારસા માટે સંપીલો, સહિયારો, વૈશ્વિક અભિગમ કેળવવો જરૂરી છે.

ટૂંકમાં, આજના પરસ્પરાવલંબી આંતરરાષ્ટ્રીય જીવનમાં સૌ સમુદાય એકમેક સાથે એટલા અતૂટ રીતે સંકળાઈ ગયા છે કે એક જગ્યાએ થતો ફેરફાર વહેલો કે મોડો બીજાં સ્થળોએ તેની અસર ઉપજાવે છે. ઇંગ્લૅન્ડનું પ્રદૂષણ સ્વીડનમાં વરતાય છે. પ્રદૂષણ પેદા કરવામાં સૌથી મોટો હિસ્સો વિકસિત દેશોનો છે; તે જ પ્રમાણે સાધનોની અછત પણ તેમના લીધે જ ઊભી થઈ રહી છે. દરિયાઈ પ્રદૂષણ ઠેર ઠેર પ્રસરે છે એ હકીકત હવે સ્પષ્ટ સમજાવા લાગી છે.

(3) આ બધાંને કારણે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં આપણે દ્વિધાના યુગમાં પ્રવેશ કરી રહ્યા છીએ. જીવનની સંકુલતા અને પરસ્પરાવલંબનના કારણે રાષ્ટ્રીય કક્ષાએ પ્રશ્નો હલ થઈ શકતા નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય અભિગમ સ્વીકારવા રાજ્યસરકારો તૈયાર નથી. પ્રશ્નોની સંખ્યા વધવાથી અને આંતરિક અને બાહ્ય પ્રશ્નોની અદલાબદલીને કારણે તેમનો પૂરો સામનો કરવાની રાજ્યોની ક્ષમતા ઘટતી જાય છે. તે સાથે વંશીય (ethnic), પ્રાદેશિક (regional) અને રાષ્ટ્રીયતાની અસ્મિતાના પ્રશ્ર્નો ઊભા થયા છે. ઠેર ઠેર માથું ઊંચકતો આતંકવાદ અને લઘુમતીઓનો સવાલ પણ આ જ પ્રકારનો છે.

(4) રાજકારણમાં આતંકવાદનો ઉપયોગ પ્રાચીન સમયથી થતો આવ્યો છે. ફ્રાંસની ક્રાંતિ કે રશિયન ક્રાંતિમાં પણ આતંકનો ઉપયોગ થયો હતો; પરંતુ કોઈ એક જૂથ, જાતિ કે અંશત: પ્રજાનાં ધ્યેયો સિદ્ધ કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદનો ઉપયોગ કંઈક અંશે નવીન પદ્ધતિ છે. વેનેઝુએલાનો કાર્લોસ આતંકવાદનો પુરસ્કર્તા હતો; જેણે આતંકવાદનાં ધ્યેયો, તે પ્રાપ્ત કરવાના માર્ગો અને તે માટે આવશ્યક કુનેહની પૂરી આતંકવાદી સંહિતા રચી હતી. બીજા વિશ્વયુદ્ધ (1939-45) બાદ આંતરરાષ્ટ્રીય તખ્તા પર આતંકવાદ કંઈક વેરવિખેર સ્વરૂપે અને વિશેષ તો રાષ્ટ્રીય સ્વાતંત્ર્યની લડતના પ્રભાવક સાધન તરીકે પ્રયોજાતો હતો. પરંતુ 1970થી આંતરરાષ્ટ્રીય આતંકવાદ શબ્દપ્રયોગ વધુ પ્રચલિત બન્યો, કારણ કે રાજ્યો વચ્ચેના વ્યવહારમાં આતંકવાદી નીતિ-રીતિઓ પ્રભાવક બનવા લાગી હતી. રાજ્યની એક નીતિ તરીકે આતંકવાદનો ઉપયોગ થવા લાગ્યો. આજે તે આંતરરાષ્ટ્રીય રાજકારણનું અસરકારક સાધન બન્યો છે. સ્થાપિત સરકારોનાં મૂળિયાં હચમચાવવા તેમજ અપેક્ષિત ધ્યેયો સિદ્ધ કરવા તેનો ઉપયોગ થઈ રહ્યો છે. આ અર્થમાં આજના સમયમાં આતંકવાદ વૈશ્વિક સ્વરૂપ ધરાવે છે. વિશ્વની નાની કે મોટી કોઈ પણ સત્તાને ઓછેવત્તે અંશે આતંકવાદ પરેશાન અને ત્રસ્ત કરી રહ્યો છે. આ આતંકવાદીઓ વ્યાપક હિંસા, શસ્ત્રો અને ગુનાખોરીનો આશ્રય લઈ સ્થાનિક પ્રજા પર ધાક જમાવે છે. કોઈ એક દેશમાં તાલીમ મેળવી, ધાર્મિક યા અન્ય સંગઠનો પાસેથી નાણાં મેળવી પોતે જેને હરીફો કે શત્રુઓ ગણે છે તેવી સરકારો અને દેશો વિરુદ્ધ આતંકિત કાર્યવહી કરી તેને બાનમાં લઈ અપેક્ષિત માંગણીઓ પરિપૂર્ણ કરવાનો દુરાગ્રહ સેવે છે. વીસમી સદીના સાતમા દાયકા સુધી મોટેભાગે આવાં જૂથો સાથે વાટાઘાટો કરી, સમાધાન કરી, બંને પક્ષે બાંધછોડ કરી તેમને મુખ્યપ્રવાહમાં ભેળવવાના યા તેની સમીપ લાવવાના પ્રયાસો એકંદરે સફળ નીવડી શકતા હતા; પરંતુ તે પછીના દાયકાઓમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદ ધર્મપરસ્ત બનવા લાગ્યો; તેણે ગુનાહિત સ્વરૂપ ધારણ કર્યું અને આંતરરાષ્ટ્રીય સ્તરે તે વધુ ને વધુ ભયાવહ સ્વરૂપે પ્રગટ થવા લાગ્યો છે, જેમાં નિર્દોષ લોકોને રંજાડી, ભયનું સામ્રાજ્ય ઊભું કરી મનસ્વી માંગણીઓ સ્વીકારાવવાનું વલણ જોર પકડતું જાય છે. તકનીકી વિકાસ આતંકવાદની ગતિવિધિઓને ઈંધણ પૂરું પાડે છે. આથી વિમાન-અપહરણ, બૉમ્બમારો, માનવ-અપહરણો જેવાં કૃત્યો દ્વારા આતંકવાદ ઊંચી સોદાબાજી સિદ્ધ કરે છે. આ માટે અન્ય દેશનાં આતંકવાદી સંગઠનોનું અને ક્વચિત્ વિરોધી કે હરીફ દેશોની સરકારોનું તેમને સમર્થન મળે છે. આ અંગે વિશ્વવ્યાપી ધોરણે તેમનાં કડીતંત્રો (linkage system) અને જાળતંત્રો (network) કાર્યરત હોય છે. વળી તેઓ ધર્મ, જાતિ કે વંશ અને રાજકીય વિચારધારાને આધારે જોડાણો (connections) ગોઠવે છે. આ રીતે આતંકવાદ ભયાનક અને જોખમી સ્તરે રાષ્ટ્રોપરી કક્ષાએ વિકસે છે. વિદેશનીતિના હેતુઓ સિદ્ધ કરવા મહાસત્તાઓ આતંકનો ઉપયોગ કરે છે અને કેટલીક વાર પોષે પણ છે. વળી વૈશ્વિક આતંકવાદને પોતાના હરીફને ખાળી રાખવાના સાધન (preventing phenomenon) તરીકે પ્રયોજે છે. આંતરરાષ્ટ્રીય આતંકવાદ મુખ્યત્વે શહેરી વિસ્તારોમાં વધુ વ્યાપક છે. વીસમી સદીના અંતિમ દસકામાં આ આતંકવાદ વંશીય નિકંદનનું વરવું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. 11મી સપ્ટેમ્બર, 2001ના અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટરની બે ગગનચુંબી ઇમારતો તથા પૅન્ટાગૉનનો કેટલોક હિસ્સો ધ્વસ્ત કરીને તથા 13 ડિસેમ્બર, 2001માં ભારતીય સંસદ પર આતંકવાદી હુમલો કરીને આંતરરાષ્ટ્રીય આતંકવાદે તેની ચરમસીમા રજૂ કરી છે, આ વકરતી સમસ્યાને કાબૂમાં લેવાની તાતી જરૂર ઊભી થઈ છે.

(5) આંતરરાષ્ટ્રીય સંબંધોના ક્ષેત્રે રાજ્યો વચ્ચેનું પરસ્પરાવલંબન ક્રમશ: વધવા લાગ્યું. એથી અન્ય રાજ્યોના સાથ-સહકાર મેળવવાની અનિવાર્યતા પેદા થઈ. આ સંદર્ભમાં પ્રાદેશિક સરકારનાં સંગઠનો ઉદભવવા લાગ્યાં. પ્રાદેશિક સહકારમાં સર્વસામાન્ય હિતો માટે થતી આંતરરાજ્યપ્રવૃત્તિઓ આવરી લેવામાં આવે છે.

1960ના દસકામાં લૅટિન અમેરિકામાં અને પછીથી વિકસતા દેશોમાં સવિશેષપણે પ્રાદેશિક સહકારનો આરંભ થયો. 1970માં વૈશ્વિક આર્થિક સંકટોની હારમાળાએ ઘણા વિકાસશીલ દેશોના અર્થતંત્ર પર ભારે પ્રહાર કર્યા હતા. આથી પ્રાદેશિક સહકારના પ્રયાસોને પ્રોત્સાહન મળ્યું. રાષ્ટ્રીય અર્થતંત્રો અન્યોન્ય-આધારિત છે અને કોઈ એક રાજ્ય માત્ર પોતાના એકલાના પ્રયાસોથી ટકી શકે તેમ નથી એ સત્ય સમજાતાં સમગ્ર પ્રદેશના ધોરણે સ્વાવલંબન સર્જવાનો વિકલ્પ વધુ વાસ્તવિક લાગ્યો. આવાં પ્રાદેશિક જૂથો દ્વારા સલામતી, આર્થિક વિકાસ અને સમસ્યાઓના નિવારણ માટે સંગઠિતપણે નીતિ ઘડવાની વિચારણા નક્કર આકાર ધારણ કરવા માંડી. વળી આવા પ્રાદેશિક જૂથ દ્વારા મહાસત્તાઓનો સામનો પણ કરી શકાય તેમ હતો. આમ વિકસિત દેશો સામે વધુ અસરકારક પ્રભાવ ઊભો કરવામાં તથા તેમનો સામનો કરવામાં પ્રદેશવાદ ઉપયોગી હતો. પરિણામે પ્રાદેશિક સહકાર મુખ્યત્વે ત્રીજા વિશ્વના દેશો માટે મહત્વનું સાધન બન્યો.

આ પ્રાદેશિક સહકારની શરૂઆત લૅટિન અમેરિકાના દેશોથી થઈ જેમણે 1961માં સેન્ટ્રલ અમેરિકન કૉમન માર્કેટ(Central American Common Market-CACM)ની સ્થાપના કરી હતી. તેમાં અલ્ સાલ્વાડૉર, ગ્વાટેમાલા, હોન્દુરાસ (જે 1970માં અલગ પડ્યું,) નિકારાગુઆ અને કૉસ્ટારિકા જોડાયાં હતાં. સંગઠનના મુખ્ય ઉદ્દેશો આર્થિક વિકાસ અને સહકારને પ્રોત્સાહન આપવાનાં હતાં. જેથી આ દેશો ઔદ્યોગિક મૂડી આકર્ષી શકે. પરંતુ આ દેશોના રાષ્ટ્રવાદીઓ મજબૂત હોવાથી, 1980ની મધ્યમાં પ્રાદેશિક સંઘર્ષો અને સરહદી સંઘર્ષોને કારણે સંગઠનની પ્રવૃત્તિઓ પર માઠી અસર થઈ તેમજ તે અપેક્ષિત વિકાસ સિદ્ધ કરી શક્યું નહિ.

ઠંડા યુદ્ધ બાદ અમેરિકા, ચીનની ભારે રાજકીય વગ અને પ્રભાવને અંકુશમાં લઈ શક્યું હતું એ જ ધોરણ હવે અમેરિકા સાઉથ-ઈસ્ટ એશિયા ટ્રીટી ઑર્ગેનિઝેશન (SEATO) અને એશિયા પૅસિફિક કાઉન્સિલ(ESCAP, અગાઉની ECAFE)ના દેશોના પ્રભાવ પર અંકુશ રાખવાની ઇચ્છા ધરાવતું હતું. અંતે ઍસોસિયેશન ઑવ્ સાઉથ-ઈસ્ટ એશિયા (ASA), માફિલિન્ડો (મલેશિયા, ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયાનું બનેલું – MAPHILINDO) અને તેનું અનુગામી ઍસોસિયેશન ઑવ્ સાઉથ-ઈસ્ટ એશિયન નૅશન્સ (એસિયન – ASEAN) જેવાં સંગઠનો અસ્તિત્વમાં આવ્યાં. આવું જ એક અન્ય સંગઠન સાઉથ એશિયન ઍસોસિયેશન ઑવ્ રિજ્યોનલ કો-ઑપરેશન (SAARC) છે, જે 1985માં સ્થપાયું હતું. તેનાં સાત સભ્ય રાષ્ટ્રોમાં બાંગ્લાદેશ, ભુતાન, ભારત, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા છે. આ સંગઠન મુખ્યત્વે ઉપર્યુક્ત દેશો વચ્ચે આર્થિક સહકાર માટે કાર્યરત છે, પરંતુ તેથી દક્ષિણ એશિયાના દેશો માટે એક મિલનસ્થાન ઊભું થયું છે.

સીઆટો (SEATO) મૂળે સામૂહિક લશ્કરી અને સલામતીના હેતુઓ અર્થે રચાયેલું સંગઠન હતું. પરંતુ 1960ના વિયેટનામ યુદ્ધ પછી તબક્કાવાર તેનો અંત લાવવામાં આવ્યો હતો અને તેના બિનલશ્કરી હેતુઓની સિદ્ધિ અર્થે ‘એસિયન’(ASEAN)ની રચના થઈ હતી. એથી તે ઍસોસિયેશન ઑવ્ ધ સાઉથ-ઈસ્ટ નૅશન્સ હોવા છતાં એશિયા અને યુરોપના અન્ય દેશો સાથે તેના ઘનિષ્ઠ અને વ્યાપારી સંબંધો વિકસ્યા હતા.

ઍસોસિયેશન ઑવ્ સાઉથ-ઈસ્ટ એશિયા (ASA-અસા) અગ્નિ  એશિયાનાં હિતો ધરાવતો પ્રથમ પ્રયોગ હતો. 31 જુલાઈ 1961ના બૅંગકોક ડેક્લેરેશનથી તેનો ઉદભવ થયો. મલાયાના વડાપ્રધાન ટુન્કુ અબ્દુલ રહેમાન છેક 1958થી આ સ્વપ્ન સેવતા હતા. તેમાં થાઇલૅન્ડ, મલેશિયા અને ફિલિપાઇન્સ જોડાયાં હતાં, જેની શરૂઆત એશિયાઈ દેશો દ્વારા જ થઈ હોય તેવો આ મહત્વનો નૂતન પ્રયોગ હતો. રાજકીય ઉદ્દેશોને ગૌણ રાખી આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, વૈજ્ઞાનિક અને વહીવટી ક્ષેત્રે સહકારના ઉદ્દેશો ધરાવતું આ સંગઠન શરૂ થયું. તેના અભિગમો મવાળ હોવા સાથે વ્યવહારુ પણ છે. કાર્યશૈલીની ર્દષ્ટિએ એ ‘એસિયન’નું પુરોગામી ગણી શકાય.

ઇન્ડોનેશિયા અને મલેશિયા વચ્ચેના સંઘર્ષો તથા બૉર્નિયો, ફિલિપાઇન્સ અને મલેશિયા વચ્ચેના વિખવાદોને કારણે આ સંગઠન ગતિ પકડવા પૂર્વે જ નિષ્ક્રિય અને નિર્જીવ બની ગયું.

માફિલિન્ડો પ્રાદેશિક સહકારનો બીજો નોંધપાત્ર પ્રયોગ હતો; જેમાં મલેશિયા, ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયા જોડાયાં હોવાથી આ સમૂહ ટૂંકાક્ષરી ‘માફિલિન્ડો’ તરીકે જાણીતો બન્યો. આ સંગઠનની રચના 1963માં થઈ હતી, પરંતુ સભ્ય રાષ્ટ્રો વચ્ચે પરસ્પર શંકા અને અવિશ્વાસને કારણે તે કોઈ ખાસ પ્રગતિ કરી શક્યું નહિ.

આ ભૂમિકામાં ઍસોસિયેશન ઑવ્ ધ સાઉથ-ઈસ્ટ એશિયન નૅશન્સ – ‘એસિયન’(ASEAN)નો વિચાર વ્યાપક બન્યો. આ સમયે અગ્નિ એશિયા બે ઉપપ્રદેશોમાં વહેંચાયેલું હતું. પ્રથમ ઉપપ્રદેશ હિંદી-ચીન(લાઓસ, કંબોડિયા અને બંને વિયેટનામના પ્રદેશો)થી બનેલો હતો, જ્યારે બીજો ઉપપ્રદેશ થાઇલૅન્ડ, મલેશિયા, ઇન્ડોનેશિયા સિંગાપુર અને ફિલિપાઇન્સ જેવા દેશોથી બનેલો હતો; જે રાજકીય વૈવિધ્ય ધરાવતો વિશાળ વિસ્તાર હતો. વધુમાં, પ્રથમ ઉપપ્રદેશ સામ્યવાદી વિચારધારાને અને બીજો ઉપપ્રદેશ બિનસામ્યવાદી વિચારધારાને અભિવ્યક્ત કરતો હતો. 1967માં ‘એસિયન’ની સ્થાપના થઈ ત્યારે તેના મુખ્ય હેતુઓ આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક સહકારના રહ્યા હતા. સંગઠનના હેતુઓ અને ધ્યેયો અંગે વ્યાપક સહમતી પ્રવર્તતી હોવાને લીધે સભ્યો વચ્ચેનો સહકાર રાજકીય સલામતી અને વ્યૂહરચનાના ક્ષેત્ર સુધી વ્યાપક બન્યો છે.

1971માં મલેશિયાએ અગ્નિ એશિયાના વિસ્તારને ‘શાંતિ, સ્વતંત્રતા અને તટસ્થતાનો વિસ્તાર’ (one of Peace, Freedom and Neutrality-OPFAN) જાહેર કરવા ભલામણ કરેલી જે ‘એસિયને’ માન્ય રાખી હતી. એ જ રીતે 1987ની મનિલા શિખર પરિષદ સમયે સભ્યોએ તેને પરમાણુશસ્ત્રમુક્ત વિસ્તાર જાહેર કરવાની ઇચ્છા દર્શાવેલી જે અનુસાર તે અગ્નિ એશિયાનો પરમાણુશસ્ત્રમુક્ત વિસ્તાર (South-East Asian Nuclear Weapons Free one – SEANF) જાહેર થયો હતો. તે અમેરિકા, જાપાન, યુરોપિયન આર્થિક સમુદાય (EEC), કૅનેડા, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ જેવા દેશો સાથે વ્યાપારી વાર્તાલાપોમાં રોકાયેલું રહ્યું હતું. સર્વસંમતિથી કામ કરવાની તેની પદ્ધતિ સરાહનીય છે.

આ રીતે વિકસતા દેશોએ પ્રાદેશિક સહકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રભાવ જાળવી રાખવાની મથામણ ચાલુ રાખી છે.

રાજકારણની સંકુલતા, જટિલતા વધતાં જેને કડક રાજકારણ (hard politics) કહીએ, જેમાં સત્તાનો, તાકાતનો અને લશ્કરી અભિગમ રહેલો છે તેની જગાએ નરમ રાજકારણ (soft politics), જેમાં આર્થિક, સામાજિક પર્યાવરણના પ્રશ્નોનો સમાવેશ થાય છે તેનો આશરો લેવાનો રહે છે. મુશ્કેલી એ છે કે જેટલી સરળતાથી રાજ્ય પરંપરાગત ક્ષેત્રમાં (નાણું, સંરક્ષણ, પ્રાદેશિક સલામતી વગેરે) કાર્ય કરી શકે છે તેટલી સહેલાઈથી નવા પ્રશ્નોનો સામનો કરી શકતું નથી. રાષ્ટ્રીય સત્તાની મર્યાદાનો અહીં સ્વીકાર કરવો પડે છે. આજના સંક્રાન્તિકાળનો આ એક પેચીદો પ્રશ્ન છે.

આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ઊભી થઈ રહેલી આ નવી પરિસ્થિતિમાં વૈશ્વિક વ્યવસ્થાની અનિવાર્યતાનાં દર્શન થાય છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ વૈશ્વિક વ્યવસ્થા હોવા છતાં તેનાં શક્તિ અને વ્યાપ મર્યાદિત છે. પરંતુ તેને બળવત્તર બનાવવાની જરૂરિયાત હવે સ્વીકારાઈ રહી છે તે એક શુભ ચિહ્ન છે.

દેવવ્રત પાઠક

રક્ષા મ. વ્યાસ